પરિસરનો પડકાર :: ૦૮ :: જૈવિક વિવિધતા (બાયો-ડાઈવર્સિટી) : ૦૨

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

કહેવાય છે ને કે જીવનમાં કૈંક ભિન્નતા હોય તો જ જીવવાની મજા આવે. એકવિધતા હમેશા કંટાળાજનક સાબિત થાય છે. આપણે તો સવાર સાંજ એક સરખી વાનગી પણ ભોજનમાં લેતા નથી. વળી, ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે વિવિધ પ્રકારના મસાલા/તેજાનાનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં કરીએ છીએ. આવું જ કૈંક કુદરતની બાબતમાં છે. જૈવિક વિવિધતા, એ સંતુલિત અને તંદુરસ્ત પર્યાવરણ માટે ચાવી રૂપ સાબિત થાય છે અને આપણી પૃથ્વી પર આવેલી, જીવનને શક્ય બનાવતી વિવિધ પ્રણાલીઓ (Life support systems) નો મૂળભૂત આધાર-સ્થંભ છે તેમ છતાં માનવી એવું પ્રાણી છે કે અન્ય પ્રજાતિઓ અને તેમના નિવાસ-સ્થાનોનો બેરોકટોક વિનાશ કર્યે જ જાય છે.

ઘણા વૈજ્ઞાનિકો એવું માનતા થયા છે કે આગામી મહા-વિલોપનની (Mass extinction) શરૂઆત થઇ ચુકી છે. અગાઉ ક્યારેય પણ નોંધાયેલ ન હોય તેટલી ઝડપથી પ્રજાતિઓ નાશ પામી રહી છે. એક અંદાજ મુજબ પૃથ્વી પર જોવા મળતી તેવી ૩૦ થી ૫૦% પ્રજાતિઓ જોવા નહી મળે એ તબક્કો બહુ દુર નથી રહ્યો. ઝડપભેર લુપ્ત થઇ રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓની ગેરહાજરીના કેવાં પરિણામ આવી શકે! સૌ પ્રથમ તો આસપાસના વાતાવરણથી માંડીને વાપરવાલાય્ક પાણીના પૂરવઠામાં નોંધપાત્ર નકારાત્મક ફેરફારો જોવા મળશે. દરેક નિવાસસ્થાનો એક પ્રકારના સમતોલનથી ટકી રહ્યાં છે જે વિવિધ પ્રકારના સજીવોના રહેવાથી જળવાઈ રહે છે. કોઇપણ પ્રકારની માનવ સર્જિત દખલ જેવી કે ઉત્ખનનની પ્રવૃત્તિ આવાં સમતોલનને વેરવિખેર કરી મુકે છે જેની દુરોગામી વિનાશક અસર પડતી હોય છે.

ઉષ્ણ કટિબંધમાં આવેલાં વિષુવવૃત્તીય જંગલોને ભારે વરસાદ પડતો હોવાથી ‘રેઇન ફોરેસ્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલો જૈવિક વિવિધતાની દ્રષ્ટીએ અતિ સમૃદ્ધ છે અને પરિણામે માનવીને ઉપયોગી ઘણી જાતની સેવાઓ આપતાં રહે છે જેવી કે આબોહવાનું નિયંત્રણ કરવું, જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવી, મીઠા પાણીનો સંગ્રહ કરવો વિગેરે. જળપ્લાવિત વિસ્તારો (Wetlands) શુષ્ક સમય દરમ્યાન પાણીના ભંડાર તરીકે સેવા આપે છે. પરવાળાના ખડક (Coral reef) તટીય વિસ્તારને ઘસારા સામે રક્ષણ પૂરું પાડે છે. આ તમામ પર્યાવરણ પ્રણાલીઓમાં વસતા સજીવોનું જો નિકંદન નીકળી જાય તો આ પ્રકારની સેવાથી માનવી વંચિત રહી જાય તે નિર્વિવાદ છે. કાર્બન ચક્રના નિયમન માટે જરૂરી એવી વનસ્પતિની ગેરહાજરીથી પ્રાણવાયુ વગરની હવા ઉપર મનુષ્ય અને પ્રાણીઓ જીવી જ ના શકે. જમીનમાં નુકસાનકારક રસાયણોની હાજરીને લીધે ફળદ્રુપતા ગુમાવીને જમીન મૃતપ્રાય બની જાય છે કારણ કે ફળદ્રુપતા માટેના જવાબદાર જીવાણુઓ નાશ પામે છે. વૃક્ષોની હાજરી અન્યથા આવાં રસાયણોને ગાળવાનું કામ કરતી રહે છે. શુષ્કતાનું પ્રમાણ એટલી હદે વધી જતું હોય છે કે દુષ્કાળનો સામનો કરવાની પરિસ્થિતિ પેદા થાય છે. પરવાળાના ખડકોની ગેરહાજરીથી મત્સ્યોદ્યોગને પારાવાર વેઠવાનો વારો આવે છે કારણ કે આ ખડકો, દરિયાઈ સજીવોના રૂપમાં લાખોની વસતી માટેના ખોરાકના ભંડાર તરીકેની ભૂમિકા ભજવતા હોય છે.

clip_image002

(ભારતમાં પરવાળાના ખડકો)

clip_image004

(પ્રદુષિત જમીન)

જૈવિક વિવિધતાના અભાવે ખોરાક મળી શકવાની સલામતી પર (Food security) નોંધપાત્ર અસર થતી હોવાનું જોવામાં આવે છે. વૈશ્વિક સંસ્થા ‘ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન’ (FAO) ના અવલોકન મુજબ, જૈવિક વિવિધતાના અભાવથી ઘણી જાતની ઉત્પાદન પ્રણાલીઓ પોષણ ક્ષમતા ગુમાવી બેસે છે અને જરૂરી પુરવઠા માટે બાહ્ય-સ્રોત પર અવલંબિત બની જાય છે. આ પ્રકારનું નુકસાન શહેરીકરણ, જલ-વાયુ પરિવર્તન અને સંસાધનોની ઉપલબ્ધતા જેવાં પડકારોનો સામનો કરવા તરફ આપણી અનુકુળ બનવાની ક્ષમતાને માર્યાદિત બનાવી દે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે એવું પણ દર્શાવ્યું છે કે દુષ્કાળ, ઉપદ્રવકારક સજીવો, રોગો વિગેરે સામે ઉચિત રક્ષણ મેળવી શકાય તેવા હેતુસર દરેક અગત્યના કૃષિ પાકોમાં મૂળભૂત પ્રજાતિની વિવિધતા જળવાય તે અત્યંત જરૂરી બની જાય છે.

મોટા ભાગની ઔષધિઓ કુદરતી વનસ્પતિઓ/પ્રાણીઓ/જીવ-જંતુઓમાંથી ઉપલબ્ધ થતી હોય છે. જંગલોમાં મળી આવતી અલગ-અલગ પ્રકારની ‘વાઈલ્ડ વેરાયટી’ ઉપર અગણિત સંશોધન થઇ રહ્યા છે અને શક્ય છે કે આજે અસાધ્ય મનાતા રોગો સામે રક્ષણ આપતી ઔષધી આવી ‘વાઈલ્ડ વેરાયટી’ માંથી મળી આવે! હાલ ૧૦% થી પણ ઓછી વનસ્પતિઓ પર તેમની ઔષધીય ક્ષમતા સંબંધિત સંશોધન થયા છે પરંતુ ઈમારતી લાકડું મેળવવા માટે તેમ જ બિલ્ડીંગ મટીરીયલ અને અન્ય ખનીજ મેળવવા માટે ઉત્ખનનની પ્રવૃત્તિ નિયંત્રિત કરવામાં ચૂક થશે તો જીવન-રક્ષક સાબિત થતી સંપદા કાયમ માટે ગુમાવવાનો સમય આવશે.

ઉપર દર્શાવેલ ઉપયોગ સિવાય પણ જૈવિક વિવિધતાની જાળવણી અગત્યની બની જાય છે. વ્યક્તિગત રૂપે વિચારવામાં આવે તો પર્યાવરણની ખૂબસુરતી દરેકના જીવનને તાજગીભર્યો આનંદ બક્ષે છે. સમગ્ર વિશ્વમાં માત્ર એક જ પ્રકારની વનસ્પતિ કે પ્રાણી હોવાની કલ્પના કરવી મુશ્કેલ છે.

clip_image006


ફોટોગ્રાફ્સ સૌજન્ય: ઈન્ટરનેટ

——————————————————————————————-

શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *