સચિન દેવ બર્મન અને મન્ના ડે – યુગલ ગીતો

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મને રચેલાં મન્ના ડેનાં સૉલો ગીતોના વૈવિધ્યપૂર્ણ રંગપટને આપણે આ પહેલાં ૨૫ નવેમ્બર, ૨૦૧૭ અને ૨૭ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ માણી ચૂક્યાં. એ રંગપટમાં જ્યાં સુધી આ જોડીએ હિંદી ફિલ્મોને ભેટ કરેલ યુગલ ગીતોની રચનાઓના રંગ ન ભળે ત્યાં સુધી એ રંગપટ અધૂરો જ રહે.

આજે આપણે એ દૂશ્યાવલીને પૂરી કરીશું.

આન મિલો આન મિલો શ્યામ સાંવરે – દેવદાસ (૧૯૫૫) – ગીતા દત્ત સાથે – ગીતકાર: સાહિર લુધ્યાનવી

બાળ પારો (બેબી નાઝ)ના મનના અકથ્ય ભાવોને ગીતકારે એક સાધુ (નાના પળસીકર) અને સાધ્વી (દુલારી)ના સ્વરોમાં વણી લીધેલ છે. બંગાળની પ્રખ્યાત બાઉલ લોક શૈલીમાં ગીતની સ્વરબાંધણી કરવામાં આવી છે.

સાજનકી હો ગઈ રે ગોરી – દેવદાસ (૧૯૫૫) – ગીતા દત્ત સાથે – ગીતકાર: સાહિર લુધ્યાનવી

પાત્રો પહેલાંનાં ગીતનાં જ છે માત્ર પારો (સુચિત્રા સેન) હવે યુવાન થઈ ગઈ છે.

જાઉં મૈં કહાં યે જમીં યે જહાં છોડ કે, રાહમેં મૂઝે ચલ દિયા કારવાં છોડ કે – મિસ ઈન્ડીયા (૧૯૫૭) – લતા મંગેશકર સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ગીતની શરૂઆત જ મન્ના ડેના મસ્તીમાં ડૂબેલા આલાપથી થાય છે. ક્લબના નૃત્ય મંચ પર નાયક રંગરેલીયાં મનાવે અને પત્ની ઘરે બેઠી આંસુ સારે એવી વાર્તાઓ એ સમયની હિંદી ફિલ્મોમાં ‘સેલેબલ’ ‘મસાલા ફોર્મ્યુલા’ ગણાતી.

પહેલાં અંતરામાં પણ વાદ્ય સંગીતની સાથે મન્ના ડે આલાપ છે ડે છે અને તે પછી ‘યે ભીગી ભીગી રાતેં યે ઉમડ ઘુમડ બરસાતેં’ના બોલથી નૃત્ય મંચ પર બીજાંઓને પણ જોડાવા આમંત્રણ પણ આપી દે છે.

ગીત આ બે પ્રકારનાં દૂશ્યોને વારાફરતી રજૂ કરતું રહે છે.

માલિકને હાથ કાહે દો દો દિયે, તૂ કામ કરે પેટ ભરે જબ તક જિયે – મિસ ઈન્ડીયા (૧૯૫૭) – આશા ભોસલે સાથે – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

ફિલ્મમાં વાર્તા અવનવા વળાંક લેતી લેતી રહી હશે જેમાં પત્ની હવે એક મજૂરણ બનીને આડે પાટે ચડી ગયેલા પતિને સુધારવાના માર્ગ પર છે. નાયિકા હવે બીજી ભૂમિકામાં છે એટલે પાર્શ્વ ગાયનમાં સ્વર બદલી નાખવામાં આવ્યો લાગે છે (!).

બાબુ,,,,સમજો ઈશારે હોરન પુકારે પમ પમ… યહાં ચલતી કો ગાડી કહતે હૈ પ્યારે પમ પમ – ચલતીકા નામ ગાડી (૧૯૫૮) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

હિંદી ફિલ્મ ગીતોનાં બહુ મોટા ભાગનાં લોકો આ ફિલ્મ અને ગીતથી પરિચિત હશે જ …

ચંદા મામા મેરે દ્વાર આના – લાજવંતી (૧૯૫૮) – આશા ભોસલે સાથે – ગીતકાત મજરૂહ: સુલ્તાનપુરી

આ એક બાળ સમુહ નૃત્ય ગીત છે.જેમાં બાળકો પોતાના ચાંદા મામાને પોતાને ઘરે આવવા આમંત્રે છે, જેનો જવાબ ચાંદામામા પાસે સચિન દેવ બર્મને મન્ના ડેના સ્વરમાં અપાવ્યો છે. પરદા પર મુખ્ય બાળ કલાકારની ભૂમિકામાં એક ફરી વાર બેબી નાઝ છે.

સાંજ઼ ઢલી દિલકી લગી દિલકી લગી થક ચલી પુકાર કે, આ જા આજા આભી જા – કાલા બાજ઼ાર (૧૯૬૦)- આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

મન્ના ડે પાસે સચિન દેવ બર્મને ગવડાવેલાં ૩૯ ગીતોમાંથી માંડ ૧૧ ગીતો જ ફિલ્મના નાયક માટે પરદા પર રજૂ થયાં છે. સૉલો ગીતોમાં આપણે મન્ના ડેના સ્વરને દેવ આનંદ માટે ‘બમ્બઈ કા બાબુ’ અને ‘મંઝિલ’ માટે સાંભળી ચૂક્યાં છીએ. ‘બમ્બઈકા બાબુ’ની જેમ ‘કાલા બાજ઼ાર’માં પણ દેવ આનંદનાં બીજાં ગીતો મોહમ્મદ રફી પાસે ગવડાવ્યાં છે.

‘મંઝિલ’નું મન્ના ડેના સ્વરમાં ગવાયેલું એક યુગલ ગીત આજના અંકમાં સાંભળવા મળશે.

ધડકે દિલ ધક સે દેખા હૈ જબ સે, મર ગયા હમ તબસે તૌબા તૌબા હો તૌબા તૌબા – બેવકૂફ (૧૯૬૦)- આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

કિશોર કુમારે ‘આરાધના'(૧૯૬૯)માં એક માત્ર પુરુષ પાર્શ્વગાયક તરીકે છવાઈ જતાં પહેલાં પણ પોતાના ગીતો સિવાય દેવ આનંદ અને બીજા ઘણા પુરુષ કલાકારો માટે ગીતો ગાયાં છે. મજાની વાત એ છે કે તે સાથે તેમના માટે બીજા પુરુષ પાર્શ્વ ગાયકોએ પણ ગીતો ગાયાં છે, જે ખુદ એક અલગ લેખનો વિષય બની શકે છે.

અહીં મન્ના ડે તેમના માટે સ્વર પૂરો પાડે છે.

તૂ તૂ જામ લિયે જા આંખોએ આંખોકા તૂ જામ લિયે જા – બેવકૂફ (૧૯૬૦) – કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

અહીં મન્ના ડે પ્રાણ માટે પાર્શ્વસ્વર પૂરો પાડે છે.

તૂ મિ પિયાસી, સારા હુ હુ હુ ગરસિયા, સલામ લો હમારા હો હો સુકરિયા – બેવક઼ૂફ (૧૯૬૦) – આશા ભોસલે અને કિશોર કુમાર સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીતમાં આમ તો કિશોર કુમાર જ પોતાના માટે સ્વર આપે છે. માત્ર અહીં આપેલ વિડીયોમાં @ ૪.૦૦માં આશા ભોસલે સાથેનો જે આલાપનો ટુકડો આબાદ શૈલીમાં થોડો ટુકડો છે તે મન્ના ડે પાસે ગવડાવ્યો છે.

આડવાત:

આવો એક, અકળ, પ્રયોગ માઈકલ હૈ તો સાઈકલ હૈ‘ યુગલ ગીતમાં પણ કરાયો છે. આમ તો આ ગીત કિશોર કુમાર અને આશા ભોસલેના યુગલ સ્વરોમાં જ છે. પરંતુ @૧.૧૬ પર ‘ઉલ્ફતકે….’થી શરૂ કરીને @૧.૩૧ પર પૂરી થતી ‘નૈનોમેં મેર આકે ઝૂલ ઝૂલ જાઇએ’ પંક્તિઓ અચાનક જ મન્ના ડેના સ્વરમાં હોય તેવું સ્પષ્ટ જણાય છે.

આ વાતની કોઈ અન્ય દસ્તાવેજી સાહેદી નથી મળતી, પણ ફિલ્મ સંગીતના ઘણા જાણકાર ચાહકોએ આ વાતને ક્યાંક ક્યાંક જણાવી છે.

દેખ ઈધર દેખ તેરા ધ્યાન કહાં હૈ, સર પે બુઢાપા હૈ મગર દિલ તો જવાં હૈ – બેવક઼ૂફ (૧૯૬૦) – આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીત આમ જૂઓ તો પૈસાદાર વિધવાનું સ્ત્રી પાત્ર ભજવતા આઈ એસ જોહર માટે આશા ભોસલેનું સૉલો જ કહી શકાય. મન્ના ડે અને કોઈ એક અન્ય અજાણ પુરુષ સ્વરના ભાગે તો મુકરી અને ઉલ્હાસના ભાગે આવતી દેખ ઈધર દેખ તેરા ધ્યાન કહાં હૈ’ એક પંક્તિ જ છે.

અરે હાં.. દિલદાર કમંડો વાલે કા, હર તીર જિગર સે ગુજ઼રે હૈ, ઉડ ઉડ જાયે હોશ હસીનો કે મેરા યાર જહાં સે ગુજરે હૈ – બેવક઼ૂફ (૧૯૬૦) – શમશાદ બેગમ સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

બનાવટી પાર્શ્વ ગાયન માટે અસલી પાર્શ્વ ગાયનનો બહુ કલ્પનાશીલ પ્રયોગ .

ચાંદ ઔર મૈં ઔર તૂ .. અય કાશ ચલકે મિલ લે તે તીન રાહી દિલ કે – મંઝિલ (૧૯૬૦- આશા ભોસલે સાથે – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

‘મંઝિલ’માં હેમંત કુમારના સ્વરનો પણ બહુ જ સફળ પ્રયોગ કરવાની સાથે સાથે સચિન દેવ બરમને આ એક બહુ અનોખી બાંધણીવાળી રચનામાં દેવ આનંદ માટે મન્ના ડેના સ્વરનો પ્રયોગ કર્યો છે. ગીતની બાંધણીની ખાસ નોંધપાત્ર વાત એ છે કે ગીતમાં અંતરાનાં સંગીત જેવો કોઈ વિરામ જ નથી. અંતરાને મુખડાથી અલગ પાડવા માટે યુગલ સ્વરોના આલાપનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આડવાતઃ

સચિન દેવ બર્મને દેવ આનંદ માટે બધું થઈને છ જૂદા જૂદા ગાયકોના સ્વરને પ્રયોજ્યા છે. જેમાંથી કિશોર કુમાર, મોહમ્મદ રફી, કંઈક અંશે હેમંત કુમાર અને તલત મહમૂદ, અને હવે મન્નાડેના સ્વરના પ્રયોગોથી આપણે પરિચિત થઈ ચૂક્યાં છીએ. છઠ્ઠો સ્વર છે જગમોહન બક્ષીનો જે સચિન દેવ બર્મને ‘ટેક્ષી ડ્રાઈવર’નાં યુગલ ગીત ‘દેખો માને નહીં રૂઠી હસીના ક્યા બાત હૈ‘ છે.

હો..ઓ..ઓ હો ગઈ શામ દિલ બદનામ લેતા જાયે તેરા નામ -નૉટી બોય (૧૯૬૨) – આશા ભોસલે સાથે – ગીતકાર: શૈલેન્દ્ર

આશા ભોસલે જે મસ્તીથી ગીત ગાયું છે તે સ્વરેસ્વરને અનુરુપ મસ્તીથી મન્ના ડે પણ ગીતમાં સાથ પૂરાવે છે. આ ગીતમાં પણ મન્ના ડેએ કિશોર કુમાર માટે પાર્શ્વ સ્વર પૂરો પાડ્યો છે.

સોચ કે યે ગગન ઝૂમે અભી ચાંદ નીકલ આયેગા – જ્યોતિ (૧૯૬૯) – લતા મંગેશકર સાથે – ગીતકાર: આનંદ બક્ષી

આ યુગલ ગીતમાં ફિલ્મના મુખ્ય કલાકાર સંજીવ કુમાર માટે સચિન દેવ બર્મને મન્ના ડેના સ્વરને પ્રયોજ્યો છે. આ વાતનું મહત્ત્વ એટલા માટે ગણી શકાય કે એ જ વર્ષે આવેલ ‘આરાધના’માં બર્મન પિતાપુત્રએ કિશોર કુમાર સ્વરને જે રીતે રજૂ કર્યો તેણે તો હિંદી ફિલ્મ સંગીતનાં પાર્શ્વ ગાયનનો એક નવો યુગ જ શરૂ કરી દીધો હતો.,/p>

તાક઼ત વતનકી તુમસે હૈ, હિંમત વતનકી તુમસે હૈ, ઈઝ્ઝત વતનકી તુમસે હૈ, ઈન્સાન કે હમ રખવાલે – પ્રેમ પુજારી (૧૯૭૦)- મોહમ્મદ રફી અને સાથીઓ સાથે – ગીતકાર: નીરજ

મન્ના ડે અને મોહમ્મદ રફીનાં યુગલ ગીતો ખૂદ જ એક અલગ લેખનો વિષય છે.

સચિન દેવ બર્મને મન્નાડેના સ્વરને આમ જૂઓ તો બહુ જ ઓછા પ્રમાણમાં પર્યોજ્યો છે. આ માટેનાં કારણો કદાચ સચિન દેવ બર્મન અને વિધાતા સિવાય કોઈ પણ જાણતું નહીં હોય. પરંતુ, સંખ્યાનો અફસોસ ન કરીએ તો ગીતોનાં વૈવિધ્ય અને મન્ના ડેના સ્વરને ન્યાય આપવાની બાબતમાં સચિન દેવ બર્મન મન્નાડેના ચાકકોને નિરાશ નથી કરતા.

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ પાર્શ્વ ગાયકોનાં ગીતોની આપણી આ સફરમાં સચિન દેવ બ બર્મને રચેલાં સચિન દેવ બર્મને જ ગાયેલાં ગીતોથી લેખમાળાની આ શૃંખલા પૂરી કરતં પહેલાં આપણે તેમણે રચેલાં અન્ય ગાયકોના સ્વરનાં ગીતોને હવે પછી યાદ કરીશું.

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “સચિન દેવ બર્મન અને મન્ના ડે – યુગલ ગીતો

  1. Neetin Vyas
    February 24, 2018 at 10:31 am

    ઘણી શોધખોળ અને સરસ રજુઆત માટે અભિનંદન। સચિનદેવ બર્મન, લતા અને મન્ના ડે, રાગ ભૈરવી માં એક મજાની બંદિશ, ફિલ્મ જ્યોતિ, “સોચકે એ ગગન ઝૂમે” સાંભળ જેવી છે.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.