ફિર દેખો યારોં : ઉઠો, જાગો, જાગ્રત થાવ, નહીંતર સૂતેલા જ ગણાશો

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

ચારેક મહિના અગાઉ આ કટારમાં તમિલનાડુના તિરુનેલવેલીના એક પરિવારે કલેક્ટરની કચેરી સામે આત્મવિલોપન કર્યાનો કિસ્સો ચર્ચવામાં આવ્યો હતો, જેના કુલ ચાર સભ્યોમાંથી ત્રણનું મૃત્યુ થયું હતું. નાણાંકીય મામલે થતી હેરાનગતિ બાબતે સત્તાવાળાઓનું ધ્યાન દોરવા છતાં તેમણે દુર્લક્ષ સેવવાનું ચાલુ રાખ્યું ત્યારે છેવટે આ પરિવારના સભ્યોએ આવું આત્મઘાતી પગલું ભરવું પડ્યું. ગયા મહિને પાટણમાં ભાનુભાઈ વણકરે કરેલું આત્મવિલોપન અને તેને પગલે થયેલા તેમના મૃત્યુ પાછળ મામલો જુદો છે, છતાં તેના માટે કારણભૂત સત્તાવાળાઓનું દુર્લક્ષ જ છે. જો કે, ભાનુભાઈના કિસ્સામાં તેમણે પોતાના માટે નહીં, અન્યને ન્યાય અપાવવા માટે આ પગલું ભરવું પડ્યું. પણ બન્ને કિસ્સામાં આશય સત્તાવાળાઓનું ધ્યાન દોરવાનો જ હતો. અનેક રજૂઆતો નિષ્ફળ નિવડે અને રજૂઆત કરનાર તમામ આશા ગુમાવી દે ત્યારે હારીને તે આવું આત્મઘાતી પગલું ભરવા દોરાય છે.

અહીં સવાલ એ થાય કે સત્તાવાળાઓ એટલે કોણ? તેમાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓનો સમાવેશ થાય કે કેમ? કે પછી સંબંધિત સરકારી તંત્ર યા વિભાગોના અમલદારો જ આવે? ભાનુભાઈએ પોતે આમ કરવાના છે તેની જાણ કરતો પત્ર કલેક્ટર કચેરી ઉપરાંત મુખ્યમંત્રીને પણ પાઠવ્યો હતો. હવે મામલો હાથમાંથી સરકી ગયો એટલે સંબંધિત વિભાગો વચ્ચે ‘બાઈ બાઈ ચાળણી’ની રમત રમાશે, ઉચ્ચસ્તરીય તપાસના આદેશ થશે અને પછી કોઈ નવી દુર્ઘટના નહીં બને ત્યાં સુધી બધું થાળે પડી જશે. ભાનુભાઈના મૃત્યુના વિરોધમાં બંધનું એલાન અપાયું અને એ રીતે સંબંધિત જૂથોએ રોષ પ્રદર્શિત કર્યો, પણ સમસ્યા ઊકેલાવા તરફ કોઈ ગતિ થઈ? આ અગાઉ થાનગઢમાં થયેલા ગોળીબાર, ત્યાર પછી ઊનામાં થયેલા અત્યાચાર જેવી શરમજનક ઘટનાઓ બની ત્યારે ઘણો આક્રોશ ફાટી નીકળ્યો. પણ તેનું પરિણામ શું આવ્યું અને કસૂરવારો પર શા પગલાં લેવાયાં એ જાણવા માટે તપાસ પંચ નીમવું પડે એ સ્થિતિ છે. ત્યાં જ ભાનુભાઈ વણકરનો કિસ્સો બન્યો. આવા અપમૃત્યુના કિસ્સાઓમાં મૃતકના પરિવારજનો પોતાને ન્યાય ન મળે ત્યાં સુધી શબનો કબજો લેવાનો ઈ‍ન્કાર કરે એ પણ સામાન્ય બની રહ્યું છે. તેમની વેદના સમજી શકાય એવી હોય છે, પણ આવી કપરી ઘડીએ તેમની પર મનોવૈજ્ઞાનિક દબાણ ખૂબ હોય એ સમજી શકાય એમ છે. સંબંધિત અધિકારીઓ આ નાજુક ઘડીને સાચવી લે છે અને એ ઘડી વીતી જતાં બધું ઠરી જાય છે. ન્યાયી તપાસ કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે વગેરે જેવા વાયદાઓ તેનો અર્થ ગુમાવી બેસે એ હદે લપટા પડી ગયા છે. ‘ન્યાયી તપાસ કરવામાં આવશે’નો વાયદો આપોઆપ જ એ નિર્દેશ કરે છે કે એ અપવાદરૂપ બાબત છે.

આપણા દેશનું બંધારણ એવું છે કે જેમાં અમલદારશાહી બળવાન હોય. ચૂંટાયેલો પ્રતિનિધિ આવે ને જાય, પણ અમલદાર પોતાના સ્થાને જ રહે છે. અમલદારે, અલબત્ત, સરકારી નીતિઓના સુચારુ અમલનું કામ કરવાનું હોય છે, પણ તેનો અર્થ એ નથી કે તેણે પોતાની અક્કલ ન વાપર્યા વિના મૂઢપણે આદેશનો અમલ કરવો. ચિઠ્ઠીના ચાકર બનવામાં અને અમલદાર હોવામાં મુખ્ય ફરક આ જ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અભિગમ મોટા ભાગે સસ્તી લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે બિનવ્યવહારુ વચનો અને વાયદાઓની લહાણી કરવાનો હોય છે. રાજાશાહીના યુગમાં રાજાના તરંગીપણાને શાણા દીવાન કાબૂમાં રાખતા. એવી ભૂમિકા અમુક અંશે અમલદારની હોઈ શકે. અમલદારો લોકતરફી હોય એ હજી આપણે ત્યાં આશ્ચર્યનો વિષય ગણાય છે. એસ.આર.રાવ, જશપાલ સીંઘ, જગદીશન જેવા કાર્યક્ષમ અધિકારીઓનું સ્થાન જે તે સમયે લોકમાનસમાં નાયક જેવું બની રહે છે એ જ સૂચવે છે કે આવા અમલદારો લઘુમતિમાં છે. એ પણ હકીકત છે કે રાજકારણીઓએ પોતાના કામ માટે તંત્રનો ઊપયોગ કરવો હોય તો સંબંધિત વિભાગના અમલદારો થકી જ એ કરી શકાય. જનતા માટે કામ કરતી વખતે ‘લકીરના ફકીર’ બની રહેવાનું વલણ રાખનારા કેટલાય અમલદારો રાજકારણીઓ માટે કામ કરે ત્યારે પોતાની ફરજ ભૂલીને તેમની તરફેણમાં કામ કરવા લાગે એ ખતરનાક વલણ છે. આવું સંયોજન અનેક રીતે ઘાતક બની રહે છે. તેનું નજીકના ભૂતકાળનું ઉદાહરણ સોરાબુદ્દીનના એન્‍કાઉન્ટરનો કેસ છે. આ કેસના કબાટમાંથી હજી કેટલાંય હાડપિંજર નીકળતાં રહેશે એ તો સોરાબુદ્દીનના આત્માને પણ જાણ નહીં હોય!

દુર્ઘટના બન્યા પછી તેને ચમકાવવા માટે દોડી જતાં પ્રસારમાધ્યમોની જવાબદારી જરા પણ ઓછી નથી હોતી. કોઈ ઘટના સનસનાટીપૂર્ણ બને ત્યાર પછી જ સામાન્યપણે તેમને તેમાં રસ પડે છે. તે બને ત્યાં સુધી રાહ જોવાને બદલે તેને બનતી અટકે એ રીતે પોતાના માધ્યમનો ઉપયોગ ન કરી શકાય? અમલદાર હોય કે પ્રસાર માધ્યમ, તેમનો સામાન્ય અભિગમ જોઈને લાગે કે હજી રાજાશાહી તેમના મનમાંથી ગઈ નથી. લોકો માટે, લોકોની તરફેણમાં કામ કરીને તેઓ ઉપકાર નથી કરતા, બલ્કે તેમની પાસેથી એ જ અપેક્ષિત છે. અમલદારો જ નહીં, તેમના હાથ નીચેના સામાન્ય કર્મચારીઓ પણ પોતાના ટેબલને પોતાનું રજવાડું માનીને કામ કરતા હોય એ સામાન્ય બાબત છે.

સામે પક્ષે બહુમતિ જનતા પણ પોતાની જાતને નાગરિક નહીં, રૈયત જ સમજે છે. પોતાના હક અંગેની જાગૃતિ હજી પૂરતી આવી નથી, અને આ બાબત ગ્રામ્ય, શહેરી, સાક્ષર, નિરક્ષર સૌને લાગુ પડે છે. એ કોના દ્વારા, કેવી રીતે અને ક્યારે આવશે એ તો કોને ખબર! આ બધામાં હજી વંચિતોને મૂળભૂત સુવિધા કે સમાનતાની વાત તો આવતા જન્મની હોય એવી લાગે છે. આવા માહોલમાં સૌથી વધુ ફાવી જાય છે રાજકારણીઓ. તેઓ આવા મુદ્દાઓને રાજકારણનો રંગ આપીને તેમાંથી લાભ ખાટવા જાય એમાં કશી નવાઈ નથી. રાજકારણીઓની એ સફળતા ગણાવી શકાય કે હવે પ્રજા પણ તેમની જેમ દરેક મુદ્દાને રાજકારણ સાથે જોડતી થઈ ગઈ છે. આટલું ઓછું હોય એમ વિદ્યાર્થીઓ સમક્ષ વડાપ્રધાન ગૌરવભેર જણાવે છે કે દરેક ભારતીય બાળક જન્મથી રાજકારણી હોય છે. એકોક્તિને ‘ચર્ચા’માં ખપાવતા વડાપ્રધાનને બિચારાને દેશની તમામ દુર્ઘટનાઓ માટે જવાબદાર ગણી શકાય નહીં. આપણે સૌ નાગરિકોએ રાજકારણના રંગે રંગાયા વિના મુદ્દાલક્ષી અભિગમ કેળવવો રહ્યો. એ કેવી રીતે કેળવી શકાય એ અંગે ચર્ચા થવી જોઈએ. શાળાકીય સ્તરે, શેરીઓના સ્તરે તેની ચર્ચા થાય, તેની તાલિમ અપાય, કાર્યક્ષમ અમલદારોને આ કાર્યમાં સાંકળવામાં આવે અને તેઓ આ જાગૃતિ કેળવવામાં સહયોગ આપે તો એક ચોક્કસ દિશા તરફની મુસાફરીનો આરંભ થઈ શકે. નહીંતર સંસ્કૃતિનો નશો કરીને ગોળગોળ ફર્યા કરવાથી ક્યાંય પહોંચાશે નહીં.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૨-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *