બીઝનેસ સૂત્ર | ૫.૩| વિક્રમ અને વેતાલ

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

બીઝનેસ સૂત્ર | | શિક્ષણ

સીએનબીસી – ટીવી ૧૮ પર રજૂ થયેલ દેવદત્ત પટ્ટનાઈકની ધારાવાહિક શ્રેણી ‘બીઝનેસ સૂત્ર’ના પહેલા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ‘કોર્પોરેશન‘ના વિષયની ચર્ચા કોર્પોરેશનનો અર્થ, તેનો હેતુ અને તેના દૃષ્ટિકોણના ફલક એમ ત્રણ ભાગમાં કરી. નેતૃત્ત્વની ભૂમિકા અને ખાસીયતો, નેતૃત્ત્વનો સંદર્ભ અને જૂદાં જૂદાં વ્યાપાર ચક્રમાં નેતૃત્વ એમ ત્રણ ભાગમાં આ શ્રેણીના બીજા વિષય તરીકે દેવદત્ત પટ્ટનાઈકે નેતૃત્વ વિષે હિંદુ પુરાણોના દૃષ્ટિકોણની રજૂઆત કરી છે. બીઝનેસ સૂત્ર શ્રેણીના ત્રીજા અંકમાં દેવદત્ત પટ્ટનાઈકે ધર્મ : નીતિશાસ્ત્ર અને તેને અનુરૂપ નૈતિક આચાર-વિચારને ધર્મ અને સંકટ, માલિકના તેમની સંસ્થા સાથેના સંબંધ અને રામાયણ અને મહાભારત એમ ત્રણ ભાગમાં સાંકળી લીધેલ છે. ચોથા અંકમાં સંઘર્ષની ચર્ચા નિયામક મંડળ અને મુખ્ય સંચાલન અધિકારી વચ્ચે થતા રહેતા સંઘર્ષો અને ‘સાધ્ય સાધનને ઊચિત ઠેરવી શકે’?ના સંદર્ભમાં કરેલ છે.

‘બીઝનેસ સૂત્ર’ શ્રેણીના આ પાચમા અંકમાં સંચાલક તેની ભાવિ જવાબદારીઓ સક્ષમપણે સંભાળી શકે તે મુજબનું શિક્ષણ પૂરૂં પાડવાની ચર્ચાના પહેલા ભાગમાં પ્રાયોગિક શિક્ષણની વાત કરવા માટે રામનાં શિક્ષણ અને બીજા ભાગમાં આવનારી પેઢીને વર્તમાન પેઢીના અનુભવોનું જ્ઞાન હસ્તાંરિત કરવાની વૈતરણીને પાર કરવા નાં રૂપક દ્વારા ચર્ચવામાં આવેલ.

પાંચમા અંકના ત્રીજા ભાગમાં વિદ્યાર્થીના શિક્ષણ પ્રત્યેના ઉત્સાહ વિષે ચર્ચા કરવામાં અવી છે.

બીઝનેસ સૂત્ર | ૫.૩| વિક્રમ અને વેતાલ

અહીં રજૂ કરેલ ચિત્રમાં ‘તાલીમ’ને લઈને જૂદાં જૂદાં તાલીમાર્થીઓના પ્રતિભાવો દર્શાવ્યા છે:

મૅનેજમૅન્ટ વિષયો વિષે તાલીમ પૂરી પાડનારાંઓ માટે કે પછી તાલીમાર્થીઓ માટે આ પ્રતિભાવોમાં કદાચ કશું અચરજ છૂપાયેલું નહીં જણાય.

અને તેમ છતાં, તાલીમ આપનાર અને તાલીમ લેનાર એ બન્ને હિતધારક પક્ષો તાલીમ દરમ્યાન પોતાની અંદરથી આપમેળે સ્ફુરતા ઉત્સાહથી સક્રિયપણે ભાગ લે એ વિષય પર પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ સાહિત્યમાં પ્રચુર સામગ્રી જોવા મળશે.

કોઇ પણ પ્રવૃતિ થવા પછળ એક સિધ્ધાંત હોય છે અને કોઈ પણ સિધ્ધાંત અમલ થયા સિવાય અધૂરો બની રહે છે એ ન્યાયે, તાલીમ માટેનો સિધ્ધાંત અને તેનો અમલ બાબતે એક જ પ્રતિનિધિ લેખની આપણે અહીં વાત કરીશું

Learning Motivation And Performance – અસરકારક તાલીમ કાર્યક્રમોનાં ઘડતર અને અમલની પાછળ વયસ્ક વ્યક્તિ કેમ શીખે છે અને તે માટે પ્રોત્સાહક બળો કયાં છે તે અંગેના સિધ્ધાંતો અને સિધ્ધાંત રચનાઓ રહેલ છે. પ્રોત્સાહન માટેના સિધ્ધાંતોને સમજવાથી પોતાની સંસ્થાને લાગુ પડતા આગવા સંદર્ભોસાથે સુસંગત એવા સિધ્ધાંતોને લાગુ કરીને સંચાલક તેનાં કર્મચારીઓની કામગીરી વધારે અસ્રકારક કરવા પ્રયાસ કરતો રહે છે. તાલીમને પણ આ જ વાત લાગુ પડે છે. એક કંપની માટેનો તાલીમ કાર્યક્રમ બીજી કંપનીમાં ચાલશે કે કેમ તે બીજી કંપનીની અને લાગતાં વળગતાં તાલીમાર્થીઓની સાંદર્ભિક જરૂરીયાતો તેમ જ તેની તાલીમ તંત્રવ્યવસ્થાઓ પર આધાર રાખે છે. એ સંદર્ભને સમજ્યા સિવાય કોઈ પણ તાલીમ કાર્યક્રમની બેઠી નકલ બધા જ પક્ષો માટે હાનિકારક નીવડી શકે છે. પ્રસ્તુત લેખમાં ‘એ લોકો કેમ વિરોધ કરે છે અને તે અંગે હું શું કરી શકું?’ એ બાબતની બહુ સરળ ચર્ચા કરવામાં આવી છે.

કોઈ પણ સંસ્થાના વરિષ્ઠ સંચાલક મંડળની સદૈવ એક અપેક્ષા રહે છે કે તેમની સંસ્થા ભવિષ્યના પડકારો માટે જરૂરી જ્ઞાન અને કૌશલ શીખતી રહે.

એટલે સ્વાભાવિક સવાલ છે કે How do you define a learning organization?

The Fifth Disciplineના લેખક પીટર સેન્ગ આ સવાના જવાબમાં સૌથી પહેલાં તો સૂચવે છે ‘અઘરા શબ્દપ્રયોગો ટાળો’ અને આખી સંસ્થા એક સાથે સફળતાપૂર્વક કામ કરે તે બાત પર ધ્યાન આપો., તેમનું કહેવું છે સંસ્થામાં બે પરિબળ જ મહત્વ ધરાવતાં હોય છે – નિયંત્રણ અથવા શીખવું. સવાલ એ છે તમારી સંસ્થામાં કયું પરિબળ વધારે પ્રભાવી છે? સંસ્થા શીખતી રહે તે માટે કયાં પરિબળો પ્રભાવી રહેવાં જોઈએ તેની તેઓ અહીં ચર્ચા કરે છે:

Is Yours a Learning Organization? એ કેમ શોધી કાઢવુ? એચબીઆરના આ લેખમાં લેખકો David A. Garvin , Amy C. Edmondson ,Francesca Gino આ બાબત પરનું એક વૈચારિક મળખું પ્રસ્તુત કરે છે. આ લેખ વાંચવાની સાથે હાવર્ડ બીઝનેસ સ્કૂલનાં પ્રાધ્યાપકો ડેવિડ ગાર્વિન અને એમી એડમન્ડસનના એક ઇન્ટરવ્યુની વિડીયો ક્લિપ પણ જોઈએ –

A Learning Organization –

સેલ્સમેન અને લેખક ઝિગ ઝિગ્લર લખે છે કે ‘તાલીમ આપવા છતાં લોકો છોડીને જતાં રહે તેના કરતાં એક બાબત વધારે ખરાબ હોઈ શકે – તાલીમ આપયા સિવાય પણ લોકો ટકી રહે.’ શીખતી રહેતી સંસ્થામાં તાલીમ દ્વારા થતી જ્ઞાન વૃધ્ધિ એકબીજાં સાથે કામ કરવાની આડ પેદાશ છે. ભવિષ્યમાં શું જરૂર પડશે તે એકબીજાં જ એકબીજાંને શીખવાડતાં રહે.

સંસ્થાએ શીખતાં રહેતાં માટે શું કરતાં રહેવું જૉઇએ એ વિષે પણ પાશ્ચાત્ય મૅનેજમૅન્ટ સાહિત્યમાં ઉચ્ચ ગુણવત્તાયુકત સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધે છે. દરેકને શું જોઈએ છે અને પોતાને શું માફક આવશે તે પસંદ કરવાનું અને નક્કી કરવાનું કામ આપણે આ તબક્કે સુજ્ઞ વાચક પર જ છોડી દઈશું.

પ્રોત્સાહિત તાલીમાર્થીના આજના વિષયની ચર્ચા માટે ‘બીઝનેસ સૂત્ર’ લેખમાળાના પાંચમા અંકનાત્રીજા ભાગમાં દેવદત્ત પટ્ટનાઈક વિક્રમ અને વેતાલની ખૂબ જાણીતી લોકકથાનાં રૂપકનો આધાર લે છે.

શાળા છૂટવાનો ઘંટ વાગે ત્યારે છોકરાંઓ શું કરે છે તેના પર ક્યારેય ધ્યાન આપ્યું છે?

ઘંટ વાગતાંવેંત સૌથી પહેલી તો હર્ષની ચીચીયારીઓ કાને પડે છે અને પછી ધોધની જેમ છોકરાઑ શાલામાંથી બહાર ધસતાં દેખાય.

બહાર ભાગતાં છોકરાંઓની એ હર્ષ કીકીયારીઓ પાળેલાં જાનવર જેવી છે જેને ઝાલીબાંધીને શાળાનાં પાંજરામાં ધકેલી દીધા હતાં અને હવે તેમને મુક્ત કરાયાં છે.એને શાળામાંથી ભાગી છૂટવું છે.આ છે આપણી શિક્ષણ વ્યવસ્થાની, કે પછી કંપનીઓમાં તાલીમ અંગેની વ્યવસ્થાની વાસ્તવિક, ભલે કમનસીબ, સ્થિતિ. કંપનીના તાલીમ વર્ગ દરમ્યાન તાલીમાર્થીઓ લંચબ્રેક કે ટી બ્રેકની જ રાહ જોતાં હોય કેમ કે કોઈ પણ સત્રમા અમુક સમય પછી તો આંખ ખોલી રાખવી જ મુશ્કેલ બની જતું હોય છે. ૯.૩૦થી ૧૦.૩૦નાં સત્ર જેવી અનેક રીતથી વ્યક્તિને હેળવવા માટે કરીને એક જગ્યાએ બાંધી દેવામાં આવતી હોય તેવું અનુભવાય છે. માહિતી અને નિયમોની હેલીનું મગજ પર એવું આક્રમણ થાય છે કે ભલભલું માણસ ત્રાસી ઊઠે.આ બધામાં એક સાવ સીધી વાત ધ્યાન પર નથી આવતી લાગતી અને તે એ છે કે વિદ્યાર્થી /તાલીમાર્થીની શાળા/તાલીમવર્ગમાં આવવા માટે સ્વેચ્છા હતી કે નહીં? અહીં તો તેને અંદર ધકેલી અને પછી તેના ટુકડેટૂકડા કરી નંખાતા જોય એવી સ્થિતિ જણાતી હોય છે. શિક્ષણ કે તાલીમની આખી વ્યવસ્થા હિંસક સ્વરૂપ લઈ લેતી જણાય છે.

આપણે હવે પ્રાચીન ભારતની શિક્ષણ – તાલીમ પધ્ધતિમાં શું અલગ છે તે જોઈએ. એ સમજવા માટે એક એક શ્રેષ્ઠ રૂપક છે – વિકમ અને વેતાલની લોકકથાનું. વિક્રમાદિત્ય મહાન રાજવી હતો. એક દિવસ એક તાંત્રિક તેની પાસે આવીને કહે છે કે મને એક વેતાલ જેવું પ્રેત મેળવી આપ. વિકમાદિત્ય તો બહુ વિશાળ હૃદયનો રાજા હતો એટલે તેણે કહ્યું કે, ભલે તમે જે કંઈ માગશો તે હું હાજર કરીશ. વિક્રમાદિત્ય વેતાલને શોધવા સ્મશાન ભૂમિ પહોંચે છે. તેને સૂચના છે કે ત્યાં એક વડ ઉપર પ્રેત ઊંધે માથે લટકતું હશે. તેને ઉતારીને ખભા પર લઈ આવવાનું છે. રસ્તામા તેની સાથે એક શબ્દ પણ બોલીશ તો પ્રેત પાછું ઝાડ પર લટકી જશે અને તારે આખી કસરત ફરીથી કરવી પડશે.

રાજા સ્મશાન પહોંચીને જૂએ છે કે પ્રેત ઝાડ પર ઊંધું લટકતું હતું. પ્રેતને ઉતારીને ખભે લટકાવીને રાજા ચાલી નીકળ્યો. પ્રેતને પકડાવું નહોતું એટલે તે રાજાને બોલાવવા માટે થાય એટલી કોશીશ કરતું હતું. પરંતુ એ ગમે તેટલા સવાલો પૂછે પણ વિક્રમાદિત્ય તો ચૂપ જ રહેતા. એટલે વેતાલ એક નવો માર્ગ વિચારે છે. એણે રાજાને કહ્યું કે હું તને એક વાર્તા કહીશ, જેના અંતમાં હું તને એક સવાલ પૂછીશ. તને જો એ સવાલનો જવાબ ખબર હશે અને તેમ છતાં જો તું જવાબ નહીં આપે તો તારા માથાનાં હજાર ટુકડા થઈ જશે. પણ જો તને જવાબ ખબર ન હોય અને તું ચુપ રહીશ તો કંઈ વાંધો નહીં. મૅનેજમૅન્ટ શિક્ષણની ભાષામાં આ પધ્ધતિને આપણે કેસ સ્ટડી પધ્ધતિ તરીકે ઓળખીએ છીએ.

હા, હાવર્ડમા તો એ પધ્ધતિ વર્ષોથી બહુ અસરકારક પરિણામો સાથે અપનાવાઈ છે.

હા, હાવર્ડમાં અપનાવે એટલે પછી બાકીની દુનિયા માટે તો સ્વીકૃતિનો સીક્કો જ લાગી જાય ! Smile

આમ વેતાલ દરેક વાર્તાને અંતે રાજાને સવાલ પૂછે, વિક્રમાદિત્ય તો બહુ વિચક્ષણ રાજા હતો એટલે તેને જવાબ પણ ખબર હોય. એ જવાબ આપે એટલે વેતાલ ફરી પાછો વડ પર જઈને લટકી જાય. આમને આમ વેતાલે ૨૪ વાર્તા કહી, ૨૪ વાર સવાલ પૂછ્યા અને વિક્રમાદિત્યે ૨૪ વાર જવાબ પણ આપ્યા અને ચોવીસે ચોવીસવાર, રાજા ધુંવાફુંવા થતો રહ્યો, પણ, વેતાલ પાછો વડ પર લટકી જતો. દરેકે દરેક વાર વિક્રમાદિત્ય ફરીથી સ્મશાન જાય, વેતાલને ઝાડ પરથી ઉતારે અને દરેક વખતે એક નવી વાર્તા કહેવાની પ્રક્રિયાનું પુનરાવર્તન થાય.

આ એક પુનરાવર્તીત ઘટના છે. જેમ વેચાણનાં, કે આખી સંસ્થાની કામગીરી માટેનાં દરેક ત્રિમાસે લક્ષ્ય નક્કી થાય, એ માટે સવાલો પૂછાય, ઓછાં વધારે કામ થવા માટે કંઈને કંઈ સમજૂતિઓ અપાય અને લક્ષ્ય સિધ્ધ કરવા તમને ફરી પાછા લટકાવી દેવાય. આ આખી પ્રક્રિયાનાં પુનરાવર્તન એટલી હદે કંટાળાજનક બની જાય છે કે તેમાંથી નાસી છૂટવાનું જ મન થાય.

ખેર, ૨૫મી વાર વિક્રમાદિત્ય જવાબ નથી આપી શકતો.

હા, ખરેખર જે તેને જવાબ નહીં ખબર હોય, નહીંતર તો તેના માથાંના હજાર ટુકડા થઈ જાત !

વિક્રમાદિત્યએ હાશકારાનો શ્વાસ લીધો, ‘હવે હું વેતાલ તાંત્રિકને સોપી દઈ શકીશ.’ વેતાલે, ફિલ્મી અદાવાળું, અટ્ટહાસ્ય કર્યું તેણે રાજાને કહ્યું, તું ખરેખર મૂરખ છે. તને સમજાવું જોઈએ કે જેટલી વાર તું જવાબ આપી શક્યો એટલી વાર તેં પોતાનો જાન જ બચાવ્યો છે. સવાલનો જવાબ ન આપી શકવાની સ્થિતિમાં તો તું વધારે મુશ્કેલીમાં છે. જેવો તું મને તાંત્રિક પાસે લઈ જઈશ, એ મને એક બાટલીમાં પૂરી દેશે અને મને જિન બનાવી દેશે. હું એક મહાશક્તિશાળી જિન બની રહીશ. મારી પાસે સૌથી પહેલવહેલું કામ એ કરાવશે તને મારી નાખવાનું.

‘જેટલો સમય તું સમસ્યા નિવારણમાં પરોવાયેલો હતો, સમસ્યાનો હલ ન કાઢી શકવાને કારણે ગુસ્સે થઇ જતો હતો, ત્યારે એક વાત તારા ધ્યાનમાં નહોતી આવતી, કે તું આ કારણથી જ રાજા છો. તારૂં અસ્તિત્ત્વ જ સમસ્યાઓનો હલ કરવ અમાટે નિર્માયું છે. ‘મારે જિંદગીમાં કોઈ સમસ્યા નથી જોઈતી’ એમ કહેવાને બદલે તારે તો સમસ્યાઓને આવકારવી જોઇએ. તારી આસપાસ સમસ્યાઓ જ નહીં રહે તો તું રાજા થઈને કરીશ શું?’

વાહ, આ તો બહુ સરસ રૂપક છે. જે દિવસે પ્રશ્નો નહીં હોય એ દિવસથી રાજા તરીકે તમારૂં મહત્ત્વ પણ નહીં રહે.

જ્યાં પ્રેતોનો વાસ છે એ સ્મશાન ભૂમિ તાલીમ વર્ગ છે. અહીં વ્યાપાર કે જીવનને લગતી કોઈ જ પ્રવૃત્તિ નથી થતી. સ્મશાન ભૂમિમાં વેતાલ હોય કે તાલીમ વર્ગમાં પ્રશિક્ષક કે તાલીમ વ્યવસ્થા કરનાર હોય કે કોઈ ગુરુ હોય, કે એવી કોઈ પણ ભૂમિકા ભજવનાર વ્યક્તિ કે સંસ્થા હોય, તાલીમમાંથી એને તો કંઈ મળવાનું નથી. એને તો એનું મહેનતાણું મળી રહેશે. તાલીમ સારી રહી કે ન રહી, તેનાથી કંઈ મેળવવાનું કે ગુમાવવાનું તો તાલીમાર્થીએ જ છે. માટે જ, વિક્રમાદિત્યએ સ્મશાન ભૂમિમાં જવું પડે છે, વેતાલ તેની પાસે નથી આવતો.

પ્રાચીન ભારતમાં કે પછી ત્રણ ચાર દાયકા પહેલાં સુધી પણ, શિક્ષક વિદ્યાર્થી પાસે જતો નહીં. પોતાની શાળા કે કૉલેજ કે વર્ગની તે જાહેરાત કરતો નહીં. જેને ભણવું છે તે જાતે આવશે, જેને નથી ભણવું એ નહીં આવે. શાળા, કૉલેજ કે વર્ગમાં જઈને ભણવામાં ફાયદો વિદ્યાર્થીનો જ હતો.

આપણને હંમેશાં કહેવામાં આવ્યું છે કે ભૂખ્યાંને અન્ન નહીં પણ અન્ન મેળવવા માટે એણે કેમ કમાવું જોઈએ એ શીખવવું જોઈએ. ભારતીય પધ્ધતિ અલગ રહી છે. એમા તો એમ કહેવાયું છે કે તેને અન્ન ન આપો, અન્ન મેળવતાં રહેવા માટે કેમ કમાવું એ પણ ન શીખવો, પણ પોતાના પગ ઉપર ઊભા રહેવા તેણે શું કરવું ઉચિત રહેશે તે શોધી કાઢવા તેને પ્રેરિત કરો – સક્ષમ કરો. આ જ એક એવો ઉપાય છે સંપોષિત રહી શકે છે. શિક્ષકનું કામ જ એ છે. જેટલો એ પોતાના વિદ્યાર્થીમાં પ્રેરણા સીંચી શકશે, એટલો જ એનો પણ વિકાસ થશે. બન્ને પક્ષ અભૌતિક કક્ષાએ સંપોષિત ફાયદામાં રહે એ જ ખરૂં સરસ્વતી દાન છે.

આમ, આ ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કોઈ પણ તાલીમ સ્વયંપ્રેરિત તાલીમાર્થી અને સ્વયંપ્રેરિત પ્રશિક્ષક વચ્ચે અભૌતિક આદાનપ્રદાનનાં સ્વરૂપે થવી જોઈએ. તાલીમનાં પરિણામે તાલીમાર્થી અને પ્રશિક્ષક એ બન્નેનાં જ્ઞાન, અનુભવમાં વધારો થવો જોઈએ. એ કરવા ખાતર કરવાની છે એવી પ્રવૃત્તિ સ્વરૂપે ન થવી જોઈએ. એ એવું દાન બનવું જોઈએ જેના પરિણામે બન્ને પક્ષ અભૌતિક કક્ષાએ વધારે સમૃધ્ધ બને.

દેવદત્ત પટ્ટનાઇક સાથેની બીઝનેસ સૂત્રની આ સફરનો હવે પછીનો પડાવ છે આ લેખમાળાનો છઠ્ઠો અંકનો વિષય છે ‘માપણી‘.


નોંધ: આ પૉસ્ટમાં ઉપયોગમાં લેવાયેલ દરેક ચિત્રના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ અબાધિત છે. અહીં તેમનો ઉપયોગ માત્ર ચર્ચાના સંદર્ભને સમજવામાં સરળતા રહે તે ઉદ્દેશ્યથી કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *