





– બીરેન કોઠારી
જે રીતે આપણા રાજ્યમાં વિવાદ ઉભા કરવામાં આવી રહ્યા છે, અને એમ થવા દેવામાં નિષ્ક્રીય રહેવાની રાજ્યની ભૂમિકા હોય છે એ જોતાં લાગે છે કે હવે એક અલાયદું ‘વિવાદ મંત્રાલય’ ખોલવાનો સમય પાકી ગયો છે. ઈતિહાસની પૃષ્ઠભૂમિવાળી એક ફિલ્મના શૂટિંગ વખતે તેના દિગ્દર્શક સહિત આખી ટીમ પર હુમલો થાય, ફિલ્મ પૂરી થયા પછી તેની રજૂઆત અગાઉ દિગ્દર્શક કે નાયક-નાયિકાઓનાં માથાં કાપવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવે, સર્વોચ્ચ અદાલતના હુકમ છતાં રાજ્ય સરકારો દ્વારા ફિલ્મના પ્રદર્શનને અટકાવવામાં આવે, અને ફિલ્મની સંભવિત રજૂઆતને ટાળવા કોઈક સમૂહો તોડફોડ કરે એને વિવાદ ગણવાની ભૂલ કેટલાક કરી લે છે. પણ વિવાદ આ નથી.
ફિલ્મ જોયા પછી તેનો વિરોધ કરનાર સમૂહના એક અગ્રણીને લાગ્યું કે ફિલ્મમાં એવું કશું નથી, જેવું ધારવામાં આવેલું. આથી તેમણે વિરોધ પાછો ખેંચવાની ઘોષણા કરી. તેમની આ ઘોષણાને પગલે વિરોધ કરનાર જૂથના અન્ય એક અગ્રણી દ્વારા કહેવામાં આવ્યું કે પોતાના જૂથ દ્વારા આવી કોઈ ઘોષણા કરવામાં આવી નથી. ઘોષણા કરનાર જૂથ નકલી છે. હવે કયું જૂથ અસલી અને કયું જૂથ નકલી એ બાબતે બોલાચાલી થઈ રહી છે. આમ થાય ત્યારે બિચારી સરકાર કફોડી સ્થિતિમાં મૂકાઈ જાય છે! તેણે કયા જૂથની તોડફોડ વેળાએ ચૂપકીદી સેવવી? આને ખરો વિવાદ કહેવાય. અને ‘વિવાદ મંત્રાલય’નો આરંભ કરવાનું સૂચન આવા વિવાદોના ઊકેલ માટે જ છે.
ગુજરાતમાં પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવામાં નર્મદા પર બાંધેલા બંધનું પાણી પૂરતું થઈ રહ્યું નથી. તેથી હવે ગુજરાત સરકાર અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા શહેરોમાં પંદરમી માર્ચ પછી પાણીના પુરવઠામાં કાપ મૂકવાનું વિચારી રહી છે. પણ આ બાબતે કોઈ વિવાદ નથી. અમદાવાદ અને વડોદરામાં સંબંધિત સત્તાવાળાઓને આ બાબતે સૂચના આપી દેવામાં આવી છે. પાણીના ઉપયોગ બાબતે સારી આદત કેળવવા અંગેની ઝુંબેશનો પણ આરંભ થવામાં છે. અલબત્ત, કોઈ અસામાજિક તત્ત્વોનું ટોળું અચાનક આવીને બહાર પાર્ક કરેલા તમારા વાહનને આગ લગાવે તો એ આગ બુઝાવવા માટે વપરાયેલું પાણી વેડફાટ ગણાય કે કેમ એ બાબતે કોઈ સરકારી માર્ગદર્શિકા નથી.
ખેડૂતો તેમજ ઉદ્યોગોને પાણીનો વપરાશ ઓછો કરવાની સૂચના ક્યારની આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારમાં પાણીપુરવઠામાં ઘટાડો કરવાનું આયોજન છે. અમદાવાદને દરરોજ 120 કરોડ લિટર પાણીનો પુરવઠો પ્રાપ્ત થાય છે, જેમાંનો 90 કરોડ લિટર એટલે કે 75 ટકા જથ્થો નર્મદાના પાણીનો છે, અને બાકીનો 25 ટકા મહી નદી તેમજ ભૂગર્ભ જળનો છે. વડોદરા રોજ 14 કરોડ લિટર પાણી મેળવે છે, જેમાંનું મોટા ભાગનું નર્મદા, વિશ્વામિત્રી તેમજ મહી નદીનું છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, અગાઉનાં વરસોની સરખામણીએ આ વર્ષે નર્મદાના પાણીનો જથ્થો મર્યાદિત છે. પાણીના ઉપયોગ બાબતે લોકોનો અભિગમ પણ ચકાસવાની અને તેમને પાણીના કરકસરયુક્ત ઉપયોગ તરફ વાળવાની જરૂર હોવાનું તેમને લાગે છે. પાણીના સદુપયોગ બાબતે લોકોનો અભિગમ કેળવવા માટે સરકારી રાહે ઝુંબેશનું આયોજન થઈ રહ્યું છે. આ ઝુંબેશમાં બાથરૂમ, રસોડું તેમજ શૌચાલયમાં લોકો દ્વારા વપરાતા વધુ પડતા પાણીના ઉપયોગને ઘટાડવાના મુદ્દા કેન્દ્રસ્થાને હશે.
ગુજરાતમાં અલબત્ત, બીજી એક વ્યવહારુ સમસ્યા પણ છે અને એ છે નહેર તેમજ પીવાના પાણીના પુરવઠા માટે ગુજરાત વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા બનાવાયેલી વૉટરગ્રીડમાંથી પાણીની ચોરીની. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ ઉનાળા દરમિયાન ખેતી માટે પાણીનો ઉપયોગ ઓછો રહે તો પીવાના પાણીનો પૂરતો જથ્થો જળવાઈ રહે. તેમના જણાવ્યા મુજબ ખેડૂતો ખેતી માટે નહેરમાંથી પાણી ચોરે છે અને તેને અટકાવવા માટે ગૃહ વિભાગની મદદ લેવાનું સરકાર વિચારી રહી છે. હાલ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રાજ્ય અનામત દળને તે સોંપવામાં આવેલું છે.
આ આખી સ્થિતિ પર વિચાર કરવા જેવો છે. એક તરફ રીવરફ્રન્ટ જેવા સાવ દેખાડાયુક્ત અને નિરર્થક તાયફા માટે પણ આ જ પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે. પાણીના ઉપયોગની પ્રાથમિકતા સરકાર કયા આધારે નક્કી કરે છે? નાગરિકો પર પાબંદીઓ લદાય એ આવશ્યક છે, પણ બીજા પર પાબંદીઓ મૂકતાં અગાઉ પોતાના દ્વારા તેનું પાલન થાય એ વધુ જરૂરી છે. પર્યાવરણને મોટા પાયે નુકસાન કરતા, જંગી ખર્ચે બંધનું નિર્માણ જ્યારે થાય ત્યારે તેનો મુખ્ય હેતુ આ નુકસાનની સામે થતા સંભવિત લાભોનો, એટલે કે પ્રાથમિક જરૂરિયાતોની પૂર્તિનો હોય છે. માણસની પ્રાથમિક જરૂરિયાત પીવાના અને પછી ખેતીના પાણીની છે. તેને અવગણીને આ પાણી રીવરફ્રન્ટ જેવા તદ્દન નિરર્થક હેતુ માટે વાપરવામાં આવે ત્યારે કોઈને સંસ્કૃતિનું અપમાન લાગતું નથી.
જો કે, રીવરફ્રન્ટ પણ આપણી સંસ્કૃતિના ગૌરવગાનનો જ હિસ્સો છે. પીવા માટે પાણી ભલે ન હોય, પાણીના અભાવે ખુલ્લામાં શૌચ માટે જવું પડે તો ભલે, સરકારી ઝુંબેશો એટલી અસરકારક હોય છે કે તેના મારાથી લોકોમાં જાગૃતિ આવી જ જશે. એ ઝુંબેશો અંગ્રેજીમાં હશે તો વધુ પ્રભાવક બનશે. દરમિયાન અન્ય એક સરકારી અધિકારી શું કહે છે એ પણ જાણી લેવા જેવું છે. તેમના જણાવ્યા મુજબ સરકારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોનાં સ્થાનિક સત્તાતંત્રોને પોતપોતાના વિસ્તારનાં જળાશયો પુન:જીવિત કરવા જણાવ્યું છે. નર્મદાના નીર પર વધુ પડતા અવલંબનને કારણે લોકોએ સ્થાનિક જળસ્રોતનો ઉપયોગ કરવો બંધ કરી દીધો હતો. હવે તેઓ નર્મદા પર આધાર રાખવાને બદલે અન્ય કોઈ સ્રોતની સંભાવનાઓ ચકાસે એમ જણાવવામાં આવ્યું છે.
વાસ્તવિકતા, વક્રતા અને સરકારી બયાન જાણ્યા પછી એક સવાલ અવશ્ય થાય કે નર્મદા બંધ શા માટે બનાવવામાં આવ્યો? બીજી બાબત એ સમજાય કે પાણી ભલે જીવનજરૂરિયાતનો મુદ્દો હોય, પણ સંસ્કૃતિનો મુદ્દો હરગીઝ નથી. તેથી તેના મુદ્દે કોઈ સંગઠનની લાગણી દુભાવાની નથી. અને કોઈ સંગઠનની લાગણી નહીં દુભાય તો લોકોની લાગણી પણ દુભાવાની નથી. બસ, નાગરિક તરીકે આપણે પાણી બચાવોની ઝુંબેશમાં હોંશે હોંશે ભાગ લેવાનો છે, તેને લગતી સ્પર્ધાઓમાં ઉમેદવારી નોંધાવવાની છે, અને કંઈક કર્યાનો સંતોષ મેળવીને હાથ ધોઈ કાઢવાના છે. આ રીતે હાથ ધોવા માટે વપરાયેલું પાણી વેડફાટ નહીં ગણાય.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૮-૨–૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)