





જ્વલંત નાયક
મેટ્રોપોલીટન શહેરોમાં તો માર્ગો પર લાગેલી ઝળાહળા નિયોન લાઈટ્સને કારણે રોજ રાત્રે સૂરજની ગેરહાજરીમાં કોઈક નવા જ પ્રકારનો દિવસ ‘ઉગ્યો’ હોવાની પ્રતીતિ થાય છે. છેલ્લી બે સદીઓ દરમિયાન કૃત્રિમ અજવાળું એટલી હદે ફેલાઈ ગયું છે કે પૃથ્વી ગ્રહ ઉપરથી રાતનો અંધકાર સતત સંકોચાઈ રહ્યો છે. અંધકારનું સંકોચાવું જો તમને કોઈ કાવ્યાત્મક અભિવ્યક્તિ જેવું લાગતું હોય, તો સબૂર! આમાં રતીભાર કાવ્યાત્મકતા નથી, બલકે નર્યું પ્રદૂષણ છે!
નવેમ્બર ૨૦૧૭માં ‘સાયન્સ એડવાન્સીસ’ નામની જર્નલે પૃથ્વીના ગોળા ઉપર આર્ટીફીશીયલ લાઈટ્સને કારણે વધેલી બ્રાઈટનેસ ઉપર રિપોર્ટ પબ્લિશ કર્યો. નિષ્ણાંત વિજ્ઞાનીઓની ટીમે સેટેલાઈટ દ્વારા રાત્રિના સમયે લેવાયેલા પૃથ્વીના ગોળાની ઈમેજીસનો અભ્યાસ કરીને આ રિપોર્ટ લખેલો. એમના મતે ઇસ ૨૦૧૨થી ઇસ ૨૦૧૬ની વચ્ચે પૃથ્વીના ગોળા પર કૃત્રિમ લાઈટ્સને કારણે વધેલી બ્રાઈટનેસમાં દર વર્ષે ૨.૨%નો વધારો થતો જોવા મળ્યો. એનો અર્થ એમ કે દર વર્ષે પ્લેનેટ અર્થ ઉપર રાત્રીના સમયે પણ ઝગમગતા રહેતા વિસ્તારોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે! કૃત્રિમ લાઈટ્સનો વપરાશ કૂદકે-ભૂસકે વધી રહ્યો છે! વિકસીત દેશોમાં તો આવા વિસ્તારોનું પ્રમાણ સ્વાભાવિક રીતે જ વધુ છે. પરંતુ ભારત સહિતનો એશિયા ખંડ, આફ્રિકા અને સાઉથ અમેરિકા જેવા દેશોમાં કૃત્રિમ નાઈટ લાઈટ્સ અતિશય ઝડપે વધી રહી છે. માત્ર સીરિયા જેવા યુદ્ધગ્રસ્ત દેશોમાં જ લાઈટ્સનો વપરાશ ઘટ્યો છે.
આ ઘટના પ્રથમ નજરે બહુ સારી લાગે. અંધકાર દૂર થાય અને વધુમાં વધુ લોકોને પ્રકાશનો લાભ મળે એ પ્રગતિની નિશાની ગણાય. જાહેર માર્ગો રોશનીથી ઝળાહળા થાય એમાં પ્રદૂષણ શાનું? પરંતુ ભૂસ્તર વિજ્ઞાનીઓ અને પર્યાવરણશાસ્ત્રીઓને મતે કૃત્રિમ લાઈટનો વધુ પડતો ઉપયોગ ચિંતાપ્રેરક છે. એલઈડી લાઈટ્સના ઉપયોગથી વીજળીના પરમ્પરાગત ઉર્જાસ્રોતોનો બચાવ થાય એ ખરું, પરંતુ એલઈડી લાઈટ્સ ધારવા જેટલી ‘ઇકો ફ્રેન્ડલી’ નથી જ! કેમકે ઉર્જાની બચત કરતી હોવાને કારણે એલઈડી લાઈટ્સનો વપરાશ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે! પરિણામે પૃથ્વી ઉપર કૃત્રિમ પ્રકાશમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિ થોડી વિચિત્ર છે, એલઈડી લાઈટ્સ કાર્યક્ષમતા બાબતે સફળ ગણાતી હોવાને કારણે જ (પર્યાવરણની જાળવણી કરવામાં) નિષ્ફળ ગઈ છે!
હવે ફરી એ જ સવાલ, લાઈટનો વધુ વપરાશ થાય એ તો આજના ભૌતિકવાદી યુગમાં પ્રગતિની નિશાની ગણાય! એમાં પ્રદૂષણ વચ્ચે ક્યાંથી આવ્યું?
આજની તારીખે શહેરોમાં વસતી ૮૦% પ્રજા એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં બિલ્ડીંગ્સ કે સડક પર આખી રાત લાઈટ્સ ચાલુ રહે છે, જોઈએ એવું અંધારું થતું જ નથી! રોશની જરૂરી છે એની ના નહિ, પરંતુ આપણે લાઈટ્સનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છીએ, જેને વૈજ્ઞાનિકો એક પ્રકારનું ‘પ્રદૂષણ’ માને છે! “અમેરિકન મેડિકલ એસોસિયેશન – એએમએ” તો ૨૦૧૬માં જ ચેતવણી આપી દીધેલી કે ઉચ્ચ તીવ્રતાવાળી એલઇડી સ્ટ્રીટલાઈટ્સ જે ઝગમગતો વાદળી પ્રકાશ ફેંકે છે, એ વાહન ચાલકોની આંખ માટે નુકસાનકર્તા છે. વળી એનાથી વાહન ચાલકોનું ધ્યાન ભંગ થાય છે – જોવામાં તકલીફ ઉભી થાય છે. એટલું જ નહિ, એએમએના મત મુજબ કૃત્રિમ લાઈટ્સ મનુષ્યને ઊંઘ લાવવા માટે જવાબદાર એવા ‘મેલેટોનીન’ હોર્મોનને દબાવે છે. કૃત્રિમ એલઈડી લાઈટ જે તરંગલંબાઈ પર કામ કરે છે, એનાથી મેલેટોનીનની કાર્યશૃંખલા ખોરવાય છે, જેનાથી આપણી ઊંઘ ખોરવાય! અને એની સીધી અસર તબિયત પર પડે! વળી કૃત્રિમ એલઈડી લાઈટ સાદી લાઈટની સરખામણીએ તમારી બોડી સાઈકલને પાંચ ગણું વધારે નુકસાન પહોંચાડે છે. ઉપરાંત, સતત કૃત્રિમ લાઈટમાં રહેવાને કારણે મગજ ઝડપથી થાકી જતું હોવાનું નોંધાયું છે. (જ્યાં ભરબપોરે પણ લાઈટ સળગાવવી પડે અને જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ આવતો હોય, એવા બે ઓરડાઓ વચ્ચે સરખામણી કરી જોજો!) હવે જરા ગણતરી કરો, હાલની અને હવે પછીની પેઢીઓ કે જે સતત ઝળાહળા રહેતા શહેરી વિસ્તારોમાં વસવાટ કરે છે, એનું ભવિષ્ય કેવું હશે?
અને માત્ર માણસ જ કૃત્રિમ લાઈટ્સથી અસર પામશે એવું નથી!
પૃથ્વી પર અનેક સજીવો એવા છે જે ‘નિશાચર’ છે – રાત્રે જ પોતાના વસવાટની બહાર નીકળે છે. સાંજથી શરુ થઇ જતી અને સવાર સુધી ચાલું રહેતી કૃત્રિમ લાઈટ્સને કારણે આ બિચારા નિશાચરોનો તો જાણે ‘દિવસ જ નથી ઉગતો’!કદી સુરજ ઉગે જ નહિ, તો માણસ ઉપર કેવી ભયંકર અસર થાય? બ્સ એવી જ અસર આ નિશાચરો ઉપર અંધારું ન થવાને કારણે થાય છે. એમની પણ આખી જૈવિક શૃંખલાને ભારે નુકસાન પહોંચે છે. એક ઉદાહરણ જુઓ. અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સે પોતાના અભ્યાસમાં નોંધ્યું છે કે ઓક્ટોબર ૨૦૧૭માં “નેશનલ સપ્ટેમ્બર 11 મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ” દ્વારા ફેંકાતા પ્રકાશના શક્તિશાળી બીમને કારણે, માત્ર એક જ અઠવાડીયાના ટૂંકા ગાળામાં આશરે ૧૧ લાખ યાયાવર પક્ષીઓ પોતાની મુસાફરીનો માર્ગ ચૂકી ગયા!
અત્રે એ યાદ રાખવું જોઈએ, કે આ પૃથ્વી પર માત્ર માણસનો જ ઈજારો નથી! પૃથ્વીની આહાર શૃંખલામાં દરેકેદરેક સજીવ એક અગત્યની કડીરૂપે છે. આમાંની એકેય કડી તૂટે કે નબળી પડે, તો અહીં શૃંખલા-ઇકોલોજી ખોરવાઈ જાય. જેનો ભોગ બનવામાંથી માણસે ય બાકાત નહિ જ રહે!
શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.
નોંધઃ અહીં મૂકેલ ઇમેજ નેટ પરથી લેખના સંદર્ભને વધારે સારી રીતે સમજવા પૂરતી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.
સમયોચિત લેખ! વનસ્પતિ સૃષ્ટિ પર પણ કૃત્રિમ પ્રકાશ બહુ જ ખરાબ અસર કરે છે. પરન્તુ, ગરીબોનું કોણ બેલી?
આભાર ચિરાગભાઈ. વનસ્પતિઓ મતદાન નથી કરી શકતી, એટલે ‘વોટ બેંક’માં ન ગણાય… પછી કોણ પૂછે?!!
બહુજ સરસ લેખ અને સમયસર ની ચેતવણી .
માનવજાતિ ફક્ત પોતાનુજ વિચારશે તો ભવિષ્ય માં સૃષ્ટી પણ આપણા માટે વિચારવાનું બંધ કરી દેશે !
આભાર સમીરભાઈ
નવરાત્રિ જેવા તહેવારોમાં ઝાડ ઉપર ફ્લ્ડ લાઈટ લગાવેલી જોવા મળે છે. આ ઝાડ એ તો પક્ષીઓ અને બીજા જીવજંતુઓનો રાતવાસો કરવાનું સ્થળ છે. આ તહેવારોમાં આપણે ધવનિ પ્રદુષણ ઉપરાંત પ્રકાશ પ્રદુષણથી વધારાની ખલેલ પહોંચાડીએ છીએ.
કિશોરભાઈ બિલકુલ સાચી વાત. પણ આપણી ઉત્સ્વ્ઘેલી પ્રજા આ બધું વિચારતી જ નથી!