ગાંધીજીના જીવનના સન્દર્ભે બનેલી ફિલ્મો

Facebooktwitterredditpinterestlinkedinmail

–  નીતિન વ્યાસ

૩૦ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ આપણે ગાંધીજીના જીવન પર બનેલી ફિચર ફિલ્મોનું વિહંગાલોકન કર્યું. આજે હવે તેમના જીવનના સંદર્ભ પરથી બનેલી કેટલીક ફિલ્મોની વાત કરીશું.

2007

“Gandhi, my father”

ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલ ગાંધીના જીવન પર બનેલી આ ફિલ્મના ડિરેક્ટર-પટકથા લેખક હતા ફિરોઝ અબ્બાસ ખાન અને નિર્માતા અનિલ કપૂર.

clip_image002

હરિલાલ ગાંધીના જીવન પર ત્રણથી વધારે પુસ્તકો અને ઘણાં નિબંધો લખાયા છે, જેમાં ચંદુલાલ દલાલનું પુસ્તક “હરિલાલ ગાંધી: એ જ જીવનકથા” અગત્યનું રહ્યું છે. ચંદુલાલ ભગુભાઈ દલાલે ૧૯૩૦9ના મીઠાના સત્યાગ્રહમાં અને ૧૯૪૨ના ‘ભારત છોડો’ આંદોલનમાં ગાંધીજી સાથે ભાગ લીધો હતો, તેઓ સાબરમતી આશ્રમના સંચાલનમાં વ્યસ્ત રહેતા, તેઓ ગાંધી સ્મારક સંગ્રહાલયના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેઓએ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહના ઇતિહાસ ઉપર મહાગ્રંથ લખ્યો છે.

તે સાથે આ ફિલ્મની પટકથાનો આધાર નીલમબેન પરીખના પુસ્તક “ગાંધીજીનું ખોવાયેલું ધન: હરિલાલ” (૨૦૦૧) ઉપર પણ છે. નીલમબેન ગાંધીજીનાં પ્રપૌત્રી છે. તેઓ હરિલાલ અને ગુલાબબેનનાં મોટાં દીકરી રામીબેનનાં દીકરી.  તેઓના કહેવા મુજબ “મારા વડદાદા એક પિતા તરીકે જરા પણ બેદરકાર હતા જ નહીં, એમના જેવા પ્રેમાળ પિતા અને દાદાજી મળવા તે અમારા બધાનું સદ્‌ભાગ્ય છે. પણ મારા પુસ્તકમાંથી થોડી પાનાના સહારે ફિરોઝ ખાને પટકથા લખી, તેમાં ગાંધીજીને પુત્ર તરફ નકારાત્મક વલણવાળા દર્શાવ્યા છે.

આમ જુઓ તો હરિલાલ ગાંધીજીથી ૧૮ વર્ષ નાના છે, ફિલ્મ તેમના પિતાજી સાથે કથળતા સબંધો અને તેને લીધે મળેલી નિષ્ફળતાઓની વાત પર આધારિત છે. જુવાન હરિલાલને પરદેશ ભણવાનાં અને પિતાની જેમ બેરિસ્ટર થવાનાં સ્વપ્ન છે, જયારે પિતા – ગાંધીજી તેને દેશની સેવાના કાર્યમાં જોડાવા કહે છે,પિતાના વિચારોથી વિરૃદ્ધ જઈને હરિલાલ દક્ષિણઆફ્રિકાની રાહ પકડે છે. ભણવામાં, કારકિર્દી બનાવવામાં અને પૈસા રળવામાં એમ દરેક ક્ષેત્રે નિષ્ફળ જતા હરિલાલ જીવનના અધોગતિના માર્ગે વળે છે, દરેક મુશ્કેલીમાં તે પોતાના પિતાની છાયા, હૂંફ અને માર્ગદર્શન ઝંખે છે, પણ પિતાને તેને માટે સમય નથી, હરિલાલ ઇસ્લામ ધર્મ અપનાવે છે, દારૂની લત અને કથળતી તબિયત, રખડુ જીવન જીવતા હરિલાલ બાપની અંતિમ યાત્રામાં જોડાવા દિલ્હી પહોંચે છે, એ માનવ મહેરામણ વચ્ચે યમુનાને કિનારે રાજઘાટ પર પોતાના પિતાને અગ્નિદાહ દેવાનું ભાગ્ય પણ તેમના નસીબમાં નથી.

હરિલાલની ભૂમિકા અક્ષય ખન્ના એ નિભાવી છે, ગાંધીજીની ભૂમિકા દર્શન જરીવાલા અને કસ્તુરબા તરીકે શેફાલી છાયાનો અભિનય ઘણો નોંધપાત્ર રહ્યો છે.

આ ફિલ્મને ૨૦૦૮ના નેશનલ ફિલ્મ એવાર્ડ સહિત ઘણા વિષેશ પુરસ્કાર મળ્યા છે:

આ ફિલ્મનું ટ્રેલર:

આ ફિલ્મમાં આવતું એક સરસ લગ્નગીત

યૂટ્યૂબ અને નેટફ્લિક્સ પર પૂરી ફિલ્મ જોઈ શકાશે. 

યૂટ્યૂબ અને નેટફ્લિક્સ પર પુરી ફિલ્મ જોઈ શકાશે.

2014:

મુઘલવાર મહાત્મા – Welcome Back Gandhi

clip_image004

આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક છે શ્રી એ. બાલકૃષ્ણન છે અને સંગીત ઇલૈયારાજાનું છે.60 વર્ષના ગાળા પછી અત્યારે ગાંધીજી જો પાછા આવે તો અત્યારનું ભારત અને દેશની પરિસ્થિતિ જોઈને એમને કેવુંક લાગે, તેમના સત્યાગ્રહ અને સત્યવચનના સિદ્ધાંતો હાલના સંજોગોમાં કેવા બિનઅસરકારક લાગે તેવા વિષય પર આ ફિલ્મ બની છે. ફક્ત ૪૦0 દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે અને નિર્માણનો ખર્ચ 3 કરોડ રૂપિયા!

ફિલ્મમાં ગાંધીજીની ભૂમિકામાં એસ. કનકરાજ છે જયારે અનુપમ ખેર ચીફ મિનિસ્ટર તરીકે ભૂમિકા ભજવે છે.

“મારી જિંદગી એ જ મારો સંદેશ છે” – સીધીસાદી ભાષામાં ગાંધીજી જીવનનાં મૂલ્યો આપણને શીખવાડી ગયા. આપણે તે બધું જ ભૂલી ગયા. અત્યારના આપણા સમાજ વચ્ચે જો એ જ ગાંધી બાપુ પાછા આવે તો એના શું હાલ થાય? આ સવાલ બહુ સાચો છે, અને ફિલ્મમાં અસરકારક રીતે દર્શાવવામાં દિગ્દર્શક અને પટકથા લેખક મહદ અંશે સફળ થયા છે.

અહીં ટ્રેલર જોશો તો ખ્યાલ આવશે કે દિગ્દર્શક આ ફિલ્મ દ્વારા શું કહેવા માગે છે:

1993

“Sardar

clip_image006

ધર્મજના ડો. હીરુભાઈ એમ. પટેલ ‘એચ. એમ. પટેલ’ તરીકે વધારે જાણીતા છે. એ ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં ભણ્યા, પછી ICS ઓફિસર બન્યા અને વલ્લભભાઈ પટેલ જ્યારે ગૃહ પ્રધાન હતા ત્યારે હીરુભાઈ કેબિનેટ સેક્રેટરી હતા. હીરુભાઈની ઝળહળતી કારકિર્દી ઉપર લખીએ પુસ્તક ભરાઈ જાય, પણ જયારે તેઓ સરદાર પટેલના અને ગૃહખાતાનાં સેક્રેટરી હતા અને તે સમયની તેમની ડાયરીનો ઉલ્લેખ જરૂરી છે જેને આધારે શ્રી વિજય તેંડુલકર સાથે મળી ને “સરદાર” ફિલ્મ ની પટકથા તૈયાર થઈ. ફિલ્મના નિર્માતા પણ એચ. એમ. પટેલ પોતે જ હતા. તદુપરાંત ફિલ્મમાં પોતે પોતાની જ એક અગત્યની ભૂમિકા પણ ભજવી. 

સરદારની ભૂમિકામાં શ્રી પરેશ રાવળ, ગાંધીજી તારીખે શ્રી અન્નુ કપૂર, બેન્જામિન ગિલાની – નહેરુ અને ટોમ ઑલ્ટર લોર્ડ માઉન્ટબેટનના રોલમાં હતા.

દિગ્દર્શન શ્રી કેતન મહેતાનું અને પાર્શ્વ સંગીત વનરાજ ભાટિયાએ આપ્યું હતું. વડીલ બંધુ શ્રી વિઠ્ઠલભાઈ પટેલના આગ્રહથી વલ્લભભાઈ ગાંધીજીની સભામાં જાય છે અને તેમનું ભાષણ સાંભળે છે અને તેઓ સત્યાગ્રહમાં જોડાવાનો નિર્ણય કરે છે. બારડોલીનો સત્યાગ્રહ, ૧૯૪૨નું ભારત છોડો આંદોલન, મહંમદ અલી ઝીણા સાથેનો ખટરાગ, સ્વતંત્રતા અને દેશના ભાગલા, કાશ્મીર સાથેના વલણમાં પંડિત નહેરુના વિચારો સાથે અસંમતિ, દેશી રજવાડાઓનો સ્વતંત્ર ભારતમાં વિલય વગેરે સરદારશ્રીની કારકિર્દીનાં બધાં જ મહત્ત્વનાં પાસાં આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યાં છે.

ભાગ ૧: શરૂઆત


ભાગ : શિમલા પરિષદ


+++++

2000

Dr. Babasaheb Ambedkar

દિર્ગ્દર્શક ડો. શ્રી જબ્બાર પટેલ

clip_image008

મહારાષ્ટ્ર સરકાર અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહયોગથી બનેલી આ ફિલ્મમાં શ્રી બાબાસાહેબ આંબેડકર તરીકે મુખ્ય ભૂમિકા દક્ષિણના સુપરસ્ટાર મમૂટીએ બખૂબી અદા કરેલી. મોહન ગોખલે ગાંધીજીની ભૂમિકામાં હતા. ડૉ.આંબેડકરની સંઘર્ષ કથા, અલ્પસંખ્યકોના અધિકારો, સમાજના નીચલા વર્ગની પ્રજા માટે ન્યાય અને આરક્ષણ, સાથોસાથ ભારતનું સંવિધાન વગેરે મહત્ત્વના મુદ્દાઓ અને તેમાં આંબેડકરનો મહત્વનો ફાળો એ આ ફિલ્મનો મુખ્ય વિષય રહ્યો છે. પટકથા, દિગ્દર્શન અને કલાકારોનો અભિનય ઉત્કૃષ્ટ રહ્યાં છે. આ ફિલ્મ માટે મમૂટીને ૧૯૯૯માં શ્રેષ્ઠ અદાકારનો નેશનલ એવોર્ડ મળ્યો અને ફિલ્મને પણ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નવાજવામાં આવી.

હવે આ ફિલ્મનું એક દૃશ્ય જોઈએ: આંબેડકર ગાંધીજીને મળવા આવ્યા છે,  અહીં જોવા મળે છે કે ગાંધીજીને સામે બેઠેલા આંબેડકર અને તેમના સાથીઓની અવગણના કરતા દર્શાવવામાં આવ્યા છે અને બાજુમાં બેસીને રેંટિયો ચલાવતાં મીરાબેન પર વધુ ધ્યાન આપતા દેખાડવામાં આવ્યા છે.

++++

2000

हे राम

અદાકાર, લેખક અને દિગ્દર્શક કમલ હાસનનું એક મહત્વાકાંક્ષી નિર્માણ, તામિલ અને હિન્દીભાષામાં એક સાથે પ્રદર્શિત:

આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં હિન્દી અને તમિલ સિનેમા સાથે સંકળાયેલા ઘણા કલાકારોએ ભૂમિકાઓ કરી છે, જેમ કે શાહરુખ ખાન, નસીરુદ્દીન શાહ, રાણી મુખર્જી, હેમા માલિની, અતુલ કુલકર્ણી, સૌરભ શુક્લ, ગિરીશ કર્નાડ, સોવકાર જાનકી, વસુંધરા દાસ, ફરીદા જલાલ, ઓમ પુરી, કવિગનર વાલી, શ્રુતિ હાસન, નિકિતા પાલેકર વગેરે. ઉપરાંત ફિલ્મના અંત ભાગમાં ગાંધીજીના પૌત્ર તુષાર ગાંધી પણ આવે છે.

clip_image010

તારીખ ૫ ડિસેમ્બર ૧૯૯૯. અયોધ્યામાં થયેલા બાબરી વિધ્વંસને સાત વર્ષ થયાં છે. પુરાતત્વવેત્તા અને સમાજના આગેવાન ગણાતા સાકેત રામ મદ્રાસની એક હોસ્પિટલમાં મરણ પથારીએ છે, તેમની ઉમર ૮૯ વર્ષની છે. બંગાળના ભાગલા, હિંદુ-મુસ્લિમ હુલ્લડો, અંગ્રેજી સરકારના અમાનુષી અત્યાચારો, અને બધા સામે સત્યાગ્રહના હથિયારથી લડતા ગાંધી. આ બધો ઇતિહાસ સાકેત રામ જીવી ગયા છે. હોસ્પિટલમાં તેમની સાથે તેમનો પૌત્ર રહે છે, એ જુવાન, એક ઐતિહાસિક નવલકથા લખનારો સફળ લેખક છે. તે દાદાની સંઘર્ષની વાતો સાંભળીને મોટો થયો છે. અને તેમની એક વાત દાદાની ગાંધીજી બાબતમાં ગેરસમજ અને તેમની હત્યા કરવાની યોજના. પણ એક વખત ગાંધીજીને મળ્યા અને જાણ્યા પછી તેમના જીવનમાં મોટું પરિવર્તન આવે છે.

લગભગ સાડાત્રણ કલ્લાક લાંબી આ ફિલ્મમાં ઘણા તાણાવાણા જોડવામાં આવ્યા છે. ગાંધીજીની ભૂમિકામાં નસીરુદ્દીન શાહનો અભિનય ઉત્કૃષ્ટ રહ્યો છે:

આ દૃશ્ય જુઓ:

++++

2002

The Legend of Bhagat Singh

clip_image012
શ્રેષ્ઠ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, ફિલ્મફેર અને ઝી ફિલ્મ એવાર્ડથી સન્માનિત આ ફિલ્મ રાજકુમાર સંતોષીના દિગ્દર્શનમાં બની છે. પટકથા લખનાર છે, ભાવનગર પાસે તળાજા ગામના અર્જુન રજબઅલી. તેઓ મુંબઈમાં લગભગ 20 વરસથી વસી ગયા છે અને ફિલ્મોની પટકથાઓ લખે છે.

માર્ચ ૨૩, ૧૯૩૧ની રાત અને ૨૪મીની વહેલી સવાર, ભગતસિંહ ને ફાંસી અપાઈ ગઈ છે. બ્રિટિશ સરકાર તેમનો પાર્થિવ દેહ સગેવગે કરવાના પ્રયત્નોમાં છે….અને અહીંથી ભગતસિંહની જીવનકથા ફ્લૅશબૅકમાં શરૂ થાય છે.

ભગતસિંહની ભૂમિકામાં અજય દેવગણ છે જ્યારે ગાંધીજીનો રોલ સુરેન્દ્ર રાજને નિભાવ્યો છે. ફિલ્મનું સંગીત શ્રી એ. આર. રહેમાનનું છે.

ભગતસિંહ અને ગાંધીજીના વિચારો તદ્દન જુદા છે. અહીં આ ૨૦ મિનિટની ક્લિપમાં ફિલ્મનાં સંકલિત દૃશ્યો જોઈ શકાશે.

+++++

2001

Vir Savarkar

ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષનો અગત્યનો ઇતિહાસ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યો છે.

જનતા પાસેથી ભંડોળ ભેગું કરીને વીર સાવરકરના જીવન પર આ ફિલ્મનું નિર્માણ પુના સ્થિત સાવરકર દર્શન પ્રતિષ્ઠાન દ્વારા કરવામાં આવ્યું. આ ફિલ્મની ગુજરાતી આવૃત્તિનું અનાવરણ ૨૦૧૨માં તે સમયના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. 

clip_image014

શૈલેન્દ્ર ગૌર અને સુરેન્દ્ર મોહન અનુક્રમે વીર સાવરકર અને ગાંધીજીની ભૂમિકામાં હતા. વેદ રાહીનું દિગ્દર્શન અને સંગીત સુધીર ફડકેનું હતું,

ફિલ્મ ચાર ભાગમાં વહેંચાયેલી છે: પહેલા ભાગમાં સાવરકરનું વિલાયત ભણવા જવું, દરમ્યાન ભારતમાં તેમના પર એક બૉમ્બ વિસ્ફોટના બનાવમાં સંડોવણીનો આરોપ અને તેમની ધરપકડ માટે વૉરંટ, બચવા માટે યુરોપ જવું, ત્યાંથી કેદી તરીકે લઈ જતી બોટમાંથી મધદરિયે કૂદીને ભાગી જવું, તેમનો અંડમાનમાં કારાવાસ વગેરે ઘટનાઓને આવરી લેવાઈ છે.  પૅરિસમાં તેમનો વસવાટ માદામ કામાના નિવાસસ્થાને છે, માદામ ભીકાજી કામા ૧૮૯૬માં મુંબઈમાં પ્રસરેલા પ્લેગના મહારોગ સામે લોકોને એક નર્સ તરીકે સેવા આપે છે અને તે દરમ્યાન તે પોતે એ જ રોગના શિકાર બને છે, તેમનાં પતિ તેમને હવાફેર માટે પેરિસ લઈ આવ્યા છે, માદામ કામા સાવરકરનાં ગુરુ છે.

ફિલ્મના ત્રીજા ભાગમાં હિન્દુત્વ અને વર્ણવ્યવસ્થાના વિચારો સાથે ગાંધીજી સાથે અસંમત અથવા તો મતભેદ થવો ત્યાં સુધીની વાતનો સમાવેશ છે. સાવરકરને ગાંધીજીનું મુસ્લિમો પ્રત્યેનું કુણું વલણ પણ જચતું નથી, હિન્દુ મહાસભાનું કાર્ય, સુભાષચન્દ્ર બોઝ સાથે મુલાકાત, દેશની સ્વતંત્રતા માટે હથિયાર હાથમાં લઈ અંગ્રેજ સરકાર સામે યુદ્ધ માટે પડકાર, વર્ણભેદ ભૂલી હિન્દુઓની એકતા અને સંગઠન માટે હાકલ, ભારતને એક હિન્દુરાજ્ય બનવાનું સ્વપ્ન…ફિલ્મનું છેલ્લું દૃશ્ય 15મી ઓગસ્ટ 1947 નું છે, સાવરકર બંને હાથોમાં ધ્વજ લઈને બહાર નીકળે છે, એક હાથમાં ત્રિરંગો છે અને બીજા હાથમાં હિન્દુત્વના પ્રતીકરૂપે ભગવો ઝંડો છે.

ફિલ્મ બનાવવાના ખર્ચને પહોંચી વળવા અને ભંડોળ ભેગું કરવા ઘણાં બધાંએ મહેનત કરેલી તેમાં અટલબિહારી બાજપાઈ, આશા ભોંસલે, લતા મંગેશકર, સુધીર ફડકે વગેરે હતા.

અહીં જુઓ આ ફિલ્મનો ત્રીજો અને અંતિમ ભાગ: ગાંધીજી અને સાવરકર વચ્ચે મેળાપ અને ચર્ચા:

++++

2005

Water

કેનેડા સ્થિત દીપા મહેતા પોતે જુદા જુદા વિષયો પર કલાત્મક ફિલ્મ બનાવવા માટે ઘણાં જાણીતાં છે. આ ફિલ્મ કાશીમાં ગંગા કિનારે ચાલતા એક વિધવા આશ્રમમાં રહેતી સ્ત્રીઓની પરિસ્થિતિ બાબત છે. હિન્દુ સમાજમાં સ્ત્રીનું વિધવા થવું એ બીનાને શાપરૂપ ગણવામાં આવે છે, 

clip_image016

ફિલ્મમાં સમય દેખાડ્યો છે વર્ષ ૧૯૩૮. બાળલગ્નો સામાન્ય છે, આશ્રમમાં એક ૮ વર્ષની દીકરી પ્રવેશે છે, તેનું નામ છે – ચૂઈ. તેને લગ્ન શું અને વૈધવ્ય શું તેનું પણ ભાન નથી. તેને સફેદ સાડી અને માથે મુંડન કરાવી તેનાં કુટુંબીજનો આ આશ્રમમાં છોડી જાય છે. હવે પછીનું જીવન ઈશ્વરભક્તિ, ત્યાગ અને વૈરાગમાં વિતાવવાનું છે. આશ્રમના એ જૂના જર્જરિત મકાનમાં બીજી ૧૪ જેટલી વિધવાઓ રહે છે. લગભગ ૭૦ની આસપાસની મનોરમા આશ્રમની મુખ્યા છે અને અફીણની બંધાણી છે. એક દલાલ આશ્રમની જુવાન વિધવાઓ માટે ઘરાક ગોતી લાવવાનો ધંધો કરે છે. આ જુવાન ખૂબસૂરત કલ્યાણીને એક આદર્શવાદી ઉચ્ચ કુટુંબનો યુવા નારાયણ ગમી જાય છે જે ગાંધીજીનો અનુયાયી છે.

લિસા રે -કલ્યાણી, જ્હોન એબ્રાહમ – નારાયણ, વહીદા રહેમાન – નારાયણની મા, ભગવતીની ભૂમિકામાં છે અને સરલા કરીવાસમ -ચૂઈ અને છેલ્લા સીનમાં આવતા ગાંધીજીની ભૂમિકામાં મોહન જંગિયાણી હતા.

આશ્રમમાં નર્ક સમાન જીવનમાંથી બહાર નીકળવાનાં સપનાંમાં કલ્યાણી રાચે છે. જે પોતાના માટે શક્ય થતું નથી, પણ પેલી બાળવિધવા ચૂઈને ગમે તેમ કરીને છોડાવવાનો નિશ્ચય કરે છે, નારાયણ દ્વારા જાણવા મળે છે કે ગાંધીજી ટ્રેઈનમાં કલકત્તા જતાં વારાણસી સ્ટેશન પર બધાને મળવાના છે. નારાયણ તો ગાંધીજી સાથે કલકત્તા જવાનો છે, કલ્યાણી ચૂઈની સાથે આશ્રમમાંથી ભાગીને સ્ટેશને પહોંચે છે અને ભીડમાં ગાંધીજીને દૂરથી જૂએ છે, પણ તેમના સુધી પહોંચી શકતી નથી. એ બીજા જુદા કમ્પાર્ટમેન્ટમાં જતા નારાયણને હવાલે ચૂઈને સોંપી દે છે, જેથી તે નાની એવી દીકરીનું જીવન સુધારે. સંગીત એ. આર. રહેમાનનું છે. આ ફિલ્મને ઘણા એવોર્ડ મળ્યા અને Best Foreign Film Category માં ઓસ્કર માટે પણ નામાંકિત થઈ હતી. 

2006

Lage Raho Munnabhai

clip_image018

ગાંધીજી ની વિચારધારા ને કેન્દ્ર બનાવી તેનો આદર કરતી એક સફળ મનોરંજક હિન્દી ફિલ્મમાં “લગેરહો મુન્નાભાઈ” મોખરે આવેછે, દિર્ગ્દર્શક તરીકે બીજી અને પટકથા લેખક તરીકેની શ્રી રાજકુમાર હીરાણી આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં તેઓ બંને ક્ષેત્રે સફળ થયા છે.

ગાંધીગીરીના ગુણગાન ગાતી આ ફિલ્મમાં તેના મુખ્ય પાત્ર મુન્નાભાઈને ગાંધીજી ભ્રમણા માં આવેછે. આ ભ્રામક્તા સમયે તેને ગાંધીજી સદેહે દેખાય છે, તેની સાથે વાતો કરેછે, પ્રશ્નો ચર્ચે છે અને ગાંધીજી એ દર્શાવેલા માર્ગ પર ચાલીને કપરા સંજોગોમાંથી બહાર નીકળી સફળતા મેળવેછે. મુખ્ય પાત્ર માં સંજય દત્ત છે અને ગાંધીજી તરીકે પુના ના કલાકાર દિલીપ પ્રભાવલકર મહદ અંશે સફળ રહ્યા છે. ફિલ્મમાં ગાંધીજીના આદર્શો અને વિચારો ની તર્કશુદ્ધતા દર્શાવવામાં પટકથા લેખક તારીખે વિધુ વિનોદ ચોપરા અને રાજકુમા સંતોષીને નેશનલ ફિલ્મ એવાર્ડ્સ થી નવાજવામાં આવેલા.

આ ગાંધીજીની ભૂમિકા કરતા શ્રી દિલીપ પ્રભાવલકર  M.Sc. ભણેલા છે ,યુનિલીવર અને ભાભા એટોમિકમાં કાર્યરત હતા. નાટકો અને રંગભૂમિ સાથે તેમનો ગહેરો સબંધ। તેમણે ગાંધીજીને એક ઠરેલ અને આનંદી વ્યક્તિ તારીખે પરદા પર રજુ કર્યા છે.

ન્યુયોર્ક ખાતેનાં યુનાઇટેડ નેશનના હેડ ક્વાર્ટરમાં  “લગેરહો મુન્નાભાઈ” એ પહેલી હિન્દી ફિલ્મ પ્રદર્શિત થયેલી.

આ ફિલ્મના થોડાક સીનમાં  જોઈએ ગાંધીગીરી:

સીન નં. 2

સીન નં. 3

સીન નં. 4

સીન નં.5

આખી ફિલ્મ યુટ્યુબ પર જોવા મળશે।

આ ફિલ્મ ફરી તેલુગુ ભાષામાં બનાવવામાં આવેલી: “શંકરદાદા ઝિંદાબાદ” નાં શીર્ષકથી.

તેમાં પણ ગાંધીની ભૂમિકામાં દિલીપ પ્રભાવલકર અને મુન્નાભાઈની ભૂમિકામાં  ચિરંજીવી હતા.

2005

“Netaji Subhashchandra Bose: The Forgotten Hero”

clip_image019

જર્મન પ્રોડ્યૂસર બાર્બરા વોન વ્રેન્ગાલ, ભારતના રાજ પાયસ અને દિર્ગ્દર્શક શ્યામ બેનેગલ, પટકથા લેખકો અતુલ તિવારી અને શમા ઝૈદી – આ ટીમે ભેગા મળીને સુભાષ ચંદ્ર બોઝની જીવન કથા ઉપર બનાવેલી આ ફિલ્મ 2005માં રિલીઝ થયેલી. સંગીત એ. આર. રહેમાનનું હતું. સચિન ખેડેકર બોઝ ની ભૂમિકામાં અસરકારક અને સફળ રહયા છે.

મહાત્મા ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ બંનેનું ધ્યેય અને સ્વપ્ન એક જ હતું – આઝાદ ભારત, પણ તેના આઝાદી મેળવવાના માટે બંનેના રસ્તાઓ અલગ હતા – રાજકીય વિચારોમાં મતભેદ મોટો હતો, 

ફિલ્મની શરૂઆત 1939ની સાલ અને ત્રિપુરામાં કોંગ્રેસની મિટિંગ, સુભાષ ચંદ્ર બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમને ખબર મળે છે કે તેમના ચૂંટાવાથી ગાંધીજી નાખુશ છે. એટલે બોઝ ગાંધીજી ને મળવા જાય છે. પછી શું થાય છે તે ફિલ્મનાં પહેલા જ દ્રશ્ય બતાવ્યું છે:

ફિલ્મમાં સુરેન્દ્ર રાજન ગાંધીજી તરીકે ભૂમિકા ભજવે છે:

આ દ્રશ્ય જુઓ:

ફિલ્મનું બીજું સબળ અંગ છે તે તેનું સંગીત:: એ. આર. રહેમાનની બંદિશ અને જાવેદ અખ્તરનાં ગીતો કર્ણપ્રિય રહયા છે: બેકગ્રાઉન્ડ મ્યુઝિક માર્ક ડન્કલેના નેજા હેઠળ ઝેક ફિલહાર્મોનિક ઓર્કેસ્ટ્રાનું છે. ગીત “કદમ કદમ બઢાયે જા ખુશી કે ગીત ગાયેજા”

आज़ाद हिंद फ़ौज कौमी तराना : આ જન ગણ મનના શબ્દો સાંભળો

ફિલ્મ બાબત વિવાદાસ્પદ દ્રષ્ટિકોણનો સામનો શ્યામ બેનેગલને ફિલ્મના કલકત્તાના પ્રીમિયર સમયે કરવો પડેલો. બંગાળનાં ફોરવર્ડ બ્લોકના નેતાઓ શુભાષ ચંદ્રનાં લગ્ન ઓસ્ટ્રિયાના એમિલી સ્કૅનકી સાથે 1937માં થયેલા અને 1945 ની સાલમાં હવાઈ દુર્ઘટનામાં તેઓ મરણ પામેલા તે દ્રશ્યો સામે વિરોધ હતો અને ફિલ્મમાંથી દૂર કરવાના હિમાયતી હતા. આ આંદોલન એવું તો જોરદાર હતું કે શૉ બંધ રાખવા પડેલા !

ફિલ્મમાં સુભાષ ચન્દ્ર અને એમિલીનાં લગ્ન:

આ ફિલ્મને આર્ટ ડાયરેક્શન માટે નેશનલ એવાર્ડ મળ્યો હતો અને રાષ્ટ્રય એકીકરણ (National Integration) માટે નરગીસ દત્ત પારિતોષિક એનાયત થયેલું.

+++++

2005

Maine Gandhi Ko Nahi Mara

clip_image020

એક માનસિક તણાવ, એલ્ઝાઈમર અને પોતે ગુનેગાર છે તેવી ભ્રમણાઓથી પીડાતા પ્રોફેસરની વાત આ ફિલ્મમાં છે. આ ફિલ્મ ના દિર્ગદર્શક છે જહ્નુ બરૂઆ, તેમને સને 2006, જાપાનમાં આયોજિત The Fukuoka International Film Festival માં આ ફિલ્મનાં શ્રેષ્ઠ દિર્ગદર્શન માટે એવાર્ડ મળેલો।

બે નાના ભાઈઓ ડાર્ટ ફેંકવાની રમત રમતા હોય છે, એક પૂઠું તૈયાર કરે તેના પર કોઈ એક ચિત્રવાળો કાગળ ચીટકાડે. પછી તેના પર લાલરંગના પાણી ભરેલા ફુગ્ગા લટકાડે. ડાર્ટથી એ પુંઠા પરના ફુગ્ગા ને ફોડવાનો – આવી રમત. મોટોભાઈ ડાર્ટ બરાબર નિશાન લઇ અને ફુગ્ગા પર મારે છે, ફુગ્ગો ફૂટેછે, લાલ રંગનું પ્રવાહી પેલા ચિત્ર પર ફરી વળે છે, તે દોડી ને પુઠા પર ખુંપેલા ડાર્ટને નીકાળે છે અને તેને તાજ્જુબી થાય છે – નીચે ચિત્ર ગાંધીજીનું છે, આ બનાવ પછી એ માનસિક રોગનો શિકાર બને છે, પોતે ગુન્હેગાર છે તેવી વૃત્તિથી પીડાય છે.

ફિલ્મમાં ગાંધીજીની કોઈ ભૂમિકા નથી, પણ ગાંધીજીની હત્યાના પડઘા અને તેની અસર ઘણી વ્યક્તિઓ ઉપર કેવીક થઈ તેનું વિશ્લેષણ સરસ રીતે દર્શવવામાં દિર્ગ્દર્શક મહદ અંશે સફળ થયા છે.

કેલિફોર્નિયામાં યોજાયેલ રીવર સાઈડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુપમ ખેરને શ્રેષ્ઠ કલાકારનો એવાર્ડ મળેલો. અનુપમ ખેર અને NFDC દ્વારા ફિલ્મ પ્રદર્શિત થયેલી.

આ ફિલ્મ નું ટ્રેલર:

++++

2009

Road to Sangam

લેખક અને દિર્ગ્દર્શક અમિત રાયની આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણા એવોર્ડ્સ મળ્યા છે. એક અલ્લાહથી ડરતા મોટર મિકેનિક હસમત ઉલ્લાહનાં ગેરેજમાં જૂની ફોર્ડ V8 રિપેરિંગ માટે આવે છે. આ ગાડીનાં ઐતિહાસિક મહત્વની તેને લેશ માત્ર ખબર નથી, તેનાં રિપેરિંગના કામમાં લાગ્યો છે.

આ જૂની ફોર્ડ નો ઉપયોગ એક વખત ગાંધીજીના અસ્થિ ત્રિવેણી સંગમમાં પધારવા માટે કરવામાં આવ્યો હતો.

clip_image022

અલ્લાહબાદ ગાંધીજીના અસ્થિવિસર્જનનું આયોજન બહુ ચોકસાઈ થી કરવામાં આવેલું, આ અસ્થિ જુદાજુદા 20 કુંભો કરી આખા દેશમાં જુદે જુદે સ્થળે જનતા માટે દર્શનાર્થે મોકલાવવામાં આવેલા, નિર્ધારિત સમયે 1948 માં અલ્હાબાદ લાવી તેનું વિસર્જન કરવામાં આવેલું, આ વિસર્જન પછી ઘણા વરસો બાદ સ્ટેટ બેન્ક ઓફ ઉત્તર પ્રદેશનાં લોકરમાંથી ગાંધીજીનાં થોડા અસ્થિ ભરેલો એક ઘડો મળી આવ્યો. ગાંધીજીના પૌત્ર પોતે વારસદાર તરીકે તેનો ક્લેઈમ કોર્ટ માં નોંધાવે છે, અસ્થિનો કબ્જો મળ્યા પછી તે જ ફોર્ડ ગાડીમાં સંગમમાં પધરાવવાનું નક્કી થાય છે.

જે દિવસે કોર્ટમાં ચુકાદો આવવાનો હોય છે તે દિવસે બૉમ્બ વિસ્ફોટ કોર્ટનાં કમ્પાઉન્ડમાં થાય છે અને તેના પ્રત્યઘાત રૂપે કોમી રમખાણો ફાટી નીકળે છે.

મુસ્લિમ સમુદાયમાં ખળભળી ઉઠે છે, આગેવાનો એ ફોર્ડ ગાડીને રીપેર નહિ કરવા માટે હસમત ઉલ્લાહને સમજાવે છે, પણ તેના વિચારો કૈક જુદા છે.

પરેશ રાવલ મુખ્ય ભૂમિકામાં છે.

અહીં તેનું ટ્રેલર પ્રસ્તુત છે

+++++

2011

Dear Friend Hitler

clip_image024

દિર્ગ્દર્શક અને પટકથા લેખક રાકેશ રંજન કુમાર અને પ્રોડ્યૂસર ડો. અનીલકુમાર શર્માની આ ફિલ્મમાં 1942 બીજા વિશ્વ યુદ્ધના સમય દરમ્યાન ગાંધીજીએ જર્મનીના સરમુખત્યાર હિટલરને પત્ર લખેલો તેવો ઉલ્લેખ છે. આ ફિલ્મ એક જર્મન ફિલ્મ, The Downfall પર આધારિત છે.

ફિલ્મમાં હિટલરના આખરી સમયની વાત વણવામાં આવી છે. જર્મની હારવાની અણીએ છે.  હિટલર બંકર માં રહે છે. ઈવા જેની સાથે તેણે લગ્ન કર્યાં છે તે પણ ત્યાં જ રહેતી હોય છે. આ સમય દરમ્યાન ગાંધીજી તેને પત્ર લખે છે તેમાં સંબોધન છે, “Dear friend”. . 

ડિસેમ્બર 24, 1940 ના રોજ ગાંધીજી એ લખેલો આ પત્ર નીચે આપેલી વેબસાઈટ પર વાંચી શકશો:

http://www.mkgandhi.org/ letters/hitler_ltr1.htm

આ પત્ર કદી હિટલર સુધી પહોંચેલો નહિ.

ફિલ્મમાં ગાંધીજીની વિચારધારા અને હિટલરના નાઝીવાદની સરખામણી કરી છે અને ગાંધીવાદને સર્વોચ્ચ દર્શવવામાં આવ્યો છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ દર્શાવવામાં આવી હતી અને ત્યારબાદ 29 જુલાઈ 2011 માં ભારતમાં પ્રદર્શિત થયેલી।

દિલ્હીમાં રહેતા તખ્તા અને ફિલ્મોમાં આવતા કલાકાર અવિજિત દત્તે ગાંધીજીની ભૂમિકાને ન્યાય આપેલો. રઘુવીર યાદવ હિટલરના રોલમાં હતા. એ ભૂમિકા પહેલાં અનુપમ ખેર કરવાના હતા પણ ભારત સ્થિત યહૂદી સંગઠનોએ વાંધો દાખવવાથી ખેર ફિલ્મમાંથી ખસી ગયેલા. પ્રોડ્યુસરે તેમના ઉપર અદાલતમાં કેસ દાખલ કરેલો.

બ્રિટનનાં અખબાર, The Guardian  ફિલ્મ વિષે ટીકા કરતાં આ ફિલ્મને ગંભીર રીતે ગેરમાર્ગે દોરવતી જાહેરાત કરી હતી અને ઇતિહાસના આઘાતજનક અજ્ઞાનનો નમૂનો છે તેમ લખેલું.

આખી ફિલ્મ યુટ્યુબ પર જોઈ શકાશે, અહીં પ્રસ્તુત છે એક દ્રશ્ય:

++++++

2016

Gandhi, My Mentor

clip_image025

પ્રથમ તખ્તા ઉપર અને પછી ફિલ્મ રૂપે “Gandhi, My Mentor” ની રજૂઆત થઇ. શ્રી નિલય દવે લિખિત નાટક,પટકથા, દિર્ગ્દર્શક અને મુખ્ય કલાકાર- આ ફિલ્મ પર ધ્યાન એટલે ગયું કે ગાંધીજીના પુત્ર શ્રી રાજમોહન ગાંધી આ પટકથા અને પ્રસ્તુતિ ઉપર પોતે મહોર મારી છે. આ ઇન્ટરવ્યૂ જુવો:

ફિલ્મનું ટ્રેલર:ગાંધીજીની ભૂમિકામાં દીપક અંતાણી અને કસ્તુરબાની ભૂમિકામાં બીજલ જોશી.

ફિલ્મ ઘણા ભાગમાં યુટ્યુબ પર જોઈ શકાશે।.

++++

2017

Viceroy’s House

clip_image027

વિલાયતમાં રહેતા ફિલ્મ ડિરેક્ટર શ્રીમતી ગુરિન્દર ચઢ્ઢાની BBC અને 20th Century Fox ના સહયોગ થઇ પ્રદર્શિત થયેલી આ ફિલ્મમાં દિલ્હીમાં રહેતા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન, તેમના પત્ની એડવીના, જવાહરલાલ નહેરુ, ઝીણા, વલ્લભભાઈ, ગાંધીજી, ભારતના ભાગલા, અને તે સમયનો માહોલ દર્શાવવામાં આવ્યો છે. તે સમયમાં ઘટતા રાજકીય બનાવો, અલગતા વાદ, રમખાણો, તેમાં અધૂરા રહેતા પ્રેમ સબંધો અને સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મની માવજત દાદા માંગીલે તેવી છે. દિલ્હીના તખ્તાના કલાકાર  નીરજ કબી મહાત્મા ગાંધીના રોલમાં છે.

ગુરિન્દર ચઢ્ઢા કહેછે કે આ ફિલ્મ તે વર્ષોના પોતાના અંગત અનુભવોના આધારે બનાવી છે.

આ ઇન્ટરવ્યૂમાં તેમને સાંભળો ‘

અહીં ટ્રેલર પ્રસ્તુત છે:

++++++

આ લેખમાળાના અંતમાં, 15 ઓગસ્ટ 1947ના બનાવોને આવરી લેતી, એક અલભ્ય દસ્તાવેજી ફિલ્મ અહીં પ્રસ્તુત છે. સમલકાલીન ભારત, બ્રિટિશ શાસનનો અંત અને વાઇસરોય તરીકે પોતાની વિદાય:

આ ફિલ્મમાં અર્લ માઉન્ટબેટનના પોતાના અવાજમાં:

15મી ઓગસ્ટ 1947ને દિવસે દિલ્હીમાં બની રહેલી ઘટનાઓમાં ગાંધીજી ક્યાંય નથી. તે સમયે તેઓ નોઆખલીમાં થતી હિંસા સામે બાથ ભીડતા હતા…………


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.

2 comments for “ગાંધીજીના જીવનના સન્દર્ભે બનેલી ફિલ્મો

  1. Rajnikant Vyas
    February 3, 2018 at 11:34 am

    ખૂબ સુંદર અને દુર્લભ સંકલન. આભાર નીતિનભાઇ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *