





– હીરજી ભીંગરાડિયા
“વિજળી” અને “ વરસાદ ” બન્ને છે તો આકાશનો જ કરિશ્મો ! વિજળી તો ઝબક્યા ભેળી તરત એના આવ્યાનું પરિણામ દેખાડી દે.વરસાદ એમ તરત નહીં !. વિજળી જ્યાં કે જેના પર પડે, એને રાખ કરી નાખે. જ્યારે વરસાદ ધરતી પર પડે છે, ત્યારે વાતાવરણમાં એક તાજગી આવી જાય છે. બીજને અંકુર ફુટે છે અને ધરતી લીલી છમ બની જાય છે. કીડા,મકોડા,પશુ-પંખી,માણસો સહિત સૌ આનંદમાં આવી જાય છે. લાખો જીવોને નવજીવન પ્રાપ્ત થાય છે. પ્રકૃતિ ખીલી ઉઠે છે.
બસ એના જેવું જ ! આપણી કહેવાતી આધુનિક ખેતીમાં કેટલીય બાબતો વિજળીક ઝડપે આવે છે અને તુરત પ્રસરી જાય છે. એ બધી ભલે બહુ હિતકારી ભાસતી હોય, પણ એમાંની કેટલીક પર્યાવરણ પર ઘણી માઠી અસરો છોડનારી અને સરવાળે ખેતીની ઘોર ખોદનારી સાબિત થતી હોય છે. એવા સુધારાથી બચવું રહ્યું .
[૧] પહેલાંની ખેતી ગામડાંઓની તમામ જરૂરિયાતો પૂરી કરનારી જીવનદાતા હતી :
ગામડું એ વખતે ખેતીના બળે સ્વનિર્ભર હતું. ખેતીમાંથી નફો મળે છે કે ખોટ, એ રીતે નહોતું જોવાતું. ખેતી એ તો એક જીવનશૈલી હતી. મર્દાનગીભર્યું સ્વાવલંબી જીવન જીવતાં જીવતાં અને પરસેવાની કમાણીનો રોટલો રળતાં રળતાં અન્યને ઉપયોગી થતું રહેવાની ગ્રામ્ય જીવનની એક તરાહ હતી.તે દિ’ ‘ગામડું’ એ એક સ્વતંત્ર એકમ ગણાતું.અને ગામના તમામ ઇતર ધંધાર્થીઓ માટે પણ આજિવીકાનું એકમાત્ર કેંદ્ર ‘ખેતી’ હતું. અન્ય ગ્રામોદ્યોગો પણ ખેતીને પૂરક હોય એ રીતે વિકસ્યા હતા.
ખેતીની જરૂરિયાતો દાતરડાં,દાતરડી,કોશ,કોદાળી,પાવડા જેવા લોખંડી સાધનો માટે લુહારો અને જરૂરી હળ-લાકડાં માટે સુથારો કામ કરતા. ખેતીમાંથી ઉત્પન્ન થયેલ કાચા માલમાંથી જરૂરી રૂપાંતર કરનારી તેલઘાણીઓ, કપાસ લોઢવાના ચરખા, અને કાપડ વણવાની શાળો ઉપરાંત ગામમાં વસતા લોકોની નાની-મોટી જરૂરિયાતો સંતોષવા દરજી, મોચી, કુંભાર, કડિયા, વાળંદ, ઢોલી, ગોર, હવાડિયો, ગૉરી, પૂજારી અને મજૂરો-દરેક ગામડે જરૂરિયાતના પ્રમાણમાં વસતાં.
અનાજ,કઠોળ,તેલબિયાં,શાકભાજી અને ફળો, અરે ! મસાલાના પાકો સુધ્ધાં ખેતીમાં પકવી લેતા. કોઇ ચીજ ન પાકી હોય તો તેના વિના ચલાવી લેતા.ખરીદી લેવાનો ટ્રેંડ નહોતો. મજૂરી કરનાર મજૂરોને પણ પોતાની સેવાના બદલામાં માલના રૂપમાં અનાજ કઠોળ કે ખેતીની ઉત્પન્ન જણસો જ ચુકવાતી. સુથાર લુહારથી માંડી વાળંદ કુંભાર જેવા બધા કારીગર વર્ગને બાર મહીને કામના પ્રમાણમાં ઉધડથી માલના રૂપમાં જ ‘આથ’ ચુકવાતું. ખેતીએ ગામડાંઓને સ્વાવલંબી બનાવી રાખ્યાં હતાં. બહુ થોડી અને અનિવાર્ય હોય, તે જ ચીજ- વસ્તુઓ શહેરમાંથી ખરીદીને લાવવી પડતી.
[૨] ખેતી પોતે પણ સ્વાવલંબી [૦-બજેટ ] હતી-
- પશુઓની મદદ લેવાતી= જમીન ખેડવાથી માંડી પાકની લણણી સુધીના તમામ ખેતીકામો ઉપરાંત પાણી ખેંચવું,કોલ્હુ ચલાવવો,ઘાણી ફેરવવી જેવા બળના કામો બળદ કરતા.માલની હેરફેર કે મુસાફરીથી માંડી તળાવો બાંધવાં કે દીકરાની જાન જોડવા સુધ્ધામાં બળદ,ઘોડા,ગધેડા ઉપયોગી બનતાં.વળી ગાય, ભેંશ, બકરાં, ઘેટાં જેવા પાસેથી ખોરાકમાં ઉત્તમ એવું દૂધ, જમીનની ભૂખ ભાંગે એવું સેંદ્રીય ખાતર, ખેતીનો જ કચરો ખવરાવીને મેળવી લેવાતું. જ્યારે બિયારણ ખેડૂતો પોતાનું જ સંગ્રહી રાખતા. એટલે બીજ, ખાતર કે ઉર્જા પાછળ એક રૂપિયો પણ ખર્ચવાનો થતો નહીં .
- વૃક્ષોને માન અપાતું – વૃક્ષ કાપવું એ આજે કાનુની ગૂનો છે, પણ તે વખતે દિલને આંચકો લાગતો. ધાર્મિક ભય પમાડનારાં નીતિ-નિયમો પળાતાં.’પીપળો’તો મૃત્યુ પામેલાના સરવણા માટેનું ઝાડ, ‘વડ’ તો બહેનોની પૂજાનું વૃક્ષ, ‘ખીજડે’ મામો વળગે, ‘આંકડો’ તો હનુમાનજીનું વહાલું ઝાડ, આને કોઇથી ન કપાય ! પરિણામે ઝાડવાં પર્યાવરણના રક્ષક-ખેડુતના કમાઉ દીકરા બની રહેતા..
- સૌને મન પક્ષીઓની કિંમત હતી – જુવાર-બાજરાના પાકાં ડૂંડાં સાચવવા પંખીઓને ઉડાડવાં પડતાં.બાકી પંખીઓ પ્રત્યે ખેડુતોમાં અને ગામડાઓમાં અનહદ પ્રેમ અને લાગણી ! અરે ! ગામેગામ પંખીઓને ચણ નાખવાના ચબુતરા અને સારા-માઠા પ્રસંગે ચબુતરાની ચણના ફાળા આજેય નોંધાવાય છે, નિયમિત ચણ નખાય છે.
[3] પ્રસંગો પણ “ખેતી” ને કેંદ્રમાં રાખી ગોઠવાતા :
ખેતીમાં બળદોનું કામ ખૂબ રહેતું હોય છે. તે છતાં એને પોરો મળે એ અર્થે મહીનામાં અગિયારશ અને અમાસે કટોકટીભર્યા કામોના સમયે પણ ‘અગતો’ રખાતો. ખાસ પ્રકારનાં નીરણ, ખાણ અને બળદોને ધમારવા,અસો વીણવો,શીંગડે તેલ,પગે ગરમ પાણી સીંચવું વગેરે દ્વારા તેનો થાક દૂર કરાતો. ગામનો કારીગર વર્ગ ભલેને અનુકૂળ સમયે લગ્ન કરી વાળતો હોય, બાકી ખેડૂતો અને ખેતમજૂરો દિવાળી ગઇ હોય, વેચાણ થયા હોય, નવા પૈસા હાથમાં આવ્યા હોય અને શિયાળુ મોલ પણ ઉગીને સમા-નમા થઇ ગયા હોય-થોડી નવરાશનો ગાળો હોય , બસ ત્યારે લગ્નની મોસમ પૂરબહારમાં ખીલે ! આણાં-પરિયાણાં, સંબંધોનાં ગૉળધાણાં ખવાય .
કુદરતી સંકેતો પરથી ધડો લેવાતો – હોળી- અખાત્રીજનો પવન કઇ દિશાનો વાય છે, એના પરથી આવતા વરસે વરસાદ કેવો રહેશે એના અંદાજ બંધાતા. મોલાતોના વાવેતરનું આયોજન ઘડાતું. અષાઢી બીજ ચોખ્ખી દેખાય તો તલમાં ‘ સવા ‘ રહે જ ! એનું વાવેતર વધારાય.ગરમાળાને ફૂલ ખિલ્યેથી બે મહીને વરસાદ આવે જ ! એટલે ઋતુ સાથે,પવન સાથે,પંખીની બોલી સાથે ને વૃક્ષોમાં ફૂલ ખિલવાની વેળા સાથે ધંધાના કામકાજના આયોજનો થતાં.
પહેરવેશ અને ખાણી-પીણી –પગમાં પહેરવાનાં પગરખાં કે ચંપલ પણ ચામડાના જ –તેલ ચોપડી કૂણાં પાડેલાં ! પશૂઓનાં ચામડાનો ઉપયોગ થાય. ગામડાના ચમાર-મોચીનો ધંધો હાલે. પગના તળિયાં બળે નહીં. કાંટો સોંસરવો વાગે નહીં ને જલ્દી જલ્દી તૂટે નહીં ! કપડાં પણ ગામમાં જ પકાવેલ કપાસ અને ગામનાં જ વણકરે વણેલ ખાદીનાં જ પહેરાતાં.
ઘરનાં ઘઉ-ગોળ-ઘીનું ચૂરમું, ઘી-ગોળમાં લસલસતો શીરો, છૂટી ધારની લાપસી અને કઢિયલ દૂધની ખીર કે દહીંનાં ગોરહડાં- આવું શુધ્ધ અને નક્કોર જમણ- ના નડે કે ન વેડે- બળ પૂરે એવાં વાર-પરબ કે પરોણાના આગમને પીરહાતાં. દેશી બાજરાના રોટલા,મરચાંની ચટણી, અડદની દાળ કે રીંગણાંનો ઓળો, ડુંગળીનો દડો ને ગૉળના દડબાં સાથે તાંહળી ભરીને છાશે – ખેડૂતો રોજ વાડીએ રોંઢો કરતા.
લોક – માનસ –સુખ વહેંચવાથી વધે અને દુ;ખ ઘટે તેનું પ્રત્યક્ષીકરણ થતું રહેતું. બીજાનાં દુખમાં સૌ ભળતાં. સૌ એક બીજાને નજીકથી ઓળખે. કોણ કેવું ને ક્યાં છે તેની એક બીજાને પૂરી ખબર ! સારા માઠા પ્રસંગે અગાઉ થયેલા મનદુ;ખનાં સમાધાન સધાતાં. ગરીબોની ચીંતા સૌ કરતા. પુજારી,ગોર,ઢોલી,સાધુ, નિરાધાર જેવા માટે લગ્ન-વેવિશાળ વખતે ગામઝાંપો [કર] લેવાતો. ઝઘડાનો ઉકેલ ગામનું પંચ લાવતું. દંડ આપે તો પણ સૌ સહી લેતા.
જતું કરવાની ભાવના હતી. જૂનાં મકાનો, બજારો, તેમાં પડેલાં ખાંચાખુંચી, એકબીજાના ફળિયાંમાં પડતાં નેવાં વગેરે દરેકની મર્યાદિત જરૂરિયાતો અને બીજાને ઉપયોગી થવાની વૃત્તિનાં દર્શન કરાવે છે. બહેનોમાં કામ વધારે રહેતું. ખેતીકામ ઉપરાંત ઘર…ર…અવાજ કરતી ઘરઘંટીઓ અને ઊભા ઊભા છાશ ફેરવવાનાં ઘમ્મર વલોણાં તથા વાંકા વળીને કરાતાં વાસીદાં-બહેનોની તંદુરસ્તીનું રખોપું કરતાં. પ્રસુતિવેળા કદિ દવાખાનું ન દેખાડતા !
સંબંધ કે લગ્ન બાબતે વડિલોની આમન્યા રખાતી. લગ્ન એ ફારસ નહીં, પણ પવિત્ર બંધન ગણાતું. લગ્ન પહેલાં યુવક-યુવતીએ ભલે એકબીજાને જોયાં પણ ન હોય, છતાં છૂટાછેડાનો કિસ્સો જવલ્લે જ બનતો ! સૌ ખમી ખાવામાં માનતાં તેથી ઘરસંસાર સારા ચાલતા.’ ઘરડાંઘર’ની.કલ્પના નહોતી. કુટુંબ આખું સયુંક્ત રીતે રહેતું. સૌ મા-બાપનો પડ્યો બોલ ઝીલતાં ને ઘડપણ પાળતાં. મૃત્યુ પ્રસંગે સંબંધીને આશ્વાસન ને હુંફ પૂરી પાડવા સૌ ખોંખારે [ખરખરે] જતાં. લાંચ માગવી કે દેવી બહુ હલકટ કામ ગણાતું, લાંછન લાગી જતું. પૈસો-ટકો આજના જેટલો નહોતો, પણ તન અને મનથી સૌ ખૂબ સુખી હતા.ખેતી એ ગામડાનો પ્રાણ હતો. પર્યાવરણ એટલે માત્ર ખોરાક-હવા-પાણી જ નહીં – પણ સમતોલ અને શાંત વિચાર, આચાર અને વ્યવહાર. બધામાં પરી + આવરણ બરાબરનું સચવાઇ રહેતું હતું.
ખેતીમાં આવ્યા બદલાવ –
ખેતી જ્યાં સુધી જીવન જીવવાની પ્રણાલી હતી ત્યાં સુધી ઉત્પાદન થોડું ઓછું મળતું હતું તે છતાં ઉત્પાદનને કાયમી રીતે ટકાવી રાખનારી જમીનની ફળદ્રુપતા, પાણીનાં તળ.અને ઉત્પાદનની નરવાઇ- બધું બરાબર જળવાઇ રહેતું હતું; પણ જ્યારથી ખેતીને એક – ‘ધંધો’ પૈસા કમાવાનો બીઝનેસ ગણવાનું શરુ થયું, ત્યારથી હાંસલ-ખોટના હિસાબો આવ્યા અને શું કર્યું હોય તો વધુ નાણાં મેળવી શકાય, તેની તરકીબો અને કારહા શરુ થયા. ખરેખર ખેતીમાંથી પાકતી ચીજ-વસ્તુ જ ‘ સાચી-લક્ષ્મી’ છે અને પૈસો તો છે લફંગો ! લક્ષ્મીનું મૂલ્ય એક સરખું હોય, જ્યારે લફંગાની બજાર તેજ – મંદ થયા કરે ! અને અમાપ સંગ્રહખોરી એનાથી સંભવ બને છે.
માહોલ આખો બદલાયો –
લાગણી અને સંબંધો પૈસાના મૂલ્યે દેખાવા લાગ્યા.સહાનુભૂતિ, ઇમાનદારી, વાજબીપણું-બધાં કોરે મુકાયાં અને બસ, હવે એક જ ધ્યેય રહેવા માંડ્યું કે પૈસો શેમાંથી અને કેવી રીતે વધુ મેળવી શકાય, એ જ વિચારો !
ખેતીમાં પણ ‘ વધુ ઉત્પાદન માટે ઘરેલુ પસંદગીનાં બીજને છોડી હાઇબ્રીડ દાખલ કરવાં પડે !’ ‘તો લાવો એવાં બીજ ’ ! વળી સવાલ થયો ‘ પણ આ બિયારણો તો ખાવા વધુ માગે છે, એનું શું ?’ ‘રાસાયણિક ખાતરનો ક્યાં તૂટો છે ?–માંડો આપવા !’ ‘આ બિયારણ તો પાણી પણ વધારે માગે છે-શું કરશું ?’ ‘કરાવી દ્યો ઊંડા બોર, પંહોંચી જાવ ધરતીના પેટાળમાં, લ્યો વિજ્ઞાનની ભેર, પાણી કાઢો બહાર ને પાવા માંડો મોલ !’ વળી પ્રશ્ન થયો ‘ પણ આ બધાં હાઇબ્રીડબીજ જીવડાં અને રોગો સામે રક્ષણ પણ વિશેષ માગે છે.!’ ‘તો પહોંચી જાઓ એગ્રોની દુકાને, લઇ આવો ઝેરી બાટલા અને માંડો છાંટવા !’ સવાલો ઉઠતા ગયા ને બીજા સવાલો ઉઠાવનારા જવાબો મળતા રહ્યા ! બીજી તકલીફો દેખાણી કે ‘ બળદથી જોઇએ એટલું ઝડપથી કામ નથી ઉકલતું ને પળોજણ વધી પડે છે.’ ‘ પડતા મૂકો બળદિયાને ને લાવીદો ટ્રેક્ટર !’ ‘ પણ આ ટ્રેક્ટરો નીરણ ખાતાં નથી, પોદળો કરતાં નથી ને ડીઝલ વિના ચાલતાં નથી !’. ‘કંઇ વાંધો નહીં, પોદળાની હવે જરૂર નથી, રાસાયણિક ખાતરનો ક્યાં તોટો છે ? ટ્રેક્ટરનો ખોરાક ડીઝલ છે, તો પંપેથી ભરી આવો, થોડા પૈસા ખરચાશે એટલું જ ને ? તે રળી લઇશું ભૂંડા !’ ‘ પણ ટ્રેક્ટર તો ધુમાડા કાઢે છે, ને ભીની જમીનમાં ટૉર લગાડી દે છે, એને કેમ હંકાય ?’ ‘તું એની ફીકર કરમાં ! ધુમાડો તો ક્યાંય હવામાં ભળી જશે અને ટૉર ઉખાડવા દર ઉનાળે ચવડાં મારી ખેડી નાખશું, પણ ખનખનિયાં વધુ મળવાં જોવે !’
સ્વાવલંબનની દ્રષ્ટિએ બધા પાકો કરવામાં પૈસા આપનારો બજારૂમાલ ઓછો થાય છે, તો એ ન પોસાયું. એકપાકી જ ખેતી અપનાવી. શેઢેપાળે ઊભેલાં ઝાડવાં દ્વારા પડતી છાંય અને એના દ્વારા થતો ચૂહ અને એના પર બેસતા પંખી મટાડવા શેઢેથી ઝાડવાં જ ખોદી નાખ્યાં. અરે ! શેઢાનાં ઝાળાં સુધ્ધાંને ફૂંકી માર્યા ! આનાથી કેવી વિપરીત અસરો ઊભી થશે એ ન જોયું.
પરિણામે-
ખેતીપાકોને જમવાની જે થાળી ગણાય, એ જમીનનાં રા.ખાતરોની આડઅસરથી ફળદ્રુપતા,પોત.બંધારણ,નિતાર અને ભેજ ધારણ શક્તિ ને છીદ્રાવકાશ બધાં બગડ્યાં. એવું જ ટ્રેક્ટરોના વજનથી જમીન દબાણી, ટોરાણી, કઠ્ઠણ બની અને અંદરની જીવસૃષ્ટિ નષ્ટ થઇ. પશુઓની સંખ્યા ઘટતાં ખેતીની આડપેદાશ એવો કૂચો વધી પડ્યો, અને એને સળગાવવાનું શરુ થયું એટલે જમીનને સે. ખાતર મળતું બંધ થયું. બીજી બાજુ ડીઝલ લાવવાનું શરુ થયું એનો ય ખર્ચ વધ્યો. એવું જ એકપાકી પધ્ધતિ દાખલ થવાથી,જમીનમાં તેને ભાવતા તત્વોની ઉણપ ઊભી થઇ, જમીને કસનું બેલેંસ ગુમાવ્યું અને પાકને ફાવતી જીવાંતોએ ધામા નાખ્યા ! વૃક્ષોનો સોથ વળી જવાથી એના તરફથી મળતા પર્યાવરણીય લાભો નષ્ટ થયા અને નુકશાનકારક જીવાંતોને વીણી ખાનારી પંખીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો. ઉંડાતળનાં કેમીકલયુક્ત પાણીના પિયતથી જમીન બગડી અને છતે પાણીએ મોલ અણોહરા-નિસ્તેજ રહેવા લાગ્યા.એટલે આવક ઘટી, ખર્ચા વધ્યા અને માથે લેણાં થયાં ! વારંવારના ઝેરી દવાના વપરાશથી જીવાંતો મરવાને બદલે ડઠ્ઠર બનતી ગઇ. તે સામે હવા, પાણી,જમીન,પાક,ઉત્પન્ન બધું ઝેરી બનતું રહ્યું. ખાનારની તંદુરસ્તી જોખમાઇ, દર્દો વધ્યાં કહ્યું છે ને. આહાર તેવો ઓડકાર ! માણસોના સ્વભાવ અસહિષ્ણુ બન્યા ઘસાવાની વૃતિ ગઇ, માનસિક શાંતિ ઓછી થઇ, બીજાના દુ;ખે દુ;ખી થવાનું ગયું ! ફરજ-ભાન ભુલાયું ! વ્યવસાયમાં ખેતી ખોટ કરવા લાગી. ગ્રામોદ્યોગોને તાળાં લાગ્યાં. કોઇ શહેર તરફ ભાગ્યા. કોઇએ આપઘાત વહોર્યા. ગામડાં ખાલી થવા લાગ્યાં પામર જીવન બક્ષનારાં શહેરોમાં બધાં ખદબદવાં માંડ્યાં. મનુષ્ય પ્રકૃતિની કૃપાથી જીવનારું બચ્ચું છે. પ્રકૃતિ સાથે સહકાર ભર્યો સંવાદ છોડી, તે સામે લડવાનું શરૂ કર્યું. પરિણામે પર્યાવરણમાં વણકલ્પી આફતો ઊભી થવા લાગી છે. કુદરતે ગોઠવેલા નેટવર્કમાં ઇમ્બેલેંસ સર્જાયું અને એસીડવર્ષા, સુનામી, ધરતીકંપ, વાવાઝોડા, દુષ્કાળ, ઘરતીને તાવ જેવા અણધાર્યા પ્રકલ્પો શરૂ થયા છે. ઓસ્ટ્રેલિયાના માઇક્રોબાયોલોજીસ્ટ ફેંકફેનરેએ આગાહી કરી છે કે પરિસ્થિતિ આની આ ચાલુ રહી, તો પૃથ્વી પરના અનેક જીવોની જેમ એકાદ શતાબ્ધિમાં જ માનવવંશનો પણ અંત મને તો ભળાઇ રહ્યો છે. આપણા ખેડુતોને હવે આ વિનાશના માર્ગે જતાં અટકવાની જરૂર નથી જણાતી ? વિચારજો !
સંપર્ક: હીરજી ભીંગરાડિયા, પંચવટી બાગ, માલપરા ǁ મો:+91 93275 72297 ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com
૧૨૮ કરોડની વસ્તી પોતાની જરૂરિયાતો પોતે જ પેદા કરવાનું નક્કી કરે, તો એ માટે જરૂરી જમીન અને પાણી ક્યાં છે ?