“વ્યંગ્યચિત્રોના વિશ્વમાં” – નવી શ્રેણીનો પરિચયાત્મક નાંદી લેખ
– બીરેન કોઠારી
‘કાર્ટૂન’ શબ્દનો સીધો સંબંધ વ્યંગ્ય સાથે છે, અને વ્યંગ્યનું વિશ્વ અતિ વ્યાપક છે. આમ છતાં, ‘કાર્ટૂન’ની વ્યાખ્યા અમુક અંશે સિમીત બની રહી છે. મોટે ભાગે લોકો માને છે કે કાર્ટૂન એટલે અખબાર કે સામયિકોમાં પ્રકાશિત થતાં રાજકીય વ્યંગ્યચિત્રો, જેમાં મોટે ભાગે અંદરનું લખાણ વાંચીને હોઠ મલકાવી લેવાના હોય. બાળકો અને ઘણા મોટેરાંઓ વિવિધ રમૂજી પાત્રોને કાર્ટૂન તરીકે ઓળખે છે, જેમ કે, મીકી માઉસ, ડોનાલ્ડ ડક અને બીજા સેંકડો. ચિત્રીત કરવામાં આવેલા કોઈ ટુચકાને પણ ‘કાર્ટૂન’ તરીકે ઓળખાવી શકાય. કેરીકેચર એટલે કે ઠઠ્ઠાચિત્ર કાર્ટૂનનો ભાગ હોઈ શકે, પણ સંપૂર્ણ કાર્ટૂન નહીં.
આમ જોઈએ તો કાર્ટૂન ચિત્રાંકનનો જ એક પ્રકાર ગણાય, અને એ રીતે તે દૃશ્યકળા ગણાય. છતાં તેના આ ભાગને કદાચ સૌથી વધુ અવગણવામાં આવે છે. તેમાં રહેલી ચિત્રાંકનની તેમજ શૈલીની બારીકીઓની વાત ભાગ્યે જ થાય છે. અખબારો કે અન્ય પ્રકાશનોમાં સ્થાન પામવાને કારણે મુખ્યત્વે રાજકીય તેમજ સામાજિક કાર્ટૂનો વધુ જાણીતાં બની રહ્યાં છે. આનો અર્થ એમ નથી કે અન્ય વિષયો પરનાં કાર્ટૂન બનતાં નથી અથવા સાવ ઓછાં છે.
‘વેબગુર્જરી’ પર તાજેતરમાં ‘વ્યંગ્યચિત્રોમાં ગાંધી’ શ્રેણીનું સમાપન થયું, જે વિષય આધારીત કાર્ટૂન પરની શ્રેણી હતી. આ શ્રેણીના આલેખન દરમિયાન અનેક કાર્ટૂનો નજર તળેથી પસાર થયાં. એ જોતી વખતે વિચાર સ્ફૂર્યો કે આ જ તરાહ પર વિષય આધારીત કાર્ટૂનોની શ્રેણી શરૂ કરીએ તો?
આ વિચાર, તેનું સૂચન, અને સૌ મિત્રો તરફથી મળેલા આવકારનું સંયુક્ત પરિણામ એટલે ‘વેબગુર્જરી’ પરથી પ્રકાશિત થનારી શ્રેણી ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’.
આ શ્રેણી અંગેનો ખ્યાલ એવો છે કે તેમાં દરેક વખતે કોઈ એક વિષય પરનાં કાર્ટૂન મૂકવામાં આવે અને તેની જે તે વિષયના જાણકાર દ્વારા વાત કરવામાં આવે. વિષય ગમે તે હોઈ શકે- રાજકારણથી લઈને ધર્મ, મેનેજમેન્ટ, સ્ત્રી સશક્તિકરણ, માનસશાસ્ત્ર, જીવવિજ્ઞાન, તબીબીશાસ્ત્ર, વ્યક્તિ, કલાકાર અને બીજા અનેક…આ દરેક વિષયની અંદર પણ પેટાવિષય હોઈ શકે.
આ વિશિષ્ટ શ્રેણી માટે તમને લાગતું હોય કે તમે પણ કોઈ ચોક્કસ વિષય પર કાર્ટૂનનું સંકલન કરી શકો એમ છો, તો અમને જરૂર જણાવશો અને વિશિષ્ટ વ્યંગ્ય ધરાવતાં કાર્ટૂનો પસંદ કરીને, તેની સમજૂતી આપીને અમને મોકલશો.
સંકલનકારના નામ સાથે તે અહીં મૂકવામાં આવશે. સ્રોત અને કાર્ટૂનિસ્ટનું નામ પણ જણાવશો, જેથી ‘સૌજન્ય’નો ઉલ્લેખ કરી શકાય અને કૉપીરાઈટ બાબતે સંભવિત મુશ્કેલી ટાળી શકાય. કાર્ટૂન સમજાવવાનાં ન હોય એવી પણ એક માન્યતા છે, જે સાચી છે. પણ કાર્ટૂનમાં આલેખાયેલા કોઈ વિશિષ્ટ વિષયનો સંદર્ભ સમજાવવામાં ન આવે ત્યાં સુધી એ કાર્ટૂનને પૂરેપૂરું માણી શકાય નહીં. આથી જે તે સંદર્ભની સમજણ છે. તમે કાર્ટૂનોનું સંકલન કરી શકો અને એમ લાગે કે લખવાનું ફાવે એમ નથી, તો પણ જણાવશો. એ કામ અમે કરીશું. આપણો મૂળ ઉદ્દેશ્ય વિવિધ વિષય આધારીત કાર્ટૂનો અને તેમાં રહેલા વ્યંગ્યથી પરિચીત થવાનો છે. પ્રત્યેક પોસ્ટમાં ઓછામાં ઓછા દસ અને વધુમાં વધુ વીસ કાર્ટૂન હોય તો સારું. વીસથી વધુ કાર્ટૂન હોય તો બીજો ભાગ પણ કરી શકાય. અલબત્ત, સાવ ચીલાચાલુ કાર્ટૂનોને બદલે સ્તર ધરાવતાં કાર્ટૂનોની પસંદગી ઈચ્છનીય છે.
બીજી એક બાબત સંકલનકાર ધ્યાનમાં રાખે એ અપેક્ષિત છે. ઈન્ટરનેટ પર કોઈ એક વિષય પરનાં કાર્ટૂન હોય એવી ઘણી પોસ્ટ મૂકાયેલી જોવા મળશે. આવી પોસ્ટ સીધેસીધી લઈને અહીં મૂકાય એનો અર્થ નથી. અહીં ઉદ્દેશ્ય બને એટલું વૈવિધ્ય આપવાનો છે, તેથી અનેક સ્થળેથી કાર્ટૂનો ચૂંટાય એ અપેક્ષિત છે. સંબંધિત વિષય પર આવી કોઈ પોસ્ટ મળી આવે તો તેની લીન્ક મૂકી દેવાથી વધુ સારું રહેશે, જેથી વાચકને શક્ય એટલાં વધુ કાર્ટૂનો માણવા મળી શકે.
શ્રેણીનો મૂળ આશય કાર્ટૂનકળાની સમજણના વ્યાપને વિસ્તારવાનો છે.
ફેબ્રુઆરી, ૨૦૧૮ થી દર મહિનાના ત્રીજા મંગળવારે આ શ્રેણી પ્રકાશિત થશે.
Disclaimer: The cartoons in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.
‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું: bakothari@gmail.com






સરસ શરૂઆત. મજા આવી જશે .
————
A cartoon (from Italian: cartone and Dutch: karton—words describing strong, heavy paper or pasteboard)
Cartoons n smiles are international language. No more explanations needed.. All cartoons are simply sensible.
wah… sundar
સૌનો આભાર.