પરિસરનો પડકાર :: ૦૯ :: જૈવિક વિવિધતા (બાયો-ડાયવર્સિટી) : ૦૩

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

નેશનલ પાર્ક (રાષ્ટ્રીય ઉદ્યાન) અને વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી (વન્યજીવ અભયારણ્ય):

જૈવિક વિવિધતાની અગત્યતા વિષે આપણે આગળના હપ્તાઓમાં ચર્ચા કરી. પૃથ્વી ઉપર વસવાટ કરી રહેલા તમામ સજીવો પર્યાવરણીય દ્રષ્ટીએ સરખી અગત્યતા ધરાવે છે. ખેતરોમાં, પડતર ભૂમિમાં કે જંગલોમાં જેને નિંદામણ ગણવામાં આવે છે તેવી દરેક વનસ્પતિનું પર્યાવરણની નજરે કંઈ ને કંઈ મહત્વ હોય છે. માત્ર સીમિત અથવા તો પુરતી માહિતીના અભાવે આપણે તેવા સજીવોને નજરઅંદાજ કરીએ છીએ જે સર્વથા અનુચિત દ્રષ્ટિકોણ જ ગણાય. ઉદાહરણ રૂપે, પડતર જમીનમાં કુદરતી રીતે જોવા મળતી અસંખ્ય નાની મોટી વનસ્પતિઓ, જેને જમીનનો અન્ય હેતુસર ઉપયોગ કરવા સારુ અનિચ્છનીય માનીને મૂળથી જ ઉખાડીને ફેંકી દેવાતી હોય તેના પર સંશોધનો થયા બાદ આવી વનસ્પતિઓના ઔષધીય ગુણધર્મોની જાણકારી બાદ તેમનું મુલ્ય અનેકગણું વધી જતું હોય છે. ગોખરુ, ભોંયરીંગણી, દારુડી, સાટોડી, કુંવારપાઠું, કરમદા, ગળો વિગેરે આના જીવંત દાખલા ગણી શકાય. આ પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની માનવજીવનની તંદુરસ્તી તેમજ પરિસર-તંત્રની જાળવણીમાં અગત્યની ભૂમિકા રહેલી છે અને તેથી જ તેમનું સંરક્ષણ કરવાનું ખુબ જ મહત્વપૂર્ણ છે. વન્યપ્રાણી કોઈ કારણસર મૃત્યુ પામે (આકસ્મિક અથવા કુદરતી) ત્યારે તેના મડદાંનો નિકાલ કરવા માટે મડદાંને ખોરાક રૂપે સ્વીકારતા મડદાં-ભક્ષી પ્રાણી અને પક્ષીઓની અગત્યતા આપણને સમજાતી હોય છે. ઝરખ, ગીધ, કાગડા આવા સજીવોનું ઉદાહરણ છે. મોટી સંખ્યામાં પશુ પક્ષીઓના મૃત શરીરો ભેગાં થાય અને તેમનો ઉચિત નિકાલ ન થાય તો તેની અસરોની માત્ર કલ્પના જ કરવાની રહે.

clip_image002

(ગોખરૂનો છોડ)

clip_image004

(ભોંયરીંગણી)

clip_image006

(કુંવારપાઠું)

clip_image008

(હરણના મડદાંની જયાફત ઉડાવતા સફેદ પીઠ ધરાવતા ગીધ)

clip_image010

(મૃત વન્યપ્રાણી ઝરખ માટે ખોરાકની ગરજ સારે છે)

કાયદાકીય રક્ષણ:

વન્યજીવ (Wildlife) વિષે આગળ ચર્ચા કરતા પહેલા એક સ્પષ્ટતા જરૂરી બની જાય છે. સામાન્યતઃ વન્યજીવ એટલે માત્ર સિંહ, વાઘ, દીપડા, હાથી વિગેરે જેવાં સસ્તન પ્રાણીઓની એક છાપ આપણા માનસમાં પ્રવર્તે છે જે સાચી નથી. વન્યજીવની વ્યાખ્યામાં એવા સઘળા પશુ પક્ષી, જીવ જંતુઓનો સમાવેશ થાય છે કે જે સામાન્ય રીતે પાળવામાં આવતા નથી. ઉપરાંત આપમેળે ઉગી નીકળતી વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે. જૈવિક વિવિધતાના ભાગ સમા આવા તમામ સજીવોના સંરક્ષણ માટે ખાસ પ્રકારના કાયદાઓ બન્યા છે, નીતિ-નિયમો ઘડવામાં આવ્યા છે અને નિયમોના ભંગ બદલ ઉચિત દંડ/સજાની જોગવાઇઓ પણ કરવામાં આવી છે.

સન ૧૯૭૨માં સ્ટોકહોમ મુકામે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા માનવીના પર્યાવરણ સંબંધિત યોજાએલી કોન્ફરન્સ પરિસર-તંત્રના સંરક્ષણના પરીપેક્ષમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. આ કોન્ફરન્સના ચાર વર્ષ બાદ એટલે કે સન ૧૯૭૬માં ભારતના બંધારણમાં ૪૨મો સુધારો દાખલ કરવામાં આવ્યો. પર્યાવરણ સુરક્ષા સબબ બંધારણમાં અગત્યની જોગવાઈ દાખલ કરનાર ભારત સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ દેશ રહ્યો છે. ભારતની સંસદે ૪૮એ અને ૫૧એ એમ બે આર્ટીકલનો બંધારણમાં સમાવેશ કર્યો. આર્ટીકલ ૪૮એ ની જોગવાઈ મુજબ દરેક રાજ્ય પર્યાવરણનું જતન કરશે તેમ જ દેશના જંગલ અને વન્યજીવોનું સંરક્ષણ સુનિશ્ચિત કરશે. આ જ પ્રમાણે આર્ટીકલ ૫૧ એ ના ક્લોઝ (જી) ની જોગવાઈ ભારતના દરેક નાગરિકે સજીવો પ્રત્યે કરુણા દાખવવાની, જંગલો, સરોવરો, વન્યજીવો અને પર્યાવરણ સુરક્ષા/સુધારણાને ફરજ તરીકે ગણવાની વાત ઉજાગર કરે છે.

વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે ખરેખર તો ભૂતકાળમાં પણ વિવિધ કાયદાઓ અમલમાં હતા જ. સન ૧૯૭૨ના વન્યપ્રાણી (સંરક્ષણ) ધારામાં ઘણી વિસ્તૃત જોગવાઈઓ કરવામાં આવી છે. આવી જોગવાઈ પૈકીની એક જોગવાઈ વન્યપ્રાણી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની સ્થાપના સંબંધિત કરવામાં આવી છે.ભારતમાં કોઇપણ જગ્યાએ પશુ-પક્ષી-પ્રાણી-જીવ-જંતુ કે અગત્યના ભૌગોલિક વિસ્તારોને સુરક્ષા પ્રદાન કરવાનું જરૂરી જણાય તો સરકારશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડીને સંબંધિત વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવે છે. આવા વિસ્તારો ‘રક્ષિત વિસ્તારો’ (Protected areas) તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં આવા કુલ ૨૮ રક્ષિત વિસ્તારો આવેલા છે જેમાં ૨૩ વન્યપ્રાણી અભયારણ્યો, ૦૪ રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક અન્ય (કન્ઝર્વેશન રીઝર્વ) નો સમાવેશ થાય છે. પહેલા આપણે વન્યપ્રાણી અભયારણ્ય વિષે જાણવાની કોશિશ કરીએ.

વન્યપ્રાણી અભયારણ્ય:

સક્ષમ સત્તાધિકારી કે વિભાગ (પ્રસ્તુત કેસમાં રાજ્યનો વન વિભાગ) ને એવું લાગે કે રાજ્યમાં આવેલો કોઈ એક ખાસ વિસ્તાર પર્યાવરણની જાળવણીની દ્રષ્ટીએ અને તે વિસ્તારમાં કુદરતી રીતે નિવાસ કરી રહેલા વન્યપ્રાણીઓના કલ્યાણ કે જીવનની જાળવણી માટે અગત્યતા ધરાવે છે અને આવા વિસ્તારને ઉચિત સંરક્ષણ નહી મળે તો પરિસ્થિતિ કથળતી જશે અને વન્યપ્રાણીઓ કાળક્રમે સંપૂર્ણ વિનાશ પામશે તો આવા વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવતો હોય છે. અભયારણ્ય તરીકે ઘોષિત થયા બાદ આ વિસ્તારમાં વન્યજીવોને દખલ રૂપ સાબિત થઇ શકતી કોઇપણ જાતની પ્રવૃત્તિઓ પર કાયદાકીય રોક/નિયંત્રણ લાગી જાય છે. અલબત્ત આવી ઘોષણા કરતા પહેલા પૂર્વ નિર્ધારિત પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. સંબંધિત કલેકટર શ્રી દ્વારા આવા વિસ્તારોમાં સ્થાનિક લોકોના પ્રવર્તમાન વ્યાજબી તેમ જ વહેવારુ હક્ક અને હિતોને નકારાત્મક અસર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ગુજરાતમાં આગળ જણાવ્યા મુજબ ૨૩ વન્યપ્રાણી અભયારણ્યો આવેલાં છે જે પૈકી લોકપ્રિયતાની દ્રષ્ટીએ અગત્યતા ધરાવતા અભયારણ્યો જેવાં કે ગીર, નળ સરોવર, રતનમહાલ, જાંબુઘોડા, જેસ્સોર, થોળ, ઘુડખર અભયારણ્ય, દરિયાઈ અભયારણ્ય વિગેરેથી આપણે સુપેરે પરિચિત છીએ.

રાષ્ટ્રીય ઉદ્યાનો/વન્યપ્રાણી અભયારણ્યોની અગત્યતા

૧. સંરક્ષણ: વન્યપ્રાણીઓના કુદરતી નિવાસસ્થાનોનો નાશ થવાના પરિણામે કમનસીબે આજે ઘણાં પક્ષી/પ્રાણીઓ વિનાશને આરે ઉભેલા છે. રક્ષિત વિસ્તારો પશુ પક્ષીઓના નિવાસસ્થાનોને જરૂરી રક્ષણ પ્રદાન કરે છે અને તેમને સંવનન માટે અનુકુળ વાતાવરણ સર્જે છે જેના પરિણામે તેઓનું વિલોપન થતું અટકાવી શકાય છે.

૨. નૈસર્ગિક સૌન્દર્યની જાળવણી: માનવીય દખલગીરી/પ્રવૃત્તિઓ નહીવત થવાથી કે બંધ થવાથી કુદરતે બક્ષેલી મહામુલી સુંદરતા સચવાઈ રહે છે. જો પ્રવાસન શક્ય હોય તો આવા વિસ્તારો આજની તનાવયુક્ત જીવન-શૈલીમાં મન અને શરીરને તાજગી પુરી પાડે છે. પર્વતો, ખીણ, વરસાદી જંગલો, રણમાં આવેલાં રેતીના ઢુવા (Sand dunes), કોતરો વિગેરે આના જીવંત ઉદાહરણો છે. અપૂરતા રક્ષણને કારણે આવા વિસ્તારો પ્રદુષણગ્રસ્ત બની જતા હોય છે.

૩. પ્રાચીન સંસ્કૃતિની જાળવણી: રક્ષિત વિસ્તારોમાં આવેલી ઐતિહાસિક ઈમારતો/બાંધકામોની સાચવણી થતી હોવાથી જે તે સમયની સંસ્કૃતિ અને લોકો વિષે જાણકારી મળી રહે છે.

પર્યાવરણની જાળવણીની દ્રષ્ટીએ હજુ ઘણાં ફાયદા ગણાવી શકાય જે બાબત આપણે આગળના લેખોમાં પણ જોઈ ગયા. આગામી લેખમાં રાષ્ટ્રીય ઉદ્યાનો વિષે અને બીજા રક્ષિત વિસ્તાર વિષે જાણશું.


પિક્ચર સૌજન્ય: ઈન્ટરનેટ.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર :: ૦૯ :: જૈવિક વિવિધતા (બાયો-ડાયવર્સિટી) : ૦૩

  1. vimla hirpara
    March 9, 2018 at 5:59 am

    શ્રી પંડ્યા સાહેબ, પર્યાવરણ ને વન્યપ્રાણીઓની જાળવણી સારી વાત છે. સમસ્યા એ થાય કે એ વન્યપશુઓ સિંહ કે વાઘજેવા શિકારી પ્રાણીઓને શિકાર કરવા સામે ખોરાક તરીકે હરણા કે એવા પ્રાણીઓ નહિવત હશે ત્યારે એ ગાયભેંસ કે બળદ જેવા પાલતુ પશું તરફ વળશે. આજે સમાચાર એવા આવતા હોય છે કે શિકારી પ્રાણીઓ સિમમાં કે ગામમાં પણ ખોરાગની શોધમાં આવી ચડે છે. એટલે માણસો ને એના ઢોરોનુ જોખમ ને વાડીખેતરમાં રહેતા ખેડુતો પણ ભય અનુભવે. એ રીતે જોતા આપણી પાસે અભયારણ બનાવતા પહેલા આ મહેમાનોના જમણવાર ને શિકાર પુરતી જમીન કે શિકારનો જથ્થા વિષે વિચારવુ જરુરી છે. નહિતર ગાય મારીને કુતરા ધરવવા જેવુ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *