વિમાસણ: હરતાંફરતાં વેપારીઓ

સમીર ધોળકિયા

થોડા સમય પહેલાં મને વિદેશ જવાનો મોકો મળ્યો ત્યારે મેં જોયું કે રસ્તાઓ પર તથા અન્ય બધી જગ્યાઓએ પુષ્કળ વાહન-વ્યવહાર હોવા છતાં બધે સાવ સૂનું સૂનું લાગતું હતું. પહેલા તો મને સમજ ન પડી કે આવું કેમ લાગે છે, પણ પછી ખ્યાલ આવ્યો કે જગ્યાઓ આટલી બધી વિશાળ હોવા છતાં ત્યાં એક પણ લારી ન હતી, ગલ્લાઓ ન હતા અને રસ્તે ફરતાં ફેરિયાઓ ન હતા!

આજે આપણે આપણા દેશમાં સર્વત્ર અને ખૂણેખૂણે જે નજરે પડે છે તે લારીગલ્લાઓ, રસ્તે ફરતા ફેરિયાઓ અને પાથરણાંવાળા વિષે થોડી વાત કરીએ.

કલ્પના કરો કે એક શહેરના ગીચ રસ્તા પર આવેલી ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ, એ ઓફિસોમાં વિવિધ કામે આવેલા મુલાકાતીઓ, એ વિસ્તારમાં ઘૂમી રહેલાં અન્ય નાગરિકો વગેરેને બપોરે ભૂખ લાગવાથી ચા-કોફી અને હળવો નાસ્તો કરવો છે, તો તેઓ ક્યાં જશે? આપણા રસ્તાઓ પર એટલી બધી હોટેલો તો હોતી નથી કે જે આટલાં બધાં લોકોને એકસાથે તેમની બપોરની જરૂરિયાત પૂરી પાડી શકે. તો આ સમૂહની આ નાની જરૂરિયાત કેવી રીતે પૂરી થઈ શકે ?  આવે વખતે મદદે આવે છે આ લારીગલ્લાઓ તથા ફેરિયાઓ. ઓછા ખર્ચે સંતોષજનક સેવા આપવામાં એમને કોઈ પહોંચી ન શકે! એ જ રીતે શહેરમાં રહેતી બધી ગૃહિણીઓ રોજબરોજનાં શાકભાજી માટે કોના પર મુખ્ય આધાર રાખે છે? અલબત, આ હરતીફરતી સેના પર! આવી અસંખ્ય ગૃહિણીઓને દરરોજ શાકભાજી પહોંચાડી શકે તેવો બીજો કોઈ વિકલ્પ આપણી પાસે છે ખરો ?

ઐતિહાસિક ચિત્રોમાં પણ આપણે નાના વેપારીઓ તથા હાટડીઓને જોઈએ છીએ, એ પરથી એવું માની શકાય કે સદીઓ પહેલાં પણ આપણે આપણી ઘણી બધી ખરીદી આવી નાની દુકાનો, ફેરિયાઓ અને પાથરણાંવાળા પાસેથી કરતાં હોઈશું. અત્યાર જેટલી અધધધ કહેવાય એટલી વસ્તી ન હતી ત્યારે પણ આવા હરતાફરતા વેપારીઓનું અસ્તિત્વ તો હતું જ.

ગ્રામીણ વિસ્તારમાં આજીવિકાનાં સાધનો અને રોજગારના અભાવને લીધે ત્યાંથી નાનામોટા શહેરમાં આવનારને આ પ્રકારના સ્વરોજગાર સિવાય બીજો કોઈ વિકલ્પ નથી મળતો, ખાસ કરીને જ્યારે એમનામાં કોઈ વિશિષ્ટ પ્રકારના કાર્ય માટેની ક્ષમતાનો અભાવ હોય. વધતી વસ્તી અને ગ્રામીણ વિસ્તારથી શહેર તરફ લોકોનું સ્થળાંતર જોતાં વધુ ને વધુ લોકો માટે સ્વરોજગારનો આ રસ્તો હાથવગો અને સૌથી સહેલો સાબિત થાય છે. આપણા દેશમાં આશરે એક કરોડ જેટલા ફેરિયાઓ કે રસ્તા પર ઊભા રહીને વ્યવસાય કરનારાઓ છે. મુંબઈ તથા દિલ્હીમાં અઢી લાખ ફેરિયાઓ હોવાનો અંદાજ છે. સ્વરોજગાર પ્રાપ્ત લોકોનું આ એવું સૈન્ય છે જેને કાયદાના લાભો મળતા નથી અને કાયદા નડતાય નથી! આ એવા લોકો છે, જે સરકારી મદદ માટે હાથ લંબાવ્યા વગર કે અન્ય કોઈ મદદની રાહ જોયા વગર આત્મનિર્ભર થયા છે, પોતાના પગ પર ઊભા રહેવા એમને કોઈના ટેકાની જરૂર નથી, જરૂર છે તો ફક્ત સરકાર અને લોકો તરફથી સહાનુભૂતિની, સમજણની અને સહકારની.

આપણા દેશમાં લારીગલ્લાઓ અને પાથરણાંવાળાઓ સૌથી વધારે શું વેચતા હશે? મગજને વધારે તકલીફ આપ્યા વગર કહી શકાય કે સૌથી વધારે લારીગલ્લાઓ ખાદ્ય પદાર્થોના જ હશે! તે પછી નંબર આવે શાકભાજી, વસ્ત્રો, પુસ્તકો અને ઘરવપરાશમાં ઉપયોગી નાની નાની વસ્તુઓનો. આજે જે વસ્તુ મોટી દુકાનોમાં મળતી હોય તે થોડા જ સમયમાં બહાર લારીઓ પર મળતી થઈ જાય છે! અત્યારે તો કદાચ ટેલિવિઝન/રેફ્રીજરેટર સિવાય મોટા ભાગની સામાન્ય ગ્રાહકોને જરૂરી દરેક વસ્તુ લારીમાં મળતી હોય છે. અલબત્ત, તેની ગુણવત્તામાં બેમત હોઈ શકે, પણ પ્રમાણમાં ઓછા ખર્ચે સામાન્ય માણસોને પોસાઈ શકે તેવા ભાવે બધી વસ્તુઓ ઉપલબ્ધ થઈ જાય છે. સ્વરોજગારથી સેવા પૂરી પાડતાં એકમોમાં દુકાન ખરીદવાના, કર્મચારીઓના પગારના કે જાહેરાતના ખર્ચાઓ ઓછા હોય છે, જેનો ફાયદો સરવાળે ગ્રાહકને મળે છે. રસ્તા પર ઊભા રહીને વ્યવસાય કરતા લારીગલ્લાવાળાઓ, ફેરિયાઓનો વર્ગ આપણા અનૌપચારિક અર્થતંત્રમાં અગત્યનો ભાગ ભજવે છે. આ લોકોની અવિરત મહેનત દેશના અર્થતંત્રને ધબકતું રાખવામાં અપરોક્ષ પણ નોંધપાત્ર ફાળો આપે છે. આ વાત ફક્ત ભારતમાં જ નહિ પણ પણ વિકસિત અને અવિકસિત દેશો માટે પણ એટલી જ સાચી છે.

આજે શહેરોમાં વસતાં લોકોની સંખ્યામાં – અને સાથે સાથે વાહનોની સંખ્યામાં – વિસ્ફોટ થયો છે ત્યારે આવા હરતાફરતા વેપારીઓનો વધેલો વ્યાપ ક્યારેક સગવડભર્યો લાગે, ક્યારેક મોટી અડચણરૂપ લાગે! ઘણી બધી જગ્યાએ રાહદારીઓને ચાલવાની જગ્યા આ સેવકો રોકી લે છે અને ટ્રાફિકની આખી વ્યવસ્થાને ખોરવી નાખી કષ્ટદાયી બનાવી દે છે, એટલે મધ્યમવર્ગને તથા ઉચ્ચ મધ્યમવર્ગને આ લોકો ખૂબ અડચણરૂપ અને બોજરૂપ લાગે છે. પણ ખરેખર તેઓ વ્યવસ્થામાં અંતરાયરૂપ છે કે મોટા મદદગાર છે તે સમજવા જેવું છે! ફેરિયાઓને જોઈને નાક ચડાવતાં લોકોએ એક વાત સમજી લેવી જોઈએ કે પોસાય એવા ભાવે રોજબરોજની ખરીદી કરવા, ગરીબ અને મધ્યમ વર્ગ માટે આ જ લારીવાળાઓ અને પાથરણાંવાળાઓ આશીર્વાદરૂપ છે. ખરેખર તો પ્રજા અને ફેરિયાઓ, બંને પક્ષે પરસ્પર સમજદારીની જરૂર છે. ફેરિયાઓ જો ટ્રાફિકની સમસ્યા સમજીને ઓછી અડચણરૂપ જગ્યાએ ઊભા રહે અને ગંદકી નિવારી શકે તો આ પ્રશ્ન હળવો બને અને ઓછો ખૂંચે. ખરીદી કરનાર વર્ગે પણ એ સમજવું પડે કે ઓછા ખર્ચે ઘરઆંગણે જો જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈતી હોય તો ફેરિયાઓથી થતી થોડી અગવડ અને અડચણ સહન કરી લેવી પડે.

જો કે, ખાવાપીવાના લારીગલ્લાઓ પરની સ્વચ્છતાનું ધોરણ અને વપરાતા પદાર્થોની ગુણવત્તા ઘણી વાર સંદેહાસ્પદ હોય છે, જે જાહેર આરોગ્ય માટે ભયજનક બની જાય છે. આ સમસ્યાનો ઉપાય કરવો જ રહ્યો. હાલમાં ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ આવા ખાદ્યપદાર્થોના લારીગલ્લાઓ ઉપર કામ કરતા છોકરાઓને અંગત ચોખ્ખાઈ અને આરોગ્યપ્રદ રીતો અપનાવવાની તાલીમ પણ આપે છે. કામ કરવાની કાયદાકીય વય પ્રાપ્ત કરતાં પહેલાં જ કામ કરવા ધકેલાતા કિશોરો આ ક્ષેત્રમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે અને એ પણ એક મોટી સમસ્યા છે.

આપણા દેશમાં જગ્યાની સંકડાશ, ઝડપથી વધતી (ખાસ કરીને યુવાનોની) વસ્તી, શહેરોમાં વસવાનું આકર્ષણ અને આ પ્રકારના સ્વરોજગાર વડે સરળતાથી આત્મનિર્ભર થઈ શકવાની શક્યતાઓ જોતાં, રસ્તા પર ઊભા રહીને વ્યવસાય કરતાં લારીગલ્લાઓ અને ફેરિયાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જવાની. એની સાથે સંકળાયેલા ટ્રાફિક, રસ્તા પરનાં દબાણો, સ્વચ્છતાનાં ધોરણો, વેચાતી (ખાદ્ય)વસ્તુઓની ગુણવત્તાનું નિયંત્રણ જેવા પ્રશ્નો પણ વધારે ને વધારે જટિલ થતા જવાના! એક સમસ્યા એ પણ છે કે કાયદાકીય માન્યતા ન હોવાથી અને કોઇ કાયદાકીય નોંધણી થઈ ન હોવાથી આવા ફેરિયાઓ કે લારીગલ્લાઓ વિષેની સઘળી માહિતી અપૂરતી, અધૂરી અને બિનભરોસાપાત્ર હોય છે. જો કે અમુક રાજ્ય સરકારો હવે તેમની નોંધણી કરે છે. અમદાવાદમાં સેવા (SEWA) સંસ્થાએ સ્વરોજગાર ક્ષેત્રે કાર્યરત લોકો માટે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. આ વિષય પર સેપ્ટ (CEPT) અને સરકારી વિભાગોએ સાથે મળીને ૨૦૧૧માં એક મોટો અહેવાલ પણ બનાવ્યો છે. ભારત સરકારે પણ ૨૦૧૪માં રસ્તા પર વ્યવસાય કરતા વેપારીઓ માટે The Street Vendors Act,૨૦૧૪ પસાર કરેલ છે, પણ તેનું અમલીકરણ સહેલું નથી.

જેના આર્થિક, સામાજિક અને માનવીય પાસા નજરઅંદાજ કરી શકાય તેમ નથી તેવા આ સળગતા સવાલના ઉકેલ માટે સરકારે તથા સમાજે બંને સાથે બેસીને તેનું નિરાકરણ શોધવું પડશે.


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com સરનામે થઈ શકશે


નોંધઃ
અહીં મૂકેલ ઈમેજ નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રાકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

12 comments for “વિમાસણ: હરતાંફરતાં વેપારીઓ

Leave a Reply to સુરેશ જાની Cancel reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.