કેડી ઝંખે ચરણ : પ્રકરણ ૨૮

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

નીચે બધાનો હસવાનો અવાજ સાંભળીને મનુભાઈની આંખ ઊઘડી ગઈ. ઘડિયાળમાં જોયું તો પોણા ત્રણ થવા આવ્યા હતા. આજે સાંજ સુધીમાં તો ત્રણેય સંતાનો જતા રહેશે એ વિચારે ઊઠીને નીચે આવ્યા અને સરલાબહેનનું છેલ્લું વાક્ય સાંભળ્યું એટલે મજાકમાં કહ્યું, ‘ એ તો તું કામેથી વહેલી આવી ગઈ ને એટલે હમણાં મગજમાં મશીનનો અવાજ જ સંભળાતો હોય ત્યારે બીજી વાતો ક્યાંથી કાનમાં જાય, સમજી ?’

કહી પોતાની જ જૉક પર હસી પડ્યા અને બીજા બધા સ્તબ્ધ થઈ ગયા.

તેઓ ક્યારે આવ્યા હશે, શું સાંભળ્યું હશે તે વિચારે સૌ સહેમી ગયા. પરંતુ તેમણે કરેલી જૉક ઉપરથી સરલાબહેનને ખ્યાલ આવી ગયો કે એમણે કાંઈ જ સાંભળ્યું લાગતું નથી.

નંદાએ વાતાવરણને હલકું કરતાં કહ્યું ,’સોરી ડેડ, અમે બહુ અવાજ કરીએ છીએ?’

મનુભાઈ સ્નેહા અને નંદાની વચ્ચે જગ્યા હતી ત્યાં બેસી ગયા, બોલ્યા, ‘ક્યારનાં શું વાતો કરો છો, મને ય કહોને !’

નમને વાતને આડે રસ્તે દોરવા પ્રયત્ન કર્યો, ‘ડેડ, કાલે શૉપ પર જવાનું મોડું નહી થાય ?’ તેને બીક હતી કે પ્રીતની વાત સાંભળીને મમને આટલો શૉક લાગ્યો તો ડેડને તો ખબર નહીં કેવો આઘાત લાગશે ?

પરંતુ કિશન અને નંદાએ એક બીજાની સામે જોઈને બોલ્યા વગર જ નક્કી કરી લીધું કે ‘ડેડને કહેવાનો આ જ બેસ્ટ મોકો છે.’ નંદાને થયું કે જો મમ અને ડેડ આઘાતમાંથી બહાર આવી જશે તો જ ફોઈ અને ફુઆને કઈ રીતે વાત જણાવવી તેનો વિચાર કરી શકશે, ‘ડેડ, અમે એક સીરિયસ વાત કરતા હતા પણ મમની એક નિર્દોષ વાત પર અમે બધા હસ્યા.’

મનુભાઈ, ‘એવું તે શું કીધું એણે ?’

કિશને વાતને સહજ બનાવતાં કહ્યું, ‘ મમને એમ જ છે કે હોમોસેક્સ્યુઆલિટિ માત્ર ધોળીયા લોકોમાં જ હોય.‘

મૂળ વાતથી અજાણ મનુભાઈ હસીને બોલ્યા, ‘ અરે, આપણી શોપમાં જ એક એશિયન છોકરો આવે છે. એના હાવભાવ અને વાત કરવાની રીત પરથી જ ખબર પડી જાય કે એ ‘ગે’ છે.

નમને ગંભીરતાથી ચર્ચાને મોડ આપતાં કહ્યું, ‘ડેડ, મોટાભાગનાં લોકો માટે એ કદાચ સાચું હોય પણ એવું નથી કે બધા જ એટલું ઓબ્વિયસ બીહેઈવ કરે.’

મનુભાઈને નવાઈ લાગી, ‘પણ આટલી મોડી રાત્રે કે વહેલી સવારે, તમે બધા આવી વાતો લઈને ક્યાં બેઠાં ?’

આ જ તક છે એ સમજીને નંદાએ ઘટસ્ફોટ કર્યો, ‘ડેડ, ફોઈએ અમને પ્રીતને સમજાવાનું કહ્યું હતું ને….’

મનુભાઈ એ વાતનું અનુસંધાન ન કરી શકવાથી સૌની સામે ભવાં ચઢાવી સંદિગ્ધ નજરે જોઈ રહ્યા.

હવે સરલાબહેને દોર હાથમાં લીધો અને લતાબહેને પ્રીતેને સમજાવવાની જવાબદારી આ ત્રણેય ભાઈ બહેનને કેમ આપી હતી તે ટૂંકમાં જણાવી અને આજે પ્રીતે શું કહ્યું તેની વાત કરતાં હતાં તે કહ્યું.

‘ઓહ આઈ સી’ છતાંય કોઈ ગડ બેઠી નહી એટલે નવાઈ પામી પૂછ્યું, ‘પણ એમાં આ હોમોસેક્સ્યુઆલિટિની ક્યાં વાત આવી ?’

દરેકને થયું કે અન્ય કોઈ આ અઘરા સવાલનો જવાબ આપશે એટલે રૂમમાં થોડી સેકંડ એકદમ શાંતિ છવાઈ ગઈ.

નંદાએ વાત ઉપાડી, ‘યસ ડેડ, પ્રીત ઈઝ..’

મનુભાઈ અવાચક બની બોલ્યા, ‘ ના હોય…… બને જ નહીને !’

સહાનુભૂતિભર્યા અવાજે કિશને કહ્યું, ‘યસ ડેડ, એ વાત તમે લોકો જેટલી જલ્દી સ્વીકારી લો તેટલું તમારા બધા માટે અને ખાસ કરીને પ્રીત માટે સારું છે.’

‘એણે જાતે કહ્યું કે તમે લોકોએ તમારા કલ્પનાના ઘોડા…’ હજુ ય એ વાતનો અસ્વીકાર કરતાં હોય તેમ મનુભાઈ બોલ્યા.

‘તમેય તે શું? એવી કોઈ કલ્પના થોડી જ કરે ?’ સરલાબહેને વાસ્તવિકતાને જલદી સ્વીકારી લીધી હોય તેમ મનુભાઈને કહ્યું.

‘ડેડ, ધેટ્સ ધ ફેક્ટ અને હવે તમારા બેની જવાબદારી ફોઈ અને ફુઆજીને આ સમાચાર ટેક્ટફુલી કહેવાની છે.’ નમને કહ્યું.

સરલાબહેન અને મનુભાઈ તો આ અચાનક મળેલી માહિતીથી સાવ ગુમસૂમ બનાવી દીધાં.

સૌને ‘ ગુડનાઈટ – જેશ્રીકૃષ્ણ ‘ કહી સ્નેહા સૂવા જવા માટે ઊઠી. આવી ગંભીર કૌટુંબિક મુશ્કેલીમાં બહારની વ્યક્તિ તરીકે બેસી રહેવાનું તેને ક્યારનું ખૂબ અજુગતું લાગતું હતું.

‘બેસને હવે, તું પારકી નથી !’ કહીને કોઈ જૂએ નહી તેનું ધ્યાન રાખી આંખ મિચકારી.

‘થેંક્સ પણ મને હવે ઊંઘ આવે છે‘ કહી ઊપર ચાલી ગઈ.

રૂમમાં સન્નાટો છે.

‘અલ્યા છોઅકરાંઓ, તમે લોકોએ ચોક્કસ ખાત્રી કરી છે ને ?’ મનુભાઈને હજુ ય માન્યામાં જ નહોતું આવતું!

કિશન હવે થોડાં ગુસ્સામાં બોલ્યો, ‘ડેડ, કેવા પ્રકારની ખાત્રી તમને જોઈએ છે?’ પછી ઉમેર્યું, ‘ બાકી એણે તો અમને વિનુકાકાને ત્યાં લગ્નમાં જ આ વાત કરી દીધી હતી.

સરલાબહેનને યાદ આવ્યું કે જ્યારે એ લોકોએ લતાબહેનને તે દિવસે ચેતવવાનો પ્રયત્ન તો કર્યો જ હતો ત્યારે જ કહ્યું હતું કે, ‘પ્લીઝ ફોઈ તમે લોકો પ્રીતને લગ્ન માટે ફોર્સ કરતાં નહી!’

સરલાબહેન, ‘તમે ત્રણે ય જણ મીંઢા છો, તે દિવસે ફોડ પાડીને કીધું નહી, માત્ર મોઘમ રીતે ચેતવ્યા જ, હેં ને ?’ છોકરાંઓની સમજણથી તેઓ ખરેખર તો ખૂશ થયાં.

મનુભાઈ હવે ગંભીર થઈ ગયા હતાં, ‘જુઓ છોકરાંઓ, એકવાર આ વાત સાચી હોય તો પણ ફરી એકવાર પ્રીત સાથે બરાબર ચોખવટ કરીને પછી જ લતા અને નીલેશજીજાજીને વાત કરવી જોઈએ.’

હવે કિશનને કંટાળા સાથે ગુસ્સો અને આખા દિવસનો થાક લાગ્યો હતો, ‘ડેડ, જુઓ અમને ખાત્રી છે એટલે અમે તમને લોકોને કહ્યું, હવે તમારે ખાત્રી કરવી હોય તો તમે જ પ્રીતને પૂછી જોજો.’

નંદાએ પણ કિશનને સાથ આપતાં કહ્યું, ‘પ્લીઝ ડેડ, બીલીવ અસ, ઈટ ઈઝ ટ્રુ. હવે ફોઈ-ફુઆને સમાચાર ક્યારે અને કઈ રીતે આપવા તે તમે બન્ને જણ નક્કી કરજો. ચાલો, હવે તો મને ય ઊંઘ આવે છે.’ કહી આળસ મરડી તે ઊભી થઈ, સાથે નમન અને કિશન પણ ઊભા થયા, સૌને ‘જેશ્રીકૃષ્ણ’ કહી ત્રણેય જણ સૂવા ગયા.

વાત સાંભળીને મનુભાઈ અને સરલાબહેનની તો ઊંઘ જ ઊડી ગઈ !

હવે ?

બન્ને જણ થોડીવાર સાવ ચૂપચાપ બેસી રહ્યા. પછી સરલાબહેનને થયું કે આમ બેસી રહેવાથી કોઈ ઉકેલ થોડો જ આવવાનો છે? પણ વિચારવું તો પડશે જ ને? હવે તો પોણાચાર થવા આવ્યા, ‘ ચાલો સૂઈ જઈએ. તમારે શૉપ પર જવાનું મોડું થશે.’

જાણે સરલાબહેનની વાત સાંભળી જ ન હોય તેમ ચિંતાના ભાર નીચેથી મનુભાઈનો અવાજ એકદમ ભારે થઈ ગયો, ‘આ તો આ એક મુશ્કેલી ગઈ નથીને, આ બીજી ઊભી થઈ ! આઈ ડોંટ નો, વોટ ટુ ડૂ ?’

સરલાબહેન ઊભા થતાં બોલ્યા, ‘ચાલો, હમણા બધાં જ થાકેલા છે, જે થોડીવાર સૂવા મળ્યું તે, સૂઈ જાવ થોડીવાર. આ લોકો જાય પછી શાંતિથી વિચારીશું.’

હજુ ય મનુભાઈનો જીવ ખૂબ જ ઉચાટમાં હોય તેમ બોલ્યા, ‘હવે વિચારવાનું શું બાકી છે ? નાઉ વી હેવ ટુ ટેઈક એન એક્શન.’

બાકીની રાત મનુભાઈએ પડખાં ફેરવી ફેરવીને વિતાવી. પરંતુ વારંવાર પડખાં બદલતાં મનુભાઈની હરકતથી સરલાબહેનની આંખ છ વાગ્યે ઊઘડી ગઈ.

માથા નીચે હાથ રાખી, ખુલ્લી આંખે સૂતાં મનુભાઈને સરલાબહેન આશ્ચર્યથી પૂછ્યું, ‘તમે સૂતા જ નથી કે શું?’

‘ ક્યાંથી ઊંઘ આવે ? હજુ તો નૈમેશની વાત માથે ઊભી છે ત્યાં તો હવે પ્રીતનું આ નીકળ્યું !’

‘પણ, તમે જ વિચારો, હવે શું કરવું તે, આમ ચિંતા કર્યા કરશો તો થોડી જ મુશ્કેલી જતી રહેશે ?’ કહી જવાબની આશા રાખ્યા વગર ખાટલામાંથી પ્રાર્થના કરી ઊઠ્યાં.

આજે છોકારાંઓ જવાના છે તે ઉચાટ અને એ ત્રણેયને, દર વખતની જેમ થેપલાં બનાવી આપે તેમ ગઈકાલે બનાવાયા નહોતા તેની ચિંતા અને વળી બપોરનું સૌને ભાવે એવું જમવાનું બનાવવાનું !

ઊંઘ પૂરી નહોતી થઈ એટલે સરલાબહેને માંડ માંડ કામમાં જીવ પરોવ્યો. પણ તે પહેલાં એક સરસ ચા બનાવી કપ લઈને સોફામાં બેઠાં. પછી ઘડિયાળ તરફ નજર ગઈ, થયું હજુ કેમ બાથરૂમમાં ધનુબાની ચહલપહલનો અવાજ નથી આવતો ? આટલા વાગ્યે તો નાહી-ધોઈને પૂજાની તૈયારી ચાલતી હોય એમની!

માળ ઉપર જઈને પહેલા બાથરૂમમાં કાન માંડ્યા, ત્યાંથી કોઈ અવાજ ન આવતાં ધનુબાના રૂમનું બારણું આસ્તેથી ખોલ્યું તેવી જ પેશાબની તીવ્ર વાસે હૂમલો કર્યો. ધનુબા ઓશિયાળા બની ખુરશીમાં બેસી રહ્યા હતાં.

‘બા, ક્યારે આવું થયું ?’

‘ખબર હોત તો થોડી જ હું જાણી જોઈને કરું? થઈ ગયો પછી આંખ ઊઘડી, ત્યારથી અહીં બેઠી છું.’

‘મને બોલાવી હોત તો ?’

‘મનુ હતો એટલે….’

‘મને લાગે છે બા, આપણે ડૉક્ટરને બતાવીએ. ચાલો, હવે તમે બાથરૂમમાં જાઓ ત્યાં સુધીમાં હું બધું બદલી નાંખું.’

ધનુબા બાથરૂમમંથી નાહી-ધોઈને આવી પૂજા કરવા બેઠાં. ‘મનુ હવે મને ઘરડાં ઘરમાં મૂકી ન આવે‘ એવી કાકલૂદીમાં જ આજે તો પૂજા પૂરી થઈ.

નીચે આવી સરલાબહેન પરવારીને નીચે આવે તેની રાહ જોવા લાગ્યા.

હજુ તો સરલાબહેન તૈયાર થઈને નીચે આવ્યા જ ત્યાં લાગલું જ કરગરતાં હોય તેમ ધનુબાએ કહ્યું,’ સરલા, ડૉકટરને ફોન કરને !’

‘બા, આજે રવીવાર છે. કાલે સવારના ફોન ચોક્કસ કરી દઈશું. આજે તમારા રૂમની બારી ખુલ્લી રાખી છે, બા. તડકો ય નીકળ્યો છે એટલે મેટ્રેસ બારી પાસે મૂકી છે. તમે આજે બપોરનાં અમારા રૂમમાં સૂઈ જજો.’

‘પણ આજે રવીવાર છે એટલે મનુ બપોરનાં આવીને સૂઈ જશેને ?’

ત્યાં તો કિશન હાંફળો ફાંફળો નીચે આવ્યો, ‘મમ, મને ઊઠાડ્યો કેમ નહી ?’

સરલાબહેને એના ગાલે ટપલી મારતાં કહ્યું, ‘અહીં હોય ત્યારે કયે દિવસે મારો કિશુ નવ વાગ્યા પહેલા ઊઠે છે ?’

સરલાબહેનને જવાબ પણ આપ્યા વગર જલ્દી જલ્દી ફોન લઈને કિશન સોફામાં બેઠો, ‘ હેલો, પુલીસ સ્ટેશન?’


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *