ફિર દેખો યારોં : લાગણી દુભાવાની મોસમ બારે માસ

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

એમ લાગે કે આપણા દેશની પ્રજામાં અચાનક ઈતિહાસગૌરવ જાગ્રત થઈ ગયું છે. વર્તમાન ભૂલીને તે માની લીધેલા ભવ્ય ભૂતકાળની ફિકર કરવા લાગી છે. રખે કોઈ એમ માની લે કે સમયાંતરે જે તે શાસકો દ્વારા ઈતિહાસનાં પાઠ્યપુસ્તકો સાથે કરાતાં ચેડાંનો તે વિરોધ કરી રહી છે. પ્રજાની જાગૃતિ ફિલ્મોમાં દર્શાવાતા ઈતિહાસ અથવા તો ઐતિહાસિક પૃષ્ઠભૂમિવાળી ફિલ્મોમાંના પાત્રનિરૂપણ બાબતે જાગી ઊઠી છે. ‘પદ્માવત’નો વિવાદ શમ્યો ન શમ્યો ત્યાં ‘મણિકર્ણિકા’ ફિલ્મનો વિવાદ શરૂ થઈ ગયો હતો. પણ હવે તેની સામેનો વિરોધ કામચલાઉ ધોરણે પાછો ખેંચવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ફિલ્મમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું અયોગ્ય ચિત્રણ કર્યું હોવાની માહિતી ‘સર્વ બ્રાહ્મણ મહાસભા’ (એસ.બી.એમ.)ને મળી હતી. આ સંગઠનના હોદ્દેદારોએ પત્ર દ્વારા ફિલ્મનિર્માતાઓ પાસે સ્પષ્ટતા માંગી હતી અને પોતાની વાત સાચી હોય તો ફિલ્મનું શૂટિંગ અટકાવવાની ધમકી આપી હતી. રાણી લક્ષ્મીબાઈ બ્રાહ્મણ હતાં, તેથી તેમના ચિત્રણને ફિલ્મમાં થતો અન્યાય સાંખી લેવામાં નહીં આવે એમ તેમણે જણાવ્યું હતું. અલબત્ત, નિર્માતા કમલ જૈન દ્વારા લેખિત ખુલાસો કરવામાં આવ્યો હતો કે ફિલ્મમાં આવી કોઈ બાબત નથી. કમલ જૈનના આ ખુલાસાને પગલે સંગઠનના પ્રમુખ સુરેશ મિશ્રાએ વિરોધ પાછો ખેંચ્યો હતો, પણ તેમણે જણાવ્યું હતું કે ફિલ્મમાં ઈતિહાસ સાથે ચેડાં થયેલાં માલૂમ પડશે તો તે સાંખી લેવામાં નહીં આવે. વિરોધનો આ પ્રકાર હવે જે રીતે વ્યાપક બની રહ્યો છે એ જોતાં સેન્‍સર બોર્ડની કશી જરૂર હોય એમ લાગતું નથી. સેન્‍સર બોર્ડ દ્વારા ફિલ્મ પ્રમાણિત થાય તેનું કોઈ મહત્વ જ નથી. સર્વોચ્ચ અદાલત દ્વારા ‘પદ્માવત’ને રજૂ કરવાની મંજૂરી મળી હોવા છતાં કેટલાંક રાજ્યોએ તેની પર પ્રતિબંધ મૂક્યો જ હતો.

જે ફિલ્મ હજી નિર્માણાધીન હોય અને તે અમુકતમુક કથા પર આધારીત હોય એટલી માહિતીના આધારે ફિલ્મનો વિરોધ શરૂ કરી દેવો એ કાર્યશૈલી વિવિધ સંગઠનોને ઠીકઠીક માફક આવી રહી છે. આ જાણીને સવાલ અવશ્ય થાય કે આપણા લોકોની ઈતિહાસસૂઝ આટલી તીવ્ર ક્યારથી થઈ ગઈ? ભૂતકાળનાં પાત્રોને પોતાના જ્ઞાતિ અથવા સમાજ પૂરતાં સીમિત કરવાથી જે તે સંગઠનો પોતાની મહત્તા ઉભી કરી શકતા હશે, પણ આવાં પાત્રોના કદને અવશ્ય ઘટાડી મૂકે છે. આ બાબતે સૌથી વિચિત્ર ભૂમિકા શાસક પક્ષની હોય છે. માની લીધેલી લોકલાગણીને કારણે તે જ્ઞાતિસંગઠનોને કશું કહી શકતી નથી. જ્ઞાતિસંગઠનો હિંસક બનીને ખાનગી યા જાહેર મિલકતને હાનિ પહોંચાડવા સુધી જાય તો પણ સરકાર મૂક પ્રેક્ષક બનીને તમાશો જુએ છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની પોતાની ફરજમાં તે ઉણી ઉતરે છે.

ક્યારેક એવી પણ શંકા પડે કે શું ફિલ્મના નિર્માતાઓ પોતાની ફિલ્મના પ્રચાર માટે આ હદે નહીં જતા હોય ને! ફિલ્મ એ મનોરંજનનું માધ્યમ છે, અને પ્રચાર તેનું ચાલકબળ છે. પ્રેમ અને યુદ્ધની જેમ પ્રચારમાં પણ બધું વાજબી ગણાતું હોય છે. જો કે, આવો તરીકો પ્રચાર માટે અપનાવાતો હોય તો એ ખતરનાક પુરવાર થઈ શકે છે. આ રીતે કેવળ ભસ્માસુર જ પેદા થાય છે, જે મૂળ નિશાન સાધવાને બદલે તેનું સર્જન કરનારને જ ભસ્મ કરવા દોડે છે. ‘પદ્માવત’ના મામલે દિગ્દર્શકનું માથું અને નાયિકાનું નાક કાપવાની ધમકી સુધી વાત પહોંચી એ જોતાં નિર્માતાઓ પ્રચાર માટે આવું કરાવતા હોય એ શક્યતા સાવ પાંખી છે.

ફિલ્મોના સાવ આરંભકાળે, એટલે કે 1920માં ઈન્‍ડિયન સિનેમેટોગ્રાફ એક્ટ તરીકે ઓળખાતો કાનૂન અમલી બન્યો, જેના અમલની સત્તા મુંબઈ, મદ્રાસ, કલકત્તા, લાહોર જેવાં મહાનગરોના પોલિસવડાઓ પાસે હતી. અલબત્ત, ત્યારે અંગ્રેજોનું શાસન હતું અને ફિલ્મ જેવા સમૂહમાધ્યમ થકી રાષ્ટ્રભાવનાનો પ્રચાર-પ્રસાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનો તેમનો મુખ્ય હેતુ હતો. સંસ્કૃતિના નામે આપણે આજે જે ધોરણો અપનાવ્યાં છે એ આરંભકાળે પ્રચલિત નહોતાં. તેથી ચકોર નિર્માતાઓ લુચ્ચાઈપૂર્વક એ જ સંસ્કૃતિની આડ લઈને સેન્‍સર બોર્ડને થાપ આપતા હતા, જેનો સૌથી હાથવગો દાખલો રાજકપૂરની કેટલીક ફિલ્મોનાં દૃશ્યોનો છે.

છેલ્લા થોડા સમયથી જે તરાહ શરૂ થઈ છે એ વિચિત્ર છે. ફિલ્મ શરૂ થાય ત્યારથી જ તેની સામે વિરોધ શરૂ થઈ જાય છે. ક્વચિત તેના સેટ પર તોડફોડ કરવામાં આવે છે, શૂટિંગ અટકાવવામાં આવે છે અને કલાકાર-કસબીઓ પર હુમલા થાય છે. ફિલ્મ પૂર્ણ થાય અને સેન્‍સર બોર્ડ પાસે જાય એ તબક્કો તો હજી ઘણો દૂર હોય છે. આવા મામલે સરકારની મૂક પ્રેક્ષક બની રહેવાની ભૂમિકા આડકતરી રીતે આવાં તત્ત્વોને પ્રોત્સાહન આપનારી બની રહે છે.

‘મણીકર્ણિકા’ ફિલ્મ અસલમાં લંડનસ્થિત લેખિકા જયશ્રી મિશ્રાના પુસ્તક ‘રાની’ પર આધારિત હોવાનું કહેવાય છે. આ પુસ્તક પર ઊત્તર પ્રદેશની માયાવતી સરકારે દસેક વર્ષ અગાઉ પ્રતિબંધ મૂક્યો હતો. ઈતિહાસ અને અન્ય સંદર્ભો પર આધારીત આ પુસ્તકમાં રાણી લક્ષ્મીબાઈના એક અંગ્રેજ સાથેના પ્રેમસંબંધનું નિરુપણ કરવામાં આવ્યું હતું, જેના માટે લેખિકાએ ચોક્કસ સંદર્ભનો આધાર લીધો હતો. એક તો આપણે ત્યાં પુસ્તક ખરીદીને વાંચવાની સંસ્કૃતિ નહીં, અને એમાંય અંગ્રેજી પુસ્તક! પણ પ્રતિબંધ મૂકીને લોકલાગણી જીતવાનો, અથવા તો અમુક સમૂહવિશેષને રાજી કરવાનો માર્ગ સરકારો માટે એકદમ હાથવગો છે. ફિલ્મમાં આવા પુસ્તકનો આધાર લેવાયો હોવાનું જાણવા મળે એટલે પત્યું. પુસ્તક વાંચવા કોણ જાય? એના કરતાં સીધી ધાકધમકી આપવી સહેલી પડે. કેમ કે, લાગણી તરત દુભાઈ જાય એવી હોય છે, બુદ્ધિ કે તર્ક ક્યાંથી દુભાય? લાગણી દુભાવાના ઉદ્યોગને પણ સરકારી પ્રોત્સાહન મળતું હોય પછી પૂછવું જ શું?

સવાલ એ છે કે આવી લાગણીદુભાવ પ્રજા આટઆટલાં વરસો વિદેશી શાસન તળે કેમ રહી? આંતરિક કુસંપ, મિથ્યાગૌરવ અને મિથ્યાભિમાન જેવાં પરિબળોને લીધે પરદેશીઓએ તેમની પર શાસન કર્યું ત્યારે તેમની લાગણી નહીં દુભાઈ હોય? એમ લાગે છે કે ઈતિહાસ રચવો, ઈતિહાસ જીવવો એના કરતાં લાગણીદુભાવ કાર્યક્રમ હેઠળ ઈતિહાસને મરડ્યો હોવાનું કહી તોફાન કરવું વધુ સરળ છે. એમ કરવાથી ઘણી બધી બાબતોમાંથી બચી જવાય છે. એમ લાગે છે કે હવે કેન્‍દ્રીય ફિલ્મ સેન્‍સર બોર્ડને વિખેરી દઈને વિવિધ જ્ઞાતિસમૂહોને એ સત્તા સોંપી દેવામાં આવે એ દિવસો દૂર નથી. સરકાર બાપડી ક્યાં ક્યાં પહોંચે? જ્ઞાતિમંડળના નાગરિકો ચૂંટણી ટાણે જ કામમાં આવીને પછી છટકી જાય એ કેમ ચાલે? મતબેન્કોને આ જવાબદારી સોંપી દેવાય તો સરકાર કમ સે કમ આ બાબતે નિરાંતનો શ્વાસ તો લઈ શકે!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫-૨–૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *