સાયન્સ ફેર : આર્કિયોલોજીસ્ટને પણ ઘણી વાર બગાસું ખાતા પતાસું મળી જાય છે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

પૂરેપૂરા ખંતથી મંડી પડો, તો કોઈક વાર એવી અનોખી વસ્તુ મળી આવે, જેના વિષે સ્વપ્ને ય વિચાર્યું ન હોય. દાખલા તરીકે, તમે પાણીની શોધમાં ભટકતા હો અને હજારો વર્ષ જુનું કોઈ અસ્થિ મળી આવે તો? જરા માંડીને વાત કરીએ.

બે-એક વર્ષ પહેલા એક મેગાબજેટ ફિલ્મ રીલીઝ થયેલી, ‘મોહેન-જો-ડારો’. (આ અપભ્રંશ થયેલો શબ્દ છે, સાચો શબ્દ છે ‘મોહેન-જો-દડો’) ઋત્વિક રોશન જેવો સ્ટાર હોવા છતાં, અને આશુતોષ ગોવારીકર જેવો નીવડેલ દિગ્દર્શક હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ! સમીક્ષકોના કહેવા મુજબ ફિલ્મની ટ્રીટમેન્ટ ભલે સારી હોય, પણ વાર્તામાં જ કશો દમ નહોતો! બીજી તરફ ફિલ્મના દિગ્દર્શક આશુતોષ ગોવારીકરે એવું સ્ટેટમેન્ટ આપ્યું, કે ભાઈ, મોહેન-જો-દડો વિષે ઇતિહાસમાં માંડ એક પેરેગ્રાફ જેટલી માહિતી મળી રહે છે. એટલે ફિલ્મની વાર્તામાં ‘ઐતિહાસિકપણું’ શોધવા બેસો, તો ક્યાંથી મળે?! વાત સાચી. આમેય આપણે ત્યાં ઇતિહાસ જાળવવા વિષે, કે પછી આર્કાઇવ્ઝ રાખવા વિષે ભયંકર ઉદાસીનતા પ્રવર્તે છે, પરાપૂર્વથી!

પણ વિદેશોમાં એવું નથી. સાઉદી અરેબીયાનો દાખલો લો. આમ તો ભારતીય ઉપખંડ અને ગ્રીક સંસ્કૃતિઓ, હાલમાં પ્રવર્તમાન સંસ્કૃતિઓમાં સૌથી પ્રાચીન ગણાય છે. અરેબિયન સંસ્કૃતિ પણ ચોક્કસપણે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં ગણના પામે. આમ જુઓ તો ત્રણેય સંસ્કૃતિઓ એકબીજાથી તદ્દન ભિન્ન છે. ત્રણેય પ્રજાઓના મૂળ ધર્મો, ખોરાક, પહેરવેશ… આ બધું એકબીજાથી તદ્દન જુદું અને એમાં કંઈક અંશે વિરોધાભાસ પણ ખરો જ! પરંતુ આ તમામ સંસ્કૃતિઓ પ્રાચીન સમયથી એકબીજા સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલી પણ ખરી જ. અને આ જોડાણ ક્યાં હતું, કયા સ્વરૂપે હતું, એ વિશેષજ્ઞો માટે હમેશા રસનો વિષય રહ્યો છે. માત્ર ઇતિહાસવિદો જ નહિ, બલકે પુરાતત્વશાસ્ત્રીઓ – આર્કિયોલોજીસ્ટ, હવામાનશાસ્ત્રીઓ અને ભૂગોળના નિષ્ણાંતોને પણ જુદાજુદા ખંડોની તત્કાલીન પરિસ્થિતી, ખૂબી-ખામી, લાક્ષણિકતાઓ વગેરેમાં રસ પડે છે. આવા જ કારણોસર સાઉદી અરબની સરકારી સંસ્થા, સાઉદી કમિશન ફોર ટુરિઝમ એન્ડ નેશનલ હેરિટેજ – એસસીટીએચ અને બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સીટીએ સંયુક્ત સાહસ તરીકે અરેબિયન દ્વિપકલ્પનો અભ્યાસ કરવાનું શરુ કર્યું. (અહીં એક આડવાત, સાઉદી સકારે આ કાર્ય માટે ઓક્સફર્ડ યુનિવર્સીટીને જ કેમ પસંદ કરી? કારણ કે, પ્રાચીનકાળની વસ્તુઓના અભ્યાસમાં ઓક્સફર્ડ યુનિવર્સીટી દુનિયાભરમાં મોખરે ગણાય છે!)

ઇસ ૨૦૧૨માં, બ્રિટનની વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સીટીના સંશોધકો અને સાઉદી અરેબિયાના આર્કિયોલોજી નિષ્ણાંતોના એક સંયુક્ત દળનું ગઠન કરવામાં આવેલું. આ સંયુક્ત દળે લગાતાર પાંચ વર્ષના સમયગાળા દરમિયાન (એટલે કે હમણા જ પુરા થયેલા ઇસ ૨૦૧૭ના વર્ષ સુધી) અરેબિયન દ્વિપકલ્પના પુરાતન વાતાવરણનો અભ્યાસ કર્યો.

આ સિવાય અરેબિયન સરકારનો મહત્વાકાંક્ષી ‘ગ્રીન અરેબિયા પ્રોજેક્ટ’ પણ આ અભ્યાસ સાથે સંકળાયેલો છે. ગ્રીન અરેબિયા પ્રોજેક્ટ હેઠળ સાઉદી અરેબિયાના રણપ્રદેશોમાં પાણીની સમસ્યાના નિવારણ માટે પગલા લેવાઈ રહ્યા છે. આ માટે અરેબિયન દ્વિપકલ્પની ઉત્તરે આવેલા કેટલાક પ્રાચીન તળાવોની પુરાતત્વીય સાઈટ્સનો અભ્યાસ થઇ રહ્યો છે. આ વિસ્તારો, સાઉદી અરબના વિખ્યાત ‘નાફુદ’ નામક રણનો હિસ્સો છે. અહીં વરસાદની વાર્ષિક સરેરાશ ૨૦૦ મિલીમીટર કરતા પણ ઓછી છે! એટલે પાણીની શક્યતાઓ તપાસવા માટે ગ્રીન અરેબિયા પ્રોજેક્ટ હેઠળ, બ્રિટન અને સાઉદી અરેબિયાના સંયુક્ત સંશોધક દળે એડી ચોટીનું જોર લગાવ્યું છે.

આવું જ એક સંશોધન કાર્ય, ઉત્તરપશ્ચિમી શહેર ‘તાયમા’ની નજીક આવેલી ‘તાસ અલ-ગાધા’ સાઈટ ખાતે ચાલી રહ્યું હતું. આ દરમિયાન, ખોદકામ કરતા જે અવશેષો મળી આવ્યા, એ આશરે સવા ત્રણ લાખ વર્ષ જુના હોવાનું માલુમ પડ્યું! સંશોધન આગળ ધપાવતા આર્કિયોલોજીસ્ટ ટીમને મનુષ્યનું હોય, એ પ્રકારનું અસ્થિ મળ્યું. તપાસ કરતા ખબર પડી કે આ તો કોઈ માનવીના હાથની મધ્યમ – વચલી આંગળીનું અસ્થિ છે! વળી પુરાતત્વવિદોના દાવા મુજબ, આ અસ્થિ ઓછામાં ઓછા ૯૦,૦૦૦ વર્ષો જુનું છે! અને આ સાચું હોય, તો આ મનુષ્ય અસ્થિ, અત્યાર સુધી મળી આવેલા તમામ માનવ અસ્થિઓમાં સૌથી પ્રાચીન ગણાય! અને મનુષ્યની વચલી આંગળીનું એ અસ્થિ, એ વિસ્તારમાં માનવીય વસવાટનો સૌથી જૂનો ‘ભૌતિક’ પુરાવો ગણાય. સાઉદી અરેબિયાના સરકારી વર્તમાનપત્ર ‘અલ-અરેબિયા’એ આ અસ્થિ માટે ‘દુનિયાનું સૌથી જુનું હાડકું’ જેવો શબ્દપ્રયોગ વાપર્યો છે.

જો કે આ બાબતે નિષ્ણાંતોમાં મતભેદ પડશે જ. કારણકે આધુનિક માનવ હોમોસેપીયન જેમાંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, એવી હોમો જીનસ ગ્રુપના, આધુનિક માનવ સાથે સૌથી નજીકનું જોડાણ ધરાવતા સજીવનું અસ્થિ સૌથી પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. આ અસ્થિ, એ સમયના હોમો જીનસ ગ્રુપના સદસ્યના જડબાનું અસ્થિ છે, જે ઇથોપિયાના એક સ્થળેથી મળી આવેલું. જડબાનું આ હાડકું લગભગ ૨.૮ મિલિયન વર્ષો જુનું હોવાનું મનાય છે!

સૌથી જુના અસ્થિનો મુદ્દો બાજુએ મૂકીએ તો પણ એટલું તો ચોક્કસપણે કહી શકાય, કે પાણીની તલાશ અને પ્રાચીન સમયના અરેબિયન દ્વિપકલ્પના વાતાવરણનો અભ્યાસ કરવા રચાયેલા સંશોધક દળને બગાસું ખાતા પતાસું મળ્યા જેવો ઘાટ થયો છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


નોંધઃ અહીં મૂકેલ ઇમેજ નેટ પરથી લેખના સંદર્ભને વધારે સારી રીતે સમજવા પૂરતી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *