કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૭

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

કારના ચારેય ટાયર કોઈ ફાડી ગયું હતું. એ લોકોને અંદાજ તો આવી જ ગયો કે, કોણે એ પરાક્રમ કર્યું હશે પરંતુ હમણાં તો ઘરે જવાની ગોઠવણ કરવાની હતી !

ત્યાં જ કિશને રેસ્ટોરંટના માલિક બચુભાઈને તેમની કાર તરફ જતાં જોયા. તેમને બોલાવી પરિસ્થિતિ સમજાવી અને પૂછ્યું કે તેમણે સી સી ટી વી ફિટ કરાવ્યું છે કે નહીં?

નસીબસંજોગે સી સી ટી વી હતું એટલે કાલે પોલીસ આવે તો તેમને એ જોવા દેવાની ગોઠવણ કરી. બચુભાઈએ જ તેમને લીફ્ટ ઑફર કરી પણ હજુ તો નંદાને પણ એની ફ્રેંડને ઘરે લેવા જવાનું હોવાથી તેમનો આભાર માની ટેક્ષી બોલાવી અને મોબાઈલથી નંદાને અને નમનને પણ પરિસ્થિતિ જણાવી.

નમન હમણં જ ઘરે પહોંચ્યો હતો, ‘ લેવા આવું ?’ પૂછ્યું.

કિશને ના કહી અને ઘરમાં કોઈને હમણા કાંઈ જ ન કહેવાની ચેતવણી આપી ટેક્ષીની રાહ જોવા લાગ્યા.

રડતાં અવાજે સ્નેહાએ કહ્યું, ‘ પેલો મને શાંતિથી નથી જીવવા દેવાનો અને તમને પણ….’

કિશને તેને બોલતાં અટકાવવા તેના મોઢે હાથ દઈ દીધો અને પોતાના હોઠ પર આંગળી મૂકી એને ચૂપ રહેવા કહ્યું.

‘સ્નેહા, અહીં કાયદાના હાથ માત્ર લાંબા જ નહી, મજબૂત પણ છે. એણે હાથે કરીને પોતાને માટે મુશ્કેલી ઊભી કરી છે. કોર્ટમાં આ બધી પ્રૂફ રજૂ થશે ત્યારે શું થશે એની એને કદાચ કલ્પના પણ નહી હોય !

ટેક્ષી આવી ત્યાં સુધીમાં બન્ને વચ્ચે એક વાત નક્કી થઈ કે ડિવોર્સનું પતે તે પહેલાં, નંદા લૉનો અભ્યાસ કરતી હોવાથી, સ્નેહા જેવી સ્થિતિમાં હોય તેવી વ્યક્તિથી ડિવોર્સ પછી અહીં લીગલિ લગ્ન કરી શકે કે નહીં તેની માહિતી ભેગી કરે. જો કરી શકાય એમ હોય તો તો સવાલ જ નથી, પરંતુ ન કરી શકે એમ હોય તો ‘ઈઝ ધેર એની વે’ની તપાસ કરે. અને ત્યાં સુધી સ્નેહાને વિચાર કરવાનો સમય પણ મળશે.

ટેક્ષીવાળાને, નંદાને પીક કરીને પછી કયા સરનામે જવાનું છે તે કિશને સમજવ્યું. ટેક્ષીની શાંતિ તોડતાં, સ્નેહાનાં મનમાં ઘણા દિવસથી ઊઠતો એક સવાલ તેણે ધીમે સાદે કિશનને પૂછ્યો, ‘ મને ખબર છે કે હવે જે પ્રશ્ન હું તમને પૂછવાની છું તેનો સાચો જવાબ જ તમે આપશો….’ કહીને કિશન સામે જોયું.

કિશને મલકીને જવાબ આપ્યો, ‘ ખાતરી છે જ, તો પછી પૂર્વભૂમિકા બાંધવાની શી જરુર છે ?’

‘હં, બસ… આમ જ, ઓ.કે, અત્યાર સુધીમાં તમને કોઈ…’

‘આને કહેવાય મગને પગ ફૂટ્યા‘ કહી ફરી મલક્યો, ‘સાચું કહું , તને જોઈ, તે પહેલા ઘણી છોકરીઓ મને ખૂબ ગમતી-ઈન્ક્લ્યુડિંગ ઐશ્વર્યા, કટરીના અને એ જ રીતે ઘણી બધી બ્રિટિશ અને અમેરિકન એક્ટ્રેસો, બોલ એમાંથી મને કોણ પસંદ કરે એમ તને લાગે છે ?’

સ્નેહા લાડ મિશ્રિત અવાજે બોલી, ‘મશ્કરી નહીં કરો, સાચું કહોને, પ્લીઝ !’

કિશને ગંભીર મોઢું રાખીને કહ્યું , ‘પહેલા મારા ક્લાસની, પછી આખી સ્કુલની અને પછી આખી કોલેજ અને હવે મારી યુનિવર્સિટીની બધી જ રુપાળી છોકરીઓ ગમતી અને ગમે છે, પણ મોટો પ્રશ્ન એ છે કે હું કોઈને ગમવો જોઈએને? તારે ખરેખર તો એમ પૂછવું જોઈએ કે – તમે કોઈને ગમો છો કે નહી ?’

‘ઓ.કે. તો હવે તમારા પ્રશ્નનો તમે જ જવાબ આપો.’

‘ખરી છે તું, મને કોઈ કહે નહી તો મને કેમ ખબર પડે?’

‘એટલે અત્યાર સુધીમાં તમને કોઈએ ‘ડેઈટીંગ માટે પૂછ્યું જ નથી મને એમ કે પરદેશમાં તો છોકરા/છોકરી ૧૫-૧૬ વર્ષનાં થાય એટલે ડેઈટીંગ શરુ કરી દે !’

‘મારૂ થોબડું તો જો, પછી તારા કલ્પનાના ઘોડાને છૂટા મૂક.’

‘થોબડું તો રુ…’ બોલતાં બોલતાં અટકી ગઈ સ્નેહા. જે રસ્તેથી એ દૂર રહેવા માગે છે તે જ રસ્તે તેની ગાડી ફરી ફરીને કેમ આવે છે?’

‘થેન્‍……..ક્યુ, મારી મમને આ કહેજે એને બહુ સારું લાગશે. તને ખબર છે મારું નામ મારા શ્યામ રંગને ધ્યાનમાં રાખીને જ રાખ્યું હતું ? અમે નાના હતાં ત્યારે નમન મને ખીજવતો કે – ‘ મમ તને હોસ્પિટલમાંથી વેચાતો લઈ આવી છે, એટલે તું નથી મમ જેવો દેખાતો કે નથી ડેડ જેવો અને શ્યામળો છે એ વધારામાં!’

ત્યાં તો લેઝનું ઘર આવી ગયું. કિશને નંદાને ફોન કર્યો એટલે તે તરત જ બહાર આવી અને ટેક્ષીમાં બેસી ગઈ. બેસતાં બેસતાં કિશન તરફ જોઈને પહેલા અંગૂઠો ઉપર અને પછી નીચે કરી , એ લોકોની વાતનો શો નિર્ણય આવ્યો તે ઈશારાથી જ પૂછ્યું. કિશને અંગૂઠો વચ્ચે રાખી, ઈશારાથી જ કોઈ નિર્ણય લીધો નથી તે જણાવ્યું. સ્નેહા બન્ને ભાઈ-બહેનની ઈશારાની ભાષા જોઈને મલકાતી રહી. પછી નંદાએ ભાવિન સાથેના બનાવ વિષે પૂછ્યું. કિશને ટૂંકમાં વાત કરી ત્યાં તો ઘર આવી ગયું. ધીમેથી ચાવી ફેરવી ઘરમાં ગયાં જેથી કોઈ જાગી ન જાય, પરંતુ સીટિંગમાં આવીને જોયું તો સરલાબહેન અને નમન રાહ જોતાં બેઠા હતાં.

સરલાબહેનનો જોબ પરનો આજે છેલ્લો દિવસ હતો એટલે એ લોકોએ સરલાબહેનની હાજરીની અપેક્ષા રાખી જ નહોતી, ‘ મમ, તું વહેલી આવી ગઈ ?’

‘મારા કામનો છેલ્લો દિવસ હતો એટલે એક વાગ્યે ફોરમેને મારે ઘરે જવું હોય તો જવાની રજા આપી એટલે મેં નમનને મને લેવા માટે બોલાવ્યો. પણ તમને લોકોને કેમ આટલું મોડું થયું આ દોઢ વાગવાનો !’

કાંઈ બફાઈ જાય નહીં એટલે નંદાએ ઝટ જવાબ આપી દીધો, ‘હવે ખબર નહી ફ્રેંડ્સને ક્યારે મળીશું એટલે વાતોમાં મોડું થયું.’

સરલાબહેને સ્નેહાને બતાવી કહ્યું, ‘પણ તમારી વાતોમાં આ છોકરીને બોર કરીને ?’

કિશન સરલાબહેનના ખોળામાં માથું રાખી સૂઈ ગયો. રસોડામાં ચા બનાવવા માટે કેટલની સ્વીચ ઓન કરી આવી નમન કિશનના પગ તરફ બેઠો. સરલાબહેન, નંદા અને સ્નેહા વાતોમાં હતા ત્યાં સુધીમાં એણે પણ ઈશારાથી કિશનને સ્નેહા સાથેની મિટીંગ કેવી રહી તે પૂછી લીધું.

સરલાબહેનને તો પ્રીતનો જવાબ જાણવાની ઈંતેજારી હતી, ‘ચાલો, એ બધી વાતો પછી, પ્રીતે શું કહ્યું તે પહેલા કહો.’

એક ક્ષણ માટે રૂમમાં સોપો પડી ગયો!

આવે સમયે નંદાની કોમનસેન્સ એને જેમ દર વખતે સહાયે આવે છે તેમ આજે પણ ક્વીક જવાબ આવી ગયો, ‘મમ, અમારે ડેડ અને ફોઈ-ફુઆને કાંઈ કહીએ તે પહેલા તને કાંઈ કહેવું છે.’

નમન અને કિશન, નંદાની આ સૂઝ પર વારી ગયા.

સ્નેહા ચા બનાવવા અંદર જતી હતી તેને અટકાવી કિશન બોલ્યો, ‘સ્નેહા તું ય બેસ અને સાંભળ આપણા સમાજની કરુણતા!’

અને એ તથા નમન જલ્દી જલ્દી કિચનમાં જઈને ચાનું પાણી, દૂધ, ખાંડનું પૉટ અને ખાલી કપ્સ લઈને આવી ગયા.

નંદાએ ચા બનાવતાં બનાવતાં, સરલાબહેનને પૂછ્યું, ‘મમ, તને લાગે છે કોઈ ખાસ કારણ વગર પ્રીત લગ્ન કરવાની ના પાડતો હશે ?’

‘આજના છોકરા, છોકરીઓ શું વિચારે છે તેની અમને કેમ ખબર પડે? અને બાબા, વાતમાં મ્હોણ નાંખ્યા વગર કહી દોને એને વાંધો શું છે તે !’

કિશને હિંમત ભેગી કરી ધીમા સ્વરે પૂછ્યું, ‘મમ, ‘હોમો સેકસ્યુઆલિટી’ એટલે શું તને ખબર છે ?’

અચાનક આ શબ્દ સાંભળી સરલાબહેન ચોંકી ગયા,’કેમ એ વાતને અને પ્રીતની વાતને….’

કિશન, નમન અને નંદાએ સરલાબહેન સામે જોઈને એક સાથે હકારમાં માથું હલાવ્યું.

સરલાબહેને એ વિષય પર એમનું અજ્ઞાન દર્શાવતાં કહ્યું, ‘તમે સાચું કહો છો ? મને એ વિષે કાંઈ ઝાઝી ખબર નથી..(પછી થોડાં અચકાતાં અચકાતાં) પણ મને એમકે એવું બધું તો આ ધોળીયાઓમાં જ હોય .’

નંદા હસતાં હસતાં ઊભી થઈ, એને સરલાબહેનના આ અજ્ઞાન પર વ્હાલ આવ્યું, સરલાબહેનને ગાલ પર ચૂંબન કરતાં બોલી, ‘મારી ક્યુટ મમ, ધેટ કેન હેપન ટુ એની પર્સન ઈન એની કોમ્યુનિટિ. ઈન્ડિયન ફિલ્મોમાં પણ હવે એ બતાવા માંડ્યું છે ને? ઈમ્બેલેન્સ હોર્મોન્સને પરિણામે એમ થાય, મમ.’

સરલાબહેન તાર્કિક દલીલ કરતાં બોલ્યા, ‘તે એ તો પિરીયડ્સ વખતે પણ હોર્મોન્સ ઈમબેલેન્સ થઈ જાય એટલે કાંઈ આપણે બધાં થોડાં હોમોસેકસ્યુઅલ થઈ જઈએ છીએ ?’

બધાં સરલાબહેનની આ વાત પર હસી પડ્યાં.

સરલાબહેન ભોંઠા ન પડે એનું ધ્યાન રાખીને નમને કહ્યું, ‘મમ, તું ભણી હોત તો સારી વકીલ બની હોત.’

એક ખૂબ મોટી ગેરસમજ દૂર કરવા માટે આ ત્રણે યુવાનોએ જાણે કમ્મર કસી, ‘મમ, દરેક પર્સનમાં સ્ત્રી અને પુરુષ બન્નેનાં હોર્મોન્સ હોય જ પણ જ્યારે જન્મથી જ, જે હોવા જોઈએ તેના કરતાં બીજા હોર્મોન્સનું પ્રમાણ વધારે હોય તો જન્મે ભલે પુરુષ હોય પરંતુ તેને ઘણી બધી ફીલિંગ્સ સ્ત્રી જેવી થાય અને સ્ત્રીને એવું હોય તો -વાય સા વર્સા- એ પુરુષ જેવી લાગણી અનુભવે.’

સરલાબહેને ક્યાંક એક શબ્દ સાંભળ્યો હતો એટલે ભયંકર ચિંતિત ચહેરે પૂછ્યું, ‘એટલે આપણો પ્રીત લેઝ્બિયન છે ?’

આટલી ગંભીર વાત હોવા છતાં પણ સરલાબહેનનાં ભોળપણ પર સૌ હસી પડ્યાં, ‘મમ, મેનને એવું હોય તો ‘ગે‘ કહેવાય અને વીમેનને ‘લેઝ્બિયન’ કહેવાય.’

‘ઓ.કે. હવે સમજી, (પછી થોડીવર રહીને નકારમાં માથું હલાવતાં ) તમે ગમે તે કહો, મારા મગજમાં એ વાત બેસતી જ નથીને !’

સીટિંગરૂમનાં દરવાજા પાસે ખખડાટ સાંભળતાં બધાંની નજર ત્યાં ગઈ……


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *