– રજનીકુમાર પંડ્યા
‘એમ કહેવાય છે કે અમદાવાદમાં સુબાના સમયમાં ચાડિયાનું ટોળું થયું હતું. એ ચાડિયા ગામના દરેકની દરેક જાતની ચાડી ખાતા. કોઈના ઘરની ગમે એવી વાત કરતા. કોઈની પુંજી કેટલી છે અને ફલાણો ફલાણોઢીંકણો ધનવાન છે એમ સુબાને કહેતા. સુબાને એટલું જ જોઈતું હતું. કારણ કે કોઈપણ પ્રકારે દાનપુણ્ય કર્યા વગર ઈજારાના રૂપિયા ખાઇ જતા લોકો પાસેથી રૂપિયા પડાવવાની એની દાનત હતી. એટલે કોઈ પૈસાદાર છે એવી ખરી કે ખોટી ખબર પડતાં એ આસામીને બોલાવી અમુક રકમની માગણી કરે અને તે ન આપે તો એની છાતીએ પથ્થર મૂકે અગર અંધારી ઓરડીમાં પૂરી દે. આવા ચાડિયાનું ટોળું એટલું વધી ગયું હતું કે એક વખતે બાર મણ દૂધનો દૂધપાક એ લોકો ખાઈ ગયા હતા. આ ચાડિયા મહાજનમાં એક ઓતીઓ (ઉત્તમચંદ) નામે ચાડિયો સુબાની મૂછનો વાળ હતો.’
વાંચતા વાંચતા મરકી જવાય છે. આ હાસ્યકથાનો ફકરો નથી. ઈતિહાસનો ફકરો છે, તો પણ એક વાચક મિત્ર, નામે અશોક જોષી પોતે ક્યાંકથી લાવેલા તે ગ્રંથ ’ગુજરાતનું પાટનગર અમદાવાદ’ લગભગ બળજબરીથી કહું તો બળજબરીથી વાંચવા મૂકી ગયા. સવા આઠસો પાનાનો આ ગ્રંથ આખો વાંચી શકાય તેવી કોઈ સ્થિતિ સંજોગ નથી. થોડો સમય કાઢ્યો તે એમાં સુરેશ દલાલે મોકલેલા ઈમેજ પબ્લિકેશનના પીટરબ્રુકના “મહાભારત”(અનુવાદ : ઉત્પલ ભાયાણી) પુસ્તકે ધાડ પાડી. પણ એ પ્રલોભક પુસ્તકને ‘તું તો ઘરનું છે, ઘરમાં જ રહેવાનું છે. તારો વારો પછી’. કહીને થોડા સમયમાં ખોભળી જવા સમજાવી લીધું ને પેલા મહેમાન પુસ્તકને હાથમાં લીધું. પુસ્તકના લેખક રત્નમણિરાવ ભીમરાવ જોત ! (‘જોતે’ ખોટું લખાય છે) હતા તો વેપારી, પણ સંસ્કૃતના વિદ્વાન અને ઈતિહાસજ્ઞ હતા. 1955માં અવસાન પામ્યા. તેમના વિશે ક્યારેક અલગથી લખવાની ઈચ્છા છે. તેમના પુત્ર સ્વ તારક મહેતાના બનેવી દીપક જોત, તે મારા મિત્ર હતા. આ પુસ્તક વિશે અનેક વાર વાતો થયેલી. તેમના બહોળા પરિવાર સમુદાય વચ્ચે આ પુસ્તકની હવે એક જ નકલ બચી છે. બાકી હવે ક્યાંય આ પુસ્તક જોવા મળતું નથી. 1929માં ગુજરાત સાહિત્ય સભા, અમદાવાદે પોતાના પચ્ચીસમા મહોત્સવ પ્રસંગે એ છપાવેલું અને છ રૂપિયાની કિંમતે વેચેલું. પ્રવીણ પુસ્તક ભંડાર જેવા આવા દુર્લભ ગ્રંથો ફરી છાપનાર તરીકે પંકાયેલા પ્રકાશક તૈયાર થાય ત્યારે થશે. પણ હાથમાં આવ્યું છે તો જરા જોઈ તો જવું જ. એમ માનીને પાના ફેરવ્યાં તો મનુષ્યસ્વભાવની – એ રંધાય ત્યાં સુધી એમાંથી રાંધી લેવાની વૃત્તિ જોર કરી ગઈ અને બીજી સામગ્રી ઉપરાંત ઉપરનું ચાડિયાવાળું લખાણ એકદમ આકર્ષી ગયું. નાનપણમાં ચાડી ફૂંકનાર કોઈ ભેરુભાઈબંધ નીકળે તો એનો ભારે ઉપહાસ કરતા અને એનું સ્થાન નજરમાંથી ચાર તસુ નીચે ઉતરી જતું. ચાડિયો (કે ચાડિયણ બાલસખી) નજીક ફરકે ત્યારે મારી પાસે કેટલી કોડીઓ છે કે કેટલા આંબલીના કચુકા છે તેવી ગોપનીય વાતોની ચર્ચા બંધ થઈ જતી. એ બધું સ્મૃતિને તળિયે જઈને કટાવા માંડ્યું હતું. ત્યાં જ ઈતિહાસમાં દટાઈ ગયેલા (પણ હજી પણ એક યા બીજા સ્વરૂપે શેરી કે શહેર સ્તરે, રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જીવતા રહેલા) એ મહાપુરુષોના સંપ્રદાય વિશે ત્રણ ચાર પાના વાંચવા મળ્યા અને મનોમન મરકી જવાયું.
આજથી બસો આઠ વર્ષ પહેલાના કાળમાં (1810)માં પણ ગાયકવાડ સરકારના સુબા તરીકે આવેલા રાઘુ રામચંદ્ર નામના સુબાના અમલમાં જાહેરમાં ચાડિયા તરીકે માન્ય એવા ‘મહાજનો’(રત્નમણીરાવે આ શબ્દ વાપર્યો છે) એટલી બહોળી સંખ્યામાં હતા કે તેમને જમાડવા માટે બાર મણ દૂધનો દૂધપાક બનાવડાવવો પડતો. રત્નમણીરાવ પોતે પોતાના અગાઉના ઈતિહાસકાર મગનલાલ વખતચંદના લખેલા ઈતિહાસના આધારે લખે છે કે આવી મિજબાની લાલા વજેસંગની વાડીમાં થતી હતી. આગળ લખે છે કે….. ‘ચાડિયા લોકો શહેરની સ્ત્રીઓની ખોટી ચાડી ખાતા અને એવી સ્ત્રીઓને સરકારમાં પકડી મંગાવી ‘તને સાડીચોળી અપાવીને કાઢી મુકાવીશું’ એમ લાલચ આપી કે પછી જોરજૂલમથી એના સંબંધમાં આવેલા ખરાખોટા પુરુષોના નામ લખી લેતા અને પછી એ નામવાળા પુરુષોને બોલાવી દંડ કરાવતા. આટલું લખ્યા પછી એક ચોંકાવનારી વાત ઈતિહાસકાર એ લખે છે કે ‘એ દંડમાં સરકાર સાથે ચાડિયાનો ભાગ પણ રહેતો અને બીજા પૈસા પણ ખાઈ જતા.’
અત્યારે કસ્ટમ ડિપાર્ટમેન્ટ બાતમીદારને પકડાવેલા માલ ઉપર અમુક ટકા કમિશન આપે છે અને એથી કેટલાક જાણભેદુઓએ બાતમીદાર (ઈન્ફોર્મર) તરીકેનો વ્યવસાય સ્વીકારીને લાખોની કમાણી કરી લીધી છે. એ વાત સાથે ઉપરની બસો સાત વર્ષ પહેલાંની વાતનો કાંઈક તાળો બેસે છે.
પણ અત્યારે જેમ એવા બાતમીદારોની ગેંગસ્ટરો બૂરી વલે કરે છે અને ક્યારેક જાહેરમાં ગોળીઓનો વરસાદ વરસાવી એમનાં ઢીમ ઢાળી દે છે, એવું તો રોજ છાપાઓમાં વાંચીએ છીએ, પણ નિર્દોષ લોકોની ચાડી ફૂંકીને એમાંથી પૈસા કાંતી લેનાર એ જમાનાના ચાડિયાઓની કેવી વલે થતી ?
એનો એક દાખલો ઈતિહાસને પાને છે. રત્નમણિરાવે જેને સુબાની ‘મૂછના વાળ’ તરીકે એટલે કે પરમપ્રિય ચાડિયા તરીકે ઓળખાવ્યો એ ઓતીયા (ઉત્તમચંદ) નામના ચાડિયાની વાત વિગતે આલેખી છે. એનો નમૂનો :
‘એક વખત ઓતિઆએ એવી ચાડી ખાધી કે એક ભાટની સદુબા નામની સ્ત્રી અમુકની સાથે ખાય છે (સંબંધમાં છે) આ સાંભળીને સુબાએ સદુબાને પકડવા માણસો મોકલ્યા. સદુબાએ આ વાત સાંભળીને પોતાના પતિને કહ્યું કે હું નિર્દોષ છું અને મારી બેઆબરૂ થશે માટે મારું માથું કાપી નાખો. પતિએ ના પાડી એટલે એ સ્ત્રી ભારે હઠ લઈને બેઠી. તેથી ભાટે એનું માથું કાપી નાખ્યું. આ સાંભળીને ભાટ લોકો ઉશ્કેરાયા. એમને લાગ્યું કે આજે આનો વારો તો કાલે આપણો. એમ વિચાર કરીને સદુબાનું શબ જોળીમાં ઘાલીને ભાટનું ટોળું કારંજના કોટવાલી ચબુતરે ગયું. એક દિવસ અને એક રાત ત્યાં લાંધ્યું (એટલે કે ઉપવાસ પર ઉતર્યું) ઓતીઆએ આ વાત સાંભળી ત્યારે એ ભદ્રમાં સુબાના ઘરમાં ભરાયો અને બીજા ચાડિયા બીજે સંતાઈ ગયા. ભાટોએ સુબાને કહેવડાવ્યું કે સદુબાની વાત સાબિત કરો અને ન થાય તો ઓતીઆને સોંપી દો. એમ નહીં કરો તો અમે બધા મરીશું અને વાત ભારે થઈ પડશે. આ રીતે એક દિવસ અને એક રાત ભદ્ર આગળ રાહ જોઈને બેઠા. ત્રીજે દિવસે ઘણા દિવસની કકળેલી પ્રજા ત્યાં ભેગી થઈ ગઈ અને વધારે ઉશ્કેરાઈ.’
‘એવામાં ગોંધીઓ (ગોરધન) નામનો બીજો એક ચાડિયો જાતે વિસા નાગર સુરદશાની પોળનો રહેનાર ત્યાં થઈ જતો હતો. કોઈએ બૂમ મારી કે ઓ ચાડિયો જાય. એથી ચિડાઈને એણે ગાળ ભાંડી. એટલે રૈયત એના ઉપર તૂટી પડી. ચાડિયો નાઠો અને બચવાને પાનકોરને નાકે કૂવામાં પડ્યો. લોકોએ એમાંથી કાઢીને એને મારી નાખ્યો અને બજાર વચ્ચે એની લાશ નાખી. એ પછી લોકો ગામમાં (બીજા) ચાડિયાઓને ખોળવા નીકળ્યા. એ સાંભળીને એક બીજો ગોધીઓ નામનો ચાડિયો કોઈ પાસે પોતાના ઘરને તાળું મરાવી ઘરમાં ભરાઈ રહ્યો. એનું ઘર લાલભાઈની પોળમાં હતું. લોકોએ તાળું દેખી પાછા વળવા માંડ્યું પણ એ વખતે ચાડિયાએ જાળીમાંથી જોયું અને કોઈ દેખી ગયું. આ વાતની લોકોને ખબર પડતા ઘર ફોડીને ગોધીઆને બહાર કાઢ્યો અને મારીને બજારમાં નાખ્યો, પણ એ મરણ નહોતો પામ્યો. મડદાની પેઠે પડી રહ્યો હતો. એમને એમ એ પડી રહ્યો હોત તો એ બચી જાત,પણ જરા હાલ્યો એટલે ફકીરે ડંગોરા મારીને એને મારી નાખ્યો.’
પણ પેલા આ બધાના મૂળમાં રહેલા ઓતીઆ ચાડિયાનું શું થયું ?
રત્નમણિરાવ લખે છે : ‘હવે રૈયત અને ભાટ ભદ્રમાં (કિલ્લામાં) પેઠા અને ઓતીઆ માટે માગણી કરી. આખા શહેરની પ્રજાને ઉશ્કેરાયેલી દેખી સુબો મામલો પામી ગયો અને ગમે તેમ કરો પણ મારી નાખવો નહીં એ શરતે લોકોને ઓતીઓ સોંપ્યો. એટલે લોકો એક ગધેડું લાવ્યા અને ઓતીઆનું માથું બોડાવી, મેશ લગાડી ખાસડાંનો હાર પહેરાવી અવળે ગધેડે બેસાડી બાર દરવાજા ફેરવવા લઈ ગયા.’ રા. મગનલાલ વખતચંદ મશ્કરીમાં લખે છે : ’ઓતમશાની જાનમાં તમામ રૈયત સાજનમાં આવી હતી. સરકારના સિપાઈઓએ ઓતમશાની ઉપર ઢાલોના છડા ધર્યા હતા ને અઢારે વરણ ઈટાળા ને ઢેખાળાના ફૂલથી વધાવતી હતી. હેવી (એવી) શોભા સહિત ઉતર્યો – ઓતમશાનો વરઘોડો કાળુપુર દરવાજા બહાર. જે વખતે ઓતીઓ ગધેડેથી ઉતર્યો એટલે તમામ રૈયત હો…હો…હો…. કરીને ઈંટો મારવા માંડી ને સરકારના સિપાઈઓએ વાર્યા, પણ લાખો માણસના મ્હો (મોં) આગળ એ સિપાઈઓનો શો ભાર ! લોકે દાદા હરીની વાવ સુધી જતા ઈંટોથી અધમૂવો કર્યો અને એ જમીન પર પડ્યો એટલે ઈંટો મારીને મારી નાખ્યો અને દાટી દીધો.’
એક સતિચરિત્ર સ્ત્રીના ચારિત્ર્ય પર આળ મૂકનાર અને પતિના હાથે એની હત્યા કરાવવામાં કારણભૂત એવા ઓતીઆ ચાડિયાના એ વખતની પ્રજાએ આ હાલ કર્યા.જ્યારે એ સ્ત્રી સદુબાની બાબતમાં ફાર્બસ સભામાં એક હસ્તલેખિત નોંધ અને લાવણી છે. જે અક્ષરશઃ નીચે મુજબ છે : ‘સંવત 1872ના વરસે ભાદરવા વદી 4ને દિને બારોટ હરિસિંગને ઘરે સદુબા આવી અને તે દિને દેવલોક પામ્યા ! સંવત 1873ના વરસે અષાઢ સુદી 2 ને રોજ સદુબાની દેઅડી (દેવડી-દેરી) કરી છે ને તેના સામો તુળસીક્યારો બનાવ્યો છે.’ આ સદુબા સતી તરીકે તરીકે પૂજાવા લાગી અને શાહપુરમાં ભાટવાડામાં એની દેરડી હાલ પણ છે. એની બાધા-આખડી ચાલતી હતી.’
ઈતિહાસ માત્ર સમયની જ નહીં, મનુષ્ય સ્વભાવની પણ આરસી છે, જે દરેક કાળમાં, દરેક સ્થળમાં અન્ય સમાજમાં એના લક્ષણોને વ્યક્ત કરી આપે છે.
માહિતી માટે સામાન્ય માણસ ઈતિહાસ વાંચે, જ્યારે રાજ્યકર્તા ઈતિહાસ વાંચે તો એ એના માટે ઉપદેશગ્રંથનું કામ કરે !
(નોંધ: અહીં મૂકેલી આવરણની છબિ પુસ્તકની નવી આવૃત્તિની છે, જે dhoomkharidi.com પર અહીં https://www.dhoomkharidi.com/gujaratnu-patnagar-amdavad ઉપલબ્ધ છે.)
*************************************************************************
લેખક સંપર્ક:
રજનીકુમાર પંડ્યા,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com







Wonderful !!! I did not know this !!
ઈતિહાસ માત્ર સમયની જ નહીં, મનુષ્ય સ્વભાવની પણ આરસી છે, જે દરેક કાળમાં, દરેક સ્થળમાં અન્ય સમાજમાં એના લક્ષણોને વ્યક્ત કરી આપે છે.
હવે જુદી રીતે, વધતે ઓચે અંશે પણ સમાજ આ જ રહે છે.
આવી હકીકત પ્રકાશમાં લાવનાર તમને ….. સલામ…
great i will send you another long letter which is long overdue from girish dave
કદાચ…
આજની રાજકારણી અને ધર્મકારણી વાતો સો વરસ પછી -આ ચાડિયા કથા જેવી જ લાગશે!
શહેરી નવી પેઢીના મનમાંથી જ્યારે ખેતર ચાડિયા સાવ લુપ્ત થઇ ગયા છે, ત્યારેજ 200 વરસ પુરાણો આંખો સમક્ષ માનવ ચાડિયાને શોધીને મુકવા બાદલ આભાર।
રજનીકુમાર ચાડિયા તો દરેક ગામાએ ગામ હોવાના પણ આપે ઓતિયા જેવા ચાડિયા અને સદુબા નો ઇતિહાસ ઉજાગર કર્યો વેલ ! સાહિત્ય કાર નું કામ સુપેરે નિભાવ્યું ધન્યવાદ સાથે જયશ્રી કૃષ્ણ .
માણસ ઈતિહાસ માંથી થોડો શીખે છે? જ્યાં સત્તા ત્યાં ચાડિયા આજે મોજુદ છે,પરંતુ તેમને આવી શીક્ષા મળતી નથી. અમદાવાદ સ્થાપનાદિન નાં અવસરે સુંદર વાત જાણવા મળી..
ચાડીયા કરતા’તો સુબા મોટા ગુનેહગાર હતા, જે ધનની લાલસા માટે આવા ચાડીયાઓને પ્રોત્સાહન આપતા.
ખૈર, જનતાએ એમને મારી શક્તિ હોત !
શ્રી રાજનીકુમારભાઈ – ગુજરાત સમાચારમાં શ્રી મકરંદ મેહતાના લેખમાં ચાડિયા નો ઉલ્લેખ હતો પણ આટલી માહિતી નહોતી – લોક જીવન ત્યારે ખૂબ અસ્વસ્થ હશે – સમાજ સુધારકો જયારે ના હોય ત્યારે સમાજની કેવી દશા થાય છે તે કલ્પના પણ ના કરી શકાય – ૬ તારીખે આપણું પ્રવચન છે ત્યારે મળી શકાશે – હાર્દિક શુભેચ્છાઓ – નવીન ત્રિવેદી
મારી શાળાનેચાડિયાની કૃતિ બનાવવા ઈનામ મળેલું. પરંતુ આજે ચાડિયો બરૉબર જાણ્યૉ. રજનીભાઈ આભાર.