રાધાને લગતાં ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

રાધા અને કૃષ્ણ – આ શબ્દો સાંભળતા જ આપણને સાત્વિક પ્રેમની યાદ આવે કારણ જગતમાં અન્ય મશહૂર પ્રેમી જોડીઓ તો છે પણ આ બધામાં રાધાકૃષ્ણની જોડી પહેલા ક્રમાંકે આવે તેમાં બે મત નથી. તો પછી આપણી હિન્દી ફિલ્મો તેમાંથી કેમ બાકાત રહે? પ્રેમસંબંધને લક્ષમાં રાખીને ફિલ્મોમાં રાધા ઉપર અનેક ગીતો રચાયા છે જેનો આસ્વાદ આ લેખમાં લેશું.

સૌ પ્રથમ યાદ આવે ૧૯૫૩મા આવેલી ફિલ્મ ‘પરિણીતા’નું આ ગીત જે એક પ્રતીકાત્મક ગીત છે. કોઈક કારણસર મીનાકુમારી અને અશોકકુમાર વચ્ચે મનદુ:ખ થાય છે અને મીનાકુમારી ઓરડાની બહાર નીકળી જાય છે ત્યારે એક અજાણ ભિક્ષુક્ના કંઠે આ ગીત સંભળાય છે:

चली राधे रानी भरी अखियोमे पानी
अपने मोहन से मुखड़ा मोड़ के

ગીતના શબ્દોમાં જાણે મીનાકુમારીની વ્યથા વ્યક્ત થઇ હોય તેમ લાગે છે. ગીતકાર ભરત વ્યાસ, સંગીતકાર અરૂણકુમાર અને ગાનાર કલાકાર મન્નાડે.

ત્યાર પછીના વર્ષે એટલે કે ૧૯૫૪મા આવેલી ફિલ્મ ‘અમર’માં ગીત છે:

राधा के प्यारे क्रिष्ण कन्हाई
तेरी दुहाई, तेरी दुहाई

કૃષ્ણની ભક્તિમાં પણ રાધાને યાદ કર્યા વિના નથી રહેવાતું તે આ ગીત દ્વારા જાણી શકાય છે.

ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું. નિમ્મી પર રચાયેલ આ ગીતને કંઠ મળ્યો છે આશા ભોસલેનો.

૧૯૬૦ની ફિલ્મ ‘કોહીનુર’નું આ ગીત એક નૃત્ય ગીત છે જે કુમકુમ અને દિલીપકુમાર.પર ફિલ્માવાયું છે.

मधुबन में राधिका नाचे रे
गिरिधर की मुरलिया बाजे रे

આ ગીતમાં પણ શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત છે નૌશાદનું. સ્વર છે રફીસાહેબનો.

૧૯૬૫ની ફિલ્મ ‘પૂર્ણિમા’માં રાધાકૃષ્ણને લગતા એક નૃત્યનું આયોજન છે જેમાં રાધા તરીકે મીનાકુમારી અને કૃષ્ણ તરીકે ધર્મેન્દ્ર છે. ગીતમાં દર્શાવાયું છે કે શરદપૂનમની ચાંદની છે અને રાસ રમવાને બદલે રાધા કૃષ્ણથી રીસાઈ ગઈ છે ત્યારે કૃષ્ણની વાંસળીના સૂર સાંભળી રાધાની સખીઓ તેને પૂછે છે કે તું કેમ કૃષ્ણથી રીસાઈ ગઈ છે.

शरद चन्द्र की पूर्णिमा रस बरसाती रात
कजन तले कान्हा खड़े लिए मुरलिया रास

ગીતમાં આગળ રાધા પોતાની રીસનું કારણ જણાવે છે એટલે કૃષ્ણ તેને મનાવવા તેના વખાણ કરતાં શબ્દો વાપરે છે. આ શબ્દો છે ભરત વ્યાસના જેને સંગીતે મઢ્યા છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકાર સુમન કલ્યાણપુર અને મુકેશ.

એક જુદી જ કલ્પનાવાળું ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘મેરા નામ જોહર’નું. જેમાં કહેવાય છે કે કૃષ્ણ જો રાધા હોત અને રાધા ઘનશ્યામ તો શું થતે?

कृष्ण अगर तुम राधा होते मै होती घनश्याम
बोलो क्या होता बोलो क्या होता

આ ગીત પણ એક નૃત્યગીતત્ના રૂપમાં છે પણ કલાકારોના નામ નથી જણાવાયા. પુરૂષ કલાકાર ગોપીકીસન જણાય છે. ગીતના શબ્દો છે અસદ ભોપાલીના અને સંગીત ઉષા ખન્નાનું. ગાનાર કલાકારો સુમન કલ્યાણપુર અને મુકેશ.

૧૯૬૮મા આવેલી નૂતનની ફિલ્મ ‘ગૌરી’માં અંધ નૂતન સ્વપ્નોની દુનિયામાં કલ્પના કરે છે અને પોતાને રાધા સમજી પોતાની આંખોમાં શ્યામ ડોલે છે એવા ભાવાર્થવાળું ગીત ગાય છે.

मोर बोले चकोर बोले
आज राधा के नैनो में श्याम डोले

રાજીન્દર ક્રિષ્ણનાં શબ્દોને સજાવ્યા છે રવિએ જેને સ્વર આપ્યો છે લતાજીએ.

દેવઆનંદની રાહ જોતી મુમતાઝ કહે છે કે જેમ રાધાએ શ્યામની માળા રટી હતી તેમ મેં પણ તારા નામની ચૂંદડી ઓઢી છે.

जैसे राधाने माला जपी श्याम की
मैंने ओढी चुनरिया तेरे नाम की

૧૯૭૧ની ફિલ્મ ‘તેરે મેરે સપને’નું આ ગીત ગાયું છે લતાજીએ. ગીતના શબ્દો નીરજના અને સંગીત સચિન દેવ બર્મનનું.

રાધા અને મીરા બંને કૃષ્ણઘેલી. પણ બંનેના પ્રેમમાં ફરક. આના સંદર્ભમાં ૧૯૭૫ની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’માં ગીત છે:

श्याम तेरी बंसी पुकारे राधा नाम
लोग करे मीरा को युही बदनाम

સચિન, સારિકા અને ખ્યાતિ આ ફિલ્મના કલાકારો છે જેમને ફિલ્મમાં શ્યામ, રાધા અને મીરા એવા નામ અપાયા છે. ગીત અને સંગીત રવીન્દ્ર જૈનના અને સ્વર છે આરતી મુખર્જી અને જસપાલ સિંઘના.

કૃષ્ણ શ્યામ રંગ અને રાધા ગોરી. આથી બાળકૃષ્ણને સવાલ થાય છે કે આ ભેદ કેમ એટલે તે જશોદામાને સવાલ કરે છે:

यशोमती मैया से बोले नंदलाला
राधा क्यों गोरी मै क्यों काला

૧૯૭૮ની ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’નું આ ભજન અત્યંત લોકપ્રિય બન્યું હતું તેના શબ્દો અને મધુર સંગીતને કારણે. ગીતની શરૂઆત કનૈયાલાલથી થાય છે અને પછી તે પદ્મિની કોલ્હાપુરે ઉપાડી લે છે. આ ગીતના કવિ છે નરેન્દ્ર શર્મા અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે લતાજી અને મન્નાડેના.

રાધા અને મીરાના સંબંધોની આગળ વાત કરી તેને લગતું એક અન્ય ગીત છે ૧૯૮૫ની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’માં.

एक राधा, एक मीरा, दोनों ने श्याम को चाहा
अंतर क्या दोनों की चाह में बोलो

રાજીવકપૂરનાં લગ્ન પ્રસંગે મંદાકિનીને નૃત્ય કરવા બોલાવે છે જેને અગાઉ રાજીવકપૂરે ખાનગીમાં લગ્ન કરી છોડી દીધી હતી. તેને અનુલક્ષીને આ ગીત ગવાયું છે. ગીતના રચયિતા અને સંગીતકાર છે રવીન્દ્ર જૈન અને સ્વર છે લતાજીનો.

૧૯૯૨ની ફિલ્મનું નામ જ હતું ‘રાધા કા સંગમ’ જેમાં એક ગીત છે

ओ राधा तेरे बीना
तेरा श्याम है आधा

ગોવિન્દા અને જુહી ચાવલા આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો હસરત જયપુરીના અને સંગીત અનુ મલિકનું. ગાનાર શબ્બીર કુમાર અને લતાજી.

૧૯૯૨ની એક અન્ય ફિલ્મ છે ‘સોને કી ઝંજીર’ જેમાં ગીતની શરૂઆતમાં પ્રસેનજીત છે જે અન્ય શબ્દોથી થાય છે અને મધ્યમાં વર્ષા ઉસગાંવકરનું નૃત્ય આવે છે જેના શબ્દો છે

मै तेरी राधा तू मेरा श्याम
मै दीवानी क्या जानु मै दीवानी क्या जानु
हब हुई सुबह कब हुई शाम

સમીરના શબ્દોને આનંદ મિલિંદે સ્વરબદ્ધ કર્યા છે અને સ્વર છે સાધના સરગમ અને સુરેશ વાડકરના.

કૃષ્ણની યાદ આવતા એક ગીત નીકળી આવે તે છે ૧૯૯૪મા આવેલી ફિલ્મ ‘ચાંદ કા ટુકડા’માં શ્રીદેવીનું નૃત્યગીત.

आज राधा को श्याम याद आ गया
दिल को कोई काम याद आ गया

ગીતકાર સાવનકુમાર અને સંગીતકાર મહેશ કિશોર. સ્વર લતાજીનો.

કૃષ્ણ જો કોઈ અન્ય તરફ પ્રેમલાગણી દર્શાવે તો રાધા ઈર્ષા પામે તેવા ભાવવાળું ગીત છે ૨૦૦૧ની ફિલ્મ ‘લગાન’નું.

मधुबन में जो कनैया कीसी पी से मिले
कभी मुसकाये कभी छेड़े कभी बात करे
राधा कैसे ना जले आग तनमन में लगे

આમીરખાન અને ગ્રેસી સિંગ આ ગીતના કલાકારો છે જેને શબ્દો આપ્યા છે જાવેદ અખ્તરે અને સંગીતબદ્ધ કર્યું છે એ. આર. રહેમાને. સ્વર છે આશા ભોસલે અને ઉદિત નારાયણનો.

આમ પ્રેમના પ્રતિક રાધા અને કૃષ્ણને નામે ફિલ્મોમાં પ્રેમસંબધને અને ભાવોને ગીતોમાં રજુ કરાયા છે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “રાધાને લગતાં ફિલ્મીગીતો

 1. Anila Patel
  February 3, 2018 at 3:19 pm

  બધા ગીતો સાંભલીને રાધાકૃષ્ણમય થઈ જવાયું.
  સરસ સંકલન.

  • Niranjan .mehta
   February 3, 2018 at 5:41 pm

   Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *