અવલોકન : કારના વિન્ડ સ્ક્રીન પર પાણી

Facebooktwitterredditpinterestlinkedinmail

સુરેશ જાની

એક દિવસ કાર પાર્ક કરીને બેસી રહેવું પડ્યું. બહાર ઠીક ઠીક વરસાદ આવતો હતો, અને મારી પાસે છત્રી ન હતી. હું વાઈપર ચલાવીને વિન્ડ સ્ક્રીનનો કાચ સાફ રાખતો હતો. જેવો કાચ સાફ થાય કે તરત, જે જે ટીપાં ઠીક ઠીક મોટાં હતાં તે હિમ્મતભેર નીચે સરકવા માંડતાં. બે ટીપાં ભેગાં થઈ જાય અને એક મોટું ટીપું બને, તેની નીચે સરકવાની ઝડપ પણ વધે. આમ નીચે જતાં કોઈ જુનો રેલો મળી જાય તો ટીપું પોતાનું અસ્તિત્વ ગુમાવી તેના પ્રવાહમાં ભળી જાય.

clip_image002

વળી એ રેલો નીચે જતાં બીજા રેલામાં ભળી જાય અને એક મોટો રેલો બને – જાણે એક વહેળો. પછી નીચે તો આવા વહેળા જ વહેળા; આપણે જુદા પણ ન પાડી શકીએ. જાણે એક જ નાનો શો જળરાશિ!

સતત, એકધારી આ પ્રક્રિયા ચાલુ ને ચાલુ જ. પણ તેમાંય કેટલું બધું વૈવિધ્ય? કયું ટીપું ક્યાં, ક્યારે અને કેવો આકાર લેશે; કયો માર્ગ ગ્રહણ કરશે, તેના કોઈ નિયત નિયમ જ નહીં. હર ક્ષણે જુદી જુદી ગતિ અને જુદી જુદી દિશા.

ફરી પાછું વાઈપર ચાલુ કરું અને આખી ઘટના નવેસરથી શરુ.  જાણે મારી કારના વિન્ડ સ્ક્રીન પર ધરતીના ઊંચા નીચા સ્તરો ઉપર વાદળ વરસતાં થતી પાણીની અખંડ લીલાની નાની શી પ્રતિકૃતિ આકાર લઈને કાંઈક કહી રહી હતી.

——————————————-

કુદરતની ઘટના, નાની હોય કે મોટી – કશુંક તત્વ સામાન્ય નથી હોતું?  જ્યાં સુધી કાળચક્રનું વાઈપર ન ચાલે ત્યાં સુધી આ ઘટમાળ ચાલુ જ રહેતી હોય છે. વરસાદની માત્રા અને દિશા બદલાતી હોય. એમ જ પવનનું પ્રમાણ અને દિશા પણ બદલાતાં રહે.   ઘટનાનું સ્વરુપ ભિન્ન ભિન્ન હોય પણ સતત વહેતો પ્રવાહ એ જ એક સામાન્યતા.

પર્વતો, નદીઓ,  સરોવરો, સમુદ્ર, વાદળ, પવન, વરસાદ – વર્ષો વર્ષ એ જ ઘટમાળ. કોઈ ક્ષણે કોઈ પ્રચંડ ધરતીકંપ થાય અને બધું રમણભમણ બની જાય. નવા પર્વતો, નવી નદીઓ, નવું પર્યાવરણ.  

સૂર્ય, ગ્રહો, તારાઓ, ધૂમકેતુઓ, નિહારિકાઓ – હર ક્ષણ વિસ્તરતું વિશ્વ. અને કોઈ ક્ષણે કોઈ પ્રચંડ વિસ્ફોટ ( Big Bang)  અને બધું જ તહસ નહસ; નવી જ સૃષ્ટિની શરૂઆત.  

જીવનનો પ્રવાહ, જીવની ઉત્પત્તિ, બે જીવોનું ભળવું , એકાકાર થઈ જવું, કોઈ નવા જીવનું પ્રાગટ્ય, અને કોઈક અજાણ્યા, બળિયા પ્રવાહમાં તેનું વિલીન થઈ જવું.  પરમ ચૈતન્યના એક ભાગ જેવા એક નાના બિંદુની જીવનગાથા.  

વિન્ડ સ્ક્રીન પરનાં પાણીનાં ટીપાં હોય, પૃથ્વી પરનું પર્યાવરણ હોય, અતિ વિશાળ બ્રહ્માંડ હોય કે એક નાનકડું જીવન હોય …..  

વાત તો એની એ જ.

અંતે તો હેમનું હેમ હોયે.

બીજા એક દિવસે…

અમે ગરાજમાંથી ગાડી બહાર કાઢી. બહાર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. બારીના કાચ પર ટીપાં બાઝવાં લાગ્યાં. અમારી કાર શેરીના રસ્તાથી બહાર, મૂખ્ય રસ્તા પર આવી અને પૂરપાટ આગળ ધસવા માંડી.

અને એક નવો જ નજારો સર્જાવા લાગ્યો. ધસમસતા પવનના જોરે, હવે વિન સ્ક્રીન પરના પાણીના રેલા થોડાક ફંટાવા લાગ્યા. ગુરૂત્વાકર્ષણના એકમાત્ર બળના સ્થાને પવનના ઝપાટાનું નવું બળ ઊમેરાયું હતું. ગાડી હવે હાઈવે પર આવી ગઈ હતી. કલાકના સાઠ માઈલની ઝડપે ચાલતી ગાડીના પ્રતાપે, પવન પણ પ્રબળ શક્તિ વાળો બની ગયો હતો.

ઓલ્યાં પાણીનાં ટીપાં અને રેલા આ બે બળના પ્રતાપે મુક્ત બની ગયાં. બ્રાઉનિયન મોશન જેવી રમતનો માહોલ ખડો થઈ ગયો. હવે અવનતિનું સ્થાન આનંદભરી રમતે લીધું હતું. સજીવ બની ગયાં હોય, તેમ એમની રમત જોવા લાયક લ્હાવો બની ગઈ હતી.

કુદરતનો સામાન્ય નિયમ અચૂક અવનતિને જ પોષતો હોય છે. ગુરૂત્વાકર્ષણનું બળ નીચે પાડે, પાડે ને પાડે જ. જીવન અચૂક મૃત્યુ તરફ જ ગતિ કરતું રહેવાનું.  એમાં કોઈ મીનમેખ ફરક ન જ હોય.

પણ આગળ ધસવાની ગતિ, ઉન્નત ગતિ, પાણીના એક નાચીજ બિંદુને એક એવું પરિમાણ આપી શકે, કે એ વળાંક ઓલી પાણીની રમત જેવો રમણીય હોઈ શકે. ભલે એ રમત પણ ક્ષણજીવી રહેવા સર્જાઈ હોય; ભલે એ બ્રાઉનિયન્ મોશનનો અંતિમ તબક્કો પાણીને ધરાશાયી જ કરવાનો હોય; ભલે એક રમતિયાળ રેલો ઓગળી જાય અને બીજો એનું સ્થાન લે – એ નાનકડી રમતની પણ એક ગરિમા હતી. એક સુંદરતા સાકાર બની નિરાકાર થઈ ગઈ હતી. એના ક્ષણિક અસ્તિત્વનો પણ એક રૂવાબ હતો.

જીવનના આવા નાના નાના ઝબકારાઓની રમત થકી જ તો ઉત્ક્રાંતિનો પ્રવાહ મંદ પણ અવિરત ગતિએ આગળ ધપતો રહે છે ને? અને કલ્યાણમિત્ર શ્રી. અતુલ ભટ્ટે દિલના ભાવથી લખેલી કવિતા યાદ આવી ગઈ.

સાચું સુખ તે જિવંત જીવ્યા.
જીવીને સૌને જીવાડ્યા.

 

આંધી આવે, ત્સુનામી લાવે

તોયે એનું ચિતડું ચિદાનંદ.

 

સત્તા સાથે લક્ષ્મી આવે

તોયે એનું જીવન શિવાનંદ.

 

રાત્રિ સાથે દિવસ આવે

સારી સૃષ્ટિએ દિવ્યાનંદ.

 

સુખ સાથે દુઃખ આવે

તોયે એને હૈયે સચ્ચિદાનંદ.

 

જીવન સાથે મૃત્યુ આવે

સ્નેહીજનને સદા અતુલાનંદ.

                                                          – અતુલ ભટ્ટ

કારની બારી પરનો પાણીનો રમતિયાળ રેલો… જીવનની એક મધુરિમાનો સુભગ સંદેશ.


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

5 comments for “અવલોકન : કારના વિન્ડ સ્ક્રીન પર પાણી

 1. Dipak Dholakia
  February 15, 2018 at 1:12 am

  સુરેશભાઈ,

  બહુ સુંદર વિચાર. અભિભૂત થઈ જવાય એવો વિચાર

 2. B. G. Jhaveri
  February 15, 2018 at 9:05 pm

  Uttam

 3. February 16, 2018 at 1:11 am

  જીવનના પ્રવાહને કારના વિન્ડ સ્ક્રીન પરના પાણીના ટીપાની આનંદભરી રમતની જેમ તટસ્થભાવે જોઇ શકે એ જ અતુલાનંદ પામે.

 4. Niranjan Mehta
  February 16, 2018 at 12:58 pm

  રાજુલબેનની વાત સાચી છે. સામાન્ય બનાવને જીવન સાથે જોડવાની વાત સુરેશ્ભાઈના સરળ શબ્દોમાં માણવાલાયક બની રહે છે.

 5. Piyush Pandya
  February 16, 2018 at 9:00 pm

  આવું તો અવારનવાર જોવા મળી રહેતું હોય છે, પણ એ જોઈને આ પ્રકારની ફિલસુફી સુઝવી એ બહુ અભિનંદનીય બાબત છે. લેખ ખુબ ગમ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *