કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૩૧

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

‘ના રે, એને તો એમ છે કે સૂઝાન એની મમને મળવા ગઈ છે.’

‘સ્નેહુ, આ પગલું ભર્યું ત્યારે તને ભાવિન જેવા આક્રમક માણસની બીક ન લાગી?’

થોડું વિચારી સ્નેહા બોલી, ‘સાચું કહું ફોઈ, હા મને ડર તો લાગ્યો હતો અને હજુ ય લાગે છે, પણ મેં મારા મમ્મી-પપ્પાને સિધ્ધાંત માટે ખૂબ મોટો ભોગ આપતાં જોયાં છે અને કોંપ્રોમાઈઝ ન કરવાના તેમનાં તેમના માનસિક વલણને લીધે એ લોકોને પણ ખૂબ વેઠવું પડ્યું હતું. એટલે મારે માટે આવાં મોટાં છળનો સામનો કરવો એ હવે ‘મસ્ટ’ છે, એ ન કરું તો મારું અંતર મને ડંખે.’

સરલાબહેને સ્નેહાને આંખોથી પોરસાવી.

ચૂપચાપ બેસી રહેલા સરલાબહેનની આંખો સામેથી થોડી ક્ષણોમાં તો એમણે સહેલા અસંખ્ય અન્યાયો આંખ સામેથી રણની અંદર પસાર થતી વણઝારની જેમ પસાર થઈ ગયા. મા-બાપને ત્યાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ જેવી પરિસ્થિતિમાં સ્વમાન-અપમાન જેવી સામાન્ય(!) વાતો કોઠે પાડી દેવી પડી હતી. મહિને દહાડે દૂધ કે રાશનના બીલ આવે કે કોલસા અને લાઈટનું બીલ આવે તે દિવસે બા-બાપુજીને, કદાચને એકાદ-બે રૂપિયા મળી આવશેની આશાએ કબાટ અને પેટીઓ ખોળતાં જોયા છે. બા અને અમારી સૌની આગળ લાચારી ઉઘાડી ન પડી જાય એટલે સવારે લેણદાર આવે તે પહેલા વહેલી સવારે જતા અને મોડી રાત્રે આવતા બાપુજી યાદ આવી ગયાં.

વનિતાબહેન મોટા ઘરની દીકરી હતી અને આણામાં ખૂબ મળ્યું હતું , વળી ગનુભાઈ ભણેલા હતાં અને પગાર પણ સારો એવો આવતો. અધૂરામાં પૂરું ગનુભાઈ વનિતાબહેનને એટલી સરસ રીતે રાખાતા કે વનિતાબહેનને વતાડવાની કોઈની હિંમત ન થાય !

અને સરલાબહેનને તો મનુભાઈ જ ગણકારતા નહી , વારંવાર સૌની દેખાતાં જ ‘ગરીબ ઘરની’ , ‘ અક્કલ વગરની’ વિગેરે મહેણા મારતાં એટલે ઘરનાં બીજા સભ્યો પણ એને ‘ગરીબ ઘરની એટલે પગની જૂતી સમાન જ ગણતાં’. સારું થયું કે લોંડ્રીમાં કામ મળી ગયું અને પૈસા આવતા થયા એટલે ધનુબા થોડો ભાવ આપતાં થયાં, તેનું એક કારણ એ પણ હતું કે કામ કરે સરલાબહેન અને પગારનું પેકેટ આવે તે સીધું ધનુબાના હાથમાં, ખોલ્યા વગર આપી દેવાનું એટલે પછી એ ધનુબાના ખાતામાં જમા થવા માંડ્યા અને એમ ધનુબાનું ખાતું તગડું થવા માંડ્યું હતું. સરલાબહેનને જરુર હોય તો માંગી લેવાનાં, બાકી થોડા પૈસા પણ રખેને રાખે અને પિયર મોકલાવી દે તો !!’

સરલાબહેને માથું હલાવી ભૂતકાળની આ ભૂતાવળોને ખંખેરવાનો પ્રયાસ કર્યો. સ્નેહા બાજુમાં જ બેસીને એમને સ્પીનીચની ભાજી સુધારવા લાગતી હતી. એણે જોઈ સરલાફોઈની ચૂપકીદી અને સરલાબહેનના વિચારો જાણે એણે સ્પષ્ટ રીતે વાંચ્યા ન હોય તેમ બોલી, ‘કાંઈ કહેવાની જરૂર નથી ફોઈ, આટલા દિવસોમાં હું ઘણું સમજી ગઈ છું, યુ ડોંટ હેવ ટુ સે એનીથીંગ.’

સારું થયું કે સૂઝન આવી ત્યારે ધનુબા આરામ કરવા એમના રૂમમાં ગયા હતાં.

વામકૂક્ષી કરીને ધનુબા નીચે આવ્યાં ત્યારે તેમણે સરલાબહેન અને સ્નેહાને શાંતીથી વાતો કરતાં જોયા અને તેઓ પણ ભાજી સુધારવા બેસી ગયાં. સ્નેહા તરફ જોઈ બોલ્યાં, ‘ચાલ બેટા, સરસ મઝાની ચા બનાવી લાવતો, હવે તો તારા હાથની ચા પીવાની એવી તો ટેવ પડી ગઈ છે ને કે, તું જશે પછી ખબર નહી મારું શું થશે ?’

સ્નેહા ફક્ત મલકાઈ. રોજ એક એક સેંટિમીટર તેનું મન કિશન તરફ ઢળતું જતું હતું એટલે મનમાં જ ધનુબાને પૂછી લીધું,

‘તમે કહેતાં હોવ તો રોકાઈ જાઉં !’

સરલાબહેને રસોડામાં ચા મૂકતી સ્નેહાને એના કેઈસની પ્રગતિ વિષે પૂછ્યું.

‘ફોઈ, હવે સેટલમેંટ માટે આપણી સોલીસીટર એની સોલીસીટર સાથે નીગોશિએટ કરે છે.’

ત્યાં તો ફોનની રીંગ વાગી, સરલાબહેને ફોન ઊઠાવ્યો.

એમના ’ હેલો’ એ જ કહી આપ્યું કે ફોન ઈન્ડિયાનો છે. સ્નેહાના મમ્મી-પપ્પાના ફોન વારંવાર આવતાં હોય એટલે એને એમ હતું કે કદાચ એના મમ્મી-પપ્પાનો જ ફોન હશે, એટલે એ ઉતાવળે ગેસ ધીમો કરી રૂમમાં આવવા જ જતી હતી ત્યાં એણે સરલાબહેનને કહેતાં સાંભળ્યા, ‘કેમ છો મોટીબેન ? તમારા ફોનની જ રાહ જોતી હતી. ક્યારે આવો છો?…નથી આવતાં?….જીજાજી હોસ્પિટલમાં છે? ‘

સ્નેહા ત્વારાથી રૂમમાં આવી અને ધનુબાના ભાજી સુધારતાં હાથ પણ અટકી ગયાં.

‘બાપ રે, કઈ રીતે એટલું બધું વાગ્યું?…….ના એમ નહીં, કાંઈ કહો તો ખબર પડે ને?….અરર….એમનું તે વળી એવું કોણ દુશ્મન હોઈ શકે? ભલે જીજાજીને થોડું સારું થાય પછી કાગળ વિગતે લખજો….હા…હા…હું કોઈને…….હા હમણા જ થોડાં દિવસ પહેલાં કોઈ બે બહેનો આમંત્રણ આપવા આવ્યા હતાં ખરાં….હા…હા….બાપા….હું કોઈને નહીં કહું, તમે બેફિકર રહેજો. ના મોટીબેન હું ત્યાં નથી જતી.’

સ્નેહા અને ધનુબા અધ્ધર જીવે વાતનો તાગ મેળવવા મથતાં હતાં, પણ કોઈ ગડ બેસતી નહોતી.

જેવો સરલાબહેને ‘જેશ્રી કૃષ્ણ‘ કહીને ફોન મૂક્યો એટલે લાગલું જ ધનુબાએ પૂછ્યું, ‘શું થયું, સરલા ?’

સરલાબહેનને થયું કે મેં ભલે કલાબહેનને કહ્યું કે એ કોઈને કહેશે નહીં, પણ આ બે જણ સામે જ બેઠાં છે તેમને તો કાંઈ કહેવું જ પડશેને ! અને જૂઠું બોલતાં તો સરલાબહેનને આવડતું જ નથી એટલે આખરે ‘ નરો વા કુંજરો વા’ ની જેમ કહ્યું, ‘મારા જીજાજીને કોઈએ માર્યા છે અને તેમના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે એટલે હવે તેઓ નથી આવવાના.’

ધનુબાને એ જવાબથી સંતોષ ન થયો, ‘લે, એમ કોઈ કારણ વિના થોડું કાંઈ મારી જાય?’

‘બા, આ ઉંમરે થોડાં કાંઈ એ પારકી લડાઈ વહોરવા જાય ? રાત્રે કોઈએ હુમલો કર્યો એટલે ખબર ન પડી કે કોણે આ કૃત્ય કર્યું.’

‘કોઈએ લૂંટવાનો પ્રયત્ન તો નહોતો કર્યોને, ફોઈ?’

‘મને બહેને વિગતે કાંઈ કહ્યું નથી, પછી વિગતે કાગળ લખવાનાં છે.’

સ્નેહાએ સરલાબહેનને એમના મોટીબહેન સાથે વાત દરમ્યાન ‘એ ગ્રુપના બે બહેનો’ કહેતાં સાભળ્યા હતાં પરંતુ એ વાતનો ઉલ્લેખ ફરી એમણે ન કર્યો એટલે સમજી ગઈ કે વાત કાંઈ બીજી જ હોવી જોઈએ.

ધનુબાનું એ તરફ ધ્યાન નહીં હશે નહીં તો વાત કઢાવ્યા વગર રહેતે નહીં.

સાંજે, આમ તો લતાબહેનને ત્યાં જવાનું હતું પરંતુ એ ખાનગી રાખવાનું હોવાથી સરલાબહેનને કહેવું પડ્યું કે, મનુભાઈના ફ્રેંડને ત્યાં એ બન્ને પતિ-પત્ની જમવા જવાનાં છે એમ કહ્યું એટલે વળી ધનુબાની આતુરતા એકદમ વધી ગઈ, ‘મનુના કયા દોસ્તને ત્યાં જવાનાં છો, સરલા?’

ઈશ્વરે આજે સરલાબહેનને જૂઠું બોલવું પડે એવી આ બીજી પરિસ્થિતિ ઊભી કરી જે તેમને માટે ખૂબ વસમું છે, પરંતુ તેમ કર્યા વગર છૂટકો ય નથીને ! એટલે ગોળ ગોળ જવાબ આપ્યો. ‘ ખબર નથી કોઈ દુકાને આવે છે તે છે, હુંય ઓળખતી નથી.’

એમ કાંઈ તંત છોડે ધનુબા ? ‘ઓલા રાજુ અને એની વાઈફ મીનાએ નોતર્યાં છે?’

સરલાબહેનને થયું કે હવે બા એ વાતનો અંત લાવે તો સારું, ક્યાં સુધી ખોટું બોલવાનું ?

અને જાણે ભગવાને સાંભળ્યું હોય તેમ ડોરબેલ વાગ્યો, એમને થયું ચાલ, ધનુબાના સવાલોથી જાન છૂટી !’

વિચારતાં વિચારતાં, આગળનો દરવાજો ખોલ્યો.

અધ્યયન ગ્રુપનાં શારદાબહેન દર બુધવારે ચાલતી એમની પ્રવૃત્તિ માટે સરલાબહેનને આમંત્રણ આપવા આવ્યા હતાં.

આજે તો જાણે કૃતનિશ્ચયી બની આવ્યા હોય તેમ – સ્ત્રી સમાજને બદલવામાં કેટલો મોટો ફળો આપી શકે, અને એમનું ગ્રુપ એ કરવામાં કેટલું અગત્યનું કામ કરે છે તેમજ તેમના ગૃપનાં વડીલને જીવનલક્ષી અને રચનાત્મક કાર્યો કરવા માટે હમણાં જ કોઈ ખૂબ મોટો એવોર્ડ મળ્યો વિગેરે વાતો પોપટની જેમ ગોખી હોય તેમ બોલી જ ગયાં. અમુક ભારે શબ્દો બોલતાં ય બિચારાને તકલીફ પડતી હતી, તો ય ધીરજથી સરલાબહેને તેમને સાંભળ્યા. થોડીવાર પહેલાં જ તેમના મોટીબહેને કહેલી વાત યાદ આવી પરંતુ બન્ને તરફની વાત ખબર ન પડે અને સત્ય વાત બહાર ન આવે ત્યાં સુધી પૂર્વગ્રહ બાંધી લે એવો સરલાબહેનનો સ્વભાવ જ નથી. બુધવારે ન ફાવે પરંતુ રવીવારે ઉપનિષદ ઉપરનાં પ્રવચનો સાંભળવા આવવાનો પ્રયત્ન કરશે એમ કહી અને બહાર જવાનું મોડું થાય છે કહી માંડ માંડ વિદાય કર્યાં.

તો ય માનવસહજ સ્વભાવ પ્રમાણે તેમન મગજમાં કલાબહેને કરેલી બે વાતોનો તાળો બેસાડવા મથતાં, તૈયાર થવા તેમના રૂમમાં ગયાં. મગજમાં મોટી બહેનની વાતો ઘૂમરાતી હતી- એક તરફ એમણે કહ્યું કે ‘જીજાજીને કોઈએ ખૂબ ખરાબ રીતે મરાવ્યા છે ‘ અને પછી અસંદિગ્ધ લાગતો પ્રશ્ન એમ કેમ પૂછ્યો હશે કે ‘તું એ ગ્રુપમાં જતી તો નથીને ?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *