સ્મરણાંજલિ

Facebooktwitterredditpinterestlinkedinmail

દેવિકા ધ્રુવ

આ વર્ષની શરૂઆતમાં સાહિત્ય જગતના કેટલાક સર્જકો, શબ્દોના સિતારા ચમકાવી ચાલ્યા ગયા.

કાળની કરવત સતત ફરતી જ રહે છે.

સર્જક શ્રી શંભુપ્રસાદ જોશી, વાર્તાકાર અને કવિ શ્રી ઊજમશી પરમાર, મહાન ગઝલકાર ‘જલન’ માતરી, ઉર્દૂ શાયર મોહમ્મદ અલવી, લેખિકા શ્રીમતી અવંતિકા શાહ અને સાહિત્ય જગતના શિખર સમા કવિ શ્રી નિરંજન ભગત આ દુનિયા છોડી ચાલ્યાં ગયાં છે. આ ઉપરાંત હાસ્યલેખક શ્રી વિનોદ ભટ્ટનાં પત્ની નલીનીબેન અને ગુજરાતી સાહિત્ય એકેડેમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યાનાં ધર્મપત્ની આરતીબેન પંડ્યા પણ સદગતિને પામ્યાં છે.

ખેર ! સમય સમયનું કામ કરે છે અને નિયતિની ગતિને પણ સમય જ શાંત કરી દે છે. પરંતુ આવી આખરી પળ જિંદગીમાં કેટલું ચિંતન ભરી દે છે! જીવ જન્મે છે ત્યારે પ્રથમ અભિવ્યક્તિ તેનું પોતાનું રુદન છે અને જાય છે ત્યારે અન્યો રડે છે! આ તે કેવી નક્કર વક્રતા! આ સનાતન સત્ય અંગે પ્રત્યેક માનવી ક્યારેક તો કંઈક ચોક્કસ વિચારે છે જ. શિક્ષિત હોય કે અશિક્ષિત, રાજકારણી હોય કે ધંધાદારી, કલાકાર હોય કે વૈજ્ઞાનિક, તત્ત્વચિંતક હોય કે ધાર્મિક, સાધુ હોય કે સન્યાસી, અરે, ગરીબ હોય કે ધનવાન, દરેકે દરેક માણસના મગજમાં મરણનો વિચાર ક્યારેક તો જરૂર આવે જ છે.

કેટલું બધું લખાયું છે આવી અંતિમ યાત્રા માટે! जातस्य हि ध्रुवो म्रुत्यु દ્વારા ભગવદગીતાએ આ વાતનું વિશદ સમર્થન કર્યું છે. પ્રકૃતિનો અચળ નિયમ છે પરિવર્તન અને પરિવર્તનનાં બે પાસાં તે જન્મ અને મરણ, નવું અને જૂનું, ઉદય અને અસ્ત. જીવનની આ જ ઘટમાળ છે. આવી બધી ઘણી ભારે ભારે વાતો આપણા ધર્મગ્રંથોએ કરી છે. પણ અહીં જુઓ, આપણા આ કવિ શ્રી નિરંજન ભગતે કેટલી હળવાશથી આ વિષયને સમજાવ્યો છે! સજાવ્યો છે! એ તો કહે છે કે,

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કરવા આવ્યો છું?

અહીં પથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા!
-રે ચહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!

જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
હું તો બસ ફરવા આવ્યો છું!

clip_image001

(કવિ શ્રી નિરંજન ભગત સાથે-૨૦૦૯માં તેમના નિવાસસ્થાને)

જિંદગી તરફની આવી સહજ સમજણ ભરેલી દૃષ્ટિ, પંડિતોનાં ગોથાં ખવડાવતાં થોથાં કરતાં કેટલી સાચી લાગે છે? તેમની ‘ઘડીક સંગ ‘ની પંક્તિઓ ‘કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ,આપણો ઘડીક સંગ’ પણ આવી જ અર્થસભર અને સરળ છે. તેમના વિવેચન લેખો અને પ્રવચનો તો સાહિત્યનો મોટો ખજાનો છે. તેમના વિશે જેટલું કહીએ તેટલું ઓછું જ પડે.

આ સાથે, કવિશ્રી નિરંજન ભગતની પહેલાં જ ઉપરના મુશાયરામાં જઈને બેઠેલ (!), મોટા ગજાના ગઝલકાર શ્રી ‘જલન’ માતરી, મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીનના અમર શેરને પણ યાદ કરીએ. મરણ વિશે આનાથી વધુ ચોટદાર કોણ લખી શકે?

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી
અને
એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

આજે આ વિષય છેડ્યો છે, ત્યારે સ્વ. કવિ શ્રી ઊજમશી પરમારની પણ આવી જ એક કવિતાની કેટલીક પંક્તિઓ તરફ ધ્યાન દોરું.

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી. – ઊજમશી પરમાર

આ વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં… શું સૂચવે છે?!!

તો આ સાથે ૯૦ વર્ષની વયે, જાન્યુ. મહિનામાં જ દિવંગત થયેલા ઉર્દૂના શાયર મોહમ્મદ અલ્વી સાહેબને પણ કેમ ભૂલાય? તેમના અનેક અમર શેરમાંનો એક મૃત્યુ વિશે આ શેરઃ

ये सच है कि जीने में लाखों मज़े हैं

मज़ा और ही कुछ है मर के तो देखो!!

તેમને અમરતા બક્ષી ગયો.

સાચે જ લાગે ને કે મૃત્યુ તો જિંદગીની અમાનત છે!

અક્ષર-દેહે જીવિત રહેલ ઉપરોક્ત સૌ દિવંગતોને આ સ્મરણાંજલિ.

અસ્તુ.

દેવિકા ધ્રુવ
હ્યુસ્ટન
ફેબ્રુ.૧, ૨૦૧૮.

* * *

સંપર્કસૂત્રોઃ
https://devikadhruva.wordpress.com/
email:  ddhruva1948@yahoo.com
Phone ++281 415 5169

* * *

વિશેષ નોંધ:

કવિશ્રી નિરંજન ભગત વિષે વિશેષ જાણકારી શ્રી સુરેશભાઈ જાનીના ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ના નીચેના લિંકથી મેળવી શકાશે.

https://sureshbjani.wordpress.com/2018/02/02/niranjan-bhagat/

4 comments for “સ્મરણાંજલિ

 1. February 5, 2018 at 1:51 am

  સરસ, સમયસર સ્મેરણાંજલિ.
  સ્વ. ‘જલન’ માતરીનો પરિચય….
  https://sureshbjani.wordpress.com/2013/02/15/jalan-matari/

 2. February 5, 2018 at 2:04 am

  મુ. સુરેશભાઈ, આપને ગમ્યું,તેનો આનંદ.

 3. You We Mehta
  February 5, 2018 at 3:49 am

  ભગત સાહેબના હાથ નીચે ભણવાનો લહાવો મળ્યો તેને મારું સદ્ભાગ્ય સમજું છું. તેમની ‘ ઁઑરેટરી અને બોલવાની છટા- સ્ટાઈલ’ આજે પણ આંખ સમક્ષ તાદૃશ્ય છે. તેમનું અમર વાક્ય
  “It is better to Love and Lost then never to Love at all”
  આજે પણ કાનમાં ગુંજે છે.
  You We Mehta

 4. Anila Patel
  February 5, 2018 at 1:04 pm

  હાર્દિક શ્રદધાંજલિ સૌ સાક્ષરોને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *