ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મણકો ૧૧ ==

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

સામાન્ય રીતે ભગવત રાવતની કવિતાઓ પૂર્વભૂમિકાની મોહતાજ નથી. આજની કવિતા એમાં નાનકડો અપવાદ એટલા પૂરતો કે કવિતાની નાયિકા તીજનબાઈ નામના જગવિખ્યાત છતીસગઢી પંડવાની ગાયક કલાકાર છે. આ તીજનબાઈ કોણ અને પંડવાની એટલે શું એનો સંક્ષિપ્ત પરિચય મેળવવો જરૂરી છે. એ મેળવીને સીધા કવિતા ભણી જઈએ.

હા, અગાઉ ઉલ્લેખી ગયા તેમ ભગવત રાવતની અનેક કવિતાઓ આપણી આજુબાજુના કેટલાક હાલ હયાત અથવા દિવંગત લોકો અથવા તો આમ કાલ્પનિક પરંતુ લગભગ જીવંત લાગે એવા લોકો વિષે છે. રસપ્રદ વાત એ પણ કે એમનો એક આખો કવિતા- સંગ્રહ ( એને એક સુદીર્ઘ કવિતા પણ કહી શકાય ) નામે  ‘ સુનો હીરામન ‘ ફણીશ્વરનાથ રેણુની અમર વાર્તા  ‘ મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ ‘ ના નાયક હીરામન ( જે ચિરસ્મરણીય ભૂમિકા એ વાર્તા ઉપરથી બનેલી ફિલ્મમાં રાજકપૂરે અદા કરી છે ) ને ઉદ્દેશીને લખાયેલ છે. પ્રયત્ન એ રહેશે કે આ લેખમાળાના સમાપનના બે હપ્તા એ સંગ્રહની બે કવિતાઓ વિશે લખાય. યોગાનુયોગ, અગાઉની શૈલેન્દ્રના ગીતોના રસાસ્વાદની શ્રેણી  ‘ હૈં સબસે મધુર વો ગીત ‘ ના અંતિમ બે મણકા પણ શૈલેન્દ્રના શ્રેષ્ઠ સર્જન  ‘ તીસરી કસમ ‘ અને એ ફિલ્મના બે ગીતો વિશે લખાયેલા. એ પરંપરાને જાળવી રાખવાની નેમ છે.

પંડવાની એટલે પાંડવ – સંગીત- કથા. છતીસગઢ, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને આંધ્રની આ કળા છે, જેમાં લોકગાયક મહાભારતના અલગ- અલગ પ્રસંગો એકતારા અથવા તંબૂરાની મદદથી રજૂ કરે છે. કથા જેમ આગળ ચાલે તેમ મુખ્ય કલાકારના હાથમાનું વાધ્ય ભીમની ગદા કે અર્જુનના તીરકમાન કે દ્રૌપદીના કેશનું સ્વરૂપ ધારણ કરે છે. કથાના વિરામો દરમિયાન કલાકાર સ્વયંભૂ નૃત્યની પ્રસ્તૂિત કરે. એને ટેકો આપવા સાથી ગાયકો અને વાદકો પણ ખરા. ગાયકો કથામાં વચ્ચે વચ્ચે સ્થાનિક શબ્દો, મુહાવરા અને ઘટનાઓ પણ ઉમેરે, પ્રેક્ષકો સાથે તાદાત્મ્ય અને પોતીકાપણું કેળવવા. મુખ્ય કલાકાર સહકલાકારો સાથે સતત સંવાદ જાળવી રાખે.

પદ્મભૂષણ તીજનબાઈ પછાત ગણાતી પારધી કોમના. એમના આગમન પહેલાં પંડવાની મહદંશે પુરુષોનું ક્ષેત્ર હતું. પંડવાની જાહેરમાં ગાવા બદલ શરૂઆતમાં તો એમને જ્ઞાતિમાંથી બહિષ્કૃત પણ કરવામાં આવેલા. વિખ્યાત નાટયકાર હબીબ તનવીરે એમની પ્રતિભા ઓળખી અને એમને રાષ્ટ્ીય અને આંતરરાષ્ટ્રીય ફલક પર લાવ્યા. તીજનબાઈ ઉપરાંત જદુરામ દેવાંગન, રિતુ વર્મા, શાંતિબાંઈ ચેલક વગેરે આ કળાના અન્ય જાણીતા નામ.

ભગવત રાવતના તીજનબાઈ ભણી જઈએ એ પહેલાં જૂઓ એમના દ્વારા રજૂ થયેલી પંડવાનીનો દ્રષ્ય – શ્રાવ્ય નમૂનો :

અને હવે તીજનબાઈની ભગવત રાવત લિખિત દાસ્તાન :

                                                       ==  तीजनबाई  ==

महाभारत गाती हैं तीजनबाई

दोहराती नहीं

गाती हैं

गाना दोहराना नहीं होता

हर बार नए सिरे से रचना होता है

 

हाथ में इकतारा लेकर गाते हुए

जब काल को आवाज़ लगाती हैं तीजनबाई

तो आकाश में देवता

हाथ जोड़कर खड़े हो जाते हैं

 

चपल अश्वों की रास थामे

जब पार्थ का रथ

अपनी देहयष्टि के सहारे से

मोड़ती हैं तीजनबाई

तो पार्थसारथि की आँखें

ठगी – सी रह जाती हैं

देखो तो घुटनों के बल पृथ्वी पर झुके हुए

अर्जुन को किस तरह अपनी आवाज़ से

ऊपर उठाती हैं तीजनबाई

 

बड़े – बड़े योद्धाओं को अपनी धुन पर नचाती हैं

चार क़दम चल कर पूरी पृथ्वी का

चक्कर लगा आतीं हैं

और फिर अपनी टेक पर

पूरी मंडली के साथ

छत्तीसगढ़ की भूमि पर

वापस लौट आतीं हैं

तीजनबाई

 

देस – बिदेस की जात्रा कर आईं

तीजनबाई

 

पहचानने लगी हैं

अलग – अलग तरह का चेहरा

रूप – रंग – बोली- बानी

जानने लगी हैं नई – नई तरह का

ज़ेवर – गहना – कपड़ा – लत्ता

घूम आईं हवाई जहाज़

बोलने लगी हैं फ़ोरेन

भोपाल – बंबई – कलकत्ता

जान गई अपने बोल का मोल

कर सकतीं हैं भावताव

गाँव – गली के हाट से

दुनिया के बड़े बाज़ार का

चक्कर लगा आई हैं तीजनबाई

 

तीजनबाई !

तुम तो कबसे गाँव – गाँव जाकर

अपने लोगों के बीच गाती रही

पंडवानी

लोग तुम्हें सुनते रहे मगन होकर और अपना

कठिन समय बिताते रहे

हमेशा हिम्मत ही तो बँधाता रहा उन्हें

तुम्हारा महाभारत

 

तो कभी पूछना तो अपने मुरारी से

कि प्रभो !

इन शहराती बबुओं को अचानक क्यों भाई

तीजनबाई

क्या हस्तिनापुर की ख़ुशहाली

छत्तीसगढ़ चली आई

क्या पलट गया मन दुर्योधन का

मिल गई सब को अपनी अपनी जोत की भूमि

क्या कोई एक इंच भूमि

भाई के लिए छोड़ने को है तैयार

क्या स्त्रियाँ अब नहीं रहीं संपत्ति

 

तो फिर कौन सी चौपड़ बिछी है

जिसकी गोटें तो दिखतीं हैं

पर पांसे अद्रष्य हैं

 

तीजनबाई !

सिर्फ़ तुम्हारा नाम ही नहीं है तीजनबाई

तुम तो जानती हो पूरी की पूरी एक क़ौम है

तीजनबाई

 

तुम दुनिया – जहान में घूम आना

गुंजा आना जगह – जगह अपना छत्तीसगढ़ी गाना

लेकिन उनके बीच जाना मत छोड़ना

उनके लिए गाना मत छोड़ना

जो तुम्हारा एक – एक बोल सच मानते हैं

जो न्याय और अन्याय

तुम्हारी ही बोली में

पहचानते हैं …

                                    – भगवत रावत

 

                            ગુજરાતી ભાવાનુવાદ :

                                                                ==  તીજનબાઈ  ==

મહાભારત ગાય છે તીજનબાઈ

દોહરાવતા નથી

ગાય છે

ગાવું એ દોહરાવવું નથી

દર વખતે નવેસરથી રચવું પડે છે

 

હાથમાં એકતારો લઈ ગાતાં – ગાતાં

જ્યારે કાળને આવાહ્ન કરે છે તીજનબાઈ

ત્યારે આકાશમાં

દેવતાઓ હાથ જોડી ઊભા રહી જાય છે

 

ચપળ અશ્વોની લગામ પકડી

જ્યારે પાર્થનો રથ

પોતાની દેહભંગિમાના ટેકે

વાળે છે તીજનબાઈ

ત્યારે પાર્થસારથિની આંખો પણ

વિમુગ્ધ બની થંભી જાય છે

જૂઓ તો ખરા, ગોઠણભેર પૃથ્વી પર ઝુકેલા

અર્જુનને કઈ રીતે પોતાના સાદથી

ઊભા કરે છે તીજનબાઈ

 

મોટા – મોટા યોદ્ધાઓને પોતાની ધુન પર નચાવે છે

ચાર ડગલાં ચાલીને સમગ્ર પૃથ્વીનો

આંટો લગાવી આવે છે

અને પછી સ્વયંના ટેકે

આખી મંડળી સાથે

છતીસગઢની ભૂમિ પર

પાછા ફરે છે

તીજનબાઈ

 

દેશ – પરદેશ ફરી આવ્યા છે

તીજનબાઈ

 

ઓળખવા લાગ્યા છે

વિવિધ પ્રકારના ચહેરા

રૂપ – રંગ – બોલી – વાણી

જાણવા લાગ્યા છે જાત – જાતના

અલંકાર – દાગીના – કપડા – લત્તા

વિમાનમાં ફરી આવ્યા

પરદેશી ભાષાઓ બોલવા લાગ્યા

ભોપાલ – મુંબઈ – કલકત્તા

પારખી ગયા પોતાના વેણનું મૂલ્ય

કરી શકે છે ભાવતાલ

ગામ – શેરીની હાટડીથી

દુનિયાના વિશાળ બજારનું

ચક્કર લગાવી આવ્યા તીજનબાઈ

 

તીજનબાઈ !

તું તો કેટલાય સમયથી ગામેગામ જઈ

પોતાના લોકો વચ્ચે ગાતી આવી છો

પાંડવ – કથા

લોકો તને સાંભળતા રહ્યા મગ્ન થઈ અને

પોતાનો આકરો સમય વીતાવતા રહ્યા

કાયમ હિંમત જ તો આપતું રહ્યું એમને

તારું મહાભારત

તો ક્યારેક પૂછજે તારા મુરારીને

કે પ્રભો !

આ શહેરવાળાઓને અચાનક કેમ ગમી ગઈ

તીજનબાઈ

શું હસ્તિનાપૂરની જાહોજલાલી

છતીસગઢ આવતી રહી

શું દુર્યોધનનું હૃદયપરિવર્તન થઈ ગયું

શું મળી ગઈ સૌ – સૌને પોતાની ખેતીજોગ જમીન

શું કોઈ એક તસુ જમીન પણ

પોતાના ભાઈ માટે છોડવા થયું તૈયાર

શું સ્ત્રીઓ મિલકત કહેવાતી મટી ગઈ

 

તો પછી કઈ ચોપાટ સંતાઈ છે

જેની ગોટીઓ તો દેખાય છે

પરંતુ પાસું ઓજલ છે

 

તીજનબાઈ !

માત્ર તારું નામ જ તીજનબાઈ નથી

તું તો જાણે છે એક આખી જાતિનું નામ છે

તીજનબાઈ

 

તું ભલે દેશ – પરદેશ ફરી આવ

ડંકો વગાડી આવ ઠેક – ઠેકાણે તારી છતીસગઢી ગાયકીનો

પરંતુ એ લોકોની વચ્ચે જવાનું ક્યારેય છોડીશ નહીં

એમના માટે ગાવાનું બંધ કરીશ નહીં

જે લોકો તારો એક – એક હરફ સત્ય માને છે

જે લોકો ન્યાય અને અન્યાય

પિછાણે છે

કેવળ તારી બોલી થકી ….

                                      – ભગવત રાવત

કવિતાનો પ્રથમાર્ધ મહદંશે તીજનબાઈનો પરિચય, પંડવાની અને નાનકડા ગામના સ્થાનિક કથાકારમાંથી એમના પરિવર્તન અંગે છે. અહીં કવિ કુશળતાપૂર્વક તીજનબાઈએ ધારણ કરેલા વ્યાવસાયિક કલેવર અને પ્રાપ્ત કરેલી વ્યાપારિક પારંગતતા ભણી પણ ઇશારો કરે છે. જો કે આ પ્રાસ્તાવિક વાતોમાં પણ ભારોભાર કવિતા છે.

એ એક અગત્યની વાતથી આરંભે છે. મહાભારત ( કે કોઈ પણ આખ્યાન કે ગીત )  ‘ વાંચી સંભળાવવું ‘ અને મહાભારત ‘ ગાવું ‘ એ બન્ને સદંતર અલગ વાત છે. આપણું સંગીતપ્રેમીઓનું સંધાન તુરંત એ વાતનું પ્રતિપાદન કરતી સ્મૃતિઓ સાથે થાય. કોઈ સાચો કલાકાર જ્યારે રફી કે લતા કે તલતનું ગીત ગાય છે ત્યારે શું એ કેવળ અસલ ગીતનું પુનરાવર્તન કરે છે ? હરગીઝ નહીં. એ પોતાનું મૌલિક ઘણું બધું એની અંદર ઉમેરે છે. સ્વર- કૌશલ, માધુર્ય, હલક, લહેજો અને બહુધા દર્દ પણ ! જેવી રીતે ગાયન એ પુનરાવર્તન નથી એવી જ રીતે પઠન. કવિતા- પઠન જાતે જ એક કળા છે, કવિતા- લેખનની જેમ. ઉમદા પઠનથી ઘણીવાર સામાન્ય કવિતામાં ચાર ચાંદ લાગી જાય અને ગલત પઠનથી બેહતરીન કવિતાના છોતરા નીકળી જાય ! આપણે એ જોયું અને અનુભવ્યું છે.

ઉપર દર્શાવેલ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે પાંડવ- કથાના કોઈ અન્યએ લખેલા શબ્દોમાં તીજનબાઈ પોતાનું પોતીકું કેટલું બધું ઉમેરે છે! પોતાની ભાવભંગિમાઓ અને હાથમાં પકડેલા એકતારાની મદદથી એ ક્યારેક અર્જુનના રથની દિશા બદલે છે તો ક્યારેક ભક્તિભાવે ઝુકેલા પાર્થને કૃષ્ણના આદેશથી ઊભા કરે છે ! નાનકડા સ્ટેજ પરની એમની જુસ્સાદાર ચાલ દ્વારા એ જાણે પૃથ્વી – સમગ્રનું ચક્કર લગાવી આવ્યા હોય એવો ભાસ ઊભો કરી જાણે છે.

પણ … પણ .. હવે કવિતા પોતાનો મિજાજ ધીમેકથી બદલે છે. ઉત્તરાર્ધમાં પ્રવેશતાં જાણે ભગવત રાવત જે ખરેખર દર્શાવવા માંગતા હતા એ ક્ષેત્રમાં આપણે પ્રવેશીએ છીએ. એ અણસારો પણ ન આવે એ રીતે તીજનબાઈને પ્રેમાળ અને આધિકારિક તૂંકારાથી સંબોધવાનું શરુ કરે છે. તીજનબાઈ છતીસગઢના અંદરૂની વિસ્તારના ગ્રામ્ય મહિલામાંથી રૂપાંતરિત થઈને હવે દુનિયાદાર – ચાલાક બન્યા છે. એમની કળા કદાચ એની એ રહી છે પરંતુ એમના વ્યક્તિત્વમાં હવે એક કુશળ વેપારી દ્રષ્ટિગોચર થાય છે. હવે એમને પોતાની કળાની કીમત નક્કી કરતાં અને વસૂલ કરતાં આવડી ગયું છે. હવે એ દુનિયાના વિશાળ બજારની વેચાઉ જણસ બન્યા છે. સમજદાર લોકો કહેશે કે એ તો બરાબર જ થયું ને ! સૌએ પોતાની કીમત અને એ વસૂલ કરવાની આવડત તો હાંસલ કરવી જ જોઈએ ને ! નહીંતર જગત તમને ફોલી ખાય. આ દલીલ પર કવિ ભગવત કદાચ માર્મિક સ્મિત વેરી ચુપ રહેશે !

એ તીજનબાઈની આંખમાં આંખ પરોવી એમને સીધા સંબોધે છે. તીજનબાઈ ! તું તો આગળ વધી ગઈ પણ તારા પોતાના છતીસગઢના દેહાતી, ગંવાર ભક્તોનું શું ? જે લોકો તારી કથાનો એક – એક અક્ષર સ્વયં ભગવાનનું વેણ માની ભરોસો કરતા રહ્યા એમનું શું ? જે લોકો તારી પંડવાનીના ટેકે – ટેકે ભવસાગરમાં માંડ માથું ઊંચું રાખીને મહામહેનતે તરતા રહ્યા એમને તું ભૂલી ગઈ કે શું ? તારી મહાભારત- કથા સાંભળીને શહેરના લોકો શું સુધરી ગયા ? વસ્તુત: બધું જેમ હતું તેમ નું તેમ છે. એ લોકો તારી વાતો મનોરંજન, દેખાડા અને કૌતુક ખાતર સાંભળવા આવે છે અને કથા પૂરી થતાં એ જ રમતો, ચાલો અને ગણતરીઓમાં રાચવા લાગે છે એ તને ખબર નથી શું ? આ તો બજાર છે. અહીં પ્યાદા દેખાય છે પણ પાસું અને એ ફેંકનાર હાથ અદ્રશ્ય છે !

તીજનબાઈ ! તું ભલે ગામડાના નાના ફલકને વળોટીને મોટા શહેરો અને પરદેશ સુદ્ધાં પોતાની કળાનું પ્રદર્શન ( કહો કે વેચાણ ! ) કરી આવી પણ જે ભોળા લોકો તારી કથાનો એક – એક હરફ સત્ય માનતા – હજી પણ માને છે – એમના ભણી કાયમી પીઠ ફેરવીશ નહીં. એક વર્ગ માટે તું નર્યું મનોરંજન છો તો બીજી તરફ આ લોકો છે જેમના માટે તારી કથા જ એક મોટો ટેકો છે. એ લોકો સત્યાસત્ય તારા વેણ થકી જ પારખે છે. એમને તરછોડીશ નહીં .

આપણે આવા કલાકારો જોયા છે. જોઈએ છીએ. સ્ટેજ પર ચલણી નોટોનો વરસાદ અને એ વરસાદને પોતાની કળાનો ચરમોત્કર્ષ માની ફૂલાતા કલાકારો. એમને કોઈક કહે કે અસલી કદરદાનો તો એ રહ્યા જોજનો ના જોજનો દૂર, જેમની પાસે વરસાવવા માટે નોટો તો શું, સિક્કા પણ નથી અને તમે ત્યાં જ તો ઊગીને ઊભા થયા હતા……!


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

6 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ == મણકો ૧૧ ==

 1. February 28, 2018 at 1:43 pm

  વાહ વાહ સર !!
  આ લેખમાળા ના મણકાઓ વાંચતા વાંચતા ધીમે ધીમે આગળ વધતાં વધતાં એવી પ્રતીતિ થતી જાય છે.જાણે હિન્દી ભાષા ના ભગવત રાવત નુ ગુજરાતી ભાષા ના ભગવાન થ।વરાની મા થઈ ગયું છે…અર્થાનુવાદ અને ભાવાનુવાદ બંને સુપેરે રજૂ કરવામાં આપનો કોઈ સાની નથી saheb

 2. February 28, 2018 at 1:48 pm

  . કોઈ સાચો કલાકાર જ્યારે રફી કે લતા કે તલતનું ગીત ગાય છે ત્યારે શું એ કેવળ અસલ ગીતનું પુનરાવર્તન કરે છે ? હરગીઝ નહીં. એ પોતાનું મૌલિક ઘણું બધું એની અંદર ઉમેરે છે. સ્વર- કૌશલ, માધુર્ય, હલક, લહેજો અને બહુધા દર્દ પણ !

  આ વાત ખૂબ ગમી……
  ભગવત રાવત બનામ ભગવાન થાવરાની….
  બંને ને સલામ….

 3. samir dholakia
  February 28, 2018 at 2:45 pm

  ભગવાનભાઈએ જો આ ભગવત રાવત પર ની લેખમાળા ના આપી હોત તો મારા જેવા ભગવત રાવતની ક્ષમતા ની અજાણ જ રહી જાત . આભાર, ભગવાનભાઈ !

 4. Kishorchandra Vyas
  February 28, 2018 at 10:30 pm

  પદ્મભૂષણ તિજનબાઈ ના બહુવિધ વ્યક્તિત્વ વિશે સદતર અજાણ હતો, આજે આ રસાસ્વાદ આપના થકી માણવા મળ્યો.. બહુ સુંદર લેખ.. શ્રી થાવરાની જી ને ખૂબ અભિનંદન

 5. March 1, 2018 at 4:50 am

  સાવ નવી જ વાત. આની જાણ કરવા માટે આભાર. આધુનિકતા સાથે તળપદા દેશી સાહિત્યની આવી માહિતી ‘વેગુ’ ને એક નવું જ પરિમાણ આપી જાય છે.
  દેશી રંગભૂમિ વિશે પણ આવા અભ્યાસ લેખો લખાય તો ?

 6. ratilal yadav
  March 2, 2018 at 3:18 am

  Hat off to both of you !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *