





નયના પટેલ
સરલાબહેને સાંભળ્યુ લાગતું નહોતું.
‘ કેમ છોકરીને હેરાન કરે છે ? ચા બને એટલે લાવે છે, જા, તારું બધું આવી ગયું કે નહી તે ચેક કરી લે.’
સ્નેહા અને કિશને નિરાંતનો શ્વાસ લીધો!
આમ તો ત્રણે જણની યુનિ. જુદી જુદી અને અલગ અલગ દિશામાં આવી હોવા છતાં ય લગભગ ગાડીમાં બે થી ત્રણ કલાકમાં પહોંચી જવાય એટલા અંતરે આવી છે.
નંદાનું ‘લૉ’નું આ પ્રથમ વર્ષ છે, નમનનું કોંપ્યુટીંગ એંજીન્યરીંગનું બીજું વર્ષ અને કિશનનું એકાઉંટંસીનું છેલ્લું વર્ષ છે. ત્રણેય છોકરાંઓ ભણવામાં હોંશીયાર છે. એ વિચારે સરલાબહેન એકાંતે પોરસાતાં હતાં. મનુભાઈનાં મનમાં પ્રીતની વાત ગુંચવાતી હતી ને થોડા દિવસનાં તણાવભર્યા દિવસોનો થાક ઉતારતાં હોય તેમ સોફા પર આડા પડ્યા.
સ્નેહા એના રૂમમાં જઈને ઈ-મેઈલ ચેક કરવા બેઠી. ઈંડિયા સાથેનો સંપર્ક ઈંટરનેટને લીધે ખૂબ સરળ થઈ ગયો છે. લગભગ એ એના મમ્મી-પપ્પાને રોજ ‘હાય-હેલો’ કરી લે છે. સાથે સાથે કેસની પ્રગતિ વિગેરે, જણાવતી રહે છે. આ જ ક્ષણો એવી છે કે ત્યારે એ એનું ઈંડિયાનું નાનકડું શહેર, અને હૂંફાળું ઘર જીવી લે છે.
બધાં પોત પોતાની યુનિમાં પહોંચી ગયાનાં ફોન આવી ગયા પછી મનુભાઈ અને સરલાબહેન સૂવા ગયા ત્યારે રાતના અગિયાર થવા આવ્યા હતાં. ધનુબાને સૂઈ તો જવું હતું પણ પેલી મેટ્રેસ બેડ ઉપર મુકવાની હતી! ધનુબાને સ્નેહાને કહેવાનું સારું ન લાગ્યું એટલે ખુરશી પર બેસીને સરલાની આવવવાની રાહ જોતાં હતાં. સરલાબહેનને આખા દિવસની કામની ધમાલમાં બાનો મેટ્રેસ યાદ જ ન આવ્યો. આખરે રોજની જેમ સૂતાં પહેલા પૂજાનો પ્રસાદ મુકવા ધનુબાના રૂમમાં સરલાબહેન આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે મનુભાઈની બીકને લીધે ધનુબા એને કહેવા માટે પણ નીચે ન ગયા! સરલાબહેને જલ્દી જલ્દી મેટ્રેસ મૂકી, મેટ્રેસપ્રોટેક્ટર, ચાદર વિગેરે પાથરી દીધાં અને ધનુબાને સુવામાં મદદ કરી પોતાના રૂમમાં ગયાં.
મનુભાઈની આંખ મળી ગઈ લાગી એટલે સહેજ પણ અવાજ ન થાય તેની કાળજી રાખી સરલાબહેન કપડાં બદલી સૂતાં.
‘ કેમ મોડું થયું? બાની તબિયત તો સારી છે ને? ‘
સરલાબહેને ટૂંકમાં ધનુબાથી ફરી ખાટલો ભીનો થઈ ગયો તે કહ્યું.
‘તો, બોલ હવે શું કરવું છે?’
‘કાલે ડૉકટરની એપોંઈટમેંટ લઈ લઉં પછી જોઈએ. અને હવે આમે ય હું ઘરે જ છું એટલે વાંધો નહી આવે. અને પ્લીઝ હવે તમે ક્યારેય બા માટે ઘરડાંઘરની વાત નહી કરતાં, બિચારા ખૂબ ડરી ગયાં છે. ચાલો હવે તમે પણ સૂઈ જાવ , ગઈકાલે ય સરખું સૂતાં નથી. શૉપ પર જવાનું મોડું થશે.’
બીજે દિવસે સરલાબહેન શૉપ પર ગયાં ત્યારે મનુભાઈ સાથે, લતાબહેન ને નીલેશકુમારને કઈ રીતે પ્રીતની વાત જણાવવી તે ચર્ચતાં રહ્યાં, પરંતુ કોઈ સહેલો રસ્તો મળતો નહોતો. વળી જે છોકરી એ લોકોને પ્રીત માટે ગમી છે તેને જલદી જવાબ આપવાનો હોય હવે મોડું કર્યે પાલવે તેમ નહોતું. આખરે એમ નક્કી કર્યું કે આ વાત લતાબહેનને ઘરે જઈને જ કરવી જેથી ધનુબાને એ વાત થી દૂર રાખી શકાય.
મનુભાઈએ લતાબહેનને ફોન જોડ્યો, ‘હેલો લતા, કેમ છે ?….હા હવે સાંભળ, પ્રીતે આ લોકોને વાત તો કરી છે પણ આમ ફોન ઉપર એ વાતો ન થાય એટલે ત્રણેય છોકરાંઓ અમારે માથે એ જવાબદારી નાંખતાં ગયાં છે.’
‘ત્રણે ય ગયાં યુનિમાં?’
‘હા પહોંચી ગયા ત્રણેય. હવે આજે સાંજે તમે બન્ને શું કરો છો?’
‘ખાસ કાંઈ નહીં.’ વાતની ગંભીરતાનો અણસાર લતાબહેનને આવી ગયો હોય તેમ પૂછી જ લીધું, ‘મનુ, સાચું કહેજે કાંઈ ગંભીર વાત છે ?’
‘ના, લતા, ગંભીર નહી પણ અગત્યની જરુર છે. પણ તું ચિંતા નહીં કર. વળી તમારે લોકોએ પેલી ઈન્ડિયાથી આવેલી છોકરીને જવાબ પણ આપવાનો છે ને? એટલે અમને એમ કે બને એટલી જલ્દી ચોખવટ થઈ જાય તેટલી સારી.’
‘ભલે તો મનુ, આજે સાથે જ જમીશું, સરલા પણ આવશેને?’
‘હા અમે બન્ને જણ આવીશું’. ઘરે બા પાસે સ્નેહાને બેસાડી આવીશું. ચાલ, સી યુ ઈન ધ ઈવનિંગ, અબાઉટ સાડાસાતેક વાગ્યે આવીશું, ઓ.કે. જેશ્રીકૃષ્ણ !’
સરલાબહેન શૉપનું કામ કરતાં કરતાં બન્ને ભાઈ-બહેનની વાતો સાંભળતાં હતાં. બહેન અને બનેવીને આટલી ગંભીર વાત કઈ રીતે કરવી તે વાત મનુભાઈને મુંઝવતી હતી તે સ્પષ્ટ એમના મોં પર વંચાતી હતી. તે જોઈ સરલાબહેને સૂચવ્યું, ‘જુઓ આપણને ખબર છે કે વાત ગંભીર અને સંવેદનશીલ પણ છે. જો તમને મારામાં વિશ્વાસ હોય તો મને વાતની શરૂઆત કરવા દેજો. તમને શું લાગે છે ?’
‘સાચું કહું મને તો કાંઈ સમજમાં જ આવતું નથી. એની વે, તું જ શરૂઆત કરજે ને, પછી તક મળ્યે હું ય વાતમાં જોડાઈશ.’
થોડું જરૂરી શૉપીંગ કરીને સરલાબહેન ઘરે પહોંચ્યા ત્યારે એક અજાણી અંગ્રેજ સ્ત્રી સાથે સ્નેહાને વાતો કરતી જોઈને નવાઈ લાગી. વળી તેઓ જેવા ઘરમાં ગયા કે બન્ને જણ કાંઈ ખાનગી વાતો કરતાં હોય તેમ ચૂપ થઈ ગયાં. સ્નેહાએ વિવેક પૂરતી તેમની ઓળખાણેય ન કરાવી તે જોઈને સરલાબહેનને અજૂગતું તો લાગ્યું પણ સ્નેહા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી –જે હશે તે યોગ્ય લાગશે તો સ્નેહા પછી કહેશે જ ને!- એમ વિચારી કામે વળગ્યાં.
થોડીવારમાં પેલી સ્ત્રી ગઈ એટલે સ્નેહાએ અપરાધ કર્યો હોય એવા ભાવ સાથે આવીને સરલાબહેનને પાછળથી એક ‘હગ’ આપી, ‘સોરી’ કહ્યું.
‘શાનું સોરી કહ્યું તેં’ અજાણ્યા બની એ બોલ્યાં.
‘મને ખબર છે, સારી મેનર ની દ્રષ્ટીએ મારે તમારી ઓળખાણ સુઝાન સાથે કરાવવી જોઈતી હતી પરંતુ એ ઈચ્છતી હતી કે તે અહીં આવી છે તેની કોઈને ખબર ન પડવી જોઈએ, એટલે….’
‘તો પછી શા માટે મને કહે છે, બેટા? મને તારામાં ૧૦૦% વિશ્વાસ છે કે જે તું કરે છે અને કરીશ તે યોગ્ય જ હશે !’
‘પણ મારે તમને કહેવું છે એટલે કહું છું, એ….. ભાવિનની ગર્લફ્રેન્ડ છે ‘ સરલાબહેન તો આ અણધારેલે વાત સાંભળે અવાચક જ રહી ગયાં. ‘અરે, તું એને ક્યાંથી ઓળખે?’
સ્નેહાને ગઈકાલે રેસ્ટોરંટમાં કિશન, એની અને ભાવિન વચ્ચે શું બન્યું તે, હાલ પૂરતું કહેવું નહોતું, એટલે વાત ટૂંકાવતા કહ્યું, ‘એ લાંબી વાત છે ફોઈ, પરંતુ તમે માનશો સુઝાનને અમારાં લગ્નની કે એ પછી બનેલી કોઈ ઘટનાની જરાય ખબર નથી. અને મેં જ્યારે ‘હું ક્યાં રહું છું એ જણાવ્યું એટલે આજે એ બધી વાતો જાણવા આવી હતી.’
‘હું નથી માનતી કે એને કાંઈ જ ખબર જ ન હોય ! ભવિન અમેરિકા ગયો. ઈંડિયા ગયો અને વચ્ચે જેલમાં જઈ આવ્યો એની એને કાંઈ જ ખબર ન હોય એ કેમ બને ?’
‘ફોઈ, હું માનુ છું ત્યાં સુધી એ સાચે જ નિર્દોષ છે. ભાવિન જ્યારે જ્યારે એની સાથે લાંબો સમય માટે ન હોય ત્યારે સુઝાનને પહેલેથી એવું કહી રાખ્યું હતું કે એણે જ એની મમની સંભાળ રાખવાની હોવાથી એને બહારગામ અથવા પરદેશ પણ લઈ જવી પડે, અને જ્યારે એવું થાય ત્યારે એણે ભાવિનને ફોન ન કરવો, નહી તો એની મમને, એ લોકોના સંબંધની, સાથે રહે છે એની અને એક બાળક છે એની ખબર પડી જશે. અને એ બિચારીએ એ સાચું માની લીધું હતું. ભાવિને ખૂબ હોંશીયારીથી એનાથી વાત છૂપાવી હતી. બાકી એની મમને તો એ ખબર છે જ એટલે તો ભાવિનને પરાણે લગ્ન કરાવ્યા અને પાછા મને શીખમણ આપતાં કે સાચી હિંદુ સ્ત્રી, પતિને ખોટે માર્ગેથી પાછી વાળે, તેમ મારે પણ કરવાનું છે !’
‘પણ એ કહેને એ તને મળી ક્યાં? અને તને ક્યાંથી ખબર કે એ ભાવિનની ગર્લફ્રેંડ છે?’
પ્રશ્ન ખૂબ સચોટ રીતે સરલાબહેને પૂછ્યો હતો પણ સ્નેહા પણ હવે હોંશીયાર થતી જાય છે, ‘ફોઈ એક ખાસ કારણસર હમણાં હું તમને કહી શકું તેમ નથી કે એ મને ક્યાં મળી હતી. પરંતુ જ્યારે એ મને મળી ત્યારે ભાવિન એની સાથે જ હતો. પછી તક મળતાં જ મેં એને જણાવી દીધું કે –હું ભાવિન દ્વારા જ ડોમેસ્ટિક વાયોલન્સની ભોગ બનેલી અને એની ત્યજાયેલી પત્ની છું. અને હમણા ભાવિનના મમની નેક્ષ્ટ ડોર નેબરને ત્યાં રહું છું. એને મેં એટલા માટે કહ્યું કે હું માનું છું કે એને એના બોયફ્રેંડ્ની સત્ય હકીકતો જાણવાનો પૂરો હક્ક છે.’
‘ઓહ, એટલે એ બધું જાણવા આવી હતી એમને ? વાહ, મારી બહાદૂર બચ્ચી, તેં જે કર્યું તે યોગ્ય જ કર્યું. પણ હા, એનું રીએકશન શું આવ્યું?’
‘ઓફ કોર્સ શી વોઝ વેરી એંગ્રી.’ પછી વિચારમાં હોય તેમ ધીમે ધીમે પોતાના મનને તપાસતી હોય તેમ બોલી, ‘ફોઈ, સાચે જ મારે ભાવિનને સજા કરાવવા માટે નહીં પરંતુ એક સ્ત્રી થઈને બીજી એક સ્ત્રીને કોઈ આ રીતે ભોળવી જાય તે થવા દેવું નહોતું, એટલે મેં એને બધું જ કહ્યું. અને આટલું બધું બન્યું અને ભાવિને જે રીતે એને છેતરી તે સાંભળી એ પહેલાં તો શૉક થઈ ગઈ…..યુ નો ફોઈ, એ સાચે જ ભાવિનને ચાહતી હોય એમ લાગ્યું.’
‘ભાવિનને ખબર છે એ અહીં આવી હતી તે ?’
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com