ફિર દેખો યારોં : એક સે એક મિલે જો કતરા, બન જાતા હૈ દરિયા

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

સ્વાસ્થ્યસુરક્ષા અંગે આપણા દેશમાં હરખાવા જેવા સમાચાર ભાગ્યે જ વાંચવા મળતા હોય છે. ખાસ કરીને શિશુસ્વાસ્થ્ય બાબતે પરિસ્થિતિ અતિ ગંભીર છે. થોડા વખત અગાઉ કુપોષણથી થતાં બાળમૃત્યુના દરની વાત અહીં કરવામાં આવી હતી. આવી કાળા વાદળ જેવી સ્થિતિમાં ક્યારેક રૂપેરી કોર જેવા સમાચાર જાણવા મળે ત્યારે આનંદ થાય.

કેન્‍દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2014માં આરંભાયેલા ‘મિશન ઈન્‍દ્રધનુષ’નો હેતુ કુલ 201 જિલ્લાઓના સંપૂર્ણ રસીકરણનો હતો. આ જિલ્લાઓમાં રસીકરણનું પ્રમાણ સાવ ઓછું હતું. બે વર્ષથી નીચેની ઉંમરનાં તમામ બાળકો તેમજ સગર્ભા મહિલાઓને સાત ખતરનાક રોગ- ટી.બી., બાળલકવો, હીપેટાઈટીસ બી, ડિફ્થેરીયા, ઊંટાટિયું, ધનુર અને ઓરી- સામે રક્ષણ આપવાનું આ મિશનનું ધ્યેય હતું. આ સાત રોગ સામેના રક્ષણની રસીને કારણે મિશનનું નામકરણ ‘ઈન્‍દ્રધનુષ’ કરવામાં આવ્યું હતું, જેમાં બીજા પાંચ રોગ સામેની રસીઓનો સમાવેશ થતાં કુલ બાર રોગ સામેની રસી થઈ.

આ કાર્યક્રમને સરકારે અગ્રતાક્રમે રાખ્યો હતો અને મિશનને વધુ કેન્‍દ્રિત બનાવવામાં આવ્યું હતું, જેમાં 173 જિલ્લાઓ અને 17 શહેરોનો સમાવેશ થતો હતો. પહોંચ ન હોય એવા બાળક સુધી આ સુવિધા પહોંચાડવાની નેમ છે અને એ રીતે ડિસેમ્બર, 2018 સુધી ‘સંપૂર્ણ રસીકરણ’નું ધ્યેય હાંસલ કરવાનું નિર્ધારીત કરાયું છે. અત્યાર સુધીની આ મિશનની સફળતાના આંકડા તેના પ્રયાસોની ઘનિષ્ટતા દર્શાવે છે. રાષ્ટ્રીય પારિવારીક સ્વાસ્થ્ય સર્વેક્ષણ 4 મુજબ, સમગ્ર દેશમાં કેવળ 65 ટકા લોકો રસીકરણ પામેલા છે. આ મિશનના ત્રણ તબક્કાઓમાં સ્વાસ્થ્ય કાર્યકરોએ કુલ 44.96 લાખ એવાં બાળકોને આવરી લીધાં છે, જેમને અગાઉ કદી રસી અપાઈ ન હતી, અને એ રીતે તેઓ રસીથી વંચિત હતાં. આ કાર્યક્રમ હેઠળ 11.93 લાખ બાળકો તેમજ 9.16 લાખ સગર્ભા મહિલાઓ પૂર્ણપણે રસીકરણ પામ્યાં છે.

આ આખા કાર્યક્રમમાં વિવિધ સ્વાસ્થ્યકાર્યકરોની ભૂમિકા અતિ મહત્ત્વની બની રહી છે. દિવસના માત્ર પંચોતેર રૂપિયાનું મહેનતાણું મેળવતા, મોબીલાઈઝર તરીકે ઓળખાતા સંયોજકો સ્વયંસેવક તરીકે કાર્યરત બની રહ્યા છે. આ આખા પ્રકલ્પમાં જોડાયેલા વિવિધ સ્તરના લોકોએ ભૌગોલિક વિષમતા કે વૈવિધ્ય ધરાવતા વિસ્તારોમાં પહોંચીને જે રીતે કામ કર્યું એ અત્યંત પ્રશંસનીય છે. તેની થોડી વિગત જાણવા જેવી છે.

મિશન ઈન્‍દ્રધનુષના જુલાઈ, 2017 સુધીના ચાર તબક્કાઓમાં સમગ્ર દેશના 528 જિલ્લાઓમાં કુલ 2.55 કરોડ બાળકો તેમજ 68.7 લાખ સગર્ભા મહિલાઓ સુધી પહોંચી શકાયું છે. સરકારના સર્વેક્ષણ અનુસાર ભૂતકાળમાં રસીકરણનો માત્ર 1 ટકાનો દર આ મિશનના આરંભિક બે તબક્કાઓમાં વધીને 6.7 ટકા જેટલો થઈ ગયો હતો. આ કાર્યક્રમ માટે બનાવવામાં આવેલાં અધિકૃત વૉટ્સેપ ગૃપમાં વિવિધ વિસ્તારોમાં કાર્યરત સ્વયંસેવકોની તસવીરો મૂકાતી રહી, જેને લીધે અન્ય કાર્યકરોમાં પણ સતત ઉત્સાહનું સિંચન થતું રહ્યું. પટણામાં રસીકરણના પ્રતિજ્ઞાપત્ર પર સહી કરતા મુસ્લિમ આગેવાનો, મધ્ય પ્રદેશના સાગરમાં વિસ્થાપિતોના જૂથને અનુસરતા સ્વાસ્થ્યકાર્યકરો, બ્રહ્મપુત્રાના દૂરસુદૂરના નાનકડા ટાપુઓ પર હોડીઓમાં રસી લઈ જતા કાર્યકરો વગેરેની તસવીરો અત્યંત પ્રેરણાદાયી તેમજ ઉત્સાહપ્રેરક બની રહી.

કેન્‍દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિક કમિશ્નર ડૉ. વીણા દીવાને મહારાષ્ટ્રમાં રસીકરણના કાર્યક્રમની મુલાકાત તાજેતરમાં લીધી. તેમણે જણાવ્યું કે શોલાપુર અને અહમદનગર વિસ્તારના શેરડીનાં ખેતરોમાં મજૂર તરીકે મોટે ભાગે વિસ્થાપિતો છે. તેમનું કોઈ સ્થાયી સરનામું ન હોવાથી તેમનાં બાળકોને રસી આપવાનું ચૂકાઈ જાય એવી શક્યતા પૂરેપૂરી હોય. તેમનાં બાળકોને ચૂકી ન જવાય એ માટે જિલ્લા પ્રશાસને સાંજથી મોડી રાત સુધી વધારાનાં રસીકરણ કાર્યક્રમનું આયોજન કર્યું.

આટલી વિશાળ પાયે સફળતા મેળવનાર આ કાર્યક્રમનો આરંભ સાવ નાની વાતથી થયો હતો. રસીકરણના કાર્યક્રમ સાથે સંકળાયેલા બે અધિકારીઓ પોતાના અનુભવો અંગે વાત કરી રહ્યા હતા. ‘બિહારના અભિશાપ’ તરીકે ઓળખાતી કોસી નદી સતત વિસ્તરતી રહી છે. તેના તટીય વિસ્તારોમાં વસવાટ કરતા બાળકોમાં પોલિયોની બિમારી અંગે જોઈન્‍ટ સેક્રેટરી રાકેશ કુમાર જણાવી રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશના નિદેશક સી.કે.મિશ્રા છત્તીસગઢમાં યુનો સાથે સંકળાયેલી એક સંસ્થા સાથેની પોતાની કામગીરીની વાત કરી રહ્યા હતા. વાતવાતમાં બન્નેના ધ્યાનમાં ચોંકાવનારી હકીકત આવી કે ભારતમાં રસીકરણનો દર પ્રતિ વર્ષે 1 ટકાની મંથર ગતિએ જ આગળ વધી રહ્યો છે. આ ગતિએ તે આગળ વધે તો 90 ટકાએ પહોંચતાં તેને બીજા પચીસ વર્ષ લાગે. આ બન્ને અધિકારીઓએ આ ચિત્ર બદલવા માટે શું થઈ શકે તેનું મંથન ચાલુ કર્યું. કાર્યક્રમની પ્રાથમિક રૂપરેખા તૈયાર કરી, જેણે આગળ જતાં ‘મિશન ઈન્‍દ્રધનુષ’નું સ્વરૂપ ધારણ કર્યું. અલબત્ત, રાજકારણીઓને આનો સ્વીકાર કરવામાં સમય લાગ્યો. પરિણામે આ મિશનના પ્રથમ તબક્કાનાં પરિણામો પ્રોત્સાહક નહોતાં. પણ બીજા તબક્કામાં મંત્રાલયે જિલ્લાવાર સૂક્ષ્મ આયોજન કર્યું અને ચીફ સેક્રેટરીઓને આ ગતિવિધિઓની દેખરેખ માટે સામેલ કરવામાં આવ્યા. આ તબક્કાને અંતે મળેલું પરિણામ ચમત્કારિક હતું. 92 લાખ બાળકોના લક્ષ્યની સામે 56 લાખથી વધુ બાળકોનું રસીકરણ પૂર્ણ થયું હતું. હવે પર્યાવરણ મંત્રાલયના સેક્રેટરી તરીકે ફરજરત એવા મિશ્રાની ટીપ્પણી ધ્યાન આપવા જેવી છે. તેમણે કહ્યું, ‘વૈશ્વિક સ્તરે, આવી વિવિધ ભૌગોલિક સ્થિતિમાં, આટલી મોટી સંખ્યામાં બાળકો માટે કોઈ કાર્યક્રમ બનાવવામાં આવ્યો હોય એવી કદાચ આ પહેલી ઘટના હશે. હવે જિલ્લાઓ પર સતત ધ્યાન કેન્‍દ્રિત કરતા રહેવાનું છે. સૌથી અગત્યની બાબત એ છે કે આ કાર્યક્રમને આગળ વધારવા માટે કંઈ જંગી નાણાંની જરૂર નથી. આમાં સૌથી અગત્યની બાબત સૂક્ષ્મ અને ગણતરીબદ્ધ આયોજનની છે.

એ પણ નોંધનીય છે કે આ મિશન માટે કેન્‍દ્ર તરફથી કોઈ વધારાના સ્રોત પૂરા પાડવામાં નથી આવ્યા. પહેલવહેલી વાર તેની ચર્ચા કરવામાં આવી ત્યારે રાજ્યો દ્વારા વધારાની રસીની માગણી કરવામાં આવી હતી. એ વખતે ડેપ્યુટી કમિશ્નર ડૉ. પ્રદીપ હાલદારે દલીલ કરતાં જણાવ્યું હતું કે રસીનો આ જથ્થો નક્કી કરતી વખતે સમગ્ર જન્મદરને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે, આથી જે બાળકો વંચિત રહ્યાં હશે તેમનો સમાવેશ પ્રણાલિમાં ક્યાંક ને ક્યાંક હોવો જ જોઈએ. દસેક ટકા રસી નકામી ગઈ હોવાની ધારણા બાંધી લઈએ તો પણ બાકીનો જથ્થો રાજ્યમાં જ હોવો જોઈએ અને રાજ્યે તે મેળવવો રહ્યો. અને ખરેખર, એમ જ થયું.

અલબત્ત, આ મિશનનું બીજું પાસું પણ છે. કહેવાય છે કે મિશન ઈન્‍દ્રધનુષ પર આપવામાં આવી રહેલું વધુ પડતું ધ્યાન રસીકરણના સામાન્ય કાર્યક્રમ પરથી ધ્યાન ફંટાવી રહ્યું છે, કેમ કે, આ મિશન ફક્ત પૂરક રસીકરણનો કાર્યક્રમ છે. કેમ કે, રાજ્યનું સમગ્ર ધ્યાન આ કાર્યક્રમ પર કેન્‍દ્રિત થઈ જવાથી રસીકરણનો સામાન્ય કાર્યક્રમ અસરગ્રસ્ત થશે. મિશન ઈન્‍દ્રધનુષ સાથે સંકળાયેલા અધિકારીઓ આ બાબતે સાવચેત છે. પણ સમગ્રપણે જોઈએ તો આયોજન અને અમલીકરણની રીતે આ કાર્યક્રમ ખરેખર નમૂનારૂપ બની રહ્યો છે એમ કહી શકાય. ખાસ કરીને, કશા વધારાનાં નાણાં કે સંસાધનો વિના, માત્ર સરકારી તંત્રના જ ઉપયોગ થકી તેને મળેલી સફળતા સૂચવે છે કે ઈચ્છાશક્તિ હોય તો બધું જ શક્ય બની શકે છે અને નાનામાં નાના સ્તરનો કાર્યકર્તા પણ એક વિશાળ સંરચનાનો પૂરજો હોવા છતાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.

આ મોડેલ દરેક તંત્રમાં અને સમગ્ર દેશમાં પ્રસરે તો વિકાસના દાવાની જરૂર ન રહે.ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮-૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : એક સે એક મિલે જો કતરા, બન જાતા હૈ દરિયા

 1. February 3, 2018 at 7:42 pm

  નવા બજેટની મહત્વાકાંક્ષાઓ સફળ થાય , તો દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવી શકે. આ માટે બધા< રાજ્યોએ અને પક્ષોએ , અંદર અંદરના મતભેદોને બાજુએ મુકીને પ્રદાન કરવું જોઈએ.
  ————–
  સેવાભાવી સંસ્થાઓ જે કામ કરી રહી છે – તે મોડલમાં સરકારી તંત્ર સહયોગ આપે અને તેવી ઘણી સંસ્થાઓ છેવાડાના વિસ્તારોમાં કામ કરતી થાય તો આ મહત્વાકાંક્ષા માટે બહુ જ મોટું બળ બની રહે.

  સાવરકુંડલાની આ સંસ્થા વિશે હમણાં જ જાણ થઈ….
  http://www.shreevidhyaguru.org/activities/health/

  અને આવી તો ઘણી સરસ સંસ્થાઓ ઉચ્ચ કક્ષાનું કામ કરી રહી છે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *