





નયના પટેલ
સરલાબહેન રસોડામાં જતાં જતાં ‘પોલીસ સ્ટેશન’ શબ્દ સાંભળી, ઊભાં જ રહી ગયાં !
કિશન ફોન પર પોલીસને કહેતાં સાંભળ્યો, ‘યસ્ટરડે અરાઉંડ ૧૨.૩૦ એટ નાઈટ, વી લેફ્ટ …….રેસ્ટોરંટ એંડ વેંટ ટુ ધ કાર પાર્ક, ધેર વી સૉ ધેટ સમવન હેઝ સ્લેશડ ઓલ અવર ટાયર્સ………યસ, ઓફીસર સૉરી વી ડીડંટ રીપોર્ટેડ સ્ટ્રેઈટ અવે બીકોઝ……… આઈ નો સર, સોરી આઈ મેઈડ અ મીસ્ટેઈક. ઓ.કે આઈ એમ કમીંગ ટુ ધ પોલીસ સ્ટેશન ઈન હાફ એન આવર. થેંક્સ ઓફીસર. સી યુ. સુન.’
સરલાબહેન કિશન પાસે આવી ચિંતાથી પૂછ્યું, ‘ શું થયું કિશુ? રાત્રે કેમ બોલ્યો નહી, બેટા?’
‘તું આવું જ રીએકશન આપીશ એની મને ખબર હતી એટલ નહોતું કહ્યું, મમ!’
‘પણ થયું શું હતું વિગતે કહેને!’
કિશન મુંઝાયો એક તો જવાનું મોડું થતું હતું તેમાં જો એ એમ કહે કે એ અને સ્નેહા સાથે હતાં તો એક નવું પ્રકરણ ઊભું થાય. એટલે પછી મોઢે આવ્યો તે જવાબ આપ્યો, ‘એ તો હું.. અમે…એટલે કે મારા ફ્રેંડ્સ બધાં એ રેસ્ટોરંટ્માં ભેગા થયા હતાં જમતાં જમતાં અને વાતો કરતાં કરતાં મોડું થઈ ગયું. બહાર આવી જોયું તો કોઈ નંદાની કારના ચારેય ટાયર્સ ફાડી ગયું હતું.’
વાત કરતાં કરતાં કિશને સ્વસ્થતા મેળવી લીધી એટલે સરલાબહેનની ઉલટ તપાસ વખતે જવાબો મગજમાં તૈયાર થઈ ગયા.
‘તારી પાસે નંદાની કાર કઈ રીતે આવી અને એ જે હોય તે તારે તરત જ રીપોર્ટ કરી દેવો જોઈએને ?’
‘લુક મમ, હું અને નમન બન્ને જુદી જુદી જગ્યાએ જવાનાં હતાં પણ પ્રીતને મળવા સાથે ગયા અને પછી નદુ તને મૂકીને આવી ત્યારે અમારી વચ્ચે કાર બે જ હતી એટલે નંદાએ મને કાર આપી દીધી અને આવતી વખતે હું નંદા અને સ્નેહાને લીઝ્ને ત્યાંથી લઈ આવ્યો. એની વે મમ, પોલીસ પહેલા તો તું જ ઉલટ તપાસ કરવા માંડી. પછી તારી સાથે વિગતે વાત કરીશ. મને પોલીસ સ્ટેશને જવાનું મોડું થાય છે. કહી તરત પૂરતું તો મમની ઊલટ તપાસમાંથી બચ્યો!
સ્નેહા નીચે આવી ત્યારે તેણે કિશનને બહાર જતાં જોયો તે જ વખતે સરલાબહેન થેપલાંની તૈયારી કરવા રસોડામાં ગયાં એ તકનો લાભ લઈ બારણા પાસે જઈ કિશનને ‘સોરી, એંડ બેસ્ટ ઓફ લક’ કહી ત્વારાથી રસોડામાં જતી રહી.
સ્નેહાના ‘જેશ્રીકૃષ્ણ’ના પ્રતિભાવમાં સરલાબહેને લગલો સવાલ જ પૂછ્યો, ‘ગઈકાલે રાત્રે નંદાની કાર કિશુ લઈ ગયો હતો તેનાં ટાયર્સ કોઈ ફાડી ગયું હતું એ એણે તમને લોકોને કીધું’તું કે નહી ?’
સ્નેહા ઘડીભર તો મુંઝાણી, શું કહેવું તેના વિચારમાં તેણે કોઈ જવાબ ન આપ્યો એટલે સરલાબહેને સવાલને દોહરાવ્યો.
‘હા, કહ્યું તો હતું… પણ પછી પ્રીતભાઈની વાતમાં….’
‘જો કે સાચું છે એ વાત જ એવી છે કે બીજી કોઈ વાત જ ન સૂઝેને ?’
સ્નેહાનો જીવ પડીકે બંધાયો હતો, તોય ખૂબ ધીરજ રાખીને, વાક્યો ગોઠવીને પૂછ્યું, ‘ઓ, એટલે કિશનભાઈ એ કાર લેવા ગયા છે?’
ગઈકાલની કિશન સાથેની મુલાકાત પછી હવે કોણ જાણે કેમ એને કિશનને ભાઈ કહેવાનું એટલું તો અજુગતું લાગ્યું ને!
‘ના, એ ગાંડિયાએ તરત જ પોલીસને રીપોર્ટ ન કર્યો અને હજુ હમણા, તું નીચે આવી તે પહેલાં જ ફોન કર્યો. મને લાગે છે પોલીસે તરત જ રીપોર્ટ કરવા કહ્યું હશે એટલે ઊપડ્યો લાગે છે.’
સ્નેહા ચા બનાવી ડાઈનિંગરુમમાં આવી. ધનુબા ચૂપચાપ બેઠાં હતાં તેમને ‘જેશ્રી કૃષ્ણ’ કહ્યું અને ટી.વી ચાલુ હતું તેના પર નજર ખોડીને બેઠી પરંતુ જીવ તો કિશન પાસે કારમાં પહોંચી ગયો હતો.
જો ભાવિને એ પરાક્રમ કર્યું હશે તો વાજતે-ગાજતે સૌને ખબર પડી જશે કે તે સમયે અમે બન્ને જણ સાથે હતાં ! એક મિનિટ તો એને થયું એ સરલાબહેનને સાચે સાચું કહી દે. પછી વિચાર્યું, નંદા ઊઠે તેની સાથે નક્કી કરીને, એ કહેશે એ કરીશ!
નમન અને નંદા વારાફરતી ઊઠીને નીચે આવ્યાં , ત્યાં સુધીમાં તો સ્નેહા ચા પતાવી, સરલાબહેનને થેપલાં કરવામાં મદદ કરવા બેસી ગઈ હતી. નમન અને નંદા બન્નેને સરલાબહેને કિશનની વાત કરી. પરંતુ બન્નેએ ખાસ આશ્ચર્ય બતાવ્યું નહી અને તેમના રોજીંદા કામે લાગ્યા.
સ્નેહાની અકળામણ વધતી જતી હતી એટલે આખરે ઉપર બાથરૂમમાં જવાનું બહાનું કાઢી, નંદાને ઉપર આવવાનો ઈશારો કરી ઉપર ગઈ.
નંદા પણ મુંઝાતી તો હતી જ .
હવે શું કરીશું નંદા ? વહેલી-મોડી આ લોકોને ખબર પડ્યા વગર રહેવાની નથી. અને જો આ પરાક્રમ ભાવિને કર્યું હશે તો કોઈને ય પ્રશ્ન થાય કે તે ઓચિંતો કેમ આટલો બધો ઉશ્કેરાયો હશે ?’
‘યાર, મને ય એ જ મુંઝવણ થાય છે’ પછી થોડું વિચારીને બોલી, ‘ આપણે એમ કરીએ કે કિશનના આવવાની રાહ જોઈએ. પછી હું એને ખાનગીમાં પૂછી લઈશ. પછી આપણને ત્રણેયને જે યોગ્ય લાગે તે પ્રમાણે કરીશું. હમણા મગજને કૂલ રાખવાની જરૂર છે . યુ ડોંટ વરી, જે તારી ચિંતા છે એ મારી અને કિશુની ચિંતા ય છે.’
‘ધેટ્સ ટ્રુ, ચાલ, હું જાઉં અને ફોઈને મદદ કરું ‘
‘ફોઈ’ નહી હવે ‘મમ’ કહેવાની ટેવ પાડ.’
‘અમારી વચ્ચે શું વાત થઈ એની તને ખબર નથી ને? તું જાય તે પહેલા તને કહીશ. પછી તું નક્કી કરજે કે ‘ફોઈ’ કહું કે ‘મમ’-કહી મર્માળુ હાસ્ય કરતી કરતી સ્નેહા નીચે ગઈ.
છેક અગિયાર વાગ્યે કિશનનો ફોન નંદા પર આવ્યો, ત્યાં સુધી સૌ ઊંચા જીવે કામ આટોપતાં રહ્યાં.
નંદાની કારનાં ઈન્સ્યોરંસની વિગતો પૂછતાં પૂછતાં કિશને નંદાને કહ્યું, ‘ અમને એમ હતું કે ભાવિને આ કર્યું હશે પરંતુ સી.સી.ટી.વીમાં પોલીસે જોયું તો કોઈ ઓળખાતું નથી. ત્રણેય જણ હૂડીઝ (જંપર સાથે જ માથે ઓઢવાની કેપ-હૂડ આવે તે). વળી કારપાર્કમાં બે જુદી જુદી દિશામાંથી આવતાં દેખાય અને ચાલતાં જ કાર પાર્કમાં આવતાં દેખાય છે. પછી પોલીસ સાથે વાત કરતાં ખ્યાલ આવ્યો કે ભાવિન તારી કાર ક્યાંથી ઓળખે ? એટલે એમ લાગે છે કે આ હુલીગંસ લોકોને કારપાર્કમાં જે પહેલી કાર દેખાય તેને અડફટમાં લીધી લાગે છે ,અને કમનસીબે એ તારી કાર હતી, રી……અલી સૉરી સીસ !’
‘ હ ગૉડ, બચી ગયા એમ કહેને (પછી અવાજ ધીમો કરીને બોલી ) મી એંડ સ્નેહા વર સો વરીડ, ધેટ ઇફ ભાવિન…’
‘ડોંટ વરી નંદુ, એંડ ઓલસો ટેલ હર એસવેલ નોટ ટુ વરી, ઈટ સીમ્સ લાઈક એન કોઈંસીડંસ, નથીંગ એલ્સ. અને હા, મમને કહી દે કે એ.એ.વાળા આવે તેમની સાથે કારને ગેરેજમાં મૂકીને આવીશ એટલે વાર લાગશે પણ બધું સોર્ટ આઉટ થઈ ગયું છે . ચિંતા ના કરે.ઓ.કે…બાય, સી યુ સૂન’
નંદાને સ્નેહાની હાજરીમાંજ કિશનનો સંદેશો વિગતે આપ્યો એટલે સ્નેહાને પણ સંદેશો મળી ગયો.
બપોરે મનુભાઈ શૉપ પરથી આવ્યા તેમને સરલાબહેન બધી વાત કરતાં હતાં ત્યાં જ કિશન પણ આવ્યો.
કિશન માટે એને પૂછ્યા વગર ચા લઈ આવેલી સ્નેહાની સહાનુભૂતિ કહો કે લાગણી તરફ કિશન સિવાય કોઈનું ધ્યાન ગયું નહી.
ચા લેતાં લેતાં એના હાથને નીચેથી સ્પર્શી ‘થેંક્સ‘માં ભારોભાર ભાવ બતાવી એણે એ નોંધ્યું છે તેની વગર બોલ્યે જાણ કરી.
બધાં જમી પરવાર્યા ત્યારે ચાર થવા આવ્યા હતાં.
નંદા અને નમનની બેગો તૈયાર થઈ ગઈ હતી પણ કિશનનો સમય નંદાની કારની મોંકાણમાં ગયો અને બેગ ભરવાની બાકી રહી ગઈ હતી એટલે સરલાબહેને અને નંદાએ એને મદદ કરી. ત્યાં સુધીમાં નમને એની પોતાની, અને નંદાની કાર ગેરેજમાં હોવાથી મનુભાઈએ એમની કાર નંદાને આપી, તેમાં સામાન લોડ કર્યો.
છ વાગ્યા સુધીમાં તો ત્રણેય જણની જવાની તૈયારી થઈ ગઈ.
સરલાબહેને સ્નેહાને સૌને માટે ચા બનાવવાનું કહ્યું અને ઉપર સૌના રૂમમાં કંઈ રહી તો નથી ગયું તે તપાસવા ગયાં.
નંદા અને નમન, મનુભાઈ પાસે તેમનું ફાઈનાન્સનું સોર્ટ આઉટ કરવા બેઠાં, તેનો લાભ લઈ કિશન, રસોડામાં ચા બનાવતી સ્નેહા પાસે જવાનું રોકી શક્યો નહીં.
સ્નેહાનું ધ્યાન ચા બનાવવામાં હતું એટલે સાવ જ નજીક આવીને ઊભેલા કિશને જોઈને ચમકી ગઈ.
‘કેમ ચમકી, હું એટલો બધો બિહામણો લાગું છું ?’
‘એય, થોડા દૂર ઊભા રહો, કોઈ આવીને જોય તો કેવું લાગે ‘
‘લાગવા દે, જેને જે લાગવું હોય તે. એનીવે, તારી પાસે મારા મોબાઈલનો નંબર નથીને ? મારી પાસે તો તારો છે. આજે યુનિ. પર પહોંચી તને ફોન કરીશ એ નંબર સેઈવ કરી લેજે અને ‘ (એની આંખોમાં આંખો પરોવી બોલ્યો, ‘ હું તારા જવાબની રોજ રાહ જોઈશ.’ અને જેવો જવા માટે પાછળ ફર્યો ત્યારે સરલાબહેનને બારણા પાસે જોયા, કાંઈ જલ્દી સૂઝ્યું નહી એટલે છોભીલું છોભીલું હસી બોલ્યો, ‘સ્નેહા ચા થઈ ગઈ કે નહીં ? ડુ યુ નીડ એની હેલ્પ ?’
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com