





સંકલનકાર – : સુરેશ જાની
સાત વરસની દક્ષાને ભમરડો ફેરવતાં અને કોક વાર ગિલ્લી દંડા રમતી જોઈ એનાં દાદીમા બોલી ઊઠ્યાં,” આ છોકરી વ્યતિપાતમાં જન્મી છે. એ મોટી થઈને અવનવા ખેલ કરશે.”
અને એમ જ થયું. ૧૯૫૦માં મોહમયી નગરી મુંબાઈમાં મધ્યમ વર્ગના પણ સુખી જૈન કુટુમ્બમાં જન્મેલી અને વલસાડમાં મોસાળમાં ઉછરેલી, દક્ષા શાહ પંચાવન વર્ષની ઉમરે ધરમપુર પાસેના સાવ નાનકડા, નગરિયા ગામમાં ડો. દક્ષા પટેલ તરીકે આદિવાસી સ્ત્રીઓ અને કન્યાઓની ભોમિયણ, અરે! દાયણ બની ગઈ!
ચાલો જોઈએ – વલસાડના શહેરી જીવનથી આદિવાસીઓના સાવ પછાત વિસ્તાર સુધીની એ યાત્રા.
દરેક શહેરી કન્યાને હોય એમ દક્ષાને પણ ભણી ગણી, સુખેથી જિંદગી જીવવાના ખ્વાબ હતા. કોને ન હોય? પણ જ્યારે તે સુરતની મેડિકલ કોલેજમાં દાખલ થઈ ત્યારે હોસ્પિટલમાં આવતાં ગરીબ લોકોની હાલત જોઈ એના દિલમાં અરેરાટી થઈ ગઈ. હોસ્પિટલમાં એ લોકોને જે રીતે હડધૂત કરવામાં આવતાં હતાં, તે જોઈ દક્ષાનું હૃદય દ્રવી જતું. દક્ષાના મનમાં આવી ગડભાંગ ચાલતી હતી, ત્યાં જ એના કોલેજના ત્રીજા વર્ષમાં પ્રિવેન્ટિવ મેડિસિન નવા શિક્ષક અનિલ પટેલ જોડાયા. બુદ્ધિમાન, ચપળ, ચબરાક અને છતાં માનવતાથી ઊભરાતા આ તરવરિયા તોખાર જેવા યુવાનને જોઈ દક્ષા પહેલી નજરે જ તેની તરફ આકર્ષાઈ. જેમ જેમ અનિલની કાર્ય પદ્ધતિનો અને તેના આદર્શોનો ખ્યાલ દક્ષાને આવવા માંડ્યો, તેમ તેમ તેનાં ખ્વાબોમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો. એના માનસમાં સુષુપ્ત પોઢી રહેલું માનવતાનું ઝરણું સાત પાતાળ ફોડીને બહાર આવી ગયું.
આની સાથે સાથે યુવાનીના ઉંબરે સ્વાભાવિક એવા પ્રણયના અંકુર પણ દક્ષાના દિલમાં ફૂટવા લાગ્યા. કોલેજના છેલ્લા વર્ષમાં પહોંચતા સુધીમાં તો બન્ને એકબીજાના પ્રેમમાં ઓતપ્રોત બની ગયા. જ્યારે પ્રણયના સીમાડા ઓળંગીને બન્નેને જીવનસાથી બનવાનો એકરાર કરવાની વેળા આવી પહોંચી, ત્યારે અનિલે પોત પ્રકાશ્યું. “હું બહુ જ થોડા વખત પછી રાજપીપળા નજીકના પછાત વિસ્તારમાં ટ્રાન્સફર માંગવાનો છું. ત્યાં રહેવા તૈયાર હોય તો આપણે આગળ વધીએ.” શહેરી કન્યા માટે આ એક મુશ્કેલ ત્રિભેટો હતો. પણ પ્રણય અને માનવતાના વાવાંઝોડાંમાં શહેરી સંસ્કૃતિ કડડ ભુસ્સ થઈને જમીન દોસ્ત થઈ ગઈ. ૧૯૭૨માં બન્ને લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં.
અનિલ તો દક્ષા કરતાં ઘણા વધારે સમૃધ, પટેલ કુટુમ્બનો ફરજંદ હતો. એનું કુટુમ્બ પૂર્વ આફ્રિકામાં સ્થાયી થયેલું હતું, પણ કિશોરાવસ્થામાં જ સારા અભ્યાસ માટે તે નજીકનાં સગાંને ઘેર વડોદરા આવ્યો હતો. વડોદરાની મેડિકલ કોલેજમાંથી તેજસ્વી કારકિર્દી સાથે તે સ્નાતક થયો હતો.
અનિલને ૧૯૭૦ માં ઇન્ગ્લેન્ડમાં પોસ્ટ ગેજ્યુએટ અભ્યાસની તક મળી હતી. તેના બે મોટા ભાઈઓ પણ લંડનમાં હતા. એટલે તકલીફ હતી નહીં. પણ સાદાઇ અને સમાજનો વિચાર કરતા અનિલ પટેલ ડોકટર હોવા છતાં ઇતર વાંચનનો શોખ ધરાવતા હતા. ગાંધીજી અને કાર્લ પોપરની વિચારધારાથી પ્રભાવિત હતા. તેમના પિતાજીને ઊંડે ઊંડે ડર હતો કે, આ છોકરો કંઇક જુદું જ કરશે. હોશિયાર છે અને વિદેશમાં સ્થાયી થાય તો નામ અને દામ બન્ને કમાઈ શકે છે. પરંતુ, અનિલ અમેરિકા કે ઇંગ્લેડ જાય તો ને?
અનિલે રમત રમતમાં વિશેષ યોગ્યતા સાથે માસ્ટર ડીગ્રી મેળવી હતી. આવી ઉચ્ચ પદવી ધરાવનાર ડોકટર તો ધીકતી ખાનગી પ્રેક્ટિસ જ કરે ને? પણ અનિલનું હોવાપણું અલગ જ જિન્સનું હતું. ૧૯૭૦માં ઇન્ગ્લેન્ડથી આવીને શિક્ષણ અને સેવાનો ભેખધારી અનિલ સુરતની મેડિકલ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાઈ ગયો.
લગ્ન પછી બે વર્ષે તેમણે શહેરી સુખ સગવડને તિલાંજલિ આપી, ગ્રામ વિસ્તારમાં સેવા આપવાનું નક્કી કર્યું. બન્નેએ જ્યારે પોતાના કુટુમ્બોમાં આ વાત કરી ત્યારે જાણે કે, એક ધરતીકંપ જ થઈ ગયો. તે સમયે અનિલના પિતાએ તેને ચેતવ્યો કે, “ગામડામાં લોકો તું ધારે છે તેટલા સરળ કે ભોળા નથી હોતા. ત્યાં તારા જ્ઞાનની કોઇ કિંમત નહીં થાય.” પણ આ જવાંમર્દ બજારમાં પોતાની કિમ્મત ઉપજાવવા પેદા નહોતો થયો, એણે તો કિમતી કામ કરવાનો ભેખ લીધેલો હતો. બન્ને દમ્પતી વડોદરાની નજીકના ગામોમાં સેવા આપવા લાગ્યા.
અનુભવે તેમને એ સમજાયું કે, માત્ર સેવાની ભાવના અને ચીલાચાલુ મેડિકલ જ્ઞાન પૂરતાં નથી. ઈન્ગ્લેન્ડના વસવાટને કારણે અનિલને એ ખબર હતી કે, આખા વિશ્વના પછાત વિસ્તારોમાં સેવા આપતા તબીબોને તાલીમ આપવા માટે ત્યાં બહુ જ ઉચ્ચ કક્ષાની સવલતો છે. આથી ૧૯૭૫માં તેઓ લન્ડનમાં આવી તાલીમ લેવા નીકળી પડ્યા.
અનિલભાઈએ London school of hygine and tropical medicine માં પ્રવેશ મેળવી લીધો. ખરખર્ચની તકલીફ ન પડે તે માટે દક્ષાબહેન લન્ડનની હોસ્પિટલમાં નોકરી કરવા લાગ્યાં. ૧૯૭૮ માં તેમને ઘેર દીકરા આકાશનું આગમન થયું.
૧૯૭૯માં ભારત પાછા આવી અનિલભાઈના ખાસ મિત્ર અને સમાજસેવામાં ઓતપ્રોત, અશ્વિન પટેલના આશિર્વાદ અને સહકારથી તેમણે રાજપીપળા નજીકના માગરોળ ગામમાં પૂરા જોશથી ગ્રામસેવા શરૂ કરી દીધી. અહીં પણ ખર્ચની જોગવાઈ તો તેમણે જાતે જ કરવાની હતી ને? દક્ષાબહેન રાજપીપળાની ‘વિજય’ પ્રસૂતિ ગૃહમાં નોકરીએ જોડાયાં.
હવે તો તેમના કુટુમ્બ અને મિત્ર વર્તુળમાં પણ તેમના આ સેવાયજ્ઞની કદર થવા લાગી; એટલું જ નહીં, તેમને નાણાંકીય મદદ પણ મળતી થઈ. એ બધાંના સાથ અને સહકારના પ્રતાપે ૧૯૮૨ ARCH માં નામની સંસ્થાનો જન્મ થયો.
ધીમે ધીમે અન્ય મિત્રો પણ આ સેવા યજ્ઞમાં જોડાતાં ગયાં. તેમની સાથે અંબરીષ મહેતા, તૃપ્તિ પારેખ, રશ્મિ કાપડિયા, રાજેશ મિશ્રા, કૌમુદી શેલત, અશોક ભાર્ગવ, નિમિતા બેન ભટ્ટ, લક્ષ્મીબહેન વિ. મિત્રો જયપ્રકાશ નારાયણના વિચારોના અમલીકરણને વરેલાં છે. માત્ર આદર્શની વાતો નહીં, પણ નક્કર ચર્ચા અને વિચાર વિનિમયના આધારે આ સૌ આગળનો કાર્યક્રમ ઘડતા. માંગરોળ ખાતે આ સૌ કાચા, ઝુંપડા જેવા જ કહી શકાય તેવા મકાનમાં સાથે સમૂહમાં રહેતાં હતાં. સેવાનાં કામોની સાથે સાથે આ સૌનાં ભોજન, બિસ્તરની વ્યવસ્થા અને આકાશના શિક્ષણનો ભાર પણ દક્ષાબહેનના શિરે હતો. પણ કોઈ કંટાળા વિના તેમણે આ ત્રેવડી જવાબદારી વર્ષો સુધી નિભાવી. સાથે સાથે ફૂલ ઝાડ ઉગાડવા અને ગીતો સાંભળવા/ ગાવાનો શોખ તો ખરો જ!
૨૦૦૦ માં તેમના ભાઈ રશ્મિ સાથે દક્ષાબહેને ધરમપુર પાસે બીજું કાર્યક્ષેત્ર શરૂ કર્યું અને ૨૦૦૫માં નજીકના નગારિયા ગામમાં જમીન મળી મોટા પરિસરમાં આર્ચ, રક્ષા ટ્રસ્ટ (બાળ શિક્ષણ માટે અને બહેન રક્ષાના નામ પરથી) અને કૈવલ્ય ટ્રસ્ટ પણ શરૂ થઈ ગયાં. હાલમાં અહીં રોજના સરેરાશ ૫૦ દર્દીઓ સારવાર લે છે. સરહદની પેલે પાર મહારાષ્ટ્ર ના ગામડાંઓમાંથી પણ દર્દીઓ આવે છે. આજુબાજુના ગામોમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા પણ સેવા આપવામાં આવે છે.
કિશોરીઓ અને નવ પરિણિતાઓને શરીરની રચના, રક્તસ્રાવ વખતની સ્વચ્છતા, પ્રજનન અને પ્રસૂતિ અંગે માટે મેળાનું આયોજન તેમણે કર્યું. એ કાર્યક્રમ બહુ જ વખણાયો અને રાષ્ટ્રીય સ્તરે પણ તે બિરદાવાયો. સ્વાસ્થ્ય અંગે પાયાની માહિતી આપતી પુસ્તિકાઓ પણ આ ટ્રસ્ટે તૈયાર કરી છે, જેને આખા ગુજરાતમાં આવકાર મળ્યો છે. ભારતની બીજી ભાષાઓમાં પણ તેના અનુવાદ થવા લાગ્યા છે. આ ઉપરાંત સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ પણ આ પરિસરમાં ચાલી રહી છે. ‘પહેલ’ અને ‘ખોજ’ જેવા સામાજિક પરિવર્તનના નૂતન વિચાર પ્રવાહ પણ તેમના નેજા હેઠળ વહેવા લાગ્યા છે.
જય પ્રકાશ નારાયણ ઉપરાંત ઓસ્ટ્રિયાના વૈજ્ઞાનિક સામાજિક ચિંતકો કાર્લ પોપર અને ફ્રિદરિખ હયેકના વિચારોનો પણ આ દમ્પતીના ચૈતસિક વિકાસમાં મોટો ફાળો છે. તેમનાં પુસ્તકોના ગુજરાતી અનુવાદ પણ છપાવાની પ્રક્રિયા હેઠળ છે.
દક્ષાબહેનનું મુખ્ય કાર્યક્ષેત્ર આદિવાસી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય રહ્યું છે. દાયણો અને કિશોરીઓને જ્ઞાન અને તાલીમ પણ પછી ઉમેરાયાં. અત્યાર સુધીમાં ૨૦૦ દાયણોને તાલીમ આપવામાં આવી છે. બને ત્યાં સુધી સ્વાસ્થ્ય સ્વયંસેવકો અને કાર્યકરો આદિવાસી વિસ્તારમાંથી જ તૈયાર કરવા માટે દક્ષાબહેન અને અનિલભાઈનો આગ્રહ રહ્યો છે.
દક્ષાબહેને તો ૩૦, નવેમ્બર – ૨૦૧૬માં આ દુનિયામાંથી વિદાય લઈ લીધી, પણ માનવતાની આ પરબ હવે તો એક વિશ્વવ્યાપી વડલો બની ગઈ છે. તેનો ‘ફેસબુકી’ ચહેરો…
દક્ષાબહેન અને અનિલભાઈના આ સેવા યજ્ઞની જાણ આ લખનારને ‘દાવડાનું આંગણું’ બ્લોગ પર શ્રીમતિ જયશ્રી બહેન મર્ચન્ટના એક લેખ પરથી થઈ હતી. તેમાંથી એક તારણ –
‘એમણે અમને સૌને એક ફોટો બતાવ્યો જેમાં, પતરાના છાપરાવાળું ઘર હતું. જ્યારે તેમણે કહ્યું કે, એ એમનું ઘર છે, ત્યારે (અમેરિકાના અમારા મિટિંગ) રૂમમાં એક સોપો પડી ગયો. પછી ક્લિનિકની રૂમો, જે સાવ સાદી પણ એની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી. પછીનો ફોટો, નહિવત, મેલાંઘેલાં વસ્ત્રો પહેરેલી આદિવાસી સ્ત્રીનો હતો. એના માથે એક ટોપલામાં ઈંટોનો બોજો અને કેડમાં બાળક, કદાચ દોઢ બે વરસનું હતું, એટલું જ નહીં પણ એ સ્ત્રી સાત-આઠ માસ સગર્ભા હતી. બ્લડટેસ્ટ માટે બ્લડ આપીને, તરત તે તો પાછી દાડિયે જતી રહી – પેટના બાળકને અને કેડના બાળકને લઈ, માથા પર ઈંટ-માટીના તગારાની મજૂરી કરવા, જેથી એનો દારૂડિયો ધણી અને છોકરું જમી શકે. એમાંથી જો કઈં બચે તો પછી એ પોતે જમી શકે! ધણી તો એની રોજની કમાઈ દારૂમાં ઊડાડે અને દારૂની જ્યાફત કરવી હોય, ત્યારે, પોતાની સ્ત્રીને પોલિસના અધિકારીઓ પાસે મોકલે!
—–
એવું છે ને જયશ્રીબેન, અનિલ અને હું નહોત ને… તો કોઈ બીજું આ કામ કરવા સામું આવત. મને કે અનિલને એક પળ માટેય એવો ભ્રમ નથી કે આપણે આ કામ ન ઊપાડ્યું હોત તો આ કામ થાત જ નહીં!” ‘
જયશ્રી બહેનને તેમણે કહેલા શબ્દો –
“મધર ટેરેસા થવા માટે પ્રાણી માત્ર માટે અપાર કરૂણા અને સમતા જોઈએ. મને નથી લાગતું કે હું એટલી કરૂણામય છું, હા, કર્મ કરતાં રહેવું મને ગમે છે.”
સમાજ પરિવર્તન તીવ્ર અને ત્વરિત ક્રાન્તિથી નથી આવતું, પણ અહિંસક અને લોકતાંત્રિક પ્રક્રિયાથી ટૂકડે ટૂકડે આવે છે. કેન્દ્રમાં વ્યક્તિ અને તેની સ્વાયત્તતા છે.
Go with them Live with them Learn from them.
– WHO( World Health Organization)
દિવ્ય ભાસ્કરમાંથી ટાંચણ..
તેમના જેવી પ્રતિભાવાન વ્યક્તિ વિદેશમાં હોત તો આજે કેટલાય એવોર્ડ મેળવી ચુકી હોત. પણ સંતની જેમ નદી કિનારે ચુપચાપ પોતાનું કામ કર્યે જાય છે.
સાભાર – શ્રીમતિ જયશ્રી બહેન મર્ચન્ટ, કેલિફોર્નિયા, નવનીત સમર્પણ ફેબ્રુઆરી – ૨૦૧૭
સંદર્ભ – જયશ્રી બહેનનો મૂળ લેખ : https://davdanuangnu.wordpress.com/2017/10/02/%E0%AA%9C%E0%AA%BF%E0%AA%82%E0%AA%A6%E0%AA%97%E0%AB%80-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%B8%E0%AA%AB%E0%AA%B0-%E0%AA%B9%E0%AB%88-%E0%AA%B8%E0%AB%81%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%8F-12/
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=211027
https://archvahini.wordpress.com/about/
http://divyashadoshi.blogspot.in/2012/12/27-11-12.html
https://www.facebook.com/Friends-of-ARCH-408398535880650/
https://en.wikipedia.org/wiki/Karl_Popper
https://en.wikipedia.org/wiki/Friedrich_Hayek
CONTACT ARCH:
શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના
· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com
Wonderful & inspiring article. Unknown to us many such persons dedicate their life in the services of people.
Thanks for highlighting these great people.