ખેત ઉત્પાદનમાં કરાતી “ભેળસેળ” – અરે ! ઇતો ….સોનાની થાળીમાં લોઢાની મેખ !

Facebooktwitterredditpinterestlinkedinmail

— હીરજી ભીંગરાડિયા

પ્રસંગ છે થોડાં વરસો પહેલાંનો. સવારના છ ની રાજકોટથી જામનગર જતી ટ્રેનમાં અલિયાબાડાના સ્ટેશને એક માલધારી બહેન દૂધ-પાણીના ભરેલાં બે હાંડા લઇ ટ્રેનમાં ચડી, અને હું જે બાકડા પર બેઠો હતો તેની પાસેની જગાએ નીચે બેસી જઇ, ટ્રેન ઉપડતાં જ એકબીજા હાંડામાંનાં પ્રવાહીની અંદરો અંદર હેરાફેરી શરુ કરાતી જોઇ મારાથી પૂછી જવાયું “ આ શું કરો છો બહેન ? ઘડીક દૂધમાં પાણી નાખો છો, તો વળી પાછા ઘડીક પાણીમાં દૂધ નાખવા માંડો છો ? શું કંઇ બનાવટ બનાવો છો ?”

“બનાવટતો બીજી કશી નહીં ભાઇ ! શહેરના માણસોને ખાવા જેવું દૂધ બનાવું છું.”

“હું કંઇ સમજ્યો નહીં !”

“તું બધુંય સમજી ગયો છો, અને હુંય તારી કહેવાની હંધીય વાત સમજી ગઇ છું. પણ શું કરીએ બાપલા ! આ ગાયુંના ચરાણ થાય એવાં ગૌચરો બધાં ખેડી ખવાણાં છે. ઝાઝાં ઢોરાં પલવાય એવું રહ્યું નથી અને વરો [કુટુંબની જન સંખ્યા] છે નાનો-મોટો સાત તાંહળીનો, મોંઘાઇનો પાર નૈં અને દૂધ માગે બધા સોંઘું !”

“એટલે…….?”

“એટલે કુંવારું દૂધ દેવાનું પોહાણ નથી. આ તો ધંધો છે ભઇલા ! ધંધામાં આવું-તેવું ભગવાનેય માફ કરે મારા વાલા !”

“પણ ઘેરથી જ આ દૂધ-પાણીનું મેળવણ કરીને લાવતાં હો તો ?”

“તું છો અજાણ્યો …એટલે તને ખબર ન હોય. અમારા ગામને અને આ ટેસણ {રેલ્વે સ્ટેશન} ને છેટું છે પોણા ગાઉનું. ઘરેથી પાણીનું વજન કેટલુંક ઉંચકવું માથા પર, તું જ કહે ? દૂધનું દેગડું માથા પર ને ખાલી હાંડો કાંખમાં ! ટેસણની ડંકીએથી ખાલી હાંડામાં પાણી ભરી ચડી જઈએ આ ગાડીમાં, જામનગર આવતાં આવતાં દૂધ-પાણી હળી-ભળી થઈ જશે કોઇ ભાત્યનું, શહેરીલોક ખાય એવું ! સમજ્યોને અલ્યા ભાઇ ! તુંયે ભૂંડા બહુ ખણખોદિયો નીકળ્યો !”

‘ફૂલછાબ’ની પંચામૃત પૂર્તિના પ્રીતિ દવેના “ખોરાકમાં ભેળસેળ” વિશેના એક લખાણમાં ખોરાકી ચીજોમાં કેટલી ભેળસેળ થઈ રહી છે તેની રોચક શૈલીમાં લાંબી યાદી પ્રકટ થયેલી, અને સૌ કોઇને પણ અનુભવ હશે જ ! કહે “ ચોખ્ખું ઘી ”, પણ અંદર વેજીટેબલ હોય ત્યાં સુધી તો કંઇકેય ઠીક ! પણ કતલખાને હલાલ કરેલ પ્રાણીની ચરબીને ઓગાળી એકરસ બનાવી નહીં હોય એની ખાતરી ખરી ?

ડબા ઉપર લેબલ હોય “સીંગતેલ” નું. પણ અંદર કપાસિયા તેલ કે પામોલીન-અરે ! અખાદ્ય તેલની કેટલી ટકાવારીની ગોઠવણ કરી હશે, એ બાબતની જાણકારી હોય દુકાનદાર, મીલ માલિક કે ઉપરવાળાને ત્રણને ! આપણે તો બસ સીંગતેલનો જ ભાવ દેવાનો અને સીંગતેલના જ ભ્રમમાં રહી આરોગ્યે રાખવાનું !

અને તમે જૂઓ ! દૂધ,ઘી કે તેલ પુરતી આ ભેળસેળ મર્યાદિત થોડી છે ? નાના-મોટા કે શહેર-ગામડું કંઇ જોયા વિના આજનું આડેધડ વપરાશી પીણું “ચ્હા” એમાંથી થોડું બાકાત રહી શકે ? ચાની ભૂકીમાં લાકડાનો છોલ અને કૃત્રિમ રંગ, કોફીમાં ચીકોરી અને ખજુરના ઠળિયાનો કલર કરેલો ભૂકો-કંઇને કંઇ ભેળસેળ તો કરેલી જ હોય !

ડગલે ને પગલે જોઇતા મરી-મસાલા આમાંથી બાકાત રહ્યા નથી. હીંગમાં ભેળસેળ, કાળા મરીમાં 25 ટકા ઉપરાંતની પપૈયાના બીયાંની મિલાવટ, અને ખસખસમાં અરધો અરધ રાજગરાના બીજ ભેળવેલા બોલો ! અને કેસરમાં ? કેસરમાં બે ભાગના મકાઇની મૂછોના રંગ કરેલા તાંતણાં !

ધાણા-જીરુમાં લાકડાનો વ્હેર ભેળવે ત્યાં સુધી તો હળવું ગણાય, પણ તમે માનશો ? અંદર ઘોડા-ગધેડાની લાદ ભેળવવામાં પણ આંચકો ન અનુભવે ! કહેવાય “કેસર કેરીનો રસ” પણ અંદર હોય અરધાકથી વધુ તો પપૈયાનો ગર ! માત્ર ખાદ્યચીજોની ક્યાં કરો છો ? ઔષધ તરીકે વપરાતા પદાર્થ “મધ” માં પણ ખાંડની ચાસણીની મિલાવટ ! આ રીતે માલની હેરાફેરી કરી વેપારી એના રોટલા કાઢતા ભળાય છે- આ ને તેઓ “ધંધો” ગણતા હોય તો ભલે ગણે આપણે થોડો એનો વદાડ કરાય ?

આપણે રહ્યા ખેડૂત. ખેડૂત અને વેપારીમાં તો પાયાનો ફેર છે. ખેડૂત તો ધરતીમાંથી જગતના પોષણ અર્થે ધાન પકાવી પોતાનો રોટલો રળે છે.એટલે વેપારીઓ દ્વારા થતી ભેળસેળથી જેટલું નથી લાગી આવતું, એટલું ખેડૂતો દ્વારા થતી ભેળસેળથી લાગી આવે છે.

ડાબે કાળજે લખી રાખવું પડે =

સાંભળ્યું છે કે સિંહ મરી જવાનું પસંદ કરે પણ કદિ ઘાસમાં મોઢું નાખતો નથી. હંસ ભૂખ્યો રહેવા તૈયાર હોય પણ મોતીના ચારા સિવાયનો કોઇ ચારો ચરતો નથી. કોયલ મૂંગી રહેવા તૈયાર-બાકી કાગડાની ભાષા બોલવાનું પસંદ કરતી નથી. ખેડૂત તો જગતનો તાત, અન્નદાતા, જીવનદાતા છે. ઓછું રળવાનું મળે તો કુરબાન ! બાકી અપ્રમાણિકતાનો આશરો લઇ પેદાશના વેચાણ બાબતે દગો કે છેતરામણ ક્યારેય કરે જ નહીં. પોતાના ક્ષણિક આર્થિક લાભ માટે નીતિ ચૂકી ગેર વ્યાજબી વર્તન-વ્યવહાર કરે એ ખેડૂત શાનો ? પરાપૂર્વથી ઉતરી આવેલા સંસ્કાર જાળવી રાખવાનુ તો ખેડૂતોએ ડાબે કાળજે લખી રાખવું પડે.

આટલું ભલે હળવાશથી લઈએ :

હા, તલનો પાક તૈયાર થઈ ઘેર આવી ગયો હોય, અને તોલ થાય તે પહેલાં ખ્યાલ આવે કે થોડા તલ ગઈ સાલનાં વધેલા પડ્યા છે, તો પાંચ-સાત કે પંદર કિલો તે તલ નવા ભેળા નાખી દેવાય, કે મગફળીના ઢગલામાંથી તોલ શરૂ થયા પહેલાં બિયારણ માટે ઘેર રાખવા થોડી ધાર કાપેલ [આગળના ભાગની સારી સારી મતિયાર] મગફળી નોખી કાઢી લેવાય એ દગો નથી.

પણ આવું તો ન જ કરાય ને ?

એક વાર મારા બાજુના લીંબાળા ગામે મારા એક મિત્રને ત્યાં કોઇ કામ સંબંધે ઓચિંતાનું જવાનું થયું. ત્યાં મેં ઓરડાની અંદર કોથળામાંથી જીરુ ઠાલવી, જીરાની પથારી કરી ઉપર સિમેંટ ભભરાવતા ભાળ્યા. એ જોઇ મારાથી રહેવાયું નહીં ને હું પૂછી બેઠો : “આ શું કરો છો ?” મને કહે, “હીરજીભાઇ ! તમારે એ બધું જાણવાની જરૂર નથી. હાલો હાલો ! તમારે પંચાયત ઓફિસે તલાટી-મંત્રીનું કામ છે ને ? ચાલો, હું સાથે આવું, આપણે એ અહીંથી નીકળી જાય એ પહેલાં મળી લઈએ.” મને ફટાફટ ઓરડાની બહાર ખેંચી લીધો. પણ મેં જોયું કે જીરાની અંદર થઈ રહી હતી સિમેંટની ભેળસેળ ! મેં અગાઉ આવી વાત સાંભળેલી, તે દિવસે પાકી થઈ ગઈ. જીરુ મસાલાની ખાદ્યચીજ અને એની ભેળો સિમેંટ ! સીધો માણસના પેટમાં જ જવાનોને ? કેટલી હાનિ પહોંચાડી શકે, કલ્પના તો કરો !

આપણી વિષેની છાપ તો તપાસીએ =

એકબાજુ સરદાર વલ્લભભાઇ પટેલ એવું કહી ગયા છે કે “આ ધરતી પર માથું કાઢીને જો કોઇને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાંથી ધાન્ય પકાવનાર ખેડૂતો અને ખેતરોમાં કામ કરનારા માણસોને જ છે.”

વિજયરત્ન સુંદરસુરીજીના એક લખાણમાં મેં વાંચ્યું છે કે “સૂર્ય એટલા માટે મહાન નથી કે તે આકાશમાં ખૂબ ઊંચે ચડે છે, પણ તે એટલા માટે મહાન છે કે ધરતીપર રહેલ નાના-મોટા સૌ જીવને પ્રકાશ આપી બધામાં નવચેતના બક્ષે છે.” મારે પણ એ જ વાત દોહરાવવી છે કે “ખેડૂત એટલા માટે મહાન નથી કે તે ખૂબ લોંઠકો અને શરીરે અલમસ્ત છે, ટાઢ તડકો ગણ્યા વિના કામ ઢસડ્યા કરે છે. પણ એ એટલા માટે મહાન છે કે તે દિન-રાત પરસેવો પાડી જગતના જીવોમાટે ધૂળમાંથી ધાન પેદા કરેછે”

આપણો વ્યવસાય ઘણીબધી કુદરતી આફતોમાં ઘેરાએલો છે. મોલાતો પર વારંવાર રોગો અને કીટકોના હુમલા થાય છે.અને વધારામાં પકાવેલ માલના પૂરતા ભાવ મળશે એવી કોઇ ખાતરી ન હોવા છંતા ખેતી એક પાયાનો અને પૂરો પ્રમાણિક ધંધો છે. કુદરત આપે અને ખેડૂત હાથોહાથ લે એવો પવિત્ર વ્યવસાય છે અને એમાં આપણે “માણસવેડા” કરીએ ? ખેતીએ તો પ્રામાણિકતાના પાયા પર રચાએલ ઈમારત છે. પ્રામાણિકતા ચૂકી જવાય તો આખી ઈમારત જ કકડભૂસ થઇ જાય ભૈ !

માણસ તરીકેનું મૂલ્ય શું ? =

હમણા હમણા થોડા વરસોથી કેટલાક ખેડૂતોમાં કપાસની ગુણવત્તા બગાડવાના અને પોતાની ક્રેડિટ કપાવવાના ધંધા શરુ થયા છે. નામ નહીં આપું “અ” ભાઇએ મારી સામે દલિલ કરતાં ગણિત ગળે ઉતરાવવાની મહેનત કરી. મને કહે “મેં તોલ કરીને 14 મણ કપાસ જુદો કાઢી તેને “પોલિયો” [પાણી ભેળવ્યું] પાયો હતો. અને રીક્ષામાં ભરી બાબરાની પીઠમાં વેચ્યો તો 16 મણ અને 7 કિલો વજન થયું. એટલે કે બે મણને સાત કીલો પાણીનું વજન હતું. મારે મણ કપાસના 780 રુ. આવ્યા. જ્યારે બીજાના કોરા કપાસના રૂ.820 ઉપજતા હતા.હિસાબ સરખાવતા પાણીની ભેળસેળ કરવાથી 1273 રૂ.વધુ આવ્યા.” આવી હશે આટલી રકમ વધારે એની ના નથી. પણ હું એમ કહુ છું કે માણસના નામની કિંમત કેટલી ? “ખોટું કર્યું” એવો ભાર કાયમ હૈયા માથે રહે, એનું કંઇ મૂલ્ય ખરું કે નહીં ? માનવ જીવનની પાયાની જરૂરિયાતો ઉત્પન્ન કરી રહેલા ખેડૂતમાં જે સ્વમાન જોઇએ તે આવી ભેળસેળથી ભાંગી પડે છે. “જગતના તાત” તરીકેનું બિરૂદ ઝાંખું પડે છે.

જો કે કપાસમાં પાણી નાખવાના રવાડે ચડાવવામાં ગામડાંઓમાં જ્યાં ને ત્યાંથી બે મણ, સાત મણ, દસ મણ આઠ-બારઆની ગુણવત્તાવાળો છૂટક કપાસ લઈ એક વાહનમાં આડેધડ ગામઆખું ભાળે તેમ થડી કરતા જાય અને પાણી ઉમેરી પાલો કરતા જાય તેવા વેપારીઓએ જે શરૂ કર્યું એ જોઇને ખેડૂતોને એમ થયું કે “આપણા માલમાં વેપારીઓ પાણી ભેળવી વધુ રળે એના કરતાં લાવોને આપણે જ ભેળવીએ.” એ માનસિકતા કામ કરી ગઈ છે. પણ સરવાળે પાણી નાખેલ કપાસની ગુણવત્તા બગડે છે, તેના રેસાની મજબૂતાઈ ઘટે છે, અંદરના કપાસિયા પલળી,ફૂલી,ફુગાઈ જાય છે. કપાસ પીળો પડી ડીસકલર થઈ જાય છે. અરે ! કપાસની થડી તોળતાં તોળતાં અંદરથી ભીનો નીકળે એટલે વેપારી માલ પડતો કરે, વાંધો પાડે, બબાલ થાય, ક્યાંક ક્યાંક તો જીભાજોડી અને મારામારી સુધીના પ્રસંગો બન્યા પછી, ભાવ તોડીને ઉલટાના નીચા ભાવે વેચવાનો વારો આવ્યો હોય તેવાયે ઘણા દાખલા બન્યાંનું મારી જાણમાં છે.

“પાણી નાખ્યું છે, વેપારીને ખબર પડી જશે તો ? ” એવી બીક મનમાં જે રહ્યા કરતી હોય છે તે ‘જગતાત’ને શોભતી નથી. તેમાં ધંધાની ગૌરવભરી સ્થિતિનું અવમૂલ્યન થાય છે. સમાજના તમામ ધંધાઓમાં પોતાના ધંધાને સર્વાધિક આદરમાન અપાવવું તે આપણા ખેડૂતના હાથની વાત છે. 21મી સદીના આરંભથી આખી દુનિયા એક જ બજાર [ગ્લોબલાઇઝેશન] ના રૂપમાં ફેરવાઇ ગઈ છે. ઉત્તમ ગુણવત્તાવાળા પુષ્કળ કપાસના ઉત્પાદક તરીકે ચીન અને બીજા કપાસની આયાત કરતા દેશો “સૌરાષ્ટ્ર” નું નામ જાણવા લાગ્યા છે. અઢળક નાણું કમાવી આપનારી નિકાસ જાળવી રાખવી હોય તો એ લોકોને જોઇતો “સ્ટાન્ડર્ડ માલ” આપણે બનાવી આપવો પડે. માલની ગુણવત્તામાં કચાશ દેખાય તો ત્યાંના બંદરેથી સ્ટીમરો પાછી વળાય છે. ભેળસેળિયો માલ એકાદવાર કદાચ પૈસા અપાવી દે છે, પણ ઉત્પાદક પ્રત્યેનો વિશ્વાસ તોડી નાખે છે. અને એ વાત તો સાચી જ ને કે વિશ્વાસ બંધાતા વરસો વીતે છે, જ્યારે તૂટી મિનિટોમાં જાય છે !

એટલે જ કહું છુ કે આવા વણગા વિણ્યે “દિ ના વળે ! ‘દિ વાળવો તે દિનાનાથના હાથની વાત છે. કુદરતને દેવું હોય તો ધંધામાં બરકત આપે. કુદરત એટલે પ્રકૃતિ, અને પ્રકૃતિ એટલે આપણી ગાયો, ખેતીપાકો, છોડવાં, ઝાડવાં અને જીવડાં. એની સાથે વિજ્ઞાનને ભેરે રાખી વધુ સારી રીતે વર્તીએ એટલે જરૂર બદલો મળી રહે. પણ ખેડૂત થઇને પ્રામાણિકતાને કદિ હોડમાં ન મૂકીએ. ભૂલ્યા ત્યાંથી ફેર ગણીએ. સારાએ ખેડૂત જગતને મેણું લાગે એવો વ્યવહાર કરી સોનાની થાળીમાં લોઢાની મેખ લાગતી અટકાવી દઇએ.


સંપર્ક: હીરજી ભીંગરાડિયા, પંચવટી બાગ, માલપરા ǁ  મો:+91 93275 72297  ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *