ત્રણ કૃતિઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

– તેજસ દવે

                   (૧) ગીત

તમે કહો તો લખી દઉં આ
ચોમાસાનું ધાડું ,
તમે કહો તો દૂર આભમાં
ઉડતાં વાદળ પાડું .
તમે કહો તો ….

તમે થાવ જો કાંઠો તો થઈ
દરિયો તમને મળશું
અમે તમારી ભરતી અંદર
ઓટ થઈ ઓગળશું

તમે કહો તો પતંગિયાની
પાંખે હું બેસાડું ,
તમે કહો તો દૂર આભમાં
ઉડતાં વાદળ પાડું .

આમ જુવો તો છીએ
આપણે બંને છેવટ એક
તમે ચંદ્રનું અજવાળું
ને હું સૂરજનું તેજ

તમે કહોતો પાછું વાળું
ગયા સમયનું ગાડું
તમે કહો તો દૂર આભમાં
ઉડતાં વાદળ પાડું .
તમે ……

 

                           * * *

                      (૨) ગ઼ઝલ

દરિયો નહીં તો મોજું દેજે
થોડામાંથી થોડું દેજે.

ખાલી ચહેરો ના ચાલે ભૈ
અમને પણ એક મ્હોરું દેજે.

ભીંતે ચઢતાં કણ છટકે નૈં
કીડીને મ્હોં મોટું દેજે.

રણના મ્યુઝિયમમાં મૂકવાને
જળનું ટીપું કોરું દેજે.

ખાલી કૂવે તરસ કૂદી છે
કૂવાનું તળ પોચું દેજે.

                                                                 * * *

                                                         (૩) ગીત

                                                 વૃદ્ધત્વનું ગીત

જળના તરંગ એનાં નિશાન છોડે એવી ચહેરા ઉપર કરચ બનીને રહી ગઈ છે,
મારી બધીય લાગણીઓ તો જાણે કોઈ સંશોધનનો વિષય બનીને રહી ગઈ છે,
જળના તરંગ …….

કોઇ કિલ્લાની અંદરનો ભૂતકાળ ફરીથી બેઠો થાતો લઈ વારતા વરસોની,
એવી રીતે હથેળીઓને ખોદો તો સંભળાશે ચીસો દટાઈ ગયેલા સ્પર્શોની,

મારાપણુંય મારી પાસેથી આ મારી બધી ઉદાસી સાથે લઈને વહી ગઈ છે,
જળના તરંગ …….

રસ્તા ઉપર પડી રહેલી કોઈ લાશની જેમ જ મારાં સપનાંઓ પણ પડી રહ્યાં છે,
બે પાંપણના સ્મશાનગૃહે સ્વજન સમાં આ બેઉ નયન એને જોઈને રડી રહ્યાં છે,

એક સામટાં બધાંયે દૃશ્યો ક્ષીણ થયાં છે મને જિંદગી એવું આવી કહી ગઈ છે,
જળના તરંગ …….

 

                                                                             * * *

સંપર્ક સૂત્રો:

મોબાઈલ- +91 99043 84769
ઈ મેઈલ – tejasdave40@gmail.com

* * *

(અમદાવાદના વતની યુવાન કવિ શ્રી તેજસ દવેનો પ્રથમ ગીત સંગ્રહઃ  ‘ઑગળતી જિંદગીના સમ’. તેઓશ્રી
કવિ સંમેલનો અને મુશાયરાઓમાં અવારનવાર ભાગ લે છે. ‘વેબગુર્જરી’ ઉપર તેમની કૃતિઓ બદલ તેમને ધન્યવાદ. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

2 comments for “ત્રણ કૃતિઓ

 1. February 18, 2018 at 8:36 am

  પહેલું ગીત અને બીજી ગઝલ ગમી.
  વૃધ્વત્વનું ગીત ખાસ ઠીક ન પડ્યું. કરચલિયો વાળા ચહેરાને જોનારને ખબર નથી હોતી કે અંદર ધડકતું દિલ એવું જ નાજુક નમણું હોઈ શકે.
  અંતરના યૌવનને તેનું અનોખુ રૂપ હોય છે.
  સરયૂ પરીખ

 2. February 18, 2018 at 8:41 pm

  તમે કહો તો કોમેન્ટું !
  ————-
  વૃદ્ધત્વની કવિતાઓમાં કેવળ વિષાદ જ શા માટે ? જીવન જીવવાની ખરી મોસમ તો બધું પરવાર્યા પછીની હોય છે. ફરીથી મળેલું નવલું બાળપણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *