બે ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

– ભાવેશ ભટ્ટ

                                     (૧)

           (છંદ વિધાનઃગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા)

તરછોડી દો દુનિયા કે અપનાવો દુનિયા, જે છે આ છે!
શું કરવાનું છે બોલો હમણાં ને હમણાં, જે છે આ છે!

સાચુકલાં દર્શન આપી પણ દેશે ને તો જીરવાશે નહિ
ડાહ્યો ડમરો થઈને કર પથ્થરની પૂજા, જે છે આ છે!

મેં ખુશખબરીને કીધું કે ‘તારો ચહેરો કદરૂપો છે’
તો એ બોલી હાથ ફેરવી માથે, ‘બેટા જે છે આ છે!’

મારા ઝળહળ વર્તમાનથી અંજાયા પહેલાં જાણી લે
અજવાળી નહિ શકું હું મારા દિવસો જૂના, જે છે આ છે!

કોનાથી ફાટયો’તો સગપણનો કાગળ એ ભૂલી જઈને
વ્હેંચી લઈએ એના ટુકડા અડધા-અડધા, જે છે આ છે!

ચાર સળગતી ભીંતો વચ્ચે સચવાયા છે શ્વાસો મારા
કેવાં સપનાં, કયા ઉમળકા, કેવી ઇચ્છા, જે છે આ છે!

 

                                           * * *

                                          (૨)

             (છંદ વિધાન-લગાગાગા લગાગાગા લગાગાગા લગાગા)

બધાં ભગવાન ટેવાઈ ગયાં છે માની સાથે
પૂરું થઈ જાય છે ઘરકામ પણ પૂજાની સાથે.

ઘસરકા સૂરના ખાસ્સા પડ્યા છે ચિત્ત ઉપર
તમે તલવારને મૂકી હતી વીણાની સાથે!

મને જોયો કુતૂહલથી બધા વેપારીઓએ
જરા હળવાશ મેં માંગી હતી સોફાની સાથે.

ગતિમાં આવતા અવરોધને સમજ્યો ન નાવિક
હલેસાઓને કૈં વાંધો હતો નૌકાની સાથે!

હવે હું એકલો બેસું છું કાયમ ત્યાં જઈને
નથી સંબંધ તોડ્યો મેં તો એ જગ્યાની સાથે.

ચઢાવીને કબર પર ફૂલ, એ તરત જ વિખેરે
ઝગડતી જે હતી ડોસી સતત ડોસાની સાથે.

 

                                    * * *

સંપર્કસૂત્રો :

મોબાઈલ – 9825150244 / 8160266640
ઈ મેઈલ – bhavbhatt12@gmail.com

* * *

(અમદાવાદના વતની શ્રી ભાવેશ ભટ્ટનું નામ ગઝલ ક્ષેત્રે જાણીતું અને માનીતું છે. તેમના ત્રણ કાવ્યસંગ્રહ થયા છે; ‘છે તો છે’, ’ભીતરનો શંખનાદ’ અને ‘વીસ પંચા’ (અન્ય ચાર ગઝલકાર સાથે). વિવિધ સામયિકોમાં તેમની કવિતાઓ પ્રસિદ્ધ થતી રહે છે અને કાવ્યપઠન માટે તેઓ ઠેકઠેકાણે ઝળકતા રહે છે. ગ઼ઝલ રજૂ કરવાની તેમની અદા પ્રશંસાને પાત્ર છે. ‘વેગુ’ ઉપર પોતાની કૃતિઓને પ્રસિદ્ધ કરવાની તેમની સહમતી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

2 comments for “બે ગ઼ઝલ

  1. ચંદ્રશેખર પંડ્યા
    March 4, 2018 at 6:58 am

    સ્વાગતમ્ ભાવેશ! વેબગુર્જરીના માધ્યમથી મળવાનો રાજીપો વ્યક્ત કરું છું. પદ્ય રચનાઓ પ્રત્યે મને આકર્ષિત કરવામાં જે બે ત્રણ સર્જકોનું પ્રદાન રહ્યું છે તે પૈકીનો તું એક…

  2. Bhagwan thavrani
    March 4, 2018 at 8:37 am

    ત્રણેય ગઝલ સર્વાંગ- સુંદર ! અભિવાદન અને અભિનંદન!

Leave a Reply to Bhagwan thavrani Cancel reply

Your email address will not be published. Required fields are marked *