લાગણીઓનું લાક્ષાગૃહ

Facebooktwitterredditpinterestlinkedinmail

નિમિષા દલાલ

આજે થોડી બેચેની જેવું લાગતું હતું. ઓફિસમાં અડધા દિવસની રજા મૂકી એ ઘરે જવા નીકળી. બસસ્ટેંડ પર આવી બસની રાહ જોવા લાગી. એણે વાદળી રંગ પર ઓરેંજ રંગની પ્રિંટવાળું ટૉપ, ઓરેંજ રંગનું ચૂડીદાર અને એ જ રંગનો દુપટ્ટો પહેર્યો હતો. હાથમાં કાળા રંગનું પર્સ. એક હાથમાં ગોલ્ડન કાંડા ઘડિયાળ. એ આકર્ષક લાગતી હતી.. બસ , એનો ચહેરો જોઈ શકાતો નહોતો, કારણ કે એણે છાતી સુધીનો લાંબો ઘુંઘટ કાઢી દુપટ્ટો ઓઢ્યો હતો. કદાચ બપોરની ગરમીને કારણે! એના ચહેરાની ચામડીને નુકસાન ના થાય એટલે! બસસ્ટેંડ પર ખાસ ગિરદી નહોતી. બસ આવી .. એ બસમાં ચડી…  જુદી જુદી સીટ પર એકલા બેઠેલા કોલેજીયન છોકરાઓને થયું કે એ મારી પાસે આવીને બેસે તો સારુ… પણ એણે દરવાજા પાસેની એક ખાલી સીટમાં બેસવાનું પસંદ કર્યુ. ટિકિટ લઈને એ બારીની બહાર જોવા લાગી..

એ સૌમ્યા હતી. અહી ઘરથી દૂરની ઓફિસમાં નોકરી કરતી હતી. ચાર વર્ષ પહેલાં માતા અને હજુ ગયા વર્ષે જ એણે પિતા ગુમાવ્યા હતા. ભાઈ-બહેન તો કોઈ હતું નહી. આમ તો પિતા એને એકલી ને આખી જિંદગી કામ કર્યા વિના ખાઈ શકે એટલો પૈસો મૂકીને ગયા હતા. પરંતુ ખાલી ઘર એને ખાવા દોડતું. આવવા-જવામાં પણ થોડો વધુ સમય પસાર થાય અને ઘરની એકલતામાં વધુ સમય રહેવું ના પડે એટલે એણે ઘરથી દૂર નોકરી લીધી. એકાંત એને કોરી ખાતું. એને માણસોની વચ્ચે રહેવું ગમતું, પણ એવા સંજોગો જ ન આવતા..

રસ્તામાં આવતાં દરેક સ્ટેંડ પર ઊભી રહેતી, પેસેન્જરોને લેતી, ઉતારતી, બસ આગળ વધી રહી હતી. ડ્રાયવરની સીટની પાછળની સીટ ખાલી થતાં પેલાં કોલેજીયનો એની પર ગોઠવાયા, કદાચ એ યુવતીનો ચહેરો જોવા મળે. એટલામાં એક સ્ટેંડ પરથી એક સ્ત્રી નાના બાળકને લઈને ચડી. થાકેલી લાગતી હતી એટલે દરવાજાની નજીક જ બેઠેલી સૌમ્યાની બાજુમાં બેસી ગઈ. બાળકને ખોળામાં બેસાડી પાલવથી મોં પરનો પરસેવો લૂછ્યો. “બહુ ગરમી છે નહીં ? ” એણે સૌમ્યાને કહ્યું.

સૌમ્યાએ હકારમાં જવાબ આપ્યો અને સ્ત્રીના ખોળામાં બેઠેલા બાળક સામે જોયું. આઠ-નવ મહિનાનું લાગતું એ બાળક માના ખોળામાં રમી રહ્યું હતું. ખૂબ જ સોહામણું હતું. સૌમ્યાએ બાળકની સહેજ નજીક જઈ ચપટી વગાડીને એને રમાડ્યું. બાળક હસ્યું. સૌમ્યાને ગમ્યું. એણે વધુ નજીક જઈ એને રમાડ્યું. હવે બાળક એના મોં પરનાં દુપટ્ટા સાથે રમવા લાગ્યું. સૌમ્યા ખુશ થઈ. એ બાળકને રમાડતી રહી ને એને ખ્યાલ ના રહ્યો કે ક્યારે પેલા બાળકે એના મોં પરનો દુપટ્ટો ખેંચી નાખ્યો ને સૌમ્યાનો ચહેરો ખુલ્લો થઈ ગયો..

એ ચહેરો જોતાં જ બાળક ગભરાઈ ગયું ને જોર-જોરથી રડવા લાગ્યું. બાળકની માની નજર સૌમ્યા પર પડી અને એ પણ ચમકી ગઈ. એ તરત જ બાળકને લઈ ઊભી થઈ ગઈ. સામે સૌમ્યાનો ચહેરો જોવા બેઠેલા કોલેજીયનોએ પણ ચહેરો જોતાં જ સૌમ્યા પરથી નજર હટાવી લીધી.. એનો ચહેરો સીસમ જેવો કાળો ને વળી આખા ચહેરા પર શેતૂરમાં દાણા હોય છે એવા નાનામોટા ફોલ્લાઓ હતા. સૌમ્યાને એ ખ્યાલ આવતાં જ તરત એણે દુપટ્ટાથી પાછો પોતાનો ચહેરો છુપાવી લીધો. પણ બસમાં બધાની નજરમાં એનો ચહેરો આવી ગયો હતો.. સૌમ્યાની આંખમાં આંસુ આવી ગયાં ને એ બસમાંથી ઊતરી ગઈ. રીક્ષા કરી ઘરે પહોચી. ઘરે પહોંચતાં જ રોકી રાખેલું રૂદન છૂટી ગયું ને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

“હે ભગવાન, તું મને આ મારા કયા ગુનાની સજા આપે છે?” સૌમ્યાએ ભગવાનને ફરિયાદ કરી.

“તે દિવસે પણ બાગમાં પેલા બાળકને એની માને સોંપવા ગયેલી ને લોકોએ મને…. શું મારા નસીબમાં બાળક સાથે રમવાનું છે જ નહીં ? બાળપણમાં પણ કોઈ મારી સાથે રમતું નહોતું.. તેં શા માટે મને આવા રૂપ સાથે આ ધરતી પર મોકલી?” સૌમ્યાનું રૂદન અટકતું જ નહોતું કે નહોતી અટકતી એની ભગવાન પ્રત્યેની ફરિયાદ.. ‘તારા પોતાના સંતાન … તું એની સાથે રમી શકશે અને એ તને પ્રેમ પણ કરશે…’ મનમાંથી એક અવાજ આવ્યો.. પણ કેવી રીતે ? એના જેવી ને તો પરણે પણ કોણ ?

પરંતુ પરણ્યા વગર પણ તે મા બનવાના પંથે હતી. એક સ્પર્મબેંકમાંથી તેણે…

પૂરે મહિને એક સ્વસ્થ પુત્રને જન્મ આપેલ. સૌમ્યાના મનમાં એક શંકા જાગી. એણે ડોક્ટરને પૂછ્યું.

“ડૉ. મારો પુત્ર કેવો દેખાય છે ? મારા જેવો તો…”

“અરે ના.. ના.. ખૂબ જ સુંદર દેખાય છે. રૂમમાં શીફ્ટ કર્યા પછી અમે તમને સોંપીશું.” અને સાચે જ સૌમ્યા ખુશ થઈ, જ્યારે તેણે પોતાના દીકરાને જોયો. એને છાતીએ વળગાડ્યો. એ રડ્યો નહીં. સૌમ્યાના આનંદની કોઈ સીમા ન રહી. એણે તો હોસ્પિટલમાં જ એનું નામ પાડી દીધું. ચાંદ જેવો હતો એટલે ચંદ્ર નામ પાડ્યું. દિવસો વીત્યા ચંદ્ર માના રૂપ કરતાં માનો પ્રેમાળ સ્પર્શ ઓળખતો મોટો થયો પણ પછી…

“ હું અંદર આવી શકું સાહેબ.?” સૌમ્યાએ ચંદ્રની શાળાના પ્રિન્સીપાલની ઓફિસમાં પ્રવેશતાં પૂછ્યું.

“આવો.” પ્રિન્સીપાલે ઈશારાથી સામેની ખુરશી બતાવી કહ્યું , “બેસો.”

“ચંદ્રની ડાયરીમાં નોટ હતી કે તમે મને બોલાવી છે. ”

“હા મિસિસ જાડેજા. તમારા પુત્રની થોડી ફરિયાદ કરવી હતી. ચંદ્રએ એના ક્લાસના એક છોકરાને બેરહેમીથી માર્યો. એ તો સારું થયું કે વર્ગશિક્ષક તરત પહોંચી ગયા ને એ છોકરો બચી ગયો. અનેક વાર એને મારવાનું કારણ પૂછવા છતાં એ કંઈ બોલતો જ નથી.” અને પછી એમણે તો જૂની નવી ઘણી ફરિયાદોનો જાણે પટારો જ ખોલી દીધો સૌમ્યા સામે.. સૌમ્યા મૌન રહીને સાંભળી રહી.

“તમે એને સમજાવજો. હવે આવું બીજી વખત બનવું ના જોઈએ.” પ્રિન્સીપાલે વાત પૂરી કરતાં કહ્યું.

“જી સાહેબ, હું આજે જ એને સમજાવીશ.” સાંજે ચંદ્ર ને ખોળામાં બેસાડી જમાડતાં જમાડતાં સૌમ્યાએ પેલા છોકરાને મારવાનું કારણ પૂછ્યું. ચંદ્ર રડી પડ્યો.

“મા એણે તને ભૂત જેવી, કદરૂપી, બીક લાગે એવી… અને આવું કેટલુંય કહ્યું. મેં પહેલાં તો એને રોક્યો પછી બીજા છોકરાઓ પણ સાથે બોલવા લાગ્યા તો મેં એને…” અને પછી ચંદ્ર સૌમ્યાને વળગી પડ્યો..

“મારી મા તો ખૂબ સુંદર છે, પરી જેવી. ” સૌમ્યા હકીકત જાણતી હતી કે પોતે કેટલી સુંદર છે, પણ પોતાના દીકરાના મોંએ આમ સાંભળવું એને ગમ્યું અને એ ચંદ્રને ટોકવાનું ભૂલી ગઈ. ચંદ્ર શાળામાં બનેલી સાચી હકીકત છુપાવવામાં કામયાબ થયો.

* * *

મોડી રાત થઈ હતી. ચંદ્ર હજુ ઘરે આવ્યો નહોતો. સૌમ્યાને અમંગળ વિચારો આવતા હતા. ત્યાં તો બંગલાની બહાર મોટરસાયકલની ઘરઘરાટી સંભળાઈ. થોડી વારે બંગલાનો દરવાજો ખુલ્યો ને ચંદ્ર લથડતા પગે ઘરમાં દાખલ થયો.

પોતાના રૂમમાં લાઈટ બંધ કરીને બેઠેલી સૌમ્યાને ચંદ્રે જોઈ નહીં. સૌમ્યાએ એને જોયો પણ એ ઊભી થઈ બહાર આવી નહી. એની ઇચ્છા હતી કે ચંદ્ર એને મનાવે પણ ચંદ્રની હાલત જોયા પછી..

મમ્મીના રૂમ તરફ એક નજર નાખી, ચંદ્ર પોતાના રૂમમાં જતો રહ્યો. સૌમ્યાને આજે સવારે જ ચંદ્ર સાથે થયેલી વાત યાદ આવી. બ્રેકફાસ્ટ કરતી વખતે ચંદ્રે પચાસ હજાર રૂપિયા માગ્યા હતા.

“કેમ બેટા, આટલાં બધાં રૂપિયાનું શું કામ પડ્યું ? હજુ ગયે અઠવાડિયે તો…”

“મા, નેક્ષ્ટ વીકમાં મારી બર્થ ડે આવે છે એની પાર્ટીની તૈયારી કરવાની છે.” સૌમ્યાને યાદ આવ્યું ચંદ્રના જન્મને વીસ વર્ષ થઈ ગયાં હતાં. એણે મનોમન પાર્ટી કેવી રીતે આપવી એ નક્કી કરતાં કહ્યું,

“આપણા ઘરમાં જ રાખવાની છે ને! હું બધી વ્યવસ્થા કરી દઈશ.”

“ના તું મને રૂપિયા આપી દે.”

“પણ. .. દર વખતે તો…”

“મા, હું હવે નાનો નથી. હું મારા મિત્રો સાથે બહાર મારી રીતે મારો બર્થ ડે ઉજવવા માગુ છું. તું મારા મિત્રો સામે આવે એ મને નથી ગમતું. ”

“પણ દીકરા આટલા બધા…”

“તારે રૂપિયા આપવા છે કે હું ..” તિજોરીની ચાવી ક્યાં હોય છે તે એ જાણતો હતો.

“જો બેટા તું…”

“મા…. મારા બાપના રૂપિયા માગું છું તારા બાપના નહી..” સૌમ્યા તો સડક જ થઈ ગઈ. કંઈ જ બોલી ન શકી. માને આમ હતપ્રભ જોઈ ચંદ્રને હમણાં તો ઘરની બહાર નીકળી જવું જ યોગ્ય લાગ્યું. ચંદ્ર ક્યાં જાણતો હતો કે તેના તો કોઈ પિતા હતા જ નહીં. આ બધા જ રૂપિયા, જે એ પોતાના બાપના માનતો હતો એ હકીકતમાં તો સૌમ્યાના બાપના જ હતા.

સવારનો ચંદ્ર ગુસ્સામાં ઘરની બહાર જતો રહેલો. તે છેક અત્યારે ઘરમાં આવ્યો. બાળપણમાં એના મિત્રોને એમના પિતાની વાતો કરતાં સાંભળી ચંદ્રને પોતાના પિતા માટે ઓછું ના આવે એ માટે સૌમ્યાએ બોલેલું જુઠાણું આમ આ રીતે પોતાની સામે આવશે, એ સૌમ્યાએ ધાર્યું નહોતું.

બીજે દિવસે સવારે ચંદ્ર મોડો ઊઠ્યો. એણે જોયું કે સૌમ્યાએ ડાઈનીંગ ટેબલ પર નાસ્તો ને ફ્રેશ ફ્રુટ જ્યુસ તૈયાર કરી મૂકી દીધાં હતાં.

“સોરી.” રસોડામાં કામ કરતી મમ્મીને પાછળથી વળગી ચંદ્રે માફી માગી.

“તારા પિતા આટલા રૂપિયા કમાય છે પણ એમણે કદી દારૂને હાથ નથી લગાડ્યો.” સૌમ્યાએ અત્યારે પણ એ જુઠાણું ચાલુ જ રાખ્યું અને એ ચંદ્રના હાથ ખસેડી ત્યાંથી પોતાના રૂમમાં જતી રહી. પલંગ પર બેસીને રડતી સૌમ્યાના પગ પાસે બેસીને ચંદ્રે મમ્મીના ખોળામાં માથું નાખી દીધું.

“મા…. સો….રી.” અને લાડ કરતાં કહ્યું , “માફ નહીં કરે, તારા આ લાડ કુંવરને?” સૌમ્યા બાળપણમાં ઘણી વાર લાડથી ચંદ્રને લાડકુંવર કહેતી. મમ્મીનો ગુસ્સો ઉતારવા ને એને મનાવવા ચંદ્રે એ જ શબ્દનો ઉપયોગ કર્યો ને સૌમ્યા પીગળી ગઈ. એણે પોતાના આંસુ લૂછી વહાલ ભર્યા સ્મિત સાથે ચંદ્રના માથા પર હાથ ફેરવ્યો.

“મા ખબર નહીં, કાલે શું થઈ ગયું હતું. હવેથી આવી ભૂલ નહી કરું બસ.” નાનપણથી જ ચંદ્ર ભૂલો કરતો ને ભૂલ પકડાઈ જતાં સૌમ્યાને વળગીને આમ જ માફી માગતો અને બધાથી તરછોડાયેલી સૌમ્યાની મમતા ચંદ્રના વહાલ આગળ હારી જતી. રૂપિયા મેળવવા વહાલનો ડોળ કરવામાં ચંદ્ર સફળ રહ્યો. સૌમ્યાએ એને રૂપિયા આપી દીધા.

* * *

ડીંગ ડોંગ.. ડોરબેલ વાગ્યો અને સૌમ્યા બારણું ખોલવા દોડી. ચંદ્ર જ હશે. ચાર દિવસ પહેલાં મસ્કા મારીને રૂપિયા લઈ બર્થ ડે ઉજવવા ગયો હતો. હજુ આવ્યો નથી. આજે તો એ આવે એટલે એની ખેર નથી. એવો… પણ બારણું ખોલતાં જ સામે ઈન્સ્પેક્ટરને જોઈ સૌમ્યા ધ્રૂજી ગઈ.

“શું વાત છે ઈ ન્સપેક્ટરસાહેબ?” સૌમ્યાએ પૂછ્યું.

“ચંદ્ર જાડેજા અહીં રહે છે?” ઈન્સ્પેક્ટરે કરડાકી ભરેલા અવાજમાં પૂછ્યું.

“હા.” સૌમ્યાને થોડી નવાઈ લાગી.

“તમે કોણ? ”

“હું એની મા છું. શું થયું ? એને તો કંઈ…? ” સૌમ્યાને કંઈક અઘટિત બન્યું હોવાનું લાગ્યું.

“ના એને કંઈ નથી થયું. એ ક્યાં છે ? ”

“એ તો ચાર દિવસથી ઘરે નથી આવ્યો.”

ઈન્સપેક્ટરે શંકા ભરી નજરે સૌમ્યા સામે જોયું ને બે હવાલદારોને ઈશારો કરી ઘરમાં મોકલ્યા ને એ પણ આમતેમ નજર ફેરવતા ઘરમાં આવ્યા.

“વાત શું છે ? સાહેબ કંઈક તો કહો.” બોલતી સૌમ્યા પણ એ લોકોની પાછળ પાછળ ઘરમાં આવી.

“સાહેબ , આખા ઘરમાં જોઈ લીધું કોઈ નથી.” હવાલદારોએ કહ્યું. ઈન્સ્પેક્ટરે સૌમ્યા સામે જોઈ કહ્યું ,

“એણે અને એના મિત્રોએ મળીને પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો છે.” આ સાંભળી સૌમ્યાને આંખે અંધારાં આવી ગયાં ને એ સોફા પર ફસડાઈ પડી. થોડી વારે બોલી,

“તમારી ભૂલ થતી હશે, સાહેબ. મારો દીકરો એવો નથી.”

“કોઈ પણ માને પોતાનો દીકરો ગુનેગાર લાગતો જ નથી.”

“મારું મન માનતું નથી સાહેબ. એ ચંદ્ર જ હતો એની તમારી પાસે કોઈ સાબિ……..” સૌમ્યાએ પૂછ્યું.

“સાબિતી? એક સાબિતી, પેલી બાળકી અત્યારે હોસ્પિટલમાં છે અને બીજી સાબિતી છે ઘટના સ્થળેથી મળેલું આ ડ્રાઈવીંગ લાયસંસ.” પોતાના હાથમાં જ રાખી સૌમ્યા સામે ધરતાં તેમણે કહ્યું. “ચંદ્રનું જ છે ને? ”  પછી જવાબની રાહ જોયા વિના લાયસંસ ગજવામાં મૂકી ‘ચંદ્ર આવે એટલે એને પોલીસ સ્ટેશને હાજર કરી દેજો. એ નહીં આવે તો અમે તો શોધી જ લઈશું, એ બધાંને. ” કહી ઈન્સપેક્ટરે હવાલદારો સાથે વિદાય લીધી.

* * *

સૌમ્યાના હાથમાં પિસ્તોલ હતી. એમાંથી હમણાંજ ગોળી છૂટ્યાનો ધુમાડો નીકળતો હતો અને ગન પાવડરની વાસ આખા ઓરડામાં ફેલાઈ ગઈ હતી.. સામે જ એક યુવાનનો લોહીથી ખરડાયેલો દેહ પડ્યો હતો.

“હલો ઈન્સપેક્ટર સાહેબ, પેલી પાંચ વર્ષની બાળકીના બળાત્કારના આરોપીઓમાંનો એક અહીં મારી સામે મૃત હાલતમાં પડ્યો છે. આપ તરત અહીં આવી જાઓ..”

“………………..”

“હું… હું સૌમ્યા. ચંદ્ર જાડેજાની મા. ” બોલી સૌમ્યા એ ફોન કટ કરી નાખ્યો અને આંખમાં આંસુ સાથે ચંદ્રના મૃત શરીરને પંપાળી રહી.

 

* * *

સંપર્કસૂત્રો :


ઈ મેઈલ – Nimisha Dalal <nimidalal65@gmail.com >
મોબાઈલ – 99256 24460

2 comments for “લાગણીઓનું લાક્ષાગૃહ

 1. February 12, 2018 at 7:44 am

  She DID NOT murder him. She executed him.

  ———
  Dialog from a very famous ‘ Alfred Hitchcock’ film ( witness for prosecution?)

 2. Niranjan Mehta
  February 12, 2018 at 2:11 pm

  ટૂંકમાં વાસ્તવિકતાનો અહેસાસ કરાવ્યો, નિમિષાબેન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *