છ લઘુકથાઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

ચીમન પટેલ ‘ચમન’

(૧) હેપી ફાધર્સ ડે!

આ વર્ષે પહેલીવાર ‘ફાધર્સડે’ના દિવસે મારા મિત્રોના ‘ફાધર્સડે વીશ’ કરવાના ફોન સવારના પહોરમાં જ આવવા શરૂ થઈ ગયા હતા. મને પણ થયું કે લાવ મારા નજીકના ખાસ મિત્રો કે જે મારી ધર્મપત્નીના અવસાન પછી મારી ખાસ સંભાળ લેનાર થોડા હતા, તેમને યાદ કરી કરી મેં પણ આ પ્રસંગને સાચવી લેવા ફોન શરૂ કરી દીધા. ‘હેપી ફાધર્સડે’ના મારા પહેલીવારના આ ફોનથી સહુને આશ્ચર્ય પણ થયું!

છેલ્લે એક મિત્રને ‘હેપી ફાધર્સડે’ની વીશ કરીને એમની વાચાળ પ્રકૃતિની જાણ હતી એટલે મારે સામે ચડી એમને કહેવું પડ્યું; “ચાલો, મારે હજુ બીજા મિત્રોને ફોન કરવાના બાકી છે એટલે વધારે વાત કરતો નથી!”

‘ઓકે’ કહી એમણે ફોન મૂકી દીધો! મનોમન હાશ થઈ અને હું હળવાશ અનુભવી રહ્યો હતો, ત્યાં એકાએક મને સમજાયું કે આ છેલ્લા મિત્રને મેં ‘હેપી ફાધર્સડે’ તો કહ્યું, પણ એમને કોઈ બાળક તો નથી!!

* * *

(૨) પેઈન્ટીંગ

ઘરની દીવાલો પરના ફોટાઓની સાફસૂફી કરતી વખતે મને ખૂબ જ ગમતા વર્ષો જૂના એક પેઈન્ટીંગને હઠાવવાની પત્નીની હઠને મેં આજ સુઘી અવગણી હતી, પણ આજની વાત અલગ હતી. ગુસ્સામાં ઊંચા સાદે એ બોલ્યાં : ‘આ તમારું પેઈન્ટીંગ અહીંથી હવે હઠાવો; નહીંતર ગુસ્સામાં ને ગુસ્સામાં હું એને ગાર્બેજ ભેગું કોઈ દી કરી દઈશ!.’

દર વખતે દલીલમાં હું એને કહેતોઃ ‘તારા આઘુનિક ફોટાઓ વચ્ચે મારું આજનું પેઈન્ટીંગ તને નથી ગમતું, પણ મને એ ખૂબ જ ગમે છે, તો તને શો વાંઘો છે?.’ આજે દલીલ કરવામાં મને જોખમ જેવું લાગતાં હું મૌન રહ્યો. મનમાં વિચારતો હતો કે – રખેને  એ કોઈ દિવસ ગાર્બેજમાં નાખી આવે તો આ પેઈન્ટીંગના ગાર્બેજની સાથે ડુચા થઈ જવાના. એ કરતાં તો કોઈ મારા જેવાના હાથમાં આવે તો એ વઘારે સારું.

આજથી પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે અમેરિકા આવ્યો, ત્યારે મેં આ પેઈન્ટીંગને પૈસાની તૂટ હોવા છતાંય ખરીદ્યું હતું. દરિયા કિનારે વાવાઝોડામાં સપડાયેલ એક નાવનું આ પેઈન્ટીંગ હતું. મારી એ વખતની જિંદગીને એ આબેહૂબ સ્પર્શી જતું હતું. હું પણ સામાજિક સમસ્યાઓના ઝંઝાવાતમાં સપડાઈ ગયો હતો અને એમાંથી નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતાં, હું દેશ છોડી પરદેશ પહોંચી ગયો હતો.

પત્નીને આ બઘી વાત કહેવાનો કોઈ અર્થ મને હવે ન લાગતાં એ પેઈન્ટીંગને  ત્યારે જ  ઉતારીને ઘરની બહાર મૂકી આવ્યો. એ જ અઠવાડિયે પાડોશીના ‘ગરાજ સેલ’માં મેં મારું પેઈન્ટીંગ વેચવા મૂકી દીઘું.

એકાદ મહિના પછી મારા જન્મદિને મારી આંખો બંઘ કરાવીને મારી આગળ મારી ગીફ્ટ લાવવામાં આવી. આંખો ખોલવાનું સૂચન મળતાં મારી નજર આગળ મારા જૂના પેઈન્ટીંગને આબેહૂબ મળતું એક પેઈન્ટીંગ જોવા મળ્યું. નજીકથી નિહાળવા મેં એને મારા હાથમાં લઈ લીઘું.

ત્યાં જ પત્ની બોલીઃ ”છે ને આબેહૂબ, તમારા જૂના પેઈન્ટીંગ જેવું! તમારા જૂના પેઈન્ટીંગને તમારી પાસેથી હઠાવ્યા પછી, તમને  થયેલ દુઃખને મેં તમારી આંખોમાં ઘણા દિવસ  જોયું છે. એટલે સમય મળે ત્યારે હું ચિત્રપ્રદર્શનમાં આંટો મારતી અને એક દિવસે મને આ મળ્યું કે તુરત જ મેં એને તમારા જન્મદિન માટે ખરીદીને સાચવી રાખ્યું હતું.”

પેઈન્ટીંગને ઝીણવટથી નિહાળવામાં હું ડૂબી ગયો હતો.

”છે ને તમારા પેઈન્ટીંગની એકઝેટ કોપી?’ મારો ખભો હલાવી પત્ની બોલી.

”હા, લાગેતો છે!” –  મૌન તોડતાં હું બોલ્યો.

મારા  જૂના પેઈન્ટીંગને ગરાજ સેલમાં મૂકતાં પહેલાં ચિત્રકારના નામની પાસે મેં પીંછીથી એક ટપકું કર્યું હતું. જેથી કદાચ એ ફરીથી ક્યાંક જોવા મળે તો હું એને ઓળખી શકું. મારી પાસે એ ટપકું કરેલું મારું જૂનું પેઈન્ટીંગ આવી ગયું હતું.

એ આનંદને મેં બહાર આવવા ન દીઘો – ટપકાના આ ભેદને આજીવન અંદર દબાવી રાખવાના નિર્ણય સાથે.

* * *

(૩) ગુડવીલ!

પત્નીના અવસાનને આજે પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં હતાં.

ગામમાં રહેતી મોટી દીકરી એની કોઈ વાત કરવા મારા ત્યાં આવી; ‘ડેડી, ઓફિસે જવા તૈયાર થતાં તમારા સહિયારા ક્લોઝેટમાં મમ્મીનાં કપડાં જોઈને મમ્મી યાદ આવ્યા કરતી હશે! તો એ કપડાંઓને જો ‘ગુડવીલમાં’ આપી દઈએ તો કોઈના કામમાં આવે ને તમારાં કપડાં માટે વધારે જગ્યા પણ થાય!’

દીકરીની વાત તો વ્યાવહારિક હતી એટલે હું તુરત જ સંમત થઈ ગયો.

અગાઉથી નક્કી કરેલા દિવસે એ મારે ત્યાં આવી ગઈ ને કામે લાગી ગઈ.

ક્લોઝેટનાં કપડાંથી ભરેલા પ્લાસ્ટીકના થેલાઓ બેઠકરૂમમાં મુકાવા લાગ્યા. પત્નીનો એક પંજાબી ડ્રેસ દેખાડી દીકરીએ મને પૂછ્યું; ‘ડેડી, આને તમારે રાખવો છે કે પછી ગુડવીલમાં આપી દઈએ?” એની સારી સાડીઓ વગેરે એક અલગ કબાટમાં હતાં. ક્લોઝેટમાંનાં એનાં કપડાં તો રોજના વપરાશનાં હતાં, એટલે મેં કહ્યું; ‘બેટા, મને પૂછ્યા વગર ક્લોઝેટમાંનાં એનાં કપડાંને ‘ગુડવીલ’માં જવા દે.’

કામ પતાવી, થેલાઓને ગાડીમાં મૂકી, મારી સાથે થોડું બેસીને એ ગઈ.

હું ક્લોઝેટ જોવા ગયો. પત્નીનાં કપડાં વગર ક્લોઝેટ પણ આ ઘરની જેમ ખાલી ખાલી લાગી રહ્યું હતું! ત્યાં જ મારી એક ભૂલનો મને અહેસાસ થયો. ગુડવીલમાં ગયેલાં કપડાંમાં મને ગમતી એની એક નાઈટીને પણ મેં આ ઘરમાંથી સદાને માટે વિદાય કરી દીધી હતી!

પત્નીના ફોટા પાસે જઈ હું મનોમન બોલ્યો; ‘મને માફ કરજે! તારી અને મારી એક ગમતી નાઈટીને પણ આજે મેં આ ઘરમાંથી સદાને માટે વિદાય કરી દીધી! તારી જેમ એ પણ મને આજીવન યાદ આવ્યા કરશે!

* * *

(૪) મોગરાનાં ફૂલ!

ગ્રોસરીની લાઈનમાંથી ચૅક-આઉટ કરતાં ભારતીય બહેન પર મારી નજર પડી અને નામ પણ વાંચી લીધું.

મારો વારો આવતાં, મેં પૂછ્યું; ‘શ્વેતાજી, ભારતમાં તમે કયાંનાં?’

‘આણંદની છું. અને તમે?

“હું અમદાવાદનો છું.”

‘મેં તમને અહીં કદી જોયા નથી!’

‘તમારું અવલોકન સારું છે! ગ્રોસરી લઈ આવવાનું કામ હવે મારા માથે છે!’

‘કેમ? તમારા વાઈફ બીમાર છે કે શું?

‘એ હતી, હવે નથી!’

‘હું સમજી નહીં?’

‘કૅન્સરની બીમારીમાં એ ગુજરી ગઈ!’

‘આઈ એમ સૉરી!’

‘થેંક્યુ!’.

મારી પાછળ લાઈનમાં કોઈ જ નો’તું એ જોઈને મેં શ્વેતાને પૂછ્યું; ‘તમારા કુટુંબ વિશે જાણી શકું?’

શ્વેતા બોલી; ‘મારા હસબન્ડ પણ હવે નથી!’

એ હાર્ટ એટૅક્માં પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા!’

‘આઈ એમ સો સૉરી!’

‘થેંક્યુ!’.

કહેવા જતો’તો ‘વી આર ઈન ધ સેઈમ બોટ!’ ત્યાં, કોઈ એની ગ્રોસરી બેલ્ટ પર મૂકી રહ્યું હતું, એ જોઈ, વાત બદલી મેં કહ્યું; ‘ચાલો, આવતા અઠવાડિયે પાછાં મળીશું.’

‘ઓકે!’ સ્માઈલ આપી શ્વેતા બોલી.

અઠવાડિયા પછી, યાર્ડમાંનાં તાજાં ખીલેલાં મોગરાનાં ફૂલો પર નજર પડતાં, વીણી લઈ એક ઝીપર બેગમાં શ્વેતા માટે લઈ લીધાં!

શ્વેતાના કાઉન્ટર પાસે જઈ, ફૂલોની બેગ બતાવી મેં કહ્યું; ‘ ખાસ યાદ કરી, તમારા માટે લાવ્યો છું!’

ચાલુ કામે ફૂલોની બેગ લઈ, એક બાજુ મૂકીને એ બોલી; “ખૂબ ખૂબ આભાર, ભાઈ! આ ફૂલ હવે હું મારા ઠાકોરજી આગળ મૂકીશ!”

* * *

(૫) સોવેનિયર

અમેરિકાના એક પ્રખ્યાત શહેરમાં ઘરના જ ગુજરાતી કલાકારોની ટેલેન્ટને પ્રેક્ષકો સમક્ષ મૂકી ‘ઘરકી મુરધી દાળ બરાબર’ કહેવતને પડકારવા માટે એક ભવ્ય પ્રોગ્રામ સાકાર થઈ રહ્યો હતો.

આ શહેર પાસે એક એવું કુટુંબ હતું કે જેની મહિલાઓને કોકિલ કંઠ મળ્યો હતો અને નાનો-મોટો પુરુષ વર્ગ તબલાં, ઢોલક, હાર્મોનિયમ વગેરે વાજિંત્રોમાં નિપુણ હતો. ભૂતકાળમાં રાસ-ગરબા હરીફાઈ વગેરે કાર્યક્રમોમાં ભાગ લઈને કેળવાયેલ યુવક-યુવતીઓ પણ હતાં. કેટલોક સ્ત્રી-પુરુષ વડીલ વર્ગ એમના કોલેજના વર્ષોમાં નાટકોમાં ભાગ લેનાર પણ હતો.. સાથે સાથે આ શહેરમાં થોડા ગઝલકારો, કવિઓ ને સારા વક્તાઓ પણ હતા. આમ ઘરના જ કલાકારોને એક સાથે સ્ટેજ પર લાવી ઘરનાં જ સૌને એનો લાભ લેવાનો આ પહેલો મોકો હતો!

આ વિચારને અમલમાં મૂકીને એની પ્રેક્ટીસ છેલ્લા ચારેક મહિનાથી જોરદાર ચાલી રહી હતી!

આ પ્રોગ્રામમાં યુવતીઓ અને યુવકોના રાસ ગરબા હતા, સંગીત ને વાજિંત્રોની સાથે સૌનાં લોકપ્રિય ગુજરાતી ગીતો હતાં. પ્રેક્ષકોને પકડી રાખી હસાવનાર એક-બે એનાઉન્સર પણ હતા.

ગ્રાન્ડ રિહર્સલ વખતે, શહેરના ધનાઢ્ય વેપારીઓ, સામાજિક વડવાઓ અને મંદિરો સાથે સંકળાયેલ સેવાભાવીઓને આ રિહર્સલ માટે ખાસ આમંત્ર્યા હતા.

પ્રોગ્રામ સમયસર શરૂ કરવો, હોલપ્રવેશમાં સરળતા જાળવવા ફેરફાર લાવી જનતા પર નવી છાપ પાડવા વગેરે પાછળ ખૂબ પરિશ્રમ કરવામાં આવ્યો હતો.

એ સાથે આ પ્રોગ્રામની કલગીરૂપ એક રંગ-બેરંગી સોવેનિયરમાં લોકલ કવિઓ ને લેખકોની કૃતિઓને, જાહેર ખબરોની સાથે સાથે સમાવી લેવામાં આવી હતી.

પ્રોગ્રામનું એકાદ અઠવાડિયું બાકી હતું ને ગુજરાતમાં એક નામાંકિત લેખક-કવિનું અચાનક અવસાન થયું. સોવેનિયરનું એક પાનું આ લેખક માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. આ લેખ તૈયાર કરી શકે એવી એક જ વ્યક્તિ આ શહેરમાં હતી કે જેને આ કામ સોંપવામાં આવ્યું. આ વ્યક્તિએ એની પાસે સેવ કરી રાખેલી માહિતીને એકઠી કરી, ગુગલ પર જઈ વધારે માહિતી મેળવ્યા પછી પણ પોતાને સંતોષ ન થતાં, બસમાં બેસી શહેરના ડાઉન-ટાઉનના મોટા પુસ્તકાલયમાં જઈ, વધુ હકીકતો એકત્ર કરી સુંદર લેખ તૈયાર કરીને આપ્યો.

પ્રોગ્રામ સમયસર શરૂ થયો. પ્રવેશ દ્વારે સહુને આ સોવેનિયર આપવામાં આવ્યું. સ્વર્ગસ્થ લેખક માટેનો લેખ જે વ્યક્તિએ તૈયાર કર્યો હતો એમણે એ સોવેનિયર લઈ, પોતાની સીટપર બેસી પાનાં ફેરવતાં એ લેખ નજરે ન ચડતાં, ફરી એક્વાર ધીમી ગતિએ પાનાં ફેરવતાં પણ એ લેખ જોવા ન મળતાં, ઊભા થઈ આ કામ સોંપેલ વ્યક્તિને ખોળી કાઢીને વાત કરી; ‘મેં તૈયાર કરેલ લેખ આ સોવેનિયરમાં મને જોવા ન મળ્યો!’

એ હજુ આગળ બોલવા જાય છે એ પહેલાં પેલા કાર્યકરે કહ્યું; “ હું તમને આ અંગે વાત કરવાનો જ હતો! પણ, બધી તૈયારીમાં એ વિસરાઈ ગયું! બન્યું એમ કે છેલ્લી ઘડીએ એક પાનાની જાહેર ખબર સામેથી આવતાં અને આર્થિક સંકડામણને કારણે તમારા લેખની જગ્યા એ જાહેર ખબરને આપવી પડી! સોરી!!

* * *

(૬) રસોઈ!

ફોનની ઘંટડી વાગતાં મેં ફોન ઉપાડ્યો.

સામેથી દીકરો બોલ્યો, ’ ડેડી, બપોરના તમે ઘેર જ છો કે ક્યાંય બહાર જવાનો પ્લાન છે?’

‘ઘેર જ છું. કેમ પૂછવું પડ્યું?’

‘મારી સાળીને બેબી આવ્યા પછી ગઈ કાલે દવાખાનેથી ઘેર લાવ્યા છે તો એને માટે રસોઈ બનાવી આપવા જવાનાં છીએ, તો મોટી બહેને તમારી મનગમતી વાનગી બનાવી છે એ તમને આપતાં જઈએ. અમારે ત્યાં થઈને જ જવાનું છે એટલે એક પંથ ને દો કાજ!’

‘હું ઘેર જ છું. પણ, કદાચ કોઈ કારણે ગ્રોસરી સ્ટોરમાં જવાનું થાય અને હું ન મળું તો બારણા આગળ મૂકી દેજો!’

‘ઓકે!’ કહી દીકરાએ ફોન મૂકી દીધો.

ધર્મપત્નીના અવસાન પછી દીકરાની સોસાયટીમાં રહેતી મોટી દીકરી અવારનવાર રસોઈ બનાવી આપી જતી હતી. આજે તે આ મોકો ઝડપી લઈ મારા માટે રસોઈ મોકલી રહી હતી.

‘દીકરીની જેમ દીકરાની વહુને આજ સુધી મારા માટેની લાગણી થઈ નો’તી, જેમ એને એની બેન માટે થઈ’ એવા વિચારોમાં હું ખોવાઈ ગયો!

* * *

 

સંપર્કસૂત્રો :

બ્લોગ – chimanpatel.gujaratisahityasarita.org
ઈ મેઈલ –chiman_patel@hotmail.com
મોબાઈલ – 1- 832-372-3536

18 comments for “છ લઘુકથાઓ

 1. March 19, 2018 at 8:27 pm

  saras..abhinaMdan

  • March 21, 2018 at 1:42 am

   આભાર.
   આજે એક રોટલી/ભાખરી/થેપલું વધારે સ્વ આગ્રહે આરોગી લઈશ!

  • December 16, 2018 at 8:27 am

   આભાર, વિજયભાઈ!

 2. March 19, 2018 at 10:29 pm

  બધી લઘુકથાઓ ગમી પણ રસોઈ વાળી વધુ ગમી જે જીવનની કટુ વાસ્તવિકતા દર્શાવે છે.

  • March 21, 2018 at 1:42 am

   આભાર.
   આજે એક રોટલી/ભાખરી/થેપલું વધારે સ્વ આગ્રહે આરોગી લઈશ!

 3. Anila Patel
  March 20, 2018 at 12:47 am

  છોટી છોટી બાતેં બડી બડી યાદેં– બહુ મજાની અસરકારક.

  • March 21, 2018 at 1:43 am

   આભાર.
   આજે એક રોટલી/ભાખરી/થેપલું વધારે સ્વ આગ્રહે આરોગી લઈશ!

 4. March 20, 2018 at 6:49 am

  નાની નાની પણ અર્થપૂર્ણ વાતો.

 5. રક્ષા
  March 20, 2018 at 7:03 am

  તમારી લઘુકથાઓએ તો રંગ રાખ્યો!

 6. mahendra thaker
  March 21, 2018 at 1:27 am

  real life stories-full of emotions..

 7. March 21, 2018 at 1:44 am

  આભાર.
  આજે એક રોટલી/ભાખરી/થેપલું વધારે સ્વ આગ્રહે આરોગી લઈશ!

 8. March 21, 2018 at 8:21 am

  ચિમનભાઈ,
  લઘુકથાની સરસ રજુઆત. મોગરાના ફૂલ સરસ છે. પેંઈન્ટીંગને બદલે મથાળું, ટપકાનો ભેદ….એ વાર્તા પણ મજાની છે.
  સરયૂ પરીખ

  • December 16, 2018 at 8:24 am

   સરયૂબેન,
   ‘ટપકનો ભેદ’ શિર્ષક રાખતાં ભેદ જલ્દી ખુલી જાતે!

 9. April 13, 2018 at 6:30 pm

  All shorts stories are nice.

  • December 16, 2018 at 8:26 am

   આભાર માંડા માંડા, રેખાબેન.

 10. May 1, 2018 at 8:59 pm

  ચિમનભાઇ,
  સુંદર લઘુ કથાઓ, પેંઈન્ટીંગની વાર્તા ખૂબ ગમી,

 11. May 2, 2018 at 7:56 am

  સોવેનીયરમાં બધા પોતે આપેલ વીગતો છે કે નથી એ જોતા હોય છે. આર્થીક સંકડામણ પ્રકાશકને ખબર હોય. વીગતો આપનાર એ ખબર નથી પડતી.

 12. February 2, 2019 at 9:05 am

  ચીમનભાઈ ના બ્લોગમાં એમનો લેખ ”લઘુ કથા કોને કહેવાય ” પણ વાંચવા લાયક છે. આ લેખની લીંક આ છે.
  http://chimanpatel.gujaratisahityasarita.org/2015/06/19/%E0%AA%B2%E0%AA%A7%E0%AB%81%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%A8%E0%AB%87-%E0%AA%95%E0%AA%B9%E0%AB%87%E0%AA%B5%E0%AA%BE%E0%AA%AF-%E0%AA%8F-%E0%AA%B8%E0%AA%AE%E0%AA%9C%E0%AB%80/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *