ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૧૦

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

 

કોઈ નવોસવો ભાવક ભગવતની એકાધિક કવિતાઓ વાંચે તો એમાંની વાતો એને જરૂર પ્રભાવિત કરે પણ એ કવિતાઓમાં એને એકવિધતા, વૈવિધ્યનો અભાવ લાગ્યા કરે. કવિતાઓ બદલાતી રહે પણ એ કવિતાઓનો પ્રધાન સુર અને શૈલી, જાણે એક જ વાત પુનરાવર્તિત થઈને કર્ણપટલ પર અથડાતી હોય એવું લાગ્યા કરે. આવું માનવા પ્રેરાય એમાં દોષ વાચક- ભાવકનો નથી. ભગવતે આ શૈલી અને વિષય જાતે પસંદ કરેલા છે, એમ કરવાથી એમની રચનાઓ ચોક્કસ દાયરામાં કેદ થઈ જશે અને મોટા ગજાના વિવેચકો એ વાતને એમની મર્યાદા ગણશે એની પૂરી સભાનતા સહિત !

એમની શૈલી, જેને તળપદી હિંદીમાં  ‘ બતરસ ‘ કહીએ એ વિધાનો નમૂનો છે. ‘ બતરસ ‘ એટલે વાતો કરવી, વાત માંડવી, વાતોડિયાપણું. પહેલી વાત તો એ કે એમની બધી જ કવિતાઓ અછાંદસ છે. બીજું, એમની મોટા ભાગની કવિતાઓ, પરંપરાગત અર્થમાં જેને આપણે કવિતા માનવા ટેવાયેલા છીએ એ દ્રષ્ટિકોણથી કવિતા નહીં પણ કોઈ ગધ્યખંડ લાગે. આ પણ સોદ્દેશ્ય છે. એમને કદાચ વિવેચકો, આલોચકો, વિદ્વાનો, પંડિતોની બાજનજરની તમા નથી. એમનો મુખ્ય હેતુ તો છે, જે લોકો- જે જનસમૂહની વાત એ આ કવિતાઓ દ્વારા કરે છે, એ લોકો આ વાંચે કે તુરંત બોલી ઊઠે કે હા, આ મારી જ વાત છે, મારા ઉપર આ વીત્યું છે . જો એવો વર્ગ નહીં તો એવા લોકો, જે એ વર્ગના નથી પણ જેમણે એમની સમસ્યાઓ અને સુખદુખ આત્મસાત કરેલા છે પોતાની આગવી સંવેદના થકી. એમની કવિતાઓને મારા જેવા વચેટિયાની જરુર નથી. એના એ મોહતાજ પણ નથી.

એમની દરેક કવિતા એક વ્યથા- કથા છે. ( એમની એક દીર્ઘ કવિતાનું નામ પણ  બિથા – કથા છે ! ) એ કવિતા- લેખન, પઠન અને શ્રવણ વખતે એકબાજૂ ભગવત રાવત હોય છે અને બીજી તરફ ભાવક. ભગવત વાત માંડે છે અને ભાવક એ વાત પૂરી સમજદારીપૂર્વક સાંભળતો જાય છે, માથું હલાવતો જાય છે અને જાણે થોડી- થોડી વારે હોંકારો પણ પૂરાવતો જાય છે! એ સંવાદમાં ત્રીજુ કોઈ નથી. ત્રીજાને એમણે સમજી- વિચારીને બાકાત રાખ્યો છે.

એમની એક ઔર કવિતા જોઈએ :

                                                         ==  बच्चों  के  लिए  एक  कथा  ==

थोड़ा सा समय निकालकर

सुना सकें तो बच्चों को यह कहानी

ज़रूर सुनाएँ

 

कुछ दिनों पहले तक

कुछ लोग हुआ करते थे

वे एक दूसरे के दोस्त कहलाते थे

दोस्त उन्हें कहा जाता था

जो एक ही माँ- बाप की संतान न होते हुए भी

एक ही माँ- बाप की संतानों की तरह रहे आते थे

 

वे बेरोकटोक एक दूसरे के घरों में आते – जाते

धीरे – धीरे वे एक – दूसरे के सपनों में भी

आने – जाने लग जाते थे

उनके घरों के दरवाज़े कभी बंद नहीं होते थे

दरवाज़ों पर ताले तो तभी लगाए जाते थे

जब दुर्भाग्य से घरों में कोई बचता नहीं था

उनके दरवाज़ों पर कोई कोल- बेल नहीं होती थी

वे एक – दूसरे को

ज़ोर से आवाज़ लगाकर बुलाते थे

 

एक दिन उनके बेटे – बेटियाँ भी

इसी तरह एक – दूसरे के दोस्त हो जाते

वह कोई सतयुग नहीं था

उनमें भी लड़ाई – झगड़ा , कहा – सुनी होती थी

 

घरों में बर्तन थे

आपस में टकराते थे

लेकिन वे एक – दूसरे के

दोस्त रहे आते थे

ऐसा भी होता कि वे

बरसों एक – दूसरे से मिल नहीं पाते

दुनिया – जहान घूम कर जब वे वापस आते

तो एक – दूसरे से मिलकर

बच्चों की तरह हँसते – ठिलठिलाते थे

 

यह बात और है कि थकी हुई उस उम्र में

हँसते – हँसते उनकी आँखों में

आँसू भी आ जाते थे

और तब वे पहले से ज़्यादा

ख़ूबसूरत लगते थे

 

थोड़ा – सा समय निकालकर

सुना सकें तो बच्चों को

यह कहानी ज़रूर सुनाएँ …

                                                             – भगवत रावत

          ગુજરાતી ભાવાનુવાદ :

                                                       ==  બાળકો  માટે  એક  વાર્તા  ==

થોડોક સમય કાઢીને

સંભળાવી શકો તો બાળકોને આ વાર્તા

જરૂર સંભળાવજો

 

થોડાક સમય પહેલાં સુધી

અમુક લોકો હતા

એ એકમેકના દોસ્ત કહેવાતા

દોસ્ત એવા લોકો કહેવાતા

જે એક જ માબાપના સંતાનો ન હોવા છતાં

એક જ માબાપના સંતાનોની જેમ રહેતા

 

એ લોકો કોઈ રોકટોક વિના

એકબીજાના ઘરે આવતા – જતા

અને ધીરે – ધીરે એકમેકના સપનાઓમાં પણ

આવન – જાવન કરવા લાગતા

એમના ઘરોના દરવાજા ક્યારેય બંધ ન થતા

દરવાજા પર તાળા તો કેવળ ત્યારે જ લાગતા

જ્યારે દુર્ભાગ્યવશ ઘરોમાં કોઈ બચતું જ નહીં

એમના દરવાજે કોઈ કોલબેલ રહેતી જ નહીં

એ લોકો એકબીજાને

મોટેથી હાક મારીને બોલાવતા

 

રહેતાં – રહેતાં એમના દીકરા – દીકરીઓ પણ

આમ જ એકમેકના દોસ્ત બની જતા

એ કોઈ સતયુગ નહોતો

એમની વચ્ચે પણ લડાઈ – ઝઘડા, બોલાચાલી થતી રહેતી

ઘરોમાં ઠામ હોય

તો ખખડે પણ

પરંતુ એ લોકો

દોસ્ત તરીકે ચાલુ રહેતા

એવું પણ થતું કે એ લોકો

વર્ષો સુધી એકબીજાને ન મળી શકતા

દુનિયાભરનો ફેરો કરી જ્યારે પાછા ફરતા

ત્યારે એકબીજાને મળી

બાળકોની જેમ હસતા – ખિખિયારા કરતા

 

એ વાત પણ જૂદી કે થાકેલી એ અવસ્થામાં

હસતાં – હસતાં એમની આંખોમાં

આંસુ પણ આવી જતાં

અને ત્યારે એ લોકો

પહેલેથી પણ વધુ રૂપાળા લાગતા

 

થોડોક સમય કાઢીને

સંભળાવી શકો બાળકોને

તો આ વાર્તા જરૂર સંભળાવજો …

                                                                  – ભગવત રાવત

અહીં પણ કવિતાનું કવિતા- તત્ત્વ જાણે એના શીર્ષકથી જ શરુ થાય છે. કવિ આ કવિતાને  ‘ બાળકો માટેની એક વાર્તા ‘ કહે છે !  વાર્તા એટલે તો કોઈક કપોળ- કલ્પિત વાત, જે વાસ્તવિક જીવન સાથે ઝાઝું સ્નાનસૂતક ન ધરાવતી હોય, પણ અહીં તો મૈત્રીની વાત છે અર્થાત્ મિત્ર હોવું, મૈત્રી હોવી એને વાર્તા કહેવી પડે એવા દિવસો છે હવે ? શરૂઆતમાં જ કવિ વાતની માંડણી એ અફસોસ સાથે કરે છે એક જમાનામાં એક સંબંધ હતો જેને  ‘ દોસ્તી ‘ કહેતા ! શીર્ષક સાથે નીપટ્યા પછી તુરંત એ બીજો ચાબખો મારે છે કે થોડોક સમય કાઢીને આ વાત તમારા બાળકોને કહેજો. એમને ખબર છે કે બાળકો માટે, એમને વાર્તાઓ કહેવા માટે તમારી પાસે હવે સમય જ ક્યાં છે !  જ્યાં નિરાંતે શ્વાસ લેવાનો પણ સમય દુષ્કર ત્યાં વાર્તાઓ કહેવાની ? છોકરાંઓને આગળ નથી વધારવાના ?

આપણામાંના કેટલાયને એ સમય યાદ છે જ્યારે બચપણમાં દોસ્તારના ઘરે રમતા હોઈએ અને ભોજનનો કે વાળુનો સમય થાય તો વગર પૂછ્યેે દોસ્તના ઘરવાળા આપણી થાળી પણ માંડી જ દેતા. એમાં પૂછવાનું વળી શું હોય ? સમય થયો અને બાળક અહીં છે તો જમાડીને જ મોકલવાનો હોય ને ! કમ સે કમ, દરેક મધ્યમવર્ગીય ઘરમાં આ વણલખ્યો નિયમ હતો. એ ઘરમાં જો દાદી કે નાની હોય તો એ આખા અડોશપડોશની પણ દાદી- નાની કહેવાય . બાળક જો  ‘ ઘરે જમીશ ‘ એવો લાડ કરે તો એ આગ્રહ અને ક્યારેક તો આજીજીપૂર્વક જમીને જ જવાનું કહેતા !

એ જમાનાનું બીજું કૌતુક એ કે દરવાજાઓ પર ડોરબેલ રહેતી જ નહીં અને દરવાજાઓ – ડેલીઓ ભાગ્યે જ બંધ થતી. કોઈ પણ ‘ બહારનું ‘ બેરોકટોક આપણાં નામની હાક મારી ડેલી ખોલી અંદર આવી શકતું. આજના  ‘ પ્રાઈવેસી ‘ ના જમાનામાં આ પ્રકારની પેશકદમી વાંધાજનક અને ધૃષ્ટતા સુદ્ધાં લાગે પણ ત્યારે તો એ જીવનનો મૂળભૂત શિરસ્તો હતો.

અને એક વધારાની વાત. ત્યારના મધ્યમવર્ગીય રીતરિવાજોમાં એક એ પણ હતો કે મહોલ્લા- પડોશના ઘરોમાં જે શાક ભોજનમાં બને એની એક – એક વાટકી આજુબાજુના ઘરે પણ પહોંચતી કરાતી જેથી દરેક ઘર ભોજનમાં એકસાથે ત્રણ- ચાર શાકનો આસ્વાદ લઈ શકે!  ન માનો તો પૂછજો કોઈ બુઝુર્ગને !

ઘડીક હું વચેટિયો ખસીને ભગવતને આપની સાથે વાત કરવા દઉં.

એ ખરું કે એ જમાનો કોઈ સતયુગ નહોતો. હતો તો હમણાં છે એ કળિયુગ જ. લડાઈ- ઝઘડા, અંટસ- કલહ, રાગ- દ્વેષ , અણબનાવ, અબોલા, રીસામણા- મનામણા ત્યારે પણ થતા પણ એક મોટો ફરક એ હતો કે નઘરોળ વ્યાવસાયિકતાએ, બજારવાદે હજૂ ઘર, નગર, દેશ અને વિશ્વને પોતાના ભરડામાં લીધા નહોતા. દરેક ચીજ વેચવા કાઢવામા આવી નહોતી. દરેક વાતમાં સીધો કે આડકતરો ધંધો ( અર્થાત્ સ્વાર્થ )  પ્રવેશ્યો નહોતો હજી.

અને એ જમાનામાં લોકો મુક્તપણે કુદરતી ખિલખિલાટભર્યુંં હાસ્ય હસી શકતા. વિચારો તો, છેલ્લે તમે ( બાળક સિવાય ! ) કયા પુખ્ત વયના માણસને ખડખડાટ, નિર્ભેળ, સાચું હસતાં જોયો ? એ જમાનામાં તો એવું હસાતું કે હસતાં – હસતાં આંખમાં પાણી આવી જતાં અને ક્યારેક તો એવું લાગતું કે આ હસવાનું નહીં રોકાય તો આપણને ‘ કંઈક ‘ થઈ જશે !  વળી આ હસતાં હસતાં રડી પડતા માણસો પહેલાં કરતાં વધુ ખૂબસૂરત લાગતાં !

અને અંતે, ભગવતને ખસેડી, ફરી એક વાર હું, મારી એક નાનકડી વાત સાથે. મન તો ઘણું ય થાય છે, કોઈ મિત્રને હમણાં જ અમસ્તો ફોન કરીને અકારણ એના અહેવાલ પૂછું અને મારા આપું. પણ એક બીક છે. એ ક્યાંક એવું પૂછશે કે  ‘ કંઈ ખાસ કામ હતું ? ‘ તો ? તો ?


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

19 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૧૦

 1. February 14, 2018 at 1:03 am

  મજાની નાનપણની વાતો, જે દરેકના જીવનમાં અલગ રીતે આલખાયેલી હોય, ભલે પછી કોઈ પણ સદીમાં જીવ્યાં.
  સરયૂ

  • Bhagwan thavrani
   February 15, 2018 at 8:44 pm

   ધન્યવાદ સરયુબેન !

 2. February 14, 2018 at 5:18 am

  ફટકિયા મૈત્રીના જમાનામાં અને એનાથી ય વધારે ફટકિયા ઈ- મૈત્રીના એકવીસમી સદીના માહોલમાં આ જૂની પુરાણી, ખખડી ગયેલી ‘બતરસ’ ( એનો ગુજરાતી પર્યાય?) જ ગમી ગઈ.
  એટલી બધી ગમી કે, એને મારા ઘરમાં વસાવી દીધી.
  https://gadyasoor.wordpress.com/2018/02/13/friendship-4/

  • Bhagwan thavrani
   February 15, 2018 at 8:45 pm

   ખૂબ ખૂબ આભાર સુરેશભાઈ !

 3. Nathalal Devani
  February 14, 2018 at 12:33 pm

  ખૂબ સરસ વાતો. આ બધું અમે ગામડામાં માણ્યું છે.

  • Bhagwan thavrani
   February 15, 2018 at 8:46 pm

   ધન્યવાદ નાથાલાલ !

 4. નરેશ પ્ર. માંકડ
  February 14, 2018 at 12:33 pm

  શ્રી ભગવત રાવત નિસ્વાર્થ દોસ્તીના દિવસોને વાર્તાની જેમ જ ‘કોઈ એક સમયે’ (once upon a time)થી શરૂ કરે છે, સંકેત સ્પષ્ટ જ છે કે આધુનિક સમયમાં એવું નથી હોતું. વાત થોડી પેલા કવિના જેવી છે:
  એક એવું ઘર મળે આ વિશ્વમાં
  જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું.
  લોકો અતિવ્યસ્તતાથી અકળાયેલા છે, એથી સંવેદના બુઠ્ઠી થઈ ગઈ છે. લાગણીના વેવલાવેડાને સ્થાન નથી. શહેરી સંસ્કૃતિની અસરને કવિએ આબાદ ઝીલી છે.

  • Bhagwan thavrani
   February 15, 2018 at 9:41 pm

   ધન્યવાદ સરયુબેન !

  • Bhagwan thavrani
   February 15, 2018 at 9:44 pm

   આવી ‘ વેવલી વાતો ‘ માં માનતી આપણી નસલ કદાચ છેલ્લી છે ! આભાર નરેશભાઈ !

 5. सत्यपाल
  February 14, 2018 at 6:51 pm

  बेशक! दोस्ती के वो जमाने, याद आते हैं ।स्मार्ट फोन, सोशल मीडिया के नाम है ये दौर! दोस्ती, खुलूस अपनापन; बीते जमाने की बातें हो रहीं!

  • Bhagwan thavrani
   February 15, 2018 at 9:45 pm

   शुक्रिया सत्यपाल जी !

 6. mahesh joshi
  February 14, 2018 at 6:52 pm

  A poem which takes us to the days of our childhood and simultaneously remind the realities of prersent.
  Artlessness and simplicity/openness were natural phenomena in society, now not so common. Naresh bhai has rightly quoted
  “એક એવું ઘર મળે આ વિશ્વમાં
  જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું.”
  Thanks for bringing gems of Bhagvat to all of us

  • Bhagwan thavrani
   February 15, 2018 at 9:46 pm

   Thanks a lot maheshbhai for ‘ always being there ‘ !

 7. Samir
  February 15, 2018 at 10:54 am

  Despite the fact that I am not a poetry person, I immensely enjoyed poetry and comments by Thavranibhai.
  Thanks a lot !

  • Bhagwan thavrani
   February 15, 2018 at 9:49 pm

   Now, after reading 10 episodes of Bhagwat rawat, you can not ‘ claim ‘ that you are a ‘ non- poetry man ‘ !
   Thanks !

 8. Kishorchandra Vyas
  February 20, 2018 at 5:30 pm

  આ કવિતા ઓ ખૂબ જ હૃદયસ્પર્શી અને ભાવવિભોર કરે છે.. દોસ્ત ની વાતો વાંચી નાનપણમાં જે રીતે રહ્યા, તે દિવસો ખૂબ યાદ આવ્યાં.. અભિનંદન, સાહેબ

  • Bhagwan thavrani
   February 21, 2018 at 10:37 pm

   આભાર કિશોરભાઈ!

 9. કમલેશ શુક્લ
  February 28, 2018 at 10:57 am

  એકદમ સાચી વાત. બોલચાલની ભાષામાં સરળ અનુવાદ. મૈત્રી બાબતમાં મારો અનુભવ પણ કંઈક આવો જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *