Science સમાચાર (૩૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

(૧) આદિમ માછલીએ કરી ચાલવાની ક્રિયાની શરૂઆત

‘લિટલ સ્કેટ’ ( લ્યૂકોરેજા એરિનેસિયા) એક આદિમ માછલી છે. એના જીન અને જ્ઞાનતંતુઓ સ્તનપાયી જીવોના જીન અને જ્ઞાનતંતુઓ જેવા જ છે. એટલે કે આપણે જેમ ચાળી શકીએ છીએ તેમ એ પણ ચાલી શકે છે. ચાર લાખ વીસ હજાર વર્ષ જૂના આ જીવ પાસેથી આપણે ચાલવાની ક્ષમતા મેળવી હોય એમ વૈજ્ઞાનિકો માને છે.

આ માછલી શાર્કના ગોત્રની છે. એનો અભ્યાસ કરીને ન્યૂરો સાયન્ટિસ્ટો એવા તારણ પર પહોંચ્યા છે કે સ્તનપાયી પ્રાણીઓએ ચાલવા માટે જરૂરી અંગનો વિકાસ આ માછલીમાંથી કર્યો છે. આ અભ્યાસલેખ Cell સામયિકના આઠમી ફેબ્રુઆરીના અંકમાં છપાયો છે. અહીં ક્લિક કરીને એ માછલી જૂઓ. એ જે રીતે ચાલે છે તે જ રીતે આજે આપણે પણ ચાલીએ છીએ.

આ બાળ-સ્કેટ છે પણ નીચે આપેલી લિંક દ્વારા ૪’.૪૬”થી પુખ્ત સ્કેટ કેવી ઝડપથી દોડે છે તે જોઈ શકાશેઃ

એમની તરવા માટેની (લાંબી) અને ચાલવા માટેની (ટૂંકી) ચૂઈઓ જુદી છે. અહીં એના ભ્રુણનો વિકાસ કેમ થાય છે તેની વીડિયો અહીં જોઈ શકાશેઃ

સંદર્ભઃ Nature.com/articles/20180209

૦-૦-૦

(૨) સમુદ્રના પાણીને મીઠું બનાવવાની પરવડે તેવી રીત

કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે. આખી દુનિયામાં બે અબજની વસ્તીને પીવાનું સલામત અને ચોખ્ખું પાણી નથી મળતું અને આ સંકટ ઘેરું બનતું જાય છે. આ સંજોગોમાં પાણીમાંથી મીઠું અને ખનિજ તત્ત્વો કાઢી લેવાની નવી રીત ઑસ્ટ્રેલિયાની મોનૅશ યુનિવર્સિટીના સંશોધકોએ વિકસાવી છે, જે ખિસ્સાને પણ પરવડે તેવી છે.

એમણે આ પ્રક્રિયામાં મેટલ-ઑર્ગૅનિક ફ્રેમવર્ક્સ(MOFs)નો ઉપયોગ કર્યો છે. કોઈ ધાતુઓના આયનોનો સમૂહ જે કેન્દ્રીય પરમાણુ સાથે જોડાઈને એક, બે કે ત્રણ પરિમાણના સ્ફટિકોની સંરચના બનાવે તેને મેટલ-ઑર્ગૅનિક ફ્રેમવર્ક્સ કહે છે; એ છિદ્રાળ હોય છે. એમના દ્વારા મીઠા જેવા આયનિક કંપાઉંડ બને છે. આયનમાં પ્રોટૉન અને ઇલેક્ટ્રોનની સંખ્યા એકસરખી નથી હોતી. આંતરિક સ્પંજ જેવા સ્ફટિકો રાસાયણિક કંપાઉંડોને સંઘરી શકે છે.

સમુદ્રના પાણીમાં મીઠું અને આયન હોય છે, એમને આ સ્ફટિકોમાં કેદ કરવાના છે. ટીમના નેતા ડૉ. હુઆચેંગ ઝાંગ અને એમની ટીમે હાલમાં જ શોધી કાઢ્યું છે કે MOFની ઉપરનું પાતળું પડ ગળણીનું કામ કરે છે. એ આયનોની ઓળખ કરીને અલગ પાડી શકે છે. હજી વધારે પ્રક્રિયાઓ કરવાથી આ પડ સમુદ્રના પાણીમાંથી મીઠું અને બીજા ઘટકોને અલગ કરી શકે છે.

આપણે હમણાં તો રિવર્સ ઑસ્મોસિસ (RO) પ્રક્રિયા દ્વારા પાણીને ક્ષારરહિત બનાવીએ છીએ પરંતુ આ નવી રીતમાં વીજળી ઓછી વપરાય છે તેમ છતાં વધારે કાર્યક્ષમતાથી કામ થાય છે. વળી અલગ પાડેલી ધાતુઓ અને ક્ષારોનો પણ બીજે ઉપયોગ થઈ શકશે. દાખલા તરીકે મોબાઇલની બૅટરી લિથિયમ-આયનની હોય તો વધારે લાંબો વખત કાઅમ આપે. એની માંગ વધવાની જ છે. આથી ખારા પાણીમાંથી લિથિયમ મેળવવા જેવી બિનપરંપરાગત રીતોની જરૂર પડષે. મોનૅશ યુનિવર્સિટીના સંશોધકોનું કાર્ય આમ મીઠું પાણી અને લાંબો વખત ચાલે એવી મોબાઇલ બૅટરી પણ આપી શકશે!

સંદર્ભ: https://www.sciencedaily.com/releases/2018/02/180209170720.htm

૦-૦-૦

(૩)લેઝરથી ચાર્જ કરો તમારો સ્માર્ટફોન!

મોબાઇલ ફોન કરવો એ પણ કડાકૂટિયું કામ છે. ટેવ પડી ગઈ હોય એટલે ખબર ન પડે પણ હવે વૉશિંગ્ટન યુનિવર્સિટીના એન્જીનિયરોએ લેઝરથી મોબાઇલ ફોન ચાર્જ કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે. આમાં તમારે પ્લગ પૉઇંટમાં ચાર્જર લગાડવું નહીં પડે. ટેબલ પર રાખો અને લેઝર ચાલુ કરો. એ જ્યાં હશે ત્યાં ચાર્જ થવા લાગશે. એમણે સ્માર્ટફોનની પાછળ પાતળો પાવર સેલ મૂક્યો. એ લેઝરથી ચાર્જ કરે છે. પરંતુ લેઝર તો બહુ ગરમ કરી નાખે. એટલે એમણે ખાસ ધાતુ પસંદ કરી અને એમાં ગરમીને શોશીલે તેવી હીટ સિંક ગોઠવી. વળી લેઝરના કિરણના માર્ગમાંથી કોઈ પસાર થાય તો? એમણે એવી વ્યવસ્થા કરી છે કે એ તરત બંધ થઈ જાય. આના માટે એમણે એક રિફ્લેક્ટર પણ ગોઠવ્યું છે. માણસના શરીરનું હલનચલન એ તરત પારખીને લેઝરને બંધ કરી દે છે. ૧૪ ફૂટના અંતરેથી પણ હવે તમે મોબાઇલ ચાર્જ કરી શકશો. આ ઉપકરણ કેમ કામ કરે છે તે સમજવા માટે આ વિડિયો જૂઓઃ

https://www.facebook.com/uwnews/videos/1728445513914703/

સંદર્ભઃ http://www.washington.edu/news/2018/02/20/using-a-laser-to-wirelessly-charge-a-smartphone-safely-across-a-room/ (ઉપરોક્ત વિડિયો આ લિંક પર જવાથી પણ જોવા મળશે).

૦-૦-૦

() સુપરનોવાના જન્મની શરૂઆત જોઈ એક અવકાશપ્રેમીએ

આમ તો આ ઘટના છે, ૨૦મી સપ્ટેમ્બર, ૨૦૧૬ની, પરંતુ બધી ચકાસણીઓ પછી પાકી ખાતરી થયા પછી Nature 554, 497–499 (2018) માં એનો રિપોર્ટ પ્રકાશિત થયો છે.

આર્જેન્ટિનાના વિક્ટર બૂસોનું કામ તો તાળાંકૂંચી સમારવાનું અને બનાવવાનું. પરંતુ એને અવકાશમાં નજર માંડવાનો પણ શોખ. આ માટે એણે પોતાના ટેલિસ્કોપ પર ગોઠવાય એવો નવો કેમેરા પણ ખરીદ્‍યો. એણે કેમેરા ચક્રાકાર ગૅલેક્સી NGC 613 તરફ વાળ્યો. આ ગૅલેક્સી આપણાથી આઠ કરોડ પચાસ લાખ પ્રકાશવર્ષ દૂર છે. અહીં એને અલપઝલપ થતા પ્રકાશનો પૂંજ જોવા મળ્યો. એણે ધડાધડ તસવીરો ઝડપવા માંડી. આમ તો સુપરનોવાની બે તસવીરોમાં બહુ અંતર જોવા ન મળે પરંતુ આ તો એક જ સ્થાનેથી લીધેલી બે તસવીરોમાં પણ ફેર દેખાતો હતો. આ તસવીરો એકબીજી પર સુપર-ઇમ્પોઝ કરતાં સુપરનોવાના જન્મના શરૂઆતના ધબકારા જોવા મળ્યા. એ નીચે આપેલ ચિત્રમાં જોઈ શકાશેઃ

તે પછી તો એણે વૈજ્ઞાનિકોનો સંપર્ક કર્યો તો બધા અભિભૂત થઈ ગયા. આ તો સુપરનોવાના જન્મની પ્રસવપીડા!

એક મહાકાય તારાની નાભિનું પરમાણું ઈંધણ ખૂટી જાય ત્યારે એ અંદર તરફ ધસવા લાગે છે. આથી પ્રોતોન અને ઇલેક્ટ્રોન એકબીજામાં દબાઈને જોડાઈ જાય છે અને ન્યૂટ્રોન પેદા કરે છે. ખગોળ-ભૌતિકશાસ્ત્રીઓ કહે છે કે તારો અંદર ધસી પડવાથી ‘શૉકવેવ’ ઉત્પન્ન થાય છે જે તારાની સપાતી સુધી પહોંચવામાં એકાદ દિવસ પણ લઈ લે છે. આ પહેલાં જે સુપરનોવા જોવા મળ્યો તેનાં શૉકવેવ સપાટી પર આવ્યાં તે પછી ૩ કલાકે દેખાયો હતો. પરંતુ બૂસોએ ૯૦ મિનિટમાં દર ૨૦ સેકંડે એક તસવીર લઈને પહેલી જ વાર શૉકવેવ છૂટાં પડે તે સમયની તસવીરો ઝડપીને ખગોળશાસ્ત્રમાં એક રહ્સ્યનું તાળું ખોલી આપ્યું છે.

સંદર્ભઃ https://www.nature.com/articles/d41586-018-02331-4

___________________________________________________________________________

શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

1 comment for “Science સમાચાર (૩૨)

  1. February 26, 2018 at 9:45 pm

    બધા વિડિયો જોયા. હવે તો wild life video જોવાનું વ્યસન થઈ ગયું છે. જીવનનાં અજીબો ગરીબ પાસાં સાથે આવા વિડિયો બનાવનારી ટીમની લગન અને ટેક્નિકલ કુશળતા માટે માન થઈ જાય.
    ————-
    દરિયાના પાણીને મીઠું કરીને થઈ શકતી પ્રગતિ જોવી હોય તો દુબાઈની મુલાકાત લેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *