મંજૂષા : ૯. આધુનિક જીવનની ઘરેલુ સમસ્યાઓ

સમસ્યાઓ -વીનેશ અંતાણી

એક કાલ્પનિક કથા:

સોરાષ્ટ્રના નાનકડા કસબા જેવા ગામની એક યુવતી લગ્ન પછી પહેલી વાર એના પતિ પાસે કોમ્પ્યુટરના ક્ષેત્રમાં વિકસિત મોટા શહેરમાં રહેવા જાય છે. એનો પતિ ઈન્ફોર્મેશન ટેકનોલોજીની એક આંતર્રાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે. પતિને પોતાના જ ગામની એ છોકરી તેઓ હાઈ સ્કૂલમાં સાથે ભણતાં ત્યારથી ગમતી હતી. છોકરી અત્યંત સંવેદનશીલ છે. એ પોતાના સંયુક્ત કુટુંબમાં એક જ ફળિયામાં રહેતાં કાકાઓ અને એમનાં સંતાનોની સાથે બહોળા કુટુંબમાં ઊછરી છે. એ અભ્યાસ અને નોકરી નિમિત્તે વતનથી દૂર રહેલા પતિની સરખામણીમાં આધુનિકતાના ઝાઝા સંપર્કમાં આવી નથી.

છોકરી પતિ સાથે રહેવા માટે મોટાં શહેરમાં આવેલી છોકરી પોતે અત્યાર સુધી જે પ્રકારના જીવનથી ટેવાયેલી હતી તેનાથી તદ્દન જુદાં જ વાતાવરણ અને જીવનશૈલીમાં મુકાય છે. એના માટે પતિના ક્ષેત્રની વિશ્વની આધુનિક કહી શકાય તેવી ઓફિસો, ત્યાંનું કલ્ચર, પતિનાં દોસ્તો, એમનું સામાજિક જીવન વગેરે જુદા જ ગ્રહની બાબતો બની જાય છે. ભાષાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. ફળિયા સંસ્કૃતિમાં ઊછરેલી છોકરીને આધુનિક ફ્લેટની એકલવાયી જીવન પદ્ધતિ પણ અનુકૂળ આવતી નથી. વિશાળ શોપિંગ મોલમાં જતાં જ એનો જીવ ગભરાય છે. પતિ-પત્નીનું દામ્પત્યજીવન સુખી હોવા છતાં એ છોકરી માનસિક રીતે સુખી અને પ્રસન્ન રહી શકતી નથી. પતિને પત્નીની અકળામણ સમજાતી નથી

બીજો સાચો કિસ્સો:

મૂળ વડોદરા જેવા શહેરમાં ઊછરેલાં પતિ-પત્ની દસ વર્ષ યુ.એસ.માં રહ્યાં. પછી ભારત પાછાં આવે છે. એમને છ વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો છે. પરદેશમાં એમનાં સંતાનો પૂરેપૂરાં વિદેશી થઈ જશે અને આપણી મૂળ સંસ્કૃતિથી વંચિત રહી જશે એવી એમને ભીતી હતી. પતિ યુ.એસ.માં જે કંપનીમાં કામ કરતો હતો તેની શાખાઓ ભારતમાં માત્ર ગુડગાંવ, હૈદરાબાદ કે બેંગ્લોરમાં જ હતી. તે માટે ગુજરાતમાં કોઈ તક નહોતી. એથી એમને હૈદરાબાદ આવવું પડે છે.

હૈદરાબાદમાં બે-ત્રણ વર્ષ વિતાવ્યા પછી એમને સમજાય છે કે તેઓ જે હેતુથી દેશમાં પાછાં ફર્યાં હતાં તે હેતુનું સમાધાન થઈ શકે તેમ નથી. પત્ની પોતાના ભૂતકાળના અનુભવ પ્રમાણે દીકરીને નવરાત્રિના ગરબાનો આનંદ માણવા દેવા માગે છે. પતિ એમનાં સંતાનોને ઉત્તરાયણના દિવસોમાં વતનમાં પતંગની જે ધમાલ ચાલે તેનાથી પરિચિત કરાવવા ઈચ્છે છે. એટલી હદ સુધી કે તેઓ દિવાળીના દિવસોમાં પણ વડોદરા જઈને પોતાના કુટુંબ સાથે દિવાળી માણી શકતાં નથી. તે માટેનાં કારણોમાં એક તો એ કે તે બધા જ ઉત્સવો વખતે ગુજરાતની સ્કૂલોમાં જે પ્રકારની રજાઓ હોય તે રજાઓ હૈદરાબાદની આંતર્રાષ્ટ્રીય કક્ષાની અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં હોતી નથી. પતિ પણ દર વખતે એને જોઈતી રજાઓ લઈ શકતો નથી. વળી, એમનાં સંતાનો જ્યાં રહે છે તે પ્રદેશના ઉત્સવોની સાથે તેઓ કશું જ અનુસંધાન રચી શકતાં નથી. પરિણામે જે કારણથી તેઓ પરદેશથી દેશમાં પાછાં આવ્યાં તેનો લાભ તેઓ સંતાનોને આપી શકતાં નથી અને બાળકો એમનાં મૂળિયાં સાથે જોડાઈ શક્યાં નથી.

એક બીજી કાલ્પનિક કથા:

એક યુવાન પતિ-પત્ની બંને જણ જુદી જુદી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે. એમણે થોડા વખત પહેલાં મુંબઈના ભવ્ય કહી શકાય તેવા વિસ્તારમાં મોંઘોદાટ ફ્લેટ ખરીદ્યો છે અને તેમાં રહેવા જવાનાં છે. તે ફ્લેટને અનુરૂપ ફર્નિચરની ખરીદી પણ પૂરી કરી છે. એમણે દસ વર્ષના લગ્નજીવન પછી હવે સંતાન બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. ફ્લેટની વાસ્તુવિધિ ધામધૂમથી સંપન્ન થયા પછી તેઓ એમના જીવનના સ્વપ્નસમાં નવા ઘરમાં રહેવા જવાનાં છે. બરાબર એ જ વખતે પત્નીને પરદેશના કોઈ સ્થળે નવી, બહુ જ ઊંચા પગારની અને વ્યાપક પડકારોવાળી નવી નોકરીની ઓફર મળે છે. તે માટે એ ઘણા વખતથી ઈચ્છા પણ ધરાવતી હતી. – કહો કે એ પણ એનું સપનું હતું. તે સમાચાર પતિ માટે આઘાતનજક નીવડે છે. એ પત્નીને ઓફર નકારવા સમજાવે છે, પરંતુ પત્ની માનતી નથી. એ કહે છે: “આપણે લગ્ન કરવાનું નક્કી કર્યું એ પહેલાં જ મેં તને કહ્યું હતું કે હું આપણા લગ્નજીવન માટે મારી કેરિયરનો ભોગ નહીં આપું. તેં એ વખતે મારી શરત સ્વીકારી હતી. હવે જ્યારે…” એ પતિની વાત સ્વીકારી શકતી નથી અને નવી ઓફરનો સ્વીકાર કરીને વિદેશ ચાલી જાય છે.

–આધુનિક જીવનશૈલીએ માણસને ઘણુંબધું આપ્યું છે તો ઘણુંબધું ઝૂંટવી પણ લીધું છે. ઉપર જણાવેલા કિસ્સાઓમાં ઘરેલુ જીવનનો ભોગ લેવાતો જણાય છે. આવી અનેક સમસ્યાઓનો સામનો કરતા અનેક લોકો આપણી આજુબાજુ જ વસી રહ્યા છે. ક્યારેક તો એવું પણ લાગે છે કે આજનો માણસ પોતાના જીવનની પ્રાથમિકતા નક્કી કરી શકતો નથી. એવી પ્રાથમિકતા નક્કી કરી શકાય નહીં તો જીવન દિશાવિહીન બની જવાનો ભય આપણી સામે ઊભો જ રહે છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “મંજૂષા : ૯. આધુનિક જીવનની ઘરેલુ સમસ્યાઓ

  1. February 19, 2018 at 6:52 pm

    હાલ તો આવા જ હાલ હાલે છે. અને…
    હાલ ન બદલાય !!!

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.