સાયન્સ ફેર : જ્યારે મનોવૈજ્ઞાનિક વલણો તમને સામુહિક આત્મહત્યા કરવા મજબૂર કરે છે…

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

આ લખાય છે ત્યારે સમાચાર છે કે સુરતમાં એક યુવાન વેપારીએ પોતાની પત્ની અને ૪ વર્ષના બાળક સાથે બિલ્ડીંગની અગાસી પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી! અરેરાટી આવી જાય એવા સમાચાર વાંચીને વિચાર આવે કે લોકોના માથે એવી કઈ આફતો ત્રાટકતી હશે, જે એમને આખા પરિવારની હત્યા કરવાની ફરજ પાડે? વળી, આ પ્રકારની વ્યક્તિઓ પરિવારના સદસ્યોને માર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતી હોય છે! વિજ્ઞાનની ભાષામાં આવી ઘટનાઓને ‘ફેમિલીસાઈડ’ તરીકે ઓળખવામાં આવે છે, જે ‘સ્યુસાઈડ’ (એક વ્યક્તિએ કરેલી આત્મહત્યા) શબ્દ ઉપરથી બન્યો છે.

માનસશાસ્ત્રીઓ સતત ચેતવણી આપતા રહે છે કે અતિશય ઝડપી બની ગયેલી આપણી જીવનપદ્ધતિમાં સરેરાશ માનવી બહુ જલદી હતાશ થઇ જાય છે. પરંતુ છેલ્લાં થોડા સમયથી હતાશ માણસના આત્મઘાતી વલણમાં જાણે એક નવો ‘ટ્રેન્ડ’ શરુ થયો હોય એમ, સામુહિક આત્મહત્યા – ફેમિલીસાઈડના બનાવો વધતા જાય છે! પોતે નિષ્ફળ જાય પછી દરેક માણસને પોતાના પરિવારની ચિંતા સતાવે છે. આથી ભવિષ્યમાં આવનાર (કલ્પી લીધેલી) મુસીબતોથી બાળકો-પત્નીને ‘બચાવી’ લેવા માટે, આપઘાત કરનાર માણસ પોતાની સાથે પોતાના પરિવારના સભ્યોને પણ મારતો જાય છે.

પોતાના પ્રિયતમ પાત્રોને મારી નાખવા સુધીની મન:સ્થિતિએ કોઈ માણસ પહોંચી જાય, એ “ઇન અ ડે” બનતી ઘટના નથી! ઘણી વાર આ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા વર્ષો સુધી ચાલે છે. સાઇકોલોજીસ્ટના કહેવા મુજબ લાંબો સમય સુધી એકધારી હતાશાનો ભોગ બનનાર વ્યક્તિ આત્મઘાતી બને છે. આવા સમયે આજના કહેવાતા આધુનિક જમાનામાં પણ લોકો સમયસર મનોચિકિત્સક પાસે જવામાં નાનમ અનુભવે છે. અને જે-તે વ્યક્તિની આજુબાજુના લોકો પણ તે વ્યક્તિની હતાશાથી અજાણ રહી જાય છે! આવા લોકો આપણી આસપાસ હોય તો પણ તેમને એકદમ ઓળખી કાઢવા સરળ નથી. બ્રિટીશ ગુનાશાસ્ત્રીઓની એક ટીમે જે સંશોધન કર્યાં, તેના તારણો હાવર્ડ જર્નલ ઓફ ક્રિમીનલ જસ્ટીસમાં રજુ થયા છે. આ ગુનાશાસ્ત્રીઓએ ઇસ ૧૯૮૦થી લઈને ૨૦૧૨ સુધી તપાસેલાં સામુહિક આત્મહત્યાના બનાવોમાં, મોટા ભાગના બનાવો કેટલીક ‘માની લીધેલી પરિસ્થિતિઓ’ને આભારી હતાં અને સામાજિક રીતે તૂટી રહેલાં પરિવારો આનો સૌથી વધુ ભોગ બનતાં. આવા બનાવો માટે, ગુનેગાર વ્યક્તિની માનસિકતા જ જવાબદાર ગણાય! ગુનાશાસ્ત્રીઓએ તારવ્યું કે, સંજોગો એટલા ખરાબ ન હોય તેમ છતાં પણ, અલગ-અલગ ચાર પ્રકારની માનસિકતા ધરાવનારા લોકો સામુહિક આત્મહત્યા જેવાં કૃત્યોને અંજામ આપતા હોય છે.

અહંવાદી :

પોતાની જાત વિષે ખુબ ઉંચો ખ્યાલ રાખતા લોકો! આ પ્રકારના લોકો પોતાની નાની-મોટી નિષ્ફળતાઓ માટે પોતાના માતા-પિતાને જવાબદાર માનતા હોય છે. જો વડીલોને બદલે પોતે ‘કી-પર્સન’ હોત તો પરિવાર હાલની (માની લીધેલ) નબળી સ્થિતિને બદલે, એક આદર્શ સ્થિતિમાં હોત! અત્યારે ઘણા યુવાનો આવી જ મનોસ્થિતિને કારણે આપઘાત કરી નાખે છે, એટલું જ નહિ માતા-પિતાને ચાકુ હુલાવી દેતાય અચકાતા નથી!

શો-બાજીમાં માનનારા લોકો :

જેમનું સામાજિક જીવન તેમની આર્થિક પરિસ્થિતિ સાથે જોડાયેલું હોય એવા લોકો. આ લોકોને સંપત્તિનો દેખાડો ખુબ જ ગમતો હોય છે. તેમની સંપત્તિ એમના ‘અહમ’ને પોષનારી બાબત બની ચુકી હોય છે. આવા લોકો જો કોઈ મોટા આર્થિક સંકટોમાં ફસાય, તો પરિવાર ગરીબીમાં કઈ રીતે ગુજરાન ચલાવશે એ ચિંતા તેમને કોરી ખાય છે. (આવા લોકો ‘કરોડપતિ’માંથી ‘લખપતિ’ થાય તો પણ તેમને જીવન દુષ્કર લાગે!)

પેરાનોઈડ :

પેરાનોઈડ એટલે સતત કલ્પિત ભય હેઠળ જીવતા લોકો! કોઈક પ્રકારના બાહ્ય ખતરાને કારણે ઉભી થનાર મુશ્કેલીથી પરિવારને ‘બચાવી’ લેવા માટે પરિવારને ‘મારી નાખવા’નું પ્લાનીંગ કરનારા લોકો આ કક્ષામાં આવે. આપણે ત્યાં, લેણદારોના ત્રાસથી બચવા માટે થતાં સામુહિક આપઘાતના કિસ્સાઓ છાપે ચડતા રહે છે.

હતાશા :

હતાશા એ આત્મહત્યા માટેનું સૌથી સામાન્ય કારણ મનાય છે. પોતાના પરિવાર કે સામાજિક પરિસ્થિતિથી નિરાશ થઇ ગયેલા લોકો આ કેટેગરીમાં આવે! ધાર્મિક બાબતો કે પ્રેમપ્રસંગોમાં થતાં ‘ઓનર કિલિંગ’ પણ એક પ્રકારની ‘સામાજિક નિરાશા’નું જ પરિણામ હોય છે. પરિવારના કોઈ સદસ્યના ખોટા પગલાથી નિરાશ થયેલો માણસ ખોટું પગલું ભરી બેસે છે.

આ બધા સિવાય, ફેમિલીસાઈડ પાછળનું સૌથી વાહિયાત કહી શકાય એવું વલણ ‘જન્નતનશીન’ થવાનું હોય છે! ભૂતકાળમાં એવાય બનાવો બન્યા છે કે જ્યાં અમુક-તમુક સંપ્રદાયના લોકોએ પોતાના ધર્મગુરુના આદેશને માનીને સ્વર્ગ મેળવવાની લાહ્યમાં સામુહિક આત્મહત્યા કરી નાખી હોય!

ફેમિલીસાઈડ તરફ દોરી જતી આવી વાહિયાત ધાર્મિક માનસિકતા, અકારણ લાગતો ડર, મિથ્યાભિમાન અને હતાશા જેવા પરિબળો બાબતે જાગૃતિ કેળવાય અને લોકો શરમ નેવે મૂકીને સમયસર સારા સાઇકોલોજીસ્ટનું માર્ગદર્શન મેળવતા થાય, તો દુનિયાની કોઈ સમસ્યા કે હતાશા આત્મહત્યા સુધી દોરી જનારી નહિ નીવડે! બાકી આજે તકલીફ તો કોને નથી?!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


નોંધઃ અહીં મૂકેલ ઇમેજ નેટ પરથી લેખના સંદર્ભને વધારે સારી રીતે સમજવા પૂરતી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.p> 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *