





-બીરેન કોઠારી
હજી એક મહિના પહેલાં જ ઈસુનું નવું વર્ષ બેઠું. આમ છતાં, કેલેન્ડરનું પાનું આગળ ફરે છે કે પાછું જાય છે એ નક્કી કરવું મુશ્કેલ થઈ પડે એવું વાતાવરણ સર્જાયું છે. રજૂઆત થવાની બાકી હતી એવી એક ફિલ્મને કારણે કેટલાક સમાજની લાગણી એ હદે દુભાઈ કે તેની બાકીનાઓને જાણ થાય એ માટે તેમણે તોડફોડનો આશરો લીધો. સરકાર તેમના પક્ષે હોય એમ આ થવા દેવામાં આવ્યું. આપણા દેશમાં જાતિ-પેટાજાતિઓનું એટલું વિપુલ વૈવિધ્ય છે કે રોજના એક લેખે દરેક સમાજ કોઈ ને કોઈ મુદ્દે પોતાની લાગણી દુભાયાનો દાવો કરે તો પણ તેનો ફરીથી વારો બે-ચાર વરસે આવે.
હજી પોતાના વિસ્તારમાં જાહેર સ્વચ્છતા, પ્રાથમિક આરોગ્ય, શિક્ષણ, જાહેર પરિવહન જેવી સુવિધાઓના અભાવ કે તેના કથળેલા સ્તર બાબતે લાગણી દુભાવાનું ખાસ બનતું નથી એ એક સારી નિશાની કહી શકાય, કેમ કે, એ બાબતે જાગૃતિ આવે તો આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું રક્ષણ કરવા પરથી આપણું ધ્યાન ખસી જાય! સંસ્કૃતિ અને સંસ્કારની વ્યાખ્યા પણ રાજકીય પક્ષો દ્વારા થતી હોય ત્યારે લાગણી દુભાવાની તીવ્રતામાં વધારો થાય છે. તાજેતરનું આવું એક ઉદાહરણ જોઈએ.
ગયા ડિસેમ્બરમાં ઝારખંડ રાજ્યના પાકુડ જિલ્લામાં દર વર્ષે યોજાતો આદિવાસીઓનો મેળો યોજાઈ ગયો. આ મેળાની જાહેરાત કરતાં ચોપાનિયાં બધે વહેંચવામાં આવ્યાં હતાં, જેમાં મેળામાં પ્રદર્શિત થનારી વિવિધ આઈટેમોનાં નામ લખાયેલાં હતાં. આમાંનું એક નામ હતું ‘દુલાર ચોક’. લીટ્ટીપાડા તાલુકાના ડુમરિયા ગામે યોજાયેલી આ સ્પર્ધામાં કુલ અઢાર દંપતિઓએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા બનનાર પ્રથમ દંપતિને નવસો, દ્વિતીયને સાતસો અને તૃતીયને પાંચસો રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું. શેની હતી આ સ્પર્ધા? પતિ અને પત્ની કેટલો લાંબો સમય સુધી ચુંબનરત રહી શકે છે તેની આ સ્પર્ધા હતી. આ મેળાનું આયોજન ઝારખંડ મુક્તિ મોરચાના વિધાનસભ્ય સિમોન મારાન્ડી દ્વારા કરવામાં આવ્યું હતું. અહીંના સાંથાલ આદિવાસીઓમાં આ મેળાનું ઘણું માહાત્મ્ય છે અને ચાલીસ-પચાસ કિલોમીટર દૂરથી તેઓ આ મેળામાં ભાગ લેવા માટે આવે છે.
આ સ્પર્ધા બાબતે ભારતીય જનતા પક્ષે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે તેના થકી આદિવાસી સંસ્કૃતિ દૂષિત થઈ છે અને સાંથાલી મહિલાઓની ગરિમા પણ ઘટી છે. અલબત્ત, આ બધો હોબાળો સ્પર્ધા યોજાઈ ગયા પછી શરૂ થયો, કેમ કે, અગાઉ કદાચ સ્પર્ધાના નામ પરથી તેનો ખ્યાલ નહીં આવ્યો હોય. આદિવાસીઓના બે મહાપુરુષો સિદો મુર્મૂ અને કાન્હૂ મુર્મૂના નામે ઓળખાતા આ મેળાનું આયોજન ઘણા વરસોથી થતું આવ્યું છે. અલબત્ત, મેળાની આયોજન સમિતિના એક સભ્ય કપૂરચન્દ્ર સાહાને પૂછવામાં આવતાં તેમણે એ બાબતે અજાણ હોવાનું જણાવેલું કે મેળામાં ચુંબનસ્પર્ધા દરેક વર્ષે યોજાય છે કે કેમ. પણ સ્થાનિક પ્રસાર માધ્યમોમાં આ સ્પર્ધાના સમાચારો પ્રસર્યા. ભારતીય જનતા પક્ષ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી અને આદિવાસી પરંપરા તેમજ મહિલાઓની ગરિમાને આવી સ્પર્ધાથી નુકસાન થતું હોવાનું જણાવ્યું. આવી સ્પર્ધાને પ્રોત્સાહન આપવા પાછળ ખ્રિસ્તી મિશનરીઓનો હાથ હોવાનું પણ તેમણે જણાવ્યું.
જિલ્લા પ્રશાસન દ્વારા આખી ઘટનાની તપાસનો હુકમ આપવામાં આવ્યો, જેમાં ‘જાહેર સ્થળે અભદ્ર વર્તણૂક’ કરવા બદલ એફ.આઈ.આર. નોંધવાની ભલામણ કરવામાં આવી. અલબત્ત, હજી સુધી એફ.આઈ.આર. નોંધવામાં આવ્યો નથી, પણ પાકુડના સબ-ડિવીઝનલ અધિકારી જિતેન્દ્રકુમાર દેવે જણાવ્યું છે કે અમારી પૂછપરછમાં કુલ અઢાર દંપતિએ સ્પર્ધામાં ભાગ લીધો હોવાનું જણાયું છે. અને જાહેર સ્થળે અભદ્ર વર્તણૂકનું પ્રથમદર્શી તારણ છે. પ્રશાસને આ સ્પર્ધાની મંજૂરી શાથી આપી, તેના જવાબમાં જિતેન્દ્રકુમારે જણાવ્યું કે આયોજકોએ સ્પર્ધાનો પ્રકાર અમને જણાવ્યો ન હતો. અલબત્ત, કપૂરચન્દ્ર સાહાના ખુલાસા મુજબ તેઓએ સ્પર્ધાના 45 દિવસ અગાઉ પ્રચારનાં ચોપાનિયાં ઠેરઠેર વહેંચ્યાં હતાં. સ્પર્ધામાં એવું કશું હોત તો આટલા બધા લોકો શું કામ આવત?
આયોજકોમાંનો એક સાંથાલી યુવક ભીમ મારાન્ડીનું કહેવું હતું, ‘સાંથાલોને આનાથી કશી તકલીફ નથી. મેળાના આયોજક ઝારખંડ મુક્તિ મોરચાના છે, તેથી ભા.જ.પ. વાંધા પાડે છે.’ ‘ઈન્ડીયન એક્સપ્રેસ’ના પ્રશાંત પાંડેને ભીમ મારાન્ડીએ કહ્યું, ‘મહારાજ, હમ લોગ કે યહાં લડકી પસંદ આતી હૈ તો ઉસકો ઘર સે લે કે આતે હૈં, યહાં આપ ‘કીસ’ કા બાત કર રહે હૈં’. તેમના જણાવ્યા મુજબ તેમનું પોતાનું લગ્ન પણ એ જ રીતે થયું હતું. ‘લીવ-ઈન’ સંબંધો અહીં સામાન્ય છે. વાસ્તવમાં ઘણા લોકો તો પોતાનાં સંતાનોનાં લગ્ન થાય ત્યારે વિધિવત પરણતા હોય છે.
અલબત્ત, રાજ્યના ભા.જ.પ.ના એસ.ટી.સેલના સભ્ય અને સ્થાનિક નાગરિક દાનિયલ કિસકૂના જણાવ્યા મુજબ સાંથાલોની મુક્ત જીવનશૈલી એક બાબત છે અને જાહેર સ્થળે અભદ્ર વર્તણૂંક સાવ જુદો મુદ્દો છે. એક વાત નક્કી કે જે થયું એ ખોટું થયું છે અને સાંથાલ સમાજના વડીલો ક્રોધિત થયા છે.
આયોજક મારાન્ડીનો ખુલાસો એવો છે કે સાંથાલ સમાજમાં છૂટાછેડાનો દર ઘણો ઊંચો છે. આ સ્પર્ધામાં કેવળ પરિણીત દંપતિઓએ જ ભાગ લીધો હતો. આશય એટલો જ હતો કે દંપતિ વચ્ચેનું બંધન મજબૂત બને. ભા.જ.પ.ને સાંથાલ પરંપરાની શી જાણકારી હોય?’
આમ, આક્ષેપ-પ્રતિઆક્ષેપ, દલીલ-પ્રતિદલીલ, ખુલાસા વગેરે જાણતાં ખરેખર તો કોઈ ફિલ્મના રમૂજી દૃશ્યના સંવાદો ભજવાતા હોવાનું લાગે. એક વાત તો છે કે હવે સંસ્કાર અને સંસ્કારિતાની વ્યાખ્યા નવેસરથી થઈ રહી છે. પ્રાચીન કાળનાં શિવમંદિરોની બહારના ભાગે બનાવાયેલાં ભોગશિલ્પોને હટાવીને તેમનાં સ્થાને હવે રાષ્ટ્રવાદી સૂત્રો મૂકવામાં આવે એ શક્યતા નકારી કઢાય એમ નથી. ‘નાગદમન’ કવિતાથી સમસ્ત નાગસમાજની લાગણી દુભાય કે ‘રીંછ એકલું ફરવા ચાલ્યું’ કવિતાથી સિંહસમાજની લાગણી દુભાય તો તેની પંક્તિઓમાં ફેરફાર કરવાની કે તેને અભ્યાસક્રમમાંથી કાઢી નાખવાની તૈયારી રાખવી પડશે. એટલું આશ્વાસન છે કે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો વેળાસર લખાઈ ગયા. નહીંતર સંસ્કાર અને ભદ્રતાની નવી વ્યાખ્યા મુજબ તેમાં અવશ્ય ફેરફારો કરવા પડ્યા હોત. મહારાજા દશરથ પર હિન્દુ મેરેજ એક્ટના ભંગ બદલ પગલાં લેવાની માગણી કરવામાં આવી હોત, અને શ્રીકૃષ્ણ પર ‘ઈવટિઝીંગ’નો કેસ શા માટે ન કરવો એ માટેની સમિતિ રચાઈ ગઈ હોત. સંસ્કાર અને ભદ્રતા જેવી પણ કોઈ ચીજ હોય છે, જે આપણે આપણા જાહેરજીવનના ‘પ્રેરણાપુરુષો’ પાસેથી પ્રાપ્ત કરવાની હોય છે. સ્વેચ્છાએ આપણે તે પ્રાપ્ત ન કરીએ તો બળજબરીએ તેઓ તે કરાવે છે, જેમાં આપણું જ હિત સમાયેલું છે એમ માનવું રહ્યું.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧-૨–૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
Thanks for the article. We are, in India, living with wrong priorities. And that is very sad.