લ્યો, આ ચીંધી આંગળી : ગંઠાયેલી ગ્રંથીઓ ક્ષણભરમાં ઓગળી શકે છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

 

(વિપુલ સાહિત્યના સર્જક અને તંતોતંત રીતે વાસ્તવજીવનલક્ષી એવા સુવિખ્યાત સાહિત્યકાર દિલીપ રાણપુરા(મૂળ નામ ધરમશી નાગજીભાઈ રાણપુરા)નો જન્મ 1931 ની 14 મી નવેમ્બરે અને અવસાન કેન્સરની બિમારીથી બોંતેર વર્ષની વયે 2003 ની 16 મી જુલાઇએ. વાર્તાકાર પત્ની સવિતા રાણપુરા પણ પોતાની માત્ર 44 વર્ષની વયે કેન્સરથી 1977 માં અવસાન પામ્યાં. એ પછી બીજા લગ્નની અનેક દરખાસ્તો હોવા છતાં 46 વર્ષના દિલિપ એક પુત્ર સુશેષ અને પુત્રી પારુલના સ્વસ્થ ઉછેર માટે અપરિણિત જ રહ્યા. બન્ને સંતાનો પરત્વેનો તેમનો લગાવ અપરિસીમ હોય તે સમજી શકાય તેવું છે.પણ એક પ્રસંગે પિતા અને પુત્રી વચ્ચે એક ગાંઠ પડી ગઇ.

એ પ્રસંગ અને એ ગાંઠના ઓગળવાની આ નાનકડી વાત છે

રજનીકુમાર પંડ્યા)

હજુ અઠવાડિયા પહેલાં જ પારુલ ઘેર આવી હતી. દિલીપ રાણપુરાની દીકરી જોતજોતામાં પાછલાં થોડાં વરસોમાં ગજું કરી ગઈ હતી. સવિતાબહેનના ગયા પછી દિલીપની પૂરી ઘરગૃહસ્થી એણે સંભાળી લીધી હતી. ભાઈ સુશેષ પરણી-કારવીને બચરવાળ થઈ ગયા પછી અમને એમ હતું કે પારુલને પણ હવે બને તેટલી ઝડપથી વરાવી દેવાની દિલીપ તજવીજ કરશે. યુવાન હાડેતી પારુલ નોકરીએ પણ લાગી ગઈ હતી, પણ એને યોગ્ય – ઘર નહોતાં મળતાં – પણ એની ચિંતા દિલીપના ચહેરા પર ખાસ વરતાતી નહોતી. દિલીપને એક વાર મેં ખાનગીમાં પૂછ્યું હતું : ‘તને આવડા મોટા પૃથ્વીના પટમાંથી એને લાયક કોઈ નથી મળતું?’

‘એનું મન ક્યાંય ગોઠતું નથી….’ દિલીપે કહ્યું હતું : ‘….બાકી ઠેકાણાં તો એક કરતાં એકવીસ એને બતાવ્યાં હતાં.

જે વર્તુળમાં હું ન હોઉં એવું બીજું એક મિત્ર વર્તુળ પણ દિલીપનું હતું, જે દિલીપના ક્ષેમકુશળની ચિંતા સતત દિલીપ વતી કર્યા કરે. સનત મહેતા, અરુણા મહેતા, કરમશીભાઈ અને સવશી મકવાણા, મનુભાઈ પંચોળી ‘દર્શક’, પ્રકાશકો આર. આર. શેઠવાળા ભગતભાઈ, હસુભાઈ, સરોજબેન અને બીજાં કેટલાંક. એ લોકો પણ પારુલ માટે ઠેકાણું શોધતાં હશે – હું પણ મારી રીતે છોકરા જોયા કરતો – પણ ક્યાંય વાત બેસતી આવતી નહોતી.

(સવિતા રાણપુરા, પારુલ અને દિલીપ)

આ જ દિવસોમાં પારુલ અમારે ત્યાં આવી –એ દિવસોમાં દિલીપની નવલકથા ‘મીરાંની રહી મહેક’ પરથી તરુલતા દવે (મારાં પત્ની, હવે તો સ્વર્ગસ્થ) ટી.વી. સિરીયલની સ્ક્રીપ્ટ લખતાં હતાં. એ સવિતાબહેનની માંદગી અને અને એમની થયેલી સુશ્રુષાની હૃદયદ્રાવક સત્યઘટના પર આધારિત છે. એના પરથી બનનારી ટીવી સિરિયલમાં અરવિંદ ત્રિવેદી (લંકેશ) દિલીપનું પાત્ર ભજવવાના હતા. પારુલ આવી એટલે એ સ્ક્રીપ્ટ તરુએ પારુલને વાંચી સંભળાવી – ક્યાંય વિગતદોષ ? ક્યાંય ઉમેરણ ? ક્યાંય બાદબાકી ? ક્યાંય રંગ પૂરવાના યા આછા કરવાના ? પણ ના, પારુલે પોતાની માતા સવિતા રાણપુરાનું પાત્રાલેખન અને પિતા દિલીપ રાણપુરાની એમના કેન્સર સામેની સંઘર્ષ ગાથા જે રીતે ટી.વી. માટે તરુએ આલેખી હતી એ મંજૂર રાખી હતી. સાંભળતાં સાંભળતાં બધું યાદ કરીને રડી પણ પડી હતી અને એક દિવસ-એક રાત રોકાઈને ચાલી ગઈ હતી.

બસ, એ પછી પંદર દહાડામાં જ એનાં પ્રેમલગ્નના સમાચાર મને ભગતભાઈ શેઠે ફોન પર આપ્યા. એ સાલ 1991 ની.

‘અરે,અમને તો એ છોકરીએ કશી ગંધ પણ ન આવવા દીધી.’ મેં એમને કહ્યું.

‘દિલીપભાઈને પણ ખબર નહોતી !’ એમણે કહ્યું : ‘પછી શું કહો છો ? આથી વધુ ?’

‘તો શું છોકરીએ નાસીને લગ્ન કર્યા ?અણછાજતું કોઈ પગલું ભર્યું ?એનો જન્મ 1961 માં એટલે મોટી ગણાય તેવી ત્રીસ વર્ષની વય થઈ ગઈ હતી. એટલે આઘાત તો ના લાગવો જોઇએ સિવાય કે કોઈ નબળા-ન શોભીતા પાત્રને પરણી ગઈ હોય? નબળો માટી? કે નબળું ખોરડું ? મંદિરમાં એક માત્ર ગોરની સાક્ષીએ ગાંધર્વ લગ્ન?

પણ ના, એમાંની કોઈ વાત સાચી ન હોતી. એણે ગુજરાત રાજ્યમાં એક વાર પ્રધાન રહી ચૂકેલા બનાસકાંઠાના લોકસેવક આબરુદાર એવા ખોડીદાન ઝૂલાના પુત્ર ઘનશ્યામ ઝૂલા સાથે ફેરા ફર્યા હતા. છોકરો ભણેલો ગણેલો બિલ્ડર કોન્ટ્રાક્ટર હતો–સોહામણો હતો. સૌમ્ય, પણ જુગતે જોડી હતી. લગ્ન ખાનગીમાં નહીં : જાહેરમાં કર્યા હતા. છૂપી રીતે ખરાં, પણ એક માત્ર દિલીપ રાણપુરાથી જ છૂપી રીતે – બાકી એ સિવાય તો નગારાના ઘા પર જ. કારણ કે એના લગ્નમાં એનાં ભાઈ –ભાભી સુશેષ– છાયાથી માંડીને મારા સિવાય દિલીપના બધા દોસ્ત હાજર હતા. સપરિવાર-પારુલ એમ માનતી હતી કે દિલીપનો હું પરમ સમર્થક મિત્ર હતો ને દિલીપ રાણપુરા એનો વહાલસોયો પિતા, ગમે તેટલો વહાલસોયો છતાં એના આ લગ્નની વિરુદ્ધ હતો, એની આમાં સંમતિ ન હતી. થોડા વખત પહેલાં પિતાને પારુલે પોતાના આ પ્રણય અને નિર્ણયની જાણ કરી હતી. સંમતિ(મંજૂરી નહીં) પણ માગી હતી. પણ પોતાના મનમાં બાંધેલી કેટલીક ગ્રંથિઓ અને વળી કેટલીક ગેરસમજો દિલીપને સંમતિ આપતાં રોકતી હતી – ખોડીદાન ઝૂલા અને દિલીપ વચ્ચે રૂબરૂ એક વાર પણ મળ્યા વગર શિષ્ટ ભાષામાં પત્રવ્યવહાર પણ થયો હતો. જેમાં દિલીપની ’ના’ ઉપર ખોડીદાન ઝૂલાનો કોઈ દબાવ નહોતો. દિલીપ પોતે વાત પતી ગઈ એમ સમજતો હતો ત્યાં જ આ ધડાકો થયો હતો !

(ડાબેથી: રમેશ પારેખ, રજનીકુમાર પંડ્યા અને દિલીપ રાણપુરા)

**** *** ***

સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમાણપત્ર બોર્ડની મિટિંગમાં ચાલુ ચર્ચાએ મેં દિલીપને એક ચબરખી પર લખીને પૂછ્યું –‘બસ ને ! મને આટલો દૂરનો મિત્ર માન્યો ને ? પારુલને એમ કે હું તારી નજીકનો છું – અને તને એમ કે હું પારુલનું ઉપરાણું લઈશ. એટલે હું બન્ને તરફથી રહ્યો. પારુલ તો ઠીક બાળક કહેવાય, પણ તુંય ?’

એની આંખમાં આ ચબરખી વાંચીને ઝળઝળિયાં આવી ગયાં. એણે એના ગરબડિયા અક્ષરોમાં લખ્યું : ‘તુંય? તુંય મને અન્યાય કરીશ ?’

એ પછીના ચાર દિવસે એ મારે ત્યાં ખાસ આવ્યો. બાલ્કનીના શાંત એકાંતમાં અમે બેઠા અને એણે એના મનની ગૂંચો મારી પાસે ખુલ્લી કરી. કેટલીક ગેરસમજો હતી તો કેટલીક ‘ગેરવ્યાખ્યાઓ’ પણ. કેટલીક ‘ગેરઅપેક્ષાઓ’ અને કેટલીક ‘ગેરગ્રંથીઓ’પણ. એક વાત અતિશય સ્પષ્ટ હતી. પારુલ –પુત્રી-એના જીવનનો શ્વાસ-પ્રાણ હતી – એને એ હર પળે ઝંખતો હતો. પારૂલના આ પગલાં છતાં એના માટે મનમાં કોઈ જ રંજીશ નહોતી-પીડા હતી – કેવી પીડા ? દિલીપે એક જ શબ્દમાં કહ્યું, ‘જીવનમાંથી સવિતા બીજી વાર વિદાય થઈ એવું લાગે છે, રજની! જીવનના એક તબક્કે પત્નીવિદાય થાય તો ઘરની કર્તાહર્તા, વડીલ અને વ્ય્વહારિયણ તરીકે પળેપળની માવજત કરનારી એવી ડાહી પુત્રી આવીને ગોઠવાઈ જાય – પત્નીની પ્રતિનિધિ અને પોતાનો જ અંશ એવી દીકરી આમ અચાનક પિતાની મરજી વિરુદ્ધ વિદાય થાય યારે હૃદય ઉપર જબરો માર પડે. એનો ઈલાજ શરાબ પણ નથી ને મિત્રના શબ્દો પણ.

‘હવે ?’ મેં કહ્યું : ‘શું કરવું છે ?’

‘એ મને આવીને મળી જાય છે. પણ કોણ જાણે કેમ પહેલાં જેવો ભાવ એની નજરમાં નથી.’

‘તારી નજરમાં છે ?’ મેં પૂછ્યું : ‘માત્ર તારી મરજી વિરુદ્ધ થયું એટલે તું કોચવાઈ ગયો. પણ એની મરજી પ્રમાણે થઈ શકયું તેથી રાજી કેમ નથી થવાતું તારાથી ? જો હું ડાહીડાહી વાતો નથી કરતો – મારા કિસ્સામાં પણ હું અત્યારે બોલું જ છું તેમ જ કરું.’

પછી મેં એને વાત કરી. મારા જ કુટુંબમાં મારી સગી ભત્રીજી ઉષા, જે એના પિતા કરતાં પણ મને વધારે માનતી હતી તે એક સામાન્ય યુવકના પ્રેમમાં પડી હતી. મને થોડું યોગ્ય લાગ્યું નહોતું. મારી ચોખ્ખી નામરજી છોકરીને જણાવ્યા છતાં એમને આપેલા વચનનો ભંગ કરીને એને પરણી ત્યારે મારા કુટુંબીઓએ મને એનો બહિષ્કાર કરવા કહ્યું હતું. મારો તો અહમ ઘવાયો હતો. એટલે એમની વાત મારે ગળે તરત ઊતરી તો ગઈ પણ માત્ર મારા અહમને કારણે છોકરીને પીડવી એ મને પોતાને ઠીક ન લાગ્યું. મેં બધાને કહ્યું કે હવે એણે લગ્ન કરી જ લીધાં છે તો એ વધારે સુખી કેમ થાય એવા પ્રયત્નો કરો – આજે આ વાતને ત્રીસ વર્ષ થયાં. છોકરી એનાં બાળબચ્ચા-પતિ સહિત બધી રીતે સુખી છે. એ આ લગ્ન કરશે તો દુઃખી થશે એની અમારી તમામ ધારણાઓ ખોટી પડી હતી.

‘જમાઈ તારે ત્યાં આવે તો એને આવકારે કે નહીં ?’મેં દિલીપને પૂછ્યું.

એની આંખમાં ન નકાર ઊગ્યો, ન હકાર. કેટલીય વાર સુધી એ વિચાર કરતો બેઠો રહ્યો. ગુજરાતનો એક સમર્થ સંવેદનપટુ નવલકથાકાર-વાર્તાકાર પોતાની જ વાર્તાના એક ગડમથલિયા મનોદશાવાળા બાપના પાત્રમાં આવી ગયો.

મને મારો જોઈતો જવાબ એની ઝીણી, ભૂરી આંખોનાં ઊંડાણમાંથી મળી ગયો. ક્યારેક માણસ જીભથી જવાબ ન આપે તો એ જવાબ એના સમગ્ર વ્યક્તિત્વ પર છવાઈ જાય છે. તે વાંચી લેવો જોઈએ. જરૂરી નથી કે આપણને મનગમતો જવાબ જ મળે –પણ જવાબ મળે છે એ અફર સત્ય છે. એ સામો માણસ જો સાચક માણસ,સહૃદય દોસ્ત હોય તો જવાબ આપણને જલદી વંચાય.

એકવીસમી ઓગસ્ટે ક્યાંકથી પારુલનું ગાંધીનગરનું સરનામું-ફોન નંબર મેળવીને હું ત્યાં પહોંચી ગયો.પહેલો હાશકારો એને આનંદિત જોઈને થયો. બીજો એ થયો કે એના પતિ ઘનશ્યામ પણ હાજર હતા. એમના બા બીમાર હતાં એટલે એમની સુશ્રુષામાં પરોવાયેલાં હતાં. પણ મને જોઈને એમણે પણ મોં મરકાવ્યું. સૌમ્ય-સુંદર-સાલસ સ્વભાવના હશે તેમ સહેલાઈથી કલ્પના થઈ શકે. પણ મેં પારુલ સામે જ વાત કરી : ‘કેમ બેટા, કાકાને જ લગ્નમાં ભૂલી ગઈ ?’

એ હસીને હળવેથી બોલી :‘કારણ તમે જાણો છો’-

મેં હળવાશથી વાત સ્વીકારી લીધી. હા, હું કાકા ઉપરાંત એના પિતાની છાવણીનો મિત્ર હતો. કબૂલ! મેં તરત જ મારું ‘પરભવના પિતરાઈ’ પુસ્તક લગ્નભેટ તરીકે એના હાથમાં સરકાવ્યું. એ સાર્થક એટલા માટે હતું કે એ મેં દિલીપને અર્પણ કર્યું છે. અને હવે આજે એની પુત્રીને અર્પણ કરતો હતો. પિતાને થયેલું અર્પણ અને એની નીચે જ મેં નવદંપતીને અર્પણ લખી આપ્યું. એ જ ઘડીએ જાણે કે મારું અરધોઅરધ કામ થઈ ગયું. સેતુના પાયા નંખાઈ ગયા.

‘પારુલ’ મેં પૂછ્યું : ‘હવે હું તારી પાસેથી ભેટ માગું છું. આપીશ ? મારી જોડે તમે બંને દિલીપને મળવા આવશો ?

‘કાકા’ એ બોલી :’મને બીક છે, એ મારું તો ઠીક, ઘનશ્યામનું પણ અપમાન કરી નાખશે.’

‘એ જો તમારું એકનું અપમાન કરશે તો હું એને ઘેર જિંદગીમાં કદી પગ નહીં મૂકું’ મેં કહ્યું.

‘ઘનશ્યામ’પછી મેં જમાઈને કહ્યું : ‘તમને પણ ઓબ્જેક્શન ?’

એ ભલા માણસમાં કોઈ જ બરડતા નહોતી. મારી વાત સમજાવતાં મને બહુ વખત ન લાગ્યો. પારુલના ચહેરા પર છૂપો ઉત્સાહ હતો અને ઘનશ્યામના મોં પર જરી સંકોચ. પણ અવઢવ તો નહીં જ.

મારી જ ગાડીમાં હું એમને દિલીપને ઘેર (1, સહકાર કોલોની, સેક્ટર-25, ગાંધીનગર) લઈ ગયો, પણ મારી જ છાતી ધડકતી હતી. દિલીપ આ લોકોને જોઈને ઘરનો દરવાજો જોરથી પછાડીને બંધ કરી દેશે? મારું મોં કાળી શાહી જેવું થઈ જશે ? ખરેખર, મારે એનો ઊંબરો ક્યારેય ન ચડી શકાય તેવું બનશે?

પણ જોયું તો દિલીપ પાંજરે પુરાયેલા વ્યાકુળ સિંહની જેમ લખવાનું પડતું મૂકીને ઘરમાં જ પાછળ હાથ રાખીને ઉદાસ ચહેરે આંટા મારતો હતો. અમારા પગરવથી એ ચમક્યો. આંખ વિસ્ફારિત થઈને પછી એમાંથી આંસુની લગભગ ધારા જ ચાલી. એનો પુત્ર-પુત્રવધૂ અને ભૂલકાં સૌ જોતા રહ્યા અને દીકરી જમાઈને એણે ક્ષણભરમાં ગળે લગાડી દીધા. ફટોફટ મેં કેમેરાની ચાંપ દાબી અને…

(ડાબેથી) ઘનશ્યામ ઝૂલા, દિલીપ રાણપુરા અને પારુલ

પછી તે કાંઈ કરવાની વાત છે ? દિલીપ રાણપુરાએ દોસ્તનું નાક રાખ્યું હતું. સોનેરી સેતુ નીચે ગ્રંથિઓ ધરબાઈ ગઈ હતી.

દિલીપ રાણપુરાને લેખક અને મિત્ર તરીકે તો અનેકવાર મેં પ્રીછ્યો અને પ્રમાણ્યો હતો. પણ આ પહેલી જ વાર મેં એને એક સામાન્ય છતાં અસામાન્ય મનુષ્ય તરીકે પિછાણ્યો. એવા એને સલામ કે જે જામેલી-ગંઠાયેલી ગ્રંથિઓને ક્ષણભરમાં ઓગાળી શકે છે.

( કમનસિબે 2015 ની સાલમાં ઘનશ્યામ ઝૂલાનું પણ દુઃખદ અવસાન થયું. સંતાનમાં એક પુત્ર જય છે, જે સિવીલ એન્જીનીયર છે.)

(ઉભેલા) જમણેથી: ઉત્પલ ભાયાણી, દિલિપ રાણપુરા, વિનોદ ભટ્ટ તથા અન્ય અને જ્યોતિન્દ્ર દવે (માહિતી ખાતું),
(બેઠેલા): ડાબેથી રજનીકુમાર, સ્મિતા શાહ, મણિભાઇ શાહ, વસુબેન ભટ્ટ તથા અનંત આચાર્ય


લેખક સંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

8 comments for “લ્યો, આ ચીંધી આંગળી : ગંઠાયેલી ગ્રંથીઓ ક્ષણભરમાં ઓગળી શકે છે

 1. vimala
  February 12, 2018 at 5:25 am

  “ગંઠાયેલ ગ્રંથીઓ ઓગળતી” જોઈ ( વાંચી) ને સ્મ્રુતિઓ સાદ્રુષ્ટ થઈ આવી! તે એ કે સવિતાબેનના બેન ગજરાબેન
  અમદાવાદમાં અમારા “સામે બારણે” પડોશી હતા.ગજરાબેને મને શ્રી દિલીપ રાણપુરાજીના પુસ્તકોનૉ પરિચય કરાવેલ. અને એમને ત્યાં સુષેશ અને પારુલ રોકાયેલ ત્યારે
  એ ભાઈ- બેનને જોયેલ ને ક્યારેક બેચાર શબ્દોની આપલે થતી તેનું ગૌરવ થતું કે”આવા મજાના લેખકના સંતાનોને આપણે ઓળખીએ છીએ”!!!
  આ સ્મરણો અહીં તાજા થયા ને એજ ગૌરવનો અહેસાસ થયો..
  આભાર સાહેબ.

 2. February 12, 2018 at 8:00 am

  ‘જીવનના રંગ અજીબોગરીબ હોય છે.’ – એની પ્રતીતિ કરાવતી આ સત્યકથા ગમી ગઈ.

 3. Niranjan Mehta
  February 12, 2018 at 2:20 pm

  ફરી એકવાર શ્રી રજનીકુમાર આપે લાગણીના તાર ઝણઝણાવે એવી વાત કરી. આભાર.

 4. Gulabrai D. Soni
  February 14, 2018 at 4:04 am

  ખરેખર! રજનીભાઈ દિલના તાર ઝણઝણવી જાય તેવી સત્ય કથા છે.માણસના જીવનમાં કેવાકેવા બનાવો બને છે તે આ સત્યકથા પરથી જાણી શકાય છે.વ્હાલસોઈ દીકરી જયારે અબોલા લઇ લે ત્યારે લેખકના હ્રદય ઉપર શું ગુજરતું હશે તે તો જેના પર ગુજરી હોય તે જ જાણી શકે! બહુ સુંદર વર્ણન કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

 5. Gajanan Raval
  February 14, 2018 at 8:58 am

  How nicely you have depicted the truth with utmost feelings that unites bondage of love in a family…!!
  You deserve hearty congrats…

 6. Piyush
  February 14, 2018 at 9:46 am

  વર્ષો અગાઉ બાપ-દીકરીના આવા જ પુન:મિલનમાં નિમિત્ત બનવાનું થયેલું, એ આ રોચક પ્રસંગ વાંચીને તાજું થયું.

 7. February 18, 2018 at 8:33 am

  પ્રિય રજનીકુમારઃ હ્રદયસ્પર્શી આલેખન. મારો જ્ન્મદિવસ પણ નવેમ્બર ૧૪ છે.

 8. February 20, 2018 at 9:13 pm

  સત્ય ઘટના દિલને સ્પર્શી ગઈ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *