





નયના પટેલ
કિશને સ્નેહા માટે રેસ્ટોરંટનું બારણું ખુલ્લું રાખ્યું હતું પરંતુ સ્નેહા ત્યાં આવે તે પહેલાં તો ખુલ્લા બારણામાંથી ભાવિન એક પ્રામમાં બાળકને લઈને નીકળ્યો અને એની સાથે એક અંગ્રેજ યુવતી પણ બહાર આવી.
ભાવિન સ્નેહાને જોઈને આભો બની ગયો અને સ્નેહા ભાવિનને જોઈને હેબતાઈ ગઈ. કિશનનું ધ્યાન સ્વાભાવિક રીતે જ એ લોકો તરફ નહોતું. માત્ર એક ક્ષણમાં આ બધું બની ગયું.
કિશને તરત જ સ્વસ્થતા મેળવી, સ્નેહાને કહ્યું, ‘ ચાલ સ્નેહા.’
ત્યારે છેક ભાવિનનું ધ્યાન કિશન તરફ ગયું. સ્નેહા તો એટલી બધી હત્પ્રભ થઈ ગઈ હતી કે એનો પગ જ આગળ ઉપડતો નહોતો. કિશનને એને રેસ્ટોરંટના દરવાજા તરફ લગભગ ઘસડવી પડી એટલી હેબતાઈ ગઈ હતી.
ભાવિન તો કાંઈ બન્યું ન હોય તેમ પગથિયાં ઊતરી ગયો, પરંતુ પેલી અંગ્રેજ સ્ત્રીને પણ કંઈક અજુગતું બન્યાનો ખ્યાલ આવ્યો, એટલે જ એણે પગથિયાં ઊતરતાં ઊતરતાં પહેલા ભાવિન તરફ અને પછી સ્નેહા અને કિશન તરફ મુંઝવણ ભરી નજરે જોયું. કાંઈ પણ બને તે પહેલા સ્નેહાનો હાથ પકડી રેસ્ટોરંટના મુખ્ય દરવાજામાં પ્રવેશતાં કિશને અને સ્નેહાએ અનાયાસે જ પાછળ વળી જોયું. અને તે જ ક્ષણે ભાવિને એના ફોનનાં કેમેરામાં બન્નેનો ફોટો ઝડપી, કાર તરફ ચાલવા માંડ્યું.
બધું એટલું તો ઝડપથી બન્યું કે એક ક્ષણ માટે તો કિશન પણ ઝંખવાણો પડી ગયો.
સ્નેહામાં ખબર નહી ક્યાંથી સૂઝ અને જોશ આવી ગયું કે તે કિશનનો હાથ છોડાવી , દોડતી પેલી ભાવિનની પાછાળ ચાલતી અંગ્રેજ સ્ત્રી પાસે પહોંચી ગઈ. પ્રામમાંથી બાળકને કાઢી, કારમાં મૂકતાં ભાવિને સ્વપ્ને પણ વિચાર્યું નહોતું કે સ્નેહા પણ એના હર્યા-ભર્યા કુટુંબને વેરવિખેર કરી શકે છે.
‘ એસક્યુઝ મી, વી ડોન્ટ નો ઈચ અધર, બટ ફોર યોર ઈન્ફોર્મેશન ધીસ ઈઝ માય વાયોલન્ટ હસબન્ડ, ઈઝ હી યોર બોઈફ્રેંડ?’ સ્નેહાએ પેલી સ્ત્રીને પૂછ્યું.
એ કાંઈ જવાબ આપે તે પહેલા ભાવિન બાળકને કારમાં નાંખી ઝડપથી એ બન્ને પાસે આવ્યો, પણ એ થોડો મોડો પડ્યો. સ્નેહાને મારવા માટે ઊપાડેલા હાથને કિશને પકડી લેધો હતો અને એની ગર્લફ્રેંડ સુઝાન સ્નેહાની આગળ ઢાલ બનીને ઊભી રહે ગઈ . ભાવિન હાથ છોડવવા ફાંફા મારતો રહ્યો પણ કિશનના કસાયેલા હાથમાંથી છૂટવું સહેલું નહોતું. આ સમયનો લાભ લઈ સ્નેહાએ સૂઝનનાં કાનમાં , એ ભાવિનના ઘરની બાજુના જ ઘરમાં રહે છે એ કહીને કિશન તરફ ફરીને બોલી, ‘ છોડી દે એ નામર્દને કિશન, એ એનું જોર માત્ર સ્ત્રીઓને જ બતાવી શકે છે.’
કિશને ભાવિનનો હાથ છોડતાં કહ્યું, ‘ મેં પણ તારો, સ્નેહાને મારવા જતો ફોટો પાડી લીધો છે અને તે પણ તારીખ અને સમય સાથે ‘ કહી એનો મોબાઈલ ફોન બતાવી, સ્નેહા સાથે ચાલવા માંડ્યું.
ભાવિનની કાર તરફથી જોરથી તમાચો મારવાનો અને સાથે સુઝાનનો ‘ યુ, બાસ્ટ…’ અવાજ આવ્યો. બન્ને જણે પાછળ ફરી જોયું તો ભાવિનને ગાલ પંપાળતો ડ્રાયવરની સીટ તરફ જતાં જોયો.
કિશન અને સ્નેહા અંદર તો ગયા પરંતુ ઑર્ડર લેવાનું બંધ થઈ ગયું હતું. અને આમે ય બન્ને જણનો મૂડ જ બગડી ગયો હતો.
રેસ્ટોરંટનો માલિક કિશનને ઓળખતો હતો એટલે કોફીનો ઑર્ડર લીધો.
બન્ને જણ એક શાંત ખૂણામાં આવેલા ટેબલ પાસે અશાંત ચિત્તે થોડીવાર ચૂપચાપ બેસી રહ્યાં.
કિશને કેટ્લાય દિવસોથી ગોખી રાખેલાં વાક્યો હવા બની કોફીની વરાળ ભેગા ઊડી ગયાં. સ્નેહા તો આમે ય સાંભળવા જ આવી હતી, બોલવાનું તો કિશનને હતું !
છતાંય બોલવાને પહેલ સ્નેહાએ કરી, ‘ થેંક્સ કિશન.’
‘ગૉડ, વોટ અ ડે !, અને એય, તું મને થેન્ક્યુ શાની કહે છે ?’
‘તો બીજુ શું કહું ?’
‘પોતાની વ્યક્તિને થેંક્સ કહી તેનું અપમાન કરવાનું ન હોય, સમજી ?’
સ્નેહાએ એક મો…ટ્ટો નિઃસાસો નાંખાતાં કહ્યું , ‘ આ જન્મે તો,…’
એને આગળ બોલતી અટકાવી કિશને બે હાથ જોડી કહ્યું ,’ પ્લીઝ સ્નેહા, મહેરબાની કર !’
અનાયાસે જ સ્નેહાથી કિશનના જોડાયેલા બે હાથ પકડાઈ ગયાં, ‘ ઓ.કે. બાબા, હું નહી કહું, ક્યારેય નહી કહું, બસ.’
કિશને તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ‘ ગુડ, આમ ડાહી છોકરી બનીને મારે જે કહેવું છે તે સાંભળી લે, ઓ.કે?’
સ્નેહાએ આસ્તેથે તેના હાથમાંથી પોતાનો હાથ છોડાવી લીધો.
કોફીના કપની ધાર પર આંગળી ફેરવતી સ્નેહાનાં કાન કિશનની વાત સાંભળવા તલસી રહ્યા .
એને પોતાને પણ આશ્ચર્ય થયું. હજુ થોડીવાર પહેલા જ નંદાને એણે કહ્યું હતું કે એનું મન સાવ ‘ નમ’ થઈ ગયું છે.
અને…અને આ ઘડીએ તો એ જ મન થનગનતું આવી કાનમાં બેસી ગયું !
‘ જો સ્નેહા, તને ખબર છે, નંદુએ મને તારી બધી વાત કરી છે તે. તારાં લગ્ન પહેલા તને કોઈ વ્યક્તિ ગમતી હતી તે પણ મને ખબર છે. અને છતાં ય હું મારા મનની વાત કરવાની હિંમત કરું છું….’ આઈ લાઈક યુ…એક્ચ્યુલી આઈ લવ યુ!’
થોડી ક્ષણ માટે ખામોશ રહી સ્નેહાના પ્રતિભાવો જોવા કિશન અટક્યો, પછી એક સદ્ગૃહસ્થની જેમ કહ્યું, ‘ હમણા ને હમણા જવાબ નથી માંગતો.. તું શાંતિથી વિચાર કરીને જવાબ આપજે.’
કોફીના કપને ગોળ ગોળ ફેરવતાં સ્નેહાએ સાવ ભાંગેલા સ્વરે કહ્યું, ‘ આ, હમણાં જ જોયું ને ? કાયમ લટકતી તલવાર નીચે જીવવું ગમશે ?’
‘જો સ્નેહા, વિષય ન બદલ, હું ફક્ત એ જાણવા માંગુ છું કે જેમ મને તું ગમે છે તેમ તને હું ગમું છું કે નહી ? બાકીની વાતો પછી, જો તારું મન હા પાડે, તો પછી જેમ હમણા સાથે રહી આપણે એનો સામનો કર્યો તેમ જ ભવિષ્યમાં કરીશું !’
કોઈ પણ પ્રતિભાવો વગરનો સૂમસામ ચહેરો રાખી બેઠેલી સ્નેહાની આંખોમાં કિશને જોયું, ‘ તારા ડિવોર્સનું પતી જવા દે. પછી શાંતિથી વિચારી મને કહેજે, હું ત્યાં સુધી રાહ જોઈશ. એક્વાર જો તું મને કહી દેશે કે તને મારે માટે એવી કોઈ લાગણી થતી જ નથી તો… એજ ક્ષણે મારી લટક્તી આશાઓને હું ડિવોર્સ આપી દઈશ, ઓ.કે.?’ કહી મલક્યો.
એ વાત સ્નેહાએ સાંભળી જ ન હોય તેમ બોલી, ‘ તમને ખબર છે તેમ મને ગમતી વ્યક્તિ-ઓમીને- હું ગમું છું કે નહીં તેની અમે બન્ને ક્યારેય ચોખવટ કરી શક્યા નથી, બીજું એ કે એ એકવાર હા પાડે તો પણ મને નથી લાગતું કે મારા મમ્મી-પપ્પા એ વાત કબૂલ કરે. ત્રીજું અહીં આવ્યા પછી એ શું કરે છે એની પણ મને તો ખબર નથી. ટૂંકમાં મેં એ વાત નંદાને એટલા માટે કહી હતી કે …..ખબર નહીં કેમ મને એવી લાગણી તમારા માટે (એક અસાહાય નજર કિશન તરફ નાંખી, બોલી,)નથી અનુભવી શકતી… બાકી તો આઈ લાઇક યુ.’ કહી સાવ મુંઝવણભરી દૃષ્ટિએ કિશન તરફ જોયું.
સ્નેહા તરફ એક જ નજરથી જોઈ રહેલા કિશન સામે જોઈ, માથું નકારમાં હલાવી બોલી, ‘ માફ કરજો, પણ હમણા મારુ મન એટલું તો ડામાડોળ છે કે મને ….મને કાંઈ સૂઝ પડતી નથી !’
એક મીનિટ તો કિશનને એની નિર્દોષ છતાં ય નિઃસહાય આંખો જોઈ એક હગ આપવા માટે તૈયાર મનને રોકી બોલ્યો, ‘ ટેક યોર ટાઈમ, એન્ડ ડોન્ટ ફીલ એની પ્રેશર. પેલા જાનવરથી એકવાર છૂટકારો મેળવી લે પછી…’
એની વાતને અટકાવી સ્નેહાએ કહ્યું, ‘ પછી તરત મને અહીંની સરકાર ભારત પાછી મોકલી દેશે.’
‘કેમ ?’
‘કારણ મને ભાવિને કાઢી મૂકી તે વખતે લગ્નને પાંચ મહિના ય પૂરા નહોતા થયા.’
‘રીઅલી ?’
‘હં….મારે મારી લાગણીઓની ગૂંચો બને એટલી જલ્દી ઉકેલવી જ પડશે .’ બોલી એક મોટો નિઃસાસો નાંખ્યો.
પછી થોડીવાર વિચારમાં બેસી રહી વળી, માથું નકારાત્મક હલાવી બોલી, ‘ મને બીક છે કિશન, કે એક વાર હું તમારી વાત સ્વીકારું તો ય અહીંની સરકારને લાગશે કે મારે અહીં રહી જવું છે એટલે પ્રેમનું નાટક કરું છું!’
‘ઉફ, તેં પહેલા આ વાત કેમ ન કરી ? આપણે કોઈ સારા સોલિસિટર કે સોશ્યલવર્કર પાસે જઈને આનો રસ્તો શોધતે !’
‘એટલે જ તો કહું છું, મને કાંઈ સમજ પડતી નથી !’ એની આંખોની નિખાલસતાએ કિશનને એના તરફ વધુ આકર્ષ્યો !
‘મમને કે નંદુને આ બધી વાતની ખબર છે ?’
‘ના, એ લોકોની ચિંતામાં ક્યાં વધારો કરું?’
એનાથી એક મોટો નિઃસાસો નંખાઈ ગયો, ‘જો સ્નેહા, અમને પારકા ગણ્યા તે જાણીને તો દુઃખ થયું જ પણ મારો પ્રશ્ન એ છે કે તું એકલી આટલી જટિલ વાતોને ક્યાં સુધી મનમાં સંઘરી રાખીશ? અને, એમ કરવાથી કોઈ સોલ્યુશન મળશે એમ તને લાગે છે ?’
વેઈટર ક્યારનો એ લોકો ઊઠે એની રાહ જોઈને ઊભો હતો. એ લોકોએ આખા રેસ્ટોરંટમાં નજર નાંખી તો આખું રેસ્ટોરંટ ખાલી થઈ ગયું હતું. જલ્દી જલ્દી બિલ ચૂકવી બન્ને જણ રેસ્ટોરંટની બહાર નીકળ્યા ત્યારે રાત્રીના ૧૨ વાગવાની તૈયારી હતી.
કાર પાસે આવતાં જ કિશનના મોઢેથી રાડ નીકળી ગઈ, ‘ ઓહ…..નો!’
ક્રમશઃ
સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com
આવતા અંકની રાહ જોઈશું.
સરયૂ પરીખ
આભાર સર્યુબેન
આભાર સરયુબેન