સુક્ષ્મ જીવોની સૃષ્ટિ : (૧૧): બેક્ટેરીયા/જીવાણુઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

વાઈરસ/ વિષાણુઓને વિશે કેટલીક રસપ્રદ વાતો જાણ્યા પછી આપણે સુક્ષ્મ જીવોની સૃષ્ટિના અન્ય સભ્યોની ઓળખ કેળવવાની શરુઆત કરીએ. હવે જે સુક્ષ્મ જીવોનો પરિચય કરવાનો છે તે આ સુક્ષ્મ સજીવ સૃષ્ટિનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકો દ્વારા સૌથી વધુ પ્રમાણમાં ઓળખાએલા સભ્યો છે. અનેકાનેક વૈવિધ્યસભર પ્રકારોમાં મળી આવતા આ સુક્ષ્મ સજીવો બેક્ટેરીયા/જીવાણુ તરીકે જાણીતા છે. આવનારી ચર્ચામાં આપણે બેક્ટેરીયા શબ્દ વડે જ કામ ચલાવીશું. આ દુનિયા ઉપરની માનવજાતને પરિચીત છે એવી એક પણ જગ્યા એવી નથી કે જ્યાં એક યા બીજા પ્રકારનાં બેક્ટેરીયા ન મળી આવતાં હોય. આટલું જાણવાથી આશ્ચર્ય ન થયું હોય તો એક ડગલું આગળ વધીને જાણીએ કે પૃથ્વીની બહારના અવકાશમાં, અન્ય ગ્રહો ઉપર અને ધુમકેતુઓ ઉપર પણ આ પ્રકારના સુક્ષ્મ સજીવો અસ્તિત્વ ધરાવતા હોય એવા વૈજ્ઞાનિક આધારો મળી આવ્યા છે! આ કારણથી ઘણા વૈજ્ઞાનિકો બેક્ટેરીયાને માટે એ જ શબ્દપ્રયોગ કરે છે, જે વ્યાપક રીતે ઈશ્વર માટે પ્રયોજાય છે – Omnipresent/સર્વવ્યાપી! અત્રે યાદ કરી લઈએ કે વાઈરસનું બંધારણ અને અમુક ગુણધર્મો એવા છે કે એમને સજીવ સૃષ્ટિના સભ્યો ગણવા કે કેમ એ બાબતે વૈજ્ઞાનિકો એકમત નથી. આ હિસાબે બેક્ટેરીયા/જીવાણુઓને ખરા અર્થમાં સજીવ સૃષ્ટિના સભ્યો કહી શકાય. અલબત્ત, આ સજીવો અત્યંત પ્રાથમિક કક્ષાનું બંધારણ ધરાવે છે, પણ તોય લાક્ષણિક સજીવના મૂળભૂત ગુણધર્મો એમનામાં જોવા મળી રહે છે. એમાંનો એક છે ચોક્કસ પ્રકારનું કોષીય બંધારણ. આપણે એ જાણવું અત્યંત જરૂરી છે કે કોઈ પણ સજીવના શરીરનું પાયાનું એકમ કોષ હોય છે. સજીવના પ્રકાર પ્રમાણે તે એકકોષીય અથવા બહુકોષીય હોય છે. જૂજ અપવાદોને બાદ કરતાં બેક્ટેરીયા એકકોષીય હોય છે. આપણે હમણાં જ જાણ્યું કે એમનું કોષબંધારણ અત્યંત પ્રાથમિક કક્ષાનું હોય છે. આ સમજવા માટે પહેલાં તો આપણે કોષના બંધારણને સમજીએ.

સજીવસૃષ્ટિ જેમ જેમ વિકસતી ગઈ તેમ તેમ વધુ ને વધુ સંકીર્ણ શારીરીક બંધારણ ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. ઉત્ક્રાંતીની આ સતત ચાલતી રહેલી ઘટમાળ દરમિયાન અનેકવિવિધ પ્રકારની વનસ્પતીઓ અને એટલી જ માત્રામાં પ્રાણીઓ દુનિયાના પટ ઉપર આવ્યાં. અહીં આપણે જાણવા જેવી અત્યંત રસપ્રદ બાબત એ છે કે શારીરીક રીતે ચાહે કેટલુંયે વૈવિધ્ય હોય, આ બધા જ સજીવોના કોષબંધારણમાં અકલ્પનિય સામ્ય જોવા મળે છે. આમ સમગ્રપણે જોતાં મૂળભૂત રીતે બે જ પ્રકારના કોષો જોવા મળે છે- બેક્ટેરીયા જેવા તદ્દન પ્રાથમિક બંધારણ ધરાવતા કોષો અને પ્રજીવો, શેવાળ, ફુગ, વનસ્પતિ તેમ જ પ્રાણીઓમાં જોવા મળતા વિકસીત બંધારણ ધરાવતા કોષો. આ બે મૂળભૂત પ્રકારો અનુક્રમે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી કોષો તરીકે ઓળખાય છે. આવા નામકરણ ઉપરથી જ સ્પષ્ટપણે સમજી શકાય કે બન્ને પ્રકારના કોષોના કોષકેન્દ્રમાં ખુબ જ મોટો તફાવત હશે. જો કે એ ઉપરાંત પણ કેટલાંક લક્ષણોમાં ફેરફાર હોય છે. હવે આ બન્ને વચ્ચેના પાયાના તફાવતને આપણે શક્ય એટલી સરળ ભાષામાં સમજીએ.

પહેલાં તો એક આદર્શ અને લાક્ષણિક કોષ કેવો હોય છે તે જાણીએ. અહીં આકૃત્તિમાં વનસ્પતિકોષનો આડો છેદ બતાવ્યો છે. એમાં જોઈ શકાય છે કે કોષ એની બહારી બાજુએ Cell wall/કોષદિવાલ તરીકે ઓળખાતી રચના વડે કોષ સુરક્ષિત રહે છે.

clip_image002

કોષદિવાલની તરત નીચે Cell membrane/ કોષરસપટલ નામે ઓળખાતી અત્યંત બારિક ત્વચા આવેલી હોય છે. અહીંથી અંદર ઉતરીએ એટલે અંદરનો અવકાશ પ્રવાહી દ્રવ્ય અને એની અંદર સમાયેલી વિવિધ રચનાઓ વડે ભરાયેલો હોય છે. આ પ્રવાહી દ્રવ્ય Cytoplasm/ કોષરસ કહેવાય છે. અંદર આવેલી રચનાઓ Organelles/અંગીકાઓ તરીકે ઓળખાય છે. આપણે બહુ ઉંડા ન ઉતરતાં માત્ર એવી જ અંગીકાઓનો ઉલ્લેખ કરીશું, જેના વડે બેક્ટેરીયાના કોષો અન્ય વિકસીત કોષો કરતાં અલગ પડે છે. આ અંગીકાઓ છે Nucleus/કોષકેન્દ્ર, Mitochondrion/કણાભસૂત્ર, Chloroplast/હરિતકણ, Ribosome/રાઈબોઝોમ અને Endoplasmic Reticulum/આંત:કોષરસજાળ. આપણે એક પછી એક આ દરેકનો ટૂંકો પરિચય કેળવીએ.

કોષકેન્દ્ર…… જે તે કોષની અંદર ચાલતી બધી જ જૈવરાસાયણીક પ્રક્રીયાઓનું સંચાલન આ અંગીકા વડે થાય છે. આ કાર્ય માટે જવાબદાર એવો ડી ઓક્સી રાઈબોન્યુક્લીઈક એસીડ – DNA/ડી એન એ – નામનો મહાઅણુ આ કોષકેન્દ્રની અંદર આવેલા Chromosome/રંગસૂત્ર નામે ઓળખાતા તંતુઓ ઉપર ગોઠવાયેલો હોય છે. વળી આ કોષકેન્દ્રની અંદર Nucleolus/કોષકેન્દ્રીકા તરીકે જાણીતી અંગીકા આવેલી હોય છે. આમ, આ પ્રકારના કોષોનું કોષકેન્દ્ર ખાસ્સું વિકસિત હોય છે.

કણાભસૂત્ર…… આ અંગીકાઓ વિકસિત કોષોના શક્તિસ્થળ તરીકે જાણીતી છે. કોષમાં સતત ચાલી રહેલી ચયાપચયની પ્રક્રીયાઓ દરમિયાન જે શક્તિ ઉત્પન્ન થાય છે, તે ઘટના અહીં આકાર લે છે.

હરિતકણ…… માત્ર શેવાળના અને વનસ્પતિઓના કોષોમાં મળી આવતી આ અંગીકામાં Chlorophyll/હરિતદ્રવ્ય આવેલું હોય છે. પ્રકાશસંષ્લેષણ કરી શકતા આવા સજીવો હરિતદ્રવ્યની મદદ વડે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકના ઘટકો બનાવે છે. અહીં નોંધવું જરૂરી છે કે પ્રાણીઓના કોષોમાં આ અંગીકા હોતી નથી.

રાઈબોઝોમ …… હકિકતે આ અંગીકા નહીં પણ કણીકા તરીકે ઓળખાતા ઘટકો છે. કોષની અંદર વિવિધ પ્રકારનાં પ્રોટીન્સનું નિર્માણ સતત થયા કરતું હોય છે. આ પ્રક્રીયા માટે યોગ્ય સપાટી રાઈબોઝોમ્સ પૂરી પાડે છે. વિકસિત જૈવ પ્રણાલીઓના રાઈબોઝોમ્સ બેક્ટેરીયા જેવી અપ્લવિકસિત પ્રણાલીના રાઈબોઝોમ્સ કરતાં કદમાં થોડા મોટા હોય છે.

આંત:કોષરસજાળ…… વિકસિત પ્રણાલીઓના રાઈબોઝોમ્સ કોષરસમાં ફેલાયેલી સુક્ષ્મ નલીકાઓના બનેલા જાળી જેવી ગુંથણીદાર રચનાની સપાટી ઉપર મળી આવે છે.

આ સીવાય અન્ય ઘણા જ મહત્વના એવા કોષીય ઘટકો વિશે આપણે ચર્ચા નથી કરતા. આપણો રસ એ સમજવામાં છે કે બેક્ટેરીયાને આપણે પ્રાથમિક કક્ષાની જૈવિક પ્રણાલી શાથી કહીએ છીએ. તો આવો, કોષીય બંધારણના પાયાના તફાવતો જોઈએ.

સૌ પહેલાં એક લાક્ષણિક બેક્ટેરીયાના કોષની આકૃત્તિ તરફ નજર નાખીએ. અહીં એ નોંધીએ કે આપણે ઉપર વનસ્પતિકોષની અંદર આવેલી કેટલીક અંગીકાઓની વાત કરી, એમાંની એક પણ બેક્ટેરીયાના કોષની અહીં બતાવેલી આકૃત્તિમાં જોવા નથી મળતી.

clip_image004જો કે વૈકલ્પિક કાર્યપધ્ધતિ વડે બેક્ટેરીયાના કોષો જે તે અંગીકા ન હોવા છતાં પોતાની જરૂરીયાત મુજબની બધી જ જૈવરાસાયણિક પ્રક્રીયાઓ સુપેરે પાર પાડે છે. આ ઉપરાંત બેક્ટેરીયાના રાઈબોઝોમ્સ વિકસિત કોષોના રાઈબોઝોમ્સની સરખામણીએ કદમાં સહેજ નાના હોય છે. વળી એમને ધારણ કરવા માટેની કોઈ જ રચના બેક્ટેરીયા જેવા અલ્પવિકસિત કોષોમાં જોવા નથી મળતી. આ કોષોના રાઈબોઝોમ્સ સીધા જ કોષરસમાં ભળેલા હોય છે. આકૃત્તિમાં દર્શાવેલ અન્ય ઘટકો બાબતે હાલ આપણે કશું જ વિવરણ નથી કરતા. અત્યારે તો આ બે આકૃત્તિઓની મદદથી આપણને એવું જ સમજાય કે અન્ય સુવિકસિત જૈવિક પ્રણાલીઓની સરખામણીએ બેક્ટેરીયા કદમાં અને કોષીય સંરચનામાં ખાસ્સાં વામણાં છે. જો કે આવનારી કડીઓમાં આપણે જાણશું કે હકિકતે તો આ સુક્ષ્મ હસ્તિઓ ખાસ્સી સક્ષમ છે.


નોંધ……આકૃત્તિઓ નેટ ઉપરથી સાભાર લીધેલી છે.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

1 comment for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ : (૧૧): બેક્ટેરીયા/જીવાણુઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *