ત્રણ ગ઼ઝલ

Facebooktwitterredditpinterestlinkedinmail

અનંત રાઠોડ ‘અનંત’

                                                                    (૧)

       (તકતી – લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા લગા)

લીલુંછમ સાવ કૂણું પાંદડું તોડ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે
ને ગમતું એક પંખી બાનમાં રાખ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

ઘણાયે વ્હા’લથી જ્યાં વૃક્ષને વાવ્યાં હતાં, પાણીય સીંચ્યું, એ જ ઉપવનમાં પછી
બહુ ઠંડા દિલે દિવાસળી ચાંપ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

મને પૂછી રહ્યાં છે પર્ણ, ફૂલો, ડાળખી આ સ્તબ્ધતાનો અર્થ ને હું ચૂપ છું
કુહાડીનું ઘરે મ્હેમાન થઈ આવ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

બધાં વૃક્ષો કનેથી બંધ આંખે નીકળ્યો છું, કોઈથી મેં આંખ મિલાવી નથી
આ મારી આંખમાં એક ઝાડવું ઊગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે

 

                                                                     (૨)

                                               (તકતી – લગાગાગા * 8)

કશા કારણ વગર આખા નગરમાં ચોતરફ આ સ્તબ્ધતાનો સ્તંભ એ ખોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.
નગરનું એક જણ રસ્તો, પવન, અજવાસ, ભરચક સાંજ ને આવું બધું ચોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

મને વહેલી સવારે એ નદીકાંઠે કોઈ બિનવારસી પેટીમાં મૂકેલી દશામાં હાથ લાગેલી;
ન જાણે કોણ પેલે પારથી નવજાત બાળકના સમી તારી પ્રતીક્ષા પાણીમાં છોડી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

હજુ સ્યાહી, કલમ, કાગળ અને રંગો બધુંયે છે અહીં અકબંધ, કોઈ પણ પછી અડક્યું નથી એને;
બહુ સ્હેલાઇથી એક જણ મને જાણીબુઝીને સાવ અર્ધા ચિત્રમાં દોરી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

સવારે મૂળથી એને ઉખેડીને હું ફેંકી દઉં ને સાંજે તો ફરી એ ત્યાં જ ઊગી જાય છે પાછું;
ગયા ભવનું કોઈ વેરી અજંપાનું લીલુંછમ ઝાડ મારા આંગણે રોપી અને ચાલ્યું ગયું છે ક્યાંક.

 

                                                         (3)

                                 (તકતી – લગાગા * 8)

મને હાથમાં લઈને બાળકની જેમ જ રમે છે ને ભાંગીને ભુક્કો કરે છે,
પછી યાદ આવું છું ત્યારે ફરીથી એ જ્યાં ત્યાંથી વીણીને ભેગો કરે છે.

મને સાંજ દરરોજ જાદુગરીની અનોખી કરામત બતાવે છે સાંભળ,
પ્રથમ એક ટુકડો સ્મરણનો એ લે છે પછી એ જ ટુકડાનો ડૂમો કરે છે.

નગરની આ રોનકને આંખોમાં આંજી ને છાતીમાં કાળી તરસને ઉછેરી,

અમારી ગલીના વળાંકે ઊભી રહી ખુશીની ક્ષણો રોજ ધંધો કરે છે.

હું ઊભો છું વર્ષોવરસથી અહીં એક મોંઘી જણસ કોઈની સાચવીને,

કોઈ વનમાં વર્ષોવરસથી ગયું છે ને માયાવી મૃગનો એ પીછો કરે છે.

જે તણખાની વાતો કરે છે સતત એમણે કૈં જ કીધું નથી મેં હજુ પણ,
હું છોડીને આવ્યો છું એવા નગરને, હવા પણ જ્યાં આવીને દિવો કરે છે.

* * *

સંપર્કસૂત્રો :

મોબાઈલ – ૯૩૭૪૨ ૭૧૦૯૨

ઈ મેઈલ- Anant Rathod <gazal_world@yahoo.com>

* * *

(મૂળ ઈડરના વતની શ્રી અનંત રાઠોડનું નામ ગ઼ઝલક્ષેત્રે ગાજતું થયું છે. વિજ્ઞાનના સ્નાતક હોવા ઉપરાંત અનંતભાઈએ સંસ્કૃતનો પણ અભ્યાસ કરેલ છે. ધો. દસમાં તેમણે પ્રથમ છંદોબદ્ધ ગ઼ઝલની રચના કરી હતી. તે પછી તો વિવિધ મેગેઝીનોમાં તેમની કવિતાઓ પ્રગટ થતી રહી. ૨૦૧૩માં યોગેન્દુ જોશી સંપાદિત પુસ્તક “લઈને અગિયારમી દિશા”માં તેમની ગઝલો પ્રકાશિત થઈ. ૨૦૧૬માં મોરારીબાપુની રામકથા અંતર્ગત અબુધાબી (યુ.એ.ઈ.) કાવ્યપાઠ માટે જવાનો મોકો મળ્યો. આકાશવાણી અને દૂરદર્શનમાં તેમણે ઘણી વખત કાવ્યપાઠ કર્યા છે. તાજેતરમાં “સદા સર્વદા કવિતા” પર્વ-૩૮માં તેમને સાંભળીને ખૂબ જ પ્રભાવિત થવાયું. સાદો સીધો એક યુવાન..પ્રત્યેક શેર જાનદાર. નવાં જ કલ્પનો અને સાંભળતાં વેંત ઊભા થઈ દાદ આપી જ દેવાય તેવા ચોટદાર શેરો. નમૂના તરીકે કેટલીક ગઝલો અહીં પ્રસ્તુત છે. તેમની ગ઼ઝલો ‘વેગુ’ ઉપર પ્રસિધ્ધ કરવા માટે આપેલ અનુમતિ બદલ કવિ શ્રી અનંતભાઈનો આનંદસહ આભાર.

-દેવિકા ધ્રુવ – ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

4 comments for “ત્રણ ગ઼ઝલ

 1. February 4, 2018 at 9:18 am

  વાહ! ખુબ સુંદર રચનાઓ. કવિ અને સંપાદકને અભિનંદન.
  સરયૂ પરીખ

 2. February 4, 2018 at 8:33 pm

  ગજબનાક લય. એટલી જ સમૃદ્ધ વિચારોની. ‘ક્ર્ષ્ણ દવે’ બ્રાન્ડ લયના પ્રેમીઓને આ પ્રયોગો ગમી જાય તેવા છે.
  એક યાદ …
  જવાહર બક્ષીએ પણ આવા અવનવા પ્રયોગ્યો કર્યા છે. એક બહુ ગમી ગયેલી રચના તમને પણ ગમશે.

  http://gujlit.com/book-index.php?bIId=1135&name=%E0%AA%AA%E0%AA%B3%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%A4%E0%AB%82%E0%AA%9F%E0%AB%80-%E0%AA%AA%E0%AA%A1%E0%AB%87-/-%E0%AA%9C%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B9%E0%AA%B0-%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80

  આ મારી આંખમાં એક ઝાડવું ઊગ્યાની આખી વાત મેં સૌ ઝાડથી છુપાવી છે.

  ‘ઝાંખરું’ ઊગ્યું – વધારે ચોટદાર અંત ન બનત?

 3. Anila Patel
  February 4, 2018 at 11:50 pm

  “ઝાડવાથી વાત છુપાવી”– “જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી”– વિચાર બહુ અસરકારક લાગ્યો.
  બધી ગઝલ એકદમ સરસ.

 4. Nilesh Rana
  February 21, 2018 at 7:20 am

  sunder man bhavan Gazals Abhinandan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *