ફિર દેખો યારોં : તુઘલકને સારો કહેવડાવે એવો વંશ એટલે…….

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સમય સતત બદલાતો રહે છે. રાષ્ટ્ર માટે એક સમય ઈતિહાસ રચવાનો હોય છે. ત્યાર પછી રચાયેલા ઈતિહાસ પર ગૌરવ લેવાનો યુગ આવે છે. આ ઈતિહાસ પર રાજકારણ પણ રમાય છે, અને એક તબક્કે ઈતિહાસ સાથે ચેડાં કરવાનો આરંભ થાય છે. શાળામાં અભ્યાસ કરતી નવી પેઢી પાઠ્યપુસ્તકમાં આવતાં પ્રકરણો થકી વિવિધ નાયકોનો પરિચય મેળવે છે, અને તેઓ પ્રેરિત થઈ શકે એવી ઘટનાઓ પાઠરૂપે પુસ્તકમાં સમાવવામાં આવે છે.

આવી એક જાણીતી ઘટના એટલે ખલીફા હજરતઅલીની વાર્તા. રાજ્યનો હિસાબ કરવા બેઠેલા ખલીફા અંધારું થતાં મીણબત્તી સળગાવીને કામ ચાલુ રાખે છે. પણ આ કામ પૂરું થતાં તેઓ એક મીણબત્તી બુઝાવીને બીજી મીણબત્તી સળગાવે છે. પૂછવામાં આવતાં તેઓ જણાવે છે કે પોતે રાજ્યનું કામ કરતા હતા ત્યારે રાજ્યની મીણબત્તી વાપરી, પણ પછી અંગત કામ કરતી વખતે રાજ્યની મીણબત્તીનો ઉપયોગ કરે તો અપ્રામાણિકતા ગણાય. આવાં ઘણાં ઉદાહરણો આપણા દેશના શાસકોના પણ મળી રહે. ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ કહી શકાય એવો ગ્રંથ ‘ભગવદ્‍ગોમંડળ’ તૈયાર કરાવનાર ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને આ ગ્રંથના સંપાદક ચંદુલાલ બહેચરદાસ પટેલ વચ્ચે એ બાબતે હરિફાઈ થતી કે સાવ ઘસાઈ જવા આવેલા પેન્‍સિલના એક ટુકડાથી કોણ વધુ શબ્દો તપાસી શકે છે.

લોકશાહી આવ્યા પછી રાજાશાહી નાબૂદ થઈ, અને પ્રજાના ચૂંટેલા પ્રતિનિધિઓ નવા શાસક બન્યા. પ્રજાના કરવેરાનાં નાણાંનો સદુપયોગ કરવાની સીધી જવાબદારી તેમના શિરે આવી. સ્વાતંત્ર્ય મળ્યા પછી ઘણા સમય સુધી જાહેરજીવનમાં સાદગી એક ગુણ લેખાતી અને વૈભવ અમુક હદે શરમ ગણાતો. પણ સમય વીતતો ગયો એમ લોકપ્રતિનિધિઓ વૈભવ અને ઠઠારાના ચાળે એવા ચડ્યા કે તેમની સરખામણીએ અગાઉના રાજામહારાજાઓ પણ સારા લાગે. આવા અનેક કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે, પણ હવે આ બાબત શરમનો નહીં, ગૌરવનો વિષય બની રહ્યો છે. તેમની સરખામણીએ પોતાના કામ માટે ઘરની મીણબત્તી સળગાવતા ખલીફાની કે પેન્‍સિલના ટુકડાથી કામ ચલાવતા ભગવતસિંહજીની વાત કેવળ વાર્તાની હોય એવી લાગે.

શાસકના વૈભવપ્રેમનો તાજેતરનો એક કિસ્સો જાણવા જેવો છે. નવી દિલ્હીના સરદાર પટેલ ભવનમાં સરકારી કર્મચારીઓ માટેની એક કેન્‍ટિન આવેલી છે, જેના નવિનીકરણ પાછળ ગયા વરસે બાવન લાખ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. પણ આ કેન્‍ટિનને હમણાં જે કારણે નામશેષ કરી દેવામાં આવી એ જાણવા જેવું છે.

ભારતીય જનતા પક્ષના નેતા વિજય ગોયલની નિમણૂક પાંચેક માસ અગાઉ રાજ્યકક્ષાના સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રી તરીકે થઈ. તેમના નવા કાર્યાલય માટે આ કેન્‍ટિનનો ભોગ લેવાયો છે. પાંચમજલી ઈમારતમાં આ એક માત્ર કેન્‍ટિન હતી. વિજય ગોયલના કાર્યાલયનો હાલનો ખર્ચ એક કરોડ નવ લાખ રૂપિયાએ પહોંચ્યો છે, જે હજી વધે એવો અંદાજ છે. આ કામ જેમની દેખરેખ તળે થાય છે એવા કેન્‍દ્રીય લોકનિર્માણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખુદ મંત્રી ગોયલે આ સ્થળની કામગીરીની તપાસ કરી છે. આ અધિકારીએ વધુમાં કહ્યું, ‘મોટા ભાગની કામગીરી મંત્રીના અંગત સ્ટાફના પરામર્શનથી કરવામાં આવી છે અને મંત્રીએ વાસ્તુશાસ્ત્ર મુજબ હજી વધુ ફેરફાર સૂચવ્યા છે. આ ફેરફારના અમલ માટે હજી વધુ નાણાંની જરૂર છે, જેનો અંદાજ તેમણે મોકલી આપ્યો છે.

કેવા છે આ ફેરફારો? હાલના કોન્‍ફરન્‍સ ટેબલને બદલે એક જ સ્ટેનલેસ સ્ટીલની ફ્રેમ ધરાવતું ટફન્‍ડ ગ્લાસનું ગોળાકાર ટેબલ મૂકાશે. કોન્‍ફરન્‍સ માટેની ખુરશીઓ તેમજ મંત્રીની ખુરશીઓ પણ બદલવામાં આવશે. બારી પરની હાલની રોલર બ્લાઈન્‍ડો તેમજ ફિલ્મને બદલી કાઢવામાં આવશે તથા પરસાળનાં હાલનાં બારણાં પણ બદલાઈ જશે. આ અને આવા ફેરફારો માટે 71 લાખ રૂપિયા મંજૂર કરી દેવામાં આવ્યા છે તેમજ ઑફિસમાં એલ.ઈ.ડી. ટીવી, ઈન્ટરનેટ તેમજ ટેલિફોનની સુવિધાઓ માટે બીજા 39 લાખ મંજૂર કરાયા છે.

મઝાની વાત એ છે કે મંત્રી ગોયલે પોતે આ બાબતે અજાણ હોવાનું જણાવ્યું છે. આ ખાતાના પોતે મંત્રી બન્યા પછી પોતે સ્ટાફને પ્રવર્તમાન ખંડમાં જ પોતાનું કાર્યાલય બનાવવાની સૂચના તેમણે આપી હતી. અગાઉ આ સ્થળે કેન્‍ટીન હતી કે અહીં ફેરફાર કરવા માટે આટલો ખર્ચ કરવામાં આવ્યો હોવા બાબતે પોતે સાવ અજાણ હોવાનું તેમણે કહ્યું.

આ ઈમારતમાં અન્ય ઘણા કાર્યાલયો આવેલા છે, જેના સેંકડો કર્મચારીઓ આ કેન્‍ટિનનો લાભ લેતા હતા. આ કેન્‍ટીનને કામચલાઉ ધોરણે ભોંયતળિયે આવેલા પાર્કિંગ વિસ્તારમાં ખસેડવામાં આવી છે, અને તેમાંના ટેબલોને ખુલ્લામાં ગોઠવેલાં છે. પર્સોનેલ અને તાલીમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેન્‍ટીનને સ્થાને મંત્રી ગોયલનું કાર્યાલય બનાવવાની હિલચાલ થઈ ત્યારે પ્રશાસનિક સુધાર તેમજ લોક ફરિયાદ વિભાગે અધિકૃત રીતે એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવાયું હતું કે હજી ગયા વરસે જ આ કેન્‍ટીનના નવિનીકરણ પાછળ બાવન લાખ ખર્ચાયેલા છે.

આ મહિનાના અંત સુધી મંત્રી ગોયલનું કાર્યાલય કાર્યરત થઈ જશે. અલબત્ત, આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે આ કિસ્સો પહેલો નથી અને એકમાત્ર નથી. નાગરિક તરીકે ચિંતા કરવી હોય તો એ કરી શકાય કે કોઈ યોજના નિષ્ફળ જાય અને તેમાં પ્રજાના કરવેરાના નાણા વેડફાય તો એ નજરે પડતી હકીકત છે અને તેના વિશે ઘણો ઊહાપોહ થતો રહે છે, પણ આવા વૈભવ પાછળ વેડફાતા નાણાની વિગત મોટે ભાગે બહાર પણ નથી આવતી. આવા મંત્રીઓ અને તેમની કાર્યપદ્ધતિ જોઈને લાગે કે તરંગી નિર્ણયો માટે બદનામ મહંમદ તુઘલક ઘણો સારો હતો, કેમ કે, તેણે લીધેલા નિર્ણયો પાછળ ભલે લાંબો વિચાર નહોતો, પણ તેણે પોતે વિચારેલું કશું નક્કર કારણ અવશ્ય હતું. આપણા મંત્રીઓ આવું કરાવ્યા પછી પણ તેની કશી જવાબદારી લેવાને કે ખુલાસો આપવાને બદલે બેશરમીથી પોતાને ‘ખબર નથી’ એમ કહીને હાથ ઊંચા કરી દે છે. આ કોઈ વિજય ગોયલ જેવા એકલદોકલ મંત્રીની વાત નથી, બલ્કે આખા સમૂહનું લક્ષણ છે. આપણે વિચારવું રહ્યું કે ક્યાંક તે આપણી અપેક્ષાનું પ્રતિબિંબ તો નથી ને?


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : તુઘલકને સારો કહેવડાવે એવો વંશ એટલે…….

  1. February 8, 2018 at 2:35 am

    “ગુજરાતી ભાષાનો અભૂતપૂર્વ કહી શકાય એવો ગ્રંથ ‘ભગવદ્‍ગોમંડળ’ તૈયાર કરાવનાર ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને આ ગ્રંથના સંપાદક ચંદુલાલ બહેચરદાસ પટેલ વચ્ચે એ બાબતે હરિફાઈ થતી કે સાવ ઘસાઈ જવા આવેલા પેન્‍સિલના એક ટુકડાથી કોણ વધુ શબ્દો તપાસી શકે છે.” દરેક કાર્ય પાછળ ઊંડો ઈતિહાસ હોય છે. વાંચી આનંદ.
    સરયૂ પરીખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *