મારો સ્કાઉટ કૅમ્પ

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

હું, મિ.ચાર્લ્સ અને મિ.ફેક્સ અમે ત્રણેય સ્તબ્ધ થઈને સ્ટેચ્યુ બની ઊભા હતાં. મિ.ફેકસે મારા મોં પર પોતાનો હાથ દાબી રાખ્યો હતો, જેથી કરીને મારા ગળામાં અટવાયેલી એ ચીસ બહાર ન નીકળી જાય.  અમારી આંખની સામે બહારની બાજુએ એક ફોરવ્હીલરના અને બારીના ગ્લાસ તૂટેલા પડયા હતા અને જ્યાં અમે ઊભાં હતાં ત્યાં અમે એક વણનોતર્યા મહેમાનનો ફૂડ ઉપરનો એટેક જોઈ રહ્યાં હતાં. થોડી વાર તો અમને સમજ જ ન પડી કે આગળ શું કરવું, પણ જેવો હોંશ આવ્યો તેમ ધીરે ધીરે અમે પાછળ પગલાં લેવાનું ચાલું કર્યું.

બોસ્ટનમાં હતી ત્યારે સ્કાઉટ કૅમ્પમાં જવું એ મારું એક સ્વપ્ન રહેલું હતું. જ્યારે બીજા પેરેન્ટ્સને સ્કાઉટ કૅમ્પની વાતો કરતાં સાંભળતી ત્યારે મને પણ એ કૅમ્પમાં જવાનું મન થઈ આવતું. એ મારી ઇચ્છા ફિલાડેલ્ફિયામાં મૂવ થયા બાદ મારો એ પહેલો વિન્ટર સ્કાઉટ કૅમ્પ ‘સોલ’ સાથે થયો. સોલ મારો મોટો દીકરો. નામ તો સલિલ પરંતુ અમેરિકન લોકોને ભારતીય નામ સરસ રીતે ઉચ્ચાર કરતાં ખાસ ફાવતું નથી. આભા નામ હોય તેનું આબા બોલે, ધરતી નામ હોય તો ડરતી થઈ જાય, પ્રફુલ્લ નામ હોય તો પ્રાફુલ, પ્રિફૂલ વગેરે ઉચ્ચારો નીકળે અને મને તો ઘણાં બધાં નામો મળેલાં છે. પૂર્વીને બદલે પરવી, બૂરવી, ફુરવી, ફરવી, ડર્બી, કિર્બી, કુર્બી, કર્બી, વગેરે….અને આ નામો હજુ પણ ચાલે જ છે. બહુ જ ઓછા અમેરિકન લોકો છે જેઓ મને મારા પરફેક્ટ નામે બોલાવે છે. જેવું મારી સાથે થયું તેવું મારા દીકરા સાથે પણ થયું. તેઓને મારા દીકરાનું નામ (સલિલ) સારી રીતે બોલતાં ફાવતું નહીં તેથી સેલીલ, સેએલીલ, સેએએલીલ, સેલી, સલી…..એમ કશુંક બોલાવ્યા કરતા, આખરે એક દિવસ તેઓએ તેમની રીતે રસ્તો શોધી લીધો અને મારા દીકરાને નવું નામ મળ્યું ‘સોલ્ટ’……જે છેલ્લે ‘સોલ’માં પરિવર્તિત થયું.

મારો એ પ્રથમ વિન્ટર કૅમ્પ સોલ સાથે જ્યારે નક્કી થયેલો ત્યારે ઘણી બધી મમ્મીઓ સાથે હતી જેની સાથે હું પણ જોઇન્ટ થઈ. પરંતુ, બન્યું એવું કે કૅમ્પ શરૂ થાય તેના આગળના વીકમાં સ્નો પડ્યો તેથી ઠંડીનું પ્રમાણ વધી ગયું. આથી જ્યાં સુધી અમે કૅમ્પનાં સ્થળે ભેગા થઈએ ત્યાં સુધીમાં એક પછી એક બધી જ મમ્મીઓ નીકળી ગઈ અને છેલ્લે રહી ગઈ હું એકલી અને મારી સાથે જોઇન્ટ થયાં 7 પપ્પાઑ અને 50 બાળકો. અમે સહુએ સ્કાઉટ કૅમ્પ માટેનું સ્થળ સ્ટેટ ડેલાવરમાં નક્કી કર્યું હતું. આ અમારો કૅમ્પ 1 વીકનો હતો. અમારે અમારા નાસ્તા માટે અને પીણાં માટે થોડીઘણી વસ્તુઓ લઈ જવાની હતી જ્યારે લંચ ડિનર માટેની વ્યવસ્થા અમારા કોચ મિ. બ્રાઉન કરવાના હતા. મારા દીકરાના જેટલી જ અતિ ઉત્સાહિત એવી મેં પણ બધા ફાધરોની જેમ અમુક બાળકોની જિમ્મેદારી લઈ લીધી જેથી હું પણ એક નવો અનુભવ કરી શકું. સાચું કહું તો આ કૅમ્પ મને બાળકો કરતાં મારા માટે વિશેષ લાગતો હતો કારણ કે જેટલો બાળકોને માટે અનુભવ હતો તેનાં કરતાં મારા માટે આ એક તદ્દન નવો જ અનુભવ હતો જેને હું એન્જોય કરવાની હતી. આખરે કૅમ્પના દિવસે અમે બંને મા-દીકરા ડેલાવર સ્ટેટના કૅમ્પસમાં પહોંચી ગયાં. અહીં અમારે માટે વુડસની અંદર 1818 માં બનેલું એક હિસ્ટોરિકલ લૉગહાઉસ અમારું સ્વાગત કરવા તૈયાર હતું..

અમે જ્યારે અમારા લૉગહાઉસમાં પહોંચ્યાં ત્યારે વિન્ટરને કારણે સાંજ વહેલી ઢળી ગયેલી હતી અને અંધકાર ધીરે ધીરે ધરતી પર ઉતારવા માટે બેતાબ થઈ ચૂક્યો હતો. અમે પહોંચ્યા એ weekમાં આકાશ સ્વચ્છ હતું તેથી તારલિયાઓએ વહેલોવહેલો પ્રકાશ રેલાવવાનું ચાલું કરી દીધેલું અને તીવ્ર ઠંડી તો અમને એનાં આગોશમાં લેવાં તત્પર બની રહી હતી અને અમે જેટલા સ્વેટર કોટ, જેકેટ, હેન્ડગ્લોઝ, સોક્સ જે કંઇ લાવેલા તે બધું જ પહેરીને ઠંડીનો સામનો કરવા માટે તૈયાર થઈ ગયેલાં.

લૉગહાઉસમાં પહોંચ્યાં બાદ અમને કોચ દ્વારા પહેલું કામ મળ્યું કે અમારામાંથી બે-ત્રણ એડલ્ટ લૉગ હાઉસમાં જ રહે અને જે ફૂડનો સામાન આવ્યો છે તેનું ધ્યાન રાખે, અને ખાસ કરીને ફૂડનો એરિયા ક્લોઝ કરીને રાખે કારણ કે ફૂડ ચોરાઇ જવાનો ભય છે. કોચની આ સૂચના સાંભળીને મને થોડું અજુગતું લાગ્યું, તેથી હું વિચારવા લાગી કે હાઉસની આસપાસ કોઈ વસ્તી તો છે નહીં પછી કોણ ફૂડની ચોરી કરવાનું છે? અને બાકીનાં પેરેન્ટ્સ તેમજ બાળકોની સાથે વૂડ્સમાં જઈ સૂકી–ભીની જે કોઈ લાકડીઓ મળે તે લઈ આવવાની. આ લાકડીઓનો ઢગલો આઉટહાઉસ પાસે કરવાનો હતો જેથી ફાયરપ્લેસ માટે આ લાકડીઓ કામમાં આવી શકે. આ કાર્ય અમારે અમારાં બાળકોનું ધ્યાન રાખતાં રાખતાં ગ્રૂપમાં જ કરવાનું હતું. હાઉસમાંથી નીકળતી વખતે અમને કોચની બીજી સૂચના મળી કે હાથમાં ટૉર્ચ અને ઓઇલ લેમ્પ સાથે રાખવાં જેથી કરીને અંધારું ન થાય. ત્રીજી સૂચના મળી કે કોઈએ પોતાની પાસે રહેલ ટૉર્ચ કે લેમ્પને બંધ ન કરવાં, સતત લાઇટ ચાલુ જ રાખવી. ચોથી સૂચના એ કે બધાએ એકસાથે જ ચાલવું; કોઈએ આગળ પાછળ ચાલવું નહીં. એમાંયે થોડું આગળ તો થોડું ઘણું ચાલે પણ પાછળ તો કોઈએ રહેવું નહીં,  અને માનો કે કોઈ……કોઈ કારણસર પાછળ રહી જાય તો કોચને એની સૂચના આપવી જેથી કરીને આખુંયે ગ્રૂપ ત્યાં ઊભું રહી જાય. પાંચમી સૂચના એ કે કોઈએ ચૂપચાપ ન ચાલવું; સતત બોલતું રહેવું. આમ, કોચની વિવિધ સૂચનાઓ સાંભળીને મને બહુ આશ્ચર્ય થતું હતું. કોચની આ સૂચનાઓથી એ વાતનો ખ્યાલ આવ્યો કે આ જંગલ એરિયા છે, સુમસાન છે અને એમાંયે ચારે બાજુ અંધકાર છે તેથી ટૉર્ચ અને ઓઇલ લેમ્પ સાથે હોવાં જરૂરી છે, પણ અંધારું ક્યાંય કરવું નહીં અને કોઈએ પાછળ એકલા ન રહેવું તે વાત મને ન સમજાઈ. પરંતુ હું ચૂપ રહી. બધાની સાથે સાથે નીકળ્યા બાદ આ સૂચનાઓ અંગે કોચને પૂછ્યું ત્યારે તેઓ કહે કે અહીં રીંછ, ફોક્સ, રેટલ સ્નેક, રેકુન વગેરેનું પ્રમાણ વધુ છે તેથી સાથે જ રહેવાની સૂચના આપી છે. જો બધા જ લોકો સાથે હોય તો રીંછ અને ફોક્સ હુમલો કરવા માટે અચકાય છે તેથી જેમ સાથે રહીએ તેમ વધુ સલામત રહી શકાય. વળી, આપણા નાસ્તા, ફૂડ વગેરે બહાર હોય તો રીંછ તેનાં પર પણ એટેક કરે છે માટે ફૂડ આઇટમ્સ બધી જ રૂમમાં પૅક કરીને રાખી જેથી આપણી ગેરહાજરીમાં જો રીંછ લૉગહાઉસ પર એટેક કરે તો ફૂડ બચાવી શકાય અથવા એ ફૂડ ખાવામાં વ્યસ્ત હોય તો રૂમ છોડીને ભાગી શકાય. કોચની આ રીંછવાળી વાત મારે માટે નવી હતી જેને  હું  સાંભળતાં જ એટલી ડરી ગઈ કે ઠંડી હોવા છતાં મને ગરમી લાગવા લાગી. એમ તો અમારા ઘરની આસપાસમાં ઘણા ફોક્સ નીકળતાં હોય છે, પણ એ હાઉસિંગ એરિયા હોય એટલે બીક નથી લાગતી, પણ અહીં તો જંગલ છે. એમાંયે રીંછ … એ તો મેં ફક્ત ઝૂમાં જ જોયેલા છે. હા, અમેરિકામાં ઘણા વિસ્તાર એવા છે જ્યાં રીંછ આમતેમ જ ફરતાં હોય જેમ આપણે ત્યાં ગીરની આસપાસના વિસ્તારમાં દીપડા અને સિંહો આવી જાય છે તેમ જ અમેરિકાનાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં રીંછ સામાન્ય રીતે જોવા મળે છે. ઘણી જગ્યાઓમાં રીંછ હુમલો કરતાં પણ જોવા મળે છે. આથી, પોલીસ એ રીંછવાળા વિસ્તારમાં સતત ફરતી રહે છે જેથી કોઈ અનિષ્ટ ન બને. તે દિવસે અમે લાકડી, સળી, ડાળીઓ જે કંઈ મળે તે હાઉસમાં લઈ આવ્યાં. આ વસ્તુઓની સાથે અમારી પાસે ચારકોલ પણ હતો જેની મદદથી અમે ફાયરપ્લેસ શરૂ કર્યો. અમારા એક અઠવાડિયાના રહેવાસ દરમ્યાન અમારો એ ફાયરપ્લેસ ક્યારેય બંધ ન થયો અને અમને એ ફાયરપ્લેસ સખત ઠંડીની વચ્ચે બસ ગરમી આપતું ગયું. અહીં અમારા પ્રથમ બે દિવસ બહુ સુંદર ગયા. બે દિવસ બાળકોનું અને કોચનું એક અલગ ગ્રૂપ જતું રહેતું. પછી પાછળથી અમે મોટાઓ પણ  જંગલમાં વોક કરવા જતાં. વોક કરતાં કરતાં અમે અમારી સાથે તૂટેલી ડાળીઓ સૂકાં પાંદડાં મળે તો કૅમ્પ ઉપર લઈ આવતાં. સાંજના સમયે બાળકો આવી જાય પછી ઘર બહાર કૅમ્પ ફાયર કરી એની આજુબાજુ બેસતાં અને અવનવી વાતો કરતાં. કોર્ન, મશરૂમ, માર્શમેલો વગેરે રોસ્ટ કરીને ખાતાં.

ત્રીજે દિવસે સવારે મેં નક્કી કર્યું કે આજે હું વોક કરવા નહીં જાઉં એને બદલે અહીં જ રહીને મિ. ફેક્સ અને મિ. ચાર્લ્સને કુકિંગમાં મદદ કરીશ. આથી તે દિવસે હું કુકિંગમાં હેલ્પ કરવા માટે મારા બે સાથીઓની સાથે જોડાયેલી હતી. અમે ત્રણેય સાથે રહી કૂકિંગની શરૂઆત કરી કારણ કે, જંગલમાં ગયેલાં બાળકો ગમે તે સમયે આવે તોયે તેમને ફૂડ તૈયાર મળે તો તેઓ જંક ફૂડ ન ખાય. આમ વિચારી અમે ત્રણેય કિચનના કામમાં એટલાં મગ્ન બની ગયાં હતાં કે અમને ખબર જ ન રહી કે અમારા ઘરમાં કોઈ આવી ગયું છે. એણે આવીને ચૂપચાપ અમારા ઘરમાં પગ મૂક્યો અને જ્યાંથી ફૂડની સુગંધ આવતી હતી તે દિશા તરફ ચૂપચાપ ચાલ્યો ગયો.  થોડી વાર પછી ફૂડ કેબિનમાંથી અવાજ આવવા લાગ્યા. આ અવાજ સાંભળીને પહેલાં અમને લાગ્યું કે કોઈ બાળક આવી ગયું છે. પણ જ્યારે ફૂડની જગ્યામાંથી  ખખડબખડનો અતિશય અવાજ વધી ગયો ત્યારે અમને લાગ્યું કે જરા ચૅક કરી લઈએ કે કોણ આવ્યું.  આમ વિચાર કરતાં જ મિ. ફેક્સ કહે ચાલો, હું જઇને ચેક કરી લઉં,  તે સાંભળી મેં કહ્યું ઊભા રહો હું તમારી સાથે આવું છું, આ સાંભળી મિ. ફેક્સ કહે ઈટ’સ ઓકે મિસ માલકન, તમે બેસો, હું ચેક કરી લઉં. એમની વાત સાંભળી મેં કહ્યું કે, અરે એ તો મને ટોમેટો સૂપનાં કેન પણ જોઈએ છે તેથી હું પણ આવી જાઉં છું. મારી વાત સાંભળી મિ. ફેક્સ કહે, ઓહહ ઓકે. કહી બે કદમ આગળ ચાલતા થયા. મિ ફેક્સની પાછળ જવા માટે હું જેવી ઊભી થઈ કે તરત જ મિ. ચાર્લ્સ કહે, મિસ માલકન, ટમેટો સૂપના કેન સાથે ટોમેટો ચંક્સનું પણ કેન લઈ આવજો ને. મિ. ચાર્લ્સની વાતમાં હોંકારો દઈ હું ફૂડ કેબિન તરફ ગઈ.

કેબિનની બહાર મિ. ફેક્સને ચૂપચાપ ઊભેલા જોઈ હું પૂછવા ગઈ કે શું થયું? પણ હું કશું પૂછું તે પહેલાં મને ચૂપ રહેવાનો ઈશારો મળ્યો. એ જોઈ હું વિચારમાં પડી ગઈ તેથી ચૂપચાપ કેબિનમાં શું છે તે જોવા આગળ ગઈ. જેવી હું આગળ પહોંચી અને જે જોયું તે જોઈ મારા હાથ પગ ઠંડા પડી ગયા અને એક ચીસ મારા ગળામાંથી નીકળે તે પહેલાં મિ. ફેક્સના હાથ મારા મોં પર દબાઈ ગયા. અમે બંને સ્તબ્ધ થઈ તે વણનોતર્યા બ્રાઉન રીંછને જોઈ રહ્યાં હતાં. આ બાજુ મિ. ચાર્લ્સને સન્નાટો જોઈ ખ્યાલ આવી ગયો કે કશુંક બન્યું છે, આથી તેઓ પણ અમારી પાછળ પાછળ આવ્યા.  એકસાથે બે-ત્રણ માનવોની સુગંધ હોય કે પગરવ હોય પણ તે બેરે પળભર ઉપર જોયું ને પછી ફરી મોં નીચું કરીને ખાવામાં મગ્ન થઈ ગયું. રીંછને જોઈ અમને લાગ્યું તો માર્યા ઠાર તેથી મિ. ચાર્લ્સ અને મેં પાછળ તરફ ભાગવા માટે પગ ઉપાડ્યા કે તરત જ મિ. ફેકસે અમારો હાથ પકડી લીધો અને ભાગીને નહીં પરંતુ શાંતિથી પાછલા પગે ત્યાંથી ખસી જવાનો ઇશારો કર્યો. પરંતુ રીંછને સામે જોતાં ત્યાં વધુ સમય ઊભા રહેવામાં માલ ન હતો તેથી બને તેટલી ઝડપથી અમે દરવાજા તરફ પગલાં ભરી રહ્યાં હતાં. તે દિવસે અમારાં નસીબ સારાં હતાં કે રીંછભાઈ લંચ લેવામાં બીઝી થઈ ગયા હતા તેથી અમે તે જગ્યામાંથી ભાગી છૂટવામાં સફળ થયાં. ઘર બહાર નીકળતાંની સાથે જ મિ. ફેકસે સૌ પ્રથમ ઘરનો દરવાજો બંધ કર્યો અને તરત જ 911 ને કૉલ કરીને જાણ કરી. 911 એ અમને જણાવ્યું કે આ ભાઈને ભગાડવા માટે હવામાં ગન ફાયર કરશો તો તે ભાગશે, અથવા તેની પાસે મધની સુગંધ હશે તો એ ત્યાંથી નીકળશે, પરંતુ સાથે સાથે એ પણ છે કે જ્યાં સુધી એ બધું જ ફૂડ સફાચટ કરી નહીં જાય ત્યાં સુધી એ બહાર નહીં નીકળે. પોલીસની વાત સાંભળીને અમે પૂરેપૂરા ડરી ગયાં હતાં કારણ કે હજુ બીજું ફૂડ અમે બીજા રૂમમાં મૂકેલું જ હતું અને તે રૂમનો દરવાજો પણ અધખુલ્લો હતો. જો આ ભાઈ ત્યાં પધારી ગયા તો ફૂડ તો બધું જ જશે પણ તે પૂરું થાય ત્યાં સુધી ઘરની બહાર એ ન નીકળે તો ત્યાં સુધીમાં બાળકો પાછાં આવી જશે અને આટલા બધાં લોકોને એકસાથે જોઈને રીંછ એટેક પણ કરી દે. તેથી મિ. ફેકસે પોલીસને જણાવ્યું કે અમારી પાસે ગન નથી અને અમને નથી લાગતું કે અમે કશું જ કરી શકીએ તેમ છીએ. પોલીસે કહ્યું કે ડોન્ટ વરી. આપના ફોન સાથે જ અમારી હેલ્પ નીકળી ગઈ છે અને તેઓ થોડીવારમાં જ ત્યાં આવશે. પણ ત્યાં સુધી ઘરનો દરવાજો બંધ જ રાખજો.

પોલીસ સાથે મિ.ફેક્સ સતત વાત કરતા જતા હતા અને અમે વૉકી–ટૉકી દ્વારા ગ્રૂપના અન્ય મેમ્બરો સાથે કોન્ટકટ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યાં જ પોલીસ કાર, પોલીસ વેન અને પ્રાણીઓને લઈ જવા માટેનાં ખાસ ટ્રક્સના અવાજથી વાતાવરણ ભરાઈ ગયું. પોલીસે આવતાંની સાથે જ અમને તે જગ્યાથી દૂર કરી દીધાં અને આખી જગ્યાને કોર્ડન કરી લીધી. ત્યાર બાદ પોલીસની સાથે આવેલ વાઇલ્ડ લાઈફ સેન્ટરના ઓફિસરે ઘરનો દરવાજો ધીરેથી ખોલીને પોતાની ગનથી રીંછને ઈંજેકક્ષન માર્યું અને ફરીથી તરત જ દરવાજો બંધ કરી દીધો. અચાનક ઈંજેક્ષન વાગવાથી રીંછ થોડું ખીજાયું, અને દર્દને કારણે ગુર્રાયું પણ આજુબાજુ કોઈને ન જોતાં તે ફરી ખાવામાં મગ્ન બની ગયું. લગભગ ૨ કલાક પછી અંદરથી આવતો અવાજનો ટોન બદલાઈ ગયો હતો. હવે અંદર બારણાં પર ધબ ધબ અવાજ આવતો અને બંધ થઈ જતો હતો, ક્યારેક વધુ ઘૂઘરાટ સંભળાતો અને ફરી બંધ થઈ જતો હતો. ધીરે ધીરે કરતાં આ ઘુઘરાટભર્યો અવાજ શાંત પડતો ગયો. રીંછનાં શાંત થતાં જતાં અવાજની સાથે સાંજ પણ ઢળી ગઈ હતી. તે સમયે પોલીસે દરવાજો ખોલ્યો ત્યારે રીંછ ઈંજેકક્ષનની અસરથી સૂઈ ચૂક્યું હતું. ત્યારબાદ પોલીસે તેનાં પગ અને મોંને બાંધી દીધાં અને સાથે લાવેલ પાંજરામાં લઈ ગયા.

પોલીસની આ કામગીરી ચાલતી હતી ત્યાં સુધી અમારાં બાળકો એક્ટિવિટીમાંથી પાછાં ફર્યાં ન હતાં. તેથી થોડી શાંતિ હતી પરંતુ હવે સફાઈનું કાર્ય અમારે માટે વધી ગયું હતું, તેથી અમે અમારા કામમાં લાગી ગયાં હતાં. તે દિવસે મોડી રાત સુધી કૅમ્પ ફાયર પાસે અમે રીંછભાઈનાં ગુણગાન ગાતાં અને રીંછ વિષેની અવનવી માહિતી મેળવી રહ્યાં હતાં ત્યારે બાળકોને અમારા રીંછ સાથેના અનુભવને મિસ કરી દીધો હોવાની લાગણી થતી હતી. કૅમ્પમાં રીંછ સાથેનો આ મારો અનુભવ રોમાંચ સાથે ડરામણો રહ્યો. કદાચ એવું પણ બન્યું હોય કે આપણે જંગલી પ્રાણીઓથી અને તેઓ આપણાંથી અજાણ્યાં હોઈ એકબીજાથી ડરતાં હોઈએ પરંતુ અમારે નસીબે રીંછ આવતાંની સાથે જ  લંચ લેવામાં મગ્ન થઈ ગયું હતું તેથી અમે બચી ગયાં હતાં. આ બનાવ બાદ બીજો એક પ્રસંગ બનેલો જેમાં રીંછને ફરી નજીકથી જોવાનો મોકો મળ્યો પરંતુ એ પ્રસંગ ફરી કોઈ વાર દોહરાવીશું. આજને માટે રીંછ સાથેની આ પ્રથમ મુલાકાત જ બસ છે.


– પૂર્વી મોદી મલકાણ યુએસએ. | purvimalkan@yahoo.com

4 comments for “મારો સ્કાઉટ કૅમ્પ

 1. February 27, 2018 at 8:50 pm

  અરે, વાહ! મસ્ત મજા આવી ગઈ- તમારા જોખમે જ તો !

  નાનો હતો ત્યારે વ અમારા ઘરમાં એક બાળવાર્તાની ચોપડી હતી – ‘ભુરિયો’ – એ યાદ આવી ગઈ –

  એમાં રીંછ, રીંછણ અને બાળ રીંછ ‘ભુરિયા’ના ઘરમાં એક ભુલી પડેલી બાળા ઘુસી જાય છે અને ભુરિયાનું દૂધ પી , એની પથારીમાં સૂઈ જાય છે.
  એ ત્રણે જણ ઘેર પા છાં આવે છે ત્યારે – ભુરિયો -‘માલું દૂધ કોણ પી ગયું?”

  • B. G. Jhaveri
   February 27, 2018 at 9:28 pm

   Saras

  • Pravina
   March 3, 2018 at 9:14 am

   હા હા હા મજા આવી ગઈ. તમારા ભૂરીયાને મળીને જાની સાહેબ

 2. Pravina
  March 3, 2018 at 11:31 am

  તમારો સ્કાઉટ કેમ્પ વાંચવાની મજા આવી. થોડા રૂંવાડા 319ઊભા થઈ ગ્યાં. ઈંજેકશન માર્યા પછી યે બે કલાક રીંછ ખાવામાં મગ્ન રહ્યું તે ય નવી વાત લાગી. પણ એને ખાવાનું શું શું મળ્યું તે જણાવ્યું હોત તો સારું થાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *