Science સમાચાર (૩૧)

Facebooktwitterredditpinterestlinkedinmail

દીપક ધોળકિયા

() ભારતમાં મરઘીને ઍન્ટીબાયોટિક્સનો વધારેપડતો ડોઝ અપાતો હોવાનો આક્ષેપ

‘ગાર્ડિયન’ સમાચારપત્રના સમાચાર મુજબ ભારતથી આયાત મરઘાંને ઍન્ટીબાયોટિક્સનો બહુ મોટો ડોઝ અપાય છે, કે જેથી એ બીમાર ન પડે.બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેટિવ જર્નાલિઝમના એક રિપોર્ટમાં કહ્યું છે કે બહુ જ મુશ્કેલ કેસમાં જ આપી શકાય એવાં ઍન્ટીબાયોટિક્સ ભારતમાં મરઘાંને નિયમિતપણે અપાય છે. આવાં ટનબંધ ઍન્ટીબાયોટિક્સ દર વર્ષે ભારત પહોંચે છે અને એનો છૂટથી ઉપયોગ થાય છે. રિપોર્ટ કહે છે કે આની ખરાબ અસર આખી દુનિયામાં થવાની શક્યતા છે.

ઍન્ટીબાયોટિક્સના અવિચારી ઉપયોગથી બૅક્ટેરિયા એની સામેની પ્રતિકારશક્તિ વિકસાવી લે છે, પરિણામે એની અસર ઘટી જાય છે, એટલું જ નહીં, એ વધારે ખતરનાક બની જાય છે. આવાં ચિકન ખાનારના શરીર પર એની પ્રતિકૂળ અસર પડે છે. એની રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય છે.

ભારતમાં ઍન્ટીબાયોટિક્સના ઉપયોગ પર નિયંત્રણ રાખવાની કોઈ વ્યવસ્થા નથી. આથી દુનિયાની મોટી ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ મનફાવે તેમ વર્તે છે. વિશ્વના લોકોના આરોગ્યની સંભાળ લેવાની જવાબદારી સૌની છે.

(આ માત્ર સમાચાર છે. ભારતના ચિકન ઉદ્યોગની નિકાસ ઘટાડવા માટેના ‘Fake news’ પણ હોઈ શકે. પરંતુ સાચું હોય તો શરમજનક છે. –સં)

સંદર્ભઃ ગાર્ડિયન

0-0-0

() સ્ટીલ કરતાં વધારે મજબૂત લાકડું

મૅરીલૅન્ડ યુનિવર્સિટીના એન્જીનિયરોએ લાકડાની મજબૂતી વધારવાની રીત શોધી છે. લાકડું એની મૂળ શક્તિ કરતાં વધારે મજબૂત બની શકે છે. આમ પ્રાકૃતિક વસ્તુ સ્ટીલ કરતાંય વધારે મજબૂત અને વધારે સસ્તુંય પડશે. એન્જીનિયરોની ટીમના નેતા લિયાંગબિંગ હૂ કહે છે કે એમણે શોધેલી રીતથી લાકડાની માવજત કરવાથી એ કુદરતી લાકડાની સરખામણીમાં ૧૨ગણું મજબૂત અને ૧૦ગણું સખત અને ઘન બને છે. એટલું જ નહીં એનું વજન પણ છઠ્ઠા ભાગનું રહી જાય છે. એને તોડવા માટે સામાન્ય લાકડા માટે જોઈએ તેના કરતાં દસગણી વધારે શક્તિ જોઈએ. તે ઉપરાંત માવજતની પ્રક્રિયાની શરૂઆતમાં એને મનફાવતો ઘાટ પણ આપી શકાય છે.

એમનો અભ્યાસલેખ Nature સામયિકમાં પ્રકાશિત થયો છે. લાકડાની અંદર લિગ્નિન નામનો પદાર્થ હોય છે. એ પદાર્થ લાકડાને લવચીક બનવા નથી દેતો. લિગ્નિન કાઢ્યા પછી એને ૧૫૦ ફેરનહાઇટની ગરમી આપીને દબાવાય છે. આથી એની અંદરનો રેસાદાર પદાર્થ ઠસોઠસ થઈને ચસકી શકતો નથી. છે. લાકડામાં છેદ હોય તે પુરાઈ જાય છે અને ગાંઠ હોય તે પણ સમતળ થઈ જાય છે. દબાવાથી લાકડાની જાડાઈ પાંચમા ભાગની રહી જાય છે. આમ એ પાતળું પણ મજબૂત બને છે કારણ કે ઓછી જગ્યામાં બધો પદાર્થ સમાઈ ગયો હોય છે.


અહીં ચિત્રમાં લિગ્નિન કાઢ્યા પહેલાંની (ડાબી બાજુ) અને લિગ્નિન કાઢ્યા પછીની (જમણી બાજુ) આંતરિક સંરચના દેખાડી છે. ટીમે એમણે બનાવેલા લાકડા પર તીર છોડીને પ્રયોગ કર્યો, એમાં કુદર્તી લાકડું વીંધાઈ ગયું, પણ માવજત કરેલું લાકડું અડીખમ રહ્યું.

ફર્નિચરમાં સાગનું લાકડું વપરાતું હોય છે. આંબો, પાઇન જેવાં બીજાં લાકડાં નરમ મનાય, પણ હવે કોઈ પણ લાકડા પર આ પ્રક્રિયા કરવાથી એ ફર્નિચરને યોગ્ય બની શકશે.

સંદર્ભઃ મૅરીલૅન્ડ

0-0-0

(3) ભારત રીસર્ચ પર બહુ ઓછો ખર્ચ કરે છે.

ભારતમાં આર્થિક ક્ષમતાના પ્રમાણમાં વૈજ્ઞાનિક સંશોધનો પર બહુ ઓછો ખર્ચ થાય છે. ગયા મહિનાની ૨૯મીએ સંસદમાં રજૂ થયેલી આર્થિક સમીક્ષા દર્શાવે છે કે ૨૦૧૫માં આપણી GDPના માત્ર ૦.૫ ટકાનો ખર્ચ સંશોધનો પર થયો. ચીન ૧ ટકાનો ખર્ચ કરે છે અને અમેરિકા ૨.૫ ટકાનો ખર્ચ કરે છે. આપણું કુલ આંતરિક ઉત્પાદન (GDP) ચીનના પાંચમા ભાગનું અને અમેરિકાના આઠમા ભાગનું છે. એનો અર્થ એ કે ચીન મૌલિક સંશોધનો માટે આપણા કરતાં દસગણો અને અમેરિકા સોળગણો ખર્ચ કરે છે. આર્થિક સમીક્ષા કહે છે કે આ જોતાં, ભારત અમેરિકા જેટલું સમૃદ્ધ થઈ જશે ત્યારે એનો સંશોધનો પરનો ખર્ચ માંડ GDPના ૧ ટકા સુધી પહોંચશે.

૨૦૦૧માં ચીનમાં ઉચ્ચ સ્તરનાં ૧૭૪ વૈજ્ઞાનિક પ્રકાશનો હતાં, અને ભારતમાં ૧૦૩. પરંતુ, ૨૦૧૧માં ચીનનો આંકડો ૯૮૦ પર પહોંચ્યો, તો ભારત ગોકળગાયની ગતિએ માત્ર ૧૫૩ પર પહોંચ્યું.

ભારતમાં જન્મ્યા હોય એવા એક લાખ કરતાં વધારે લોકોએ PhD કર્યું છે પણ તેમાંથી ૯૧,૦૦૦ અમેરિકામાં કામ કરે છે.

સંદર્ભઃ The Hindu_22567826

0-0-0

() બૅક્ટેરિયાની મદદથી જખમનો ઇલાજ

સ્વીડનની ઉપ્સાલા યુનિવર્સિટીના સંશોધકોએ લૅક્ટિક ઍસિડના બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને જખમ રુઝાવવાની નવી ટેકનિક બનાવી છે. એમનો અભ્યાસપત્ર (અહીં_1716580115) વાંચી શકાશે. આ બૅક્ટેરિયા વાહક તરીકે કામ આપે છે. એ માનવશરીરમાં જ પેદા થતું કેમોકાઈન (Chemokine) બનાવે છે અને સીધું જ ઘા પર પહોંચાડે છે.

ઘણા જખમોની સારવાર બહુ ખર્ચાળ નીવડે છે. એમનો ઉપાય માત્ર બહારની દવાઓથી થઈ શકે છે. ઉંમર વધતાં સારવાર અઘરી બનતી જાય છે. ઘણી વાર ડાયબિટીસ પણ ઘા પર રૂઝ વળવામાં આડે આવે છે. નવી રીતમાં કેમોકાઇન, CXCL12 જખમી કોશોમાં ઉમેરાય છે અને તે સાથે વધારે રોગપ્રતિકારક કોશો પણ આવે છે.

ઉંદર પર આ પ્રયોગ સફળ રહ્યો છે હવે ડુક્કર પર પ્રયોગ કરાશે તે પછી માનવ પર એનો ઉપયોગ કરાશે.

સંદર્ભઃ Alpha-Galilio


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો

ઈમેલઃ dipak.dholakia@gamil.com

બ્લૉગઃ મારી બારી

2 comments for “Science સમાચાર (૩૧)

 1. February 12, 2018 at 7:50 am

  લિગ્નીન –
  કાગળ બનાવવાની પ્રક્રિયામાં, કોસ્ટિક સોડા અને સ્ટીમ વાપરીને ભારે દબાણ હેઠળ લિગ્નિન કાઢી નાંખવામાં આવે છે. બાકી રહે તે પેપર પલ્પ.
  આમ આ લાકડું એક જાતનો કાગળ કહેવાય? !

  • Dipak Dholakia
   February 14, 2018 at 12:44 am

   વિગતો લિંક પર જવાથી મળશે. હું તો માત્ર બે ટકા – અને તે પણ મારા જેવા સામાન્ય વાચક સુધી પહોંચે એટલું જ આપી શકું. વધારે ઊં ડા ઊતરવા માગતા હોય તેમના માટે જ લિંક આપવાનું રાખ્યું છે.
   પરંતુ સંશોધકો આને કાગળ નથી કહેતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *