





– આરતી નાયર
આપણા બધાંના ઉછેર દરમ્યાન વડીલોનો આદર કરવાનું આપણી અંદર સીંચવામાં આવ્યું છે. સ્ત્રીઓ માટે એક વધારાની શરત છે કે તેમને જેમ કહેવામાં આવે તેમ જ તેમણે કરવું. સ્ત્રી પુખ્ત વયની થઈ ગઈ હોય તો પણ તેમણે કેટલીય નાની નાની વાતોમાં મંજૂરી પહેલાં લેવી જોઈએ એવી આગ્રહભરી અપેક્ષા રખાતી આવી છે. જ્યારે, વયસ્ક તો શું કિશોર વયના પુરુષ પણ એવી જ બાબતોની માત્ર જાણ કરી દે તો પણ ચાલે. ઘણા સમાજોમાં હું જેને ‘આંતરા દિવસની રાજકુમારી’ વ્યવસ્થા કહેવાનું પસંદ કરૂં છું તે પ્રચલિત જોવા મળે છે. છોકરી એક સાંજે બહાર ગઈ હોય તો પછી તેને માટે બીજે જ દિવસે બહાર જવા નીકળી શકવું મુશ્કેલ બની જાય. ‘હજૂ કાલે તો બહાર ગઈ હતી’; ‘છોકરીઓને વળી રોજ રોજ બહાર નીકળી પડવાની ટેવો કેવી?’; ‘ થોડા થોડા દિવસને અંતરે બહાર જવાનું રાખ’ , કે એ જ અર્થના સંવાદો સાંભળવા મળવાનું ચલણ સામાન્યતઃ જોવા મળશે! છોકરાઓની બાબતમાં આવા કોઈ ઉપદેશો સાંભળવા નહીં મળે. આવાં સામાજિક મહોલમાં માનસીક રીતે સ્વતંત્રપણે વિચારી શકતી સ્ત્રી પોતાના નિર્ણયો પોતે જાતે લેવાનું પસંદ કરે એટલે સમસ્યાઓ ઊભી થાય.
પોતાનો નિર્ણય જાતે લેવો તેને માબાપ, સમાજ કે સંસ્કારનો અનાદર કર્યા બરાબર લેખવામાં આવે છે. પુરુષોના કિસ્સામાં આ જ વાત તેમની પુખ્ત બની ગયાની નિશાની માનવામાં આવે. આવી વિચારસરણી પાછળ મૂળતઃ કારણ એ હશે કે સ્ત્રી તો અબળા જ હોય, અને એટલે બિચારી પોતાના નિર્ણયો જાતે ક્યાંથી જ લઈ શકે એવી માન્યતા પણ કામ કરી રહી હોય.
આ ઉપરાંત સ્ત્રીઓએ સમાજની બીજી એક માનસીકતાને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે કોઈ સ્ત્રી પોતાના નિર્ણયો જાતે લે ત્યારે ‘પોતાની જાતને બહુ માને છે’, ‘કોઈનું સાંભળતી નથી’, ‘કોઇ જ લાજશરમ નથી’, ‘પોતાનું ધાર્યું જ કરે છે’ એવા ઉપાલંભભર્યા દોષારોપણનો સામનો કરવો પડે ત્યારે એવી પણ શક્યતાઓ વધારે હોઈ શકે છે કે સામેની વ્યક્તિનો પોતે આ બાબતે ‘વધારે સારાં છે’ એવો અહમ ઘવાતો હોય. એકબીજાના અભિપ્રાય માગવા કે કહેવા અને સામેનાની મંજૂરી માગવી એ બે સાવ અલગ બાબતો છે. સ્ત્રી હોય કે પુરુષ, પોતાની આગવી વિચારધારા ધરાવતાં કોઈ પણ પુખ્ત વ્યક્તિની એ વ્યક્તિગત લાક્ષણિકતાને સ્વીકારવી જોઈએ. ખરેખર તો એ માટે એને માન આપવું જોઈએ.
જ્યારે તમને કહેવામાં આવે કે ‘કહીએ એટલું જ કરવાનું’ ત્યારે બે બાબતો પર વિચાર કરવો પડે :
૧. ‘બધાં કહે’ તેમ ‘હંમેશ’ કોઈ જ કરતું રહી ન શકે. ભલે એ નિર્દેશને વળગી રહેવાનો તમે પૂરેપૂરો પ્રયાસ કરો, પરંતુ એવા સંજોગો પેદા થવાના જ છે જ્યારે કંઈને કંઈ બાંધછોડ કરવી પડે. એમાં કશું ખોટું પણ નથી.
૨. એ લોકોનુ એવું કહેવાની કોશીશ કરતાં હશે કે તમે એમનું કહેલું કરતાં નથી. ઘણાં બધાં કારણોસર, તેમની આવી વર્તણૂકનું મૂળ છે તેમની સાથે સંબંધિત સ્ત્રીઓ પર તેમના હક્કની ભાવનામાં. આજે પણ સ્ત્રી મોટા ભાગનાં લોકો માટે ‘સાપનો ભારો’, એક ‘જવાબદરી’ છે, કે એવી જણસ છે જેનું ‘રક્ષણ’ કરવાનું છે. પરંતુ હકીકત તો એ છે કે ખરેખર તો સ્ત્રીને એક જીવતાં જાગતાં માનવી તરીકે જોવાની જરૂર છે.
હજૂ કાલે જ મારે એક કૈલાશબેન સાથે વાત કરવાનો પ્રસંગ પડ્યો. કૈલાશબેન એક ‘આશા’ કાર્યકર છે, જે ભારત સરકારની આરોગ્ય સેવાઓને છેવાંડાનાં લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. તેઓ ખાસ ભણેલાં નથી, પણ આખો દિવસ સખત પરિશ્રમ કરવામાં તે ક્યાંય પાછળ નથી પડતાં. જાહેર આરોગ્યની સેવાઓના તેમના અનુભવો અપને આપમાં એક ખજાનો છે. પોતાની ગૃહસ્થીને સંભાળવાની, ઘરે ઘરે ચાલીને જવાનું અને એક બાજૂ ભાતભાતનાં લોકો સાથે કામ કરવામાં અને બીજી બાજૂ સરકારી તંત્ર પાસેથી કામ લેવામાં, સાજેમાંદે પણ, તેમણે દિવસના નવ નવ કલાક લોહી પાણી એક કરવાં પડે છે.
આ એક ઉદાહરણ માત્રથી જ સમજી શકાશે કે ‘સબળા’ બનવા માટે સ્ત્રીએ ‘ભણેલાં’ ‘ચપચપ અંગેજી બોલી શકતાં’ હોવું આવશ્યક નથી. આપણે જે સમસ્યાની વાત કરીએ છે માત્ર ‘શહેરી મધ્ય્મ વર્ગ’ કે ‘ઉચ્ચ વર્ગ’ની મહિલાઓ પૂરતી મર્યાદિત નથી. એ તો આખા દેશમાં કોઈ પણ વર્ગની મહિલાને એટલીજ લાગુ પડે છે, સવાલ કદાચ માત્રાનો કે દૃષ્ટિકોણનો જ હોઈ શકે.
‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ પહેલ દ્વારા ‘બેટી’ને શિક્ષણ’ પૂરૂં પાડવાની વાત એ એક ઉપરછલ્લી ઔપચારિકતા માત્ર બની ન રહે તેવું વાતાવરણ પણ સાથે સાથે જ વિકસાવવું પડશે. સમાજે તેને એક સ્વ-વિચારવંત, કોઈ પણ પુરૂષ જેટલી જ, માનવી તરીકે સ્વીકારવી જોઈશે અને એ માટે તેને સામર્થ્યવાન બનવા દેવા માટેનું મુક્ત વાતાવરણ અને તેનો પોતાનો આગવો અવકાશ પણ પૂરાં પાડવાં પડશે.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.
વાત સાચી છે. “આવાં સામાજિક મહોલમાં માનસીક રીતે સ્વતંત્રપણે વિચારી શકતી સ્ત્રી પોતાના નિર્ણયો પોતે જાતે લેવાનું પસંદ કરે એટલે સમસ્યાઓ ઊભી થાય. પોતાનો નિર્ણય જાતે લેવો તેને માબાપ, સમાજ કે સંસ્કારનો અનાદર કર્યા બરાબર લેખવામાં આવે છે.”
આ જાતના ઉછેર પછી, સ્વતંત્ર નિર્ણયો લેવાનું અસ્વાભાવિક લાગે છે.
સરયૂ પરીખ
દીકરીઓને “પારકું ધન” ગણનારા આપણા સમાજને એ પોતાની “મરજીની માલિક” થવા સર્જાયેલી છે એ વાત હવે 21મી સદીમાં તો ગળે ઉતરવી જ જોઈએને? ઈશ્વરે એની ખોપરીમાં fully functioning મગજ આપ્યું હોય છે, એ જ એ વાતની full proof સાબિતી નથી?