ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૯

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

ભગવત રાવતની કવિતા વિષે લખતી વખતે એક કાયમી વિમાસણ રહે છે કે આમાં કવિતા અને એના અનુવાદ ઉપરાંત અન્ય કશું ઉમેરવાનો કોઈ અર્થ ખરો ? બધું દીવા જેવું સુસ્પષ્ટ તો છે! એ કવિતા પોતે જ તો એમણે કરેલું જિંદગીની રોજબરોજની ઘટનાઓનું અર્થઘટન છે ! વધીને એમણે કહેલ વાતમાં સ્વાનુભવની કોઇક નાનકડી પરંતુ એમણે મૂકેલી વાત કરતાં નબળી વાત ઉમેરીને એમની વાતને અનુમોદન આપ્યાનો સંતોષ અર્જીત કરી શકાય. એવી એક- બે વાતો અને પછી આજની કવિતા.

અહીં આ વિશાળ રહેણાક- સંકૂલના પ્રાંગણમાં અનેક લોકો નિરંતર કાર્યરત હોય છે. સફાઈ કામદારો, માળીઓ, ચોકીદારો, સામાનની હેરાફેરી કરનારાઓ વગેરે. હું જ્યારે પણ ઘરની બહાર નીકળું ત્યારે એક ભાઈને હંમેશ જોઉં છું. એ ક્યારેક કચરાની ઠેલણગાડી હંકારી જતા હોય, ક્યારેક કચરાટોપલીઓનો ઢગલો ઉપાડી જતા હોય, ક્યારેક અન્ય સામાનની હેરફેર કરતા હોય, ક્યારેક છોડને પાણી પાતા હોય તો ક્યારેક અન્ય સહકાર્યકરનો હાથ બંટાવતા હોય. એમની ચાલમાં, પોતે પ્રૌઢ વયના હોવા છતાં એક પ્રકારની ખુમારી અને સહેતુકતા હોય અને ચહેરા પર તરવરાટ અને આછેરું સ્મિત ! અને પાછા કાયમ સોસાયટીના નિયત ગણવેશમાં જ હોય! જ્યારે એક બાજૂ કેટલાય કામદારોના ચહેરા પર કંટાળો, થાક કે અન્યાય- બોધ સ્પષ્ટ વાંચી શકાતાં હોય, ક્યારેક કામચોરી, ગામગપાટા કે બીડીસિગારેટમયતા પણ, ત્યારે આ ભાઈ સતત ચલાયમાન, હરતા- ફરતા, કામમાં નિમગ્ન અને સહકાર્યકરોની ઉદાસીનતા ભણી ફરિયાદ તો શું નજર સરખી નહીં! વળી જ્યારે પણ જે દિશામાં જાઓ, એ હોંશે હોંશે કોઈક કામ કરતા દેખાઈ જ જાય! મને ક્યારેક એવો ગાંડો વિચાર પણ આવી જાય, એ ભગવાન સ્વયં તો નહીં હોય ને !

બિલકુલ આવો જ અનુભવ બીજી એક વ્યક્તિના સંદર્ભમાં ત્યારે થયેલો જ્યારે મુંબઈના એક પરામાં ઓટોરિક્ષામાં એક જગ્યાએ જવાનું થયું. મેં રિક્ષાચાલકને મારા ગંતવ્યસ્થાનનું સરનામું આપ્યું. એ ભાઈ અજાણતાં મને એ સરનામેથી ખાસ્સો આગળ લઈ ગયા. પછી ભૂલ સમજાતાં રિક્ષા પાછી વાળી. મને મારા સાચા સરનામે ઉતાર્યો ત્યારે રિક્ષાનું મીટર પચ્ચીસ રુપિયા દેખાડતું હતું. મેં એમને એ રકમ આપી તો એમણે મને સાત રુપિયા પાછા આપ્યા. કહ્યું કે તમારું ભાડુ તો મિનીમમ એટલે અઢાર જ રુપિયા થાય પણ મારી ભૂલના કારણે હું તમને આગળ લઈ ગયો એટલે મીટરનો આંક વધી ગયો !

જો આ બન્ને લોકો ભગવાન નહીં તો એવા જણ અવશ્ય છે જેમના માટે ભગવત રાવતે પોતાની આ કવિતા લખી છે :

 

                                                       ==  वे  इसी  पृथ्वी  पर  हैं  ==

इस पृथ्वी पर कहीं न कहीं

कुछ न कुछ लोग हैं ज़रूर

जो इस पृथ्वी को अपनी पीठ पर

कच्छपों की तरह धारण किये हुए हैं

बचाए हुए हैं उसे

अपने ही नरक में डूबने से

 

वे लोग हैं और बेहद नामालूम घरों मे रहते हैं

इतने नामालूम कि कोई उनका पता

ठीक – ठीक बता नहीं सकता

उनके अपने नाम हैं लेकिन वे

इतने साधारण और इतने आमफहम हैं

कि किसीको उनके नाम

सही- सही याद नहीं रहते

उनके अपने चेहरे हैं लेकिन वे

एक दूसरे में इतने घुले – मिले रहते हैं

कि कोई उन्हें देखते ही पहचान नहीं पाता

वे हैं, और इसी पृथ्वी पर हैं

और यह पृथ्वी उन्हीं की पीठ पर टिकी हुई है

और सब से मज़ेदार बात तो यह है कि उन्हें

रत्ती भर यह अंदेशा नहीं

कि उन्हीं की पीठ पर

टिकी हुई यह पृथ्वी …

                                           – भगवत रावत

 

ગુજરાતી ભાવાનુવાદ :

                                                            ==  આ  પૃથ્વી  પર  જ  છે  એ  લોકો  ==

આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક

કેટલાક લોકો છે જરૂર

જેમણે આ પૃથ્વીને પોતાની પીઠ પર

કાચબાની જેમ ધારણ કરી છે

બચાવી રાખી છે પૃથ્વીને

પોતાના જ દોઝખમાં ડૂબવાથી

 

એ લોકો છે એટલું જ નહીં,

બિલકુલ અજાણ્યા ઘરોમાં રહે છે

એટલા ગુમનામ કે કોઈ એમનું સરનામું

બરાબર જણાવી પણ નહીં શકે

એમના પોતાના નામ પણ છે પરંતુ

એ એવા સામાન્ય અને ચીલાચાલૂ છે

કે કોઈને એમના નામ

બરાબર યાદ પણ નથી રહેતા

એમના પોતીકા ચહેરા છે પરંતુ

એ એકબીજામાં એટલા ભળી ગયેલા છે કે

કોઈ એમને જોતાંવેંત ઓળખી પણ ન શકે.

એ લોકો છે અને આ જ પૃથ્વી પર છે

અને આ પૃથ્વી એમની જ પીઠ પર ટકેલી છે.

અને સૌથી મજાની વાત તો એ

કે એમને એ લેશમાત્ર જાણ નથી

કે એમની જ પીઠ પર

ટકેલી છે આ પૃથ્વી …

                                                     – ભગવત રાવત

 

ભગવત રાવત અને એમની કવિતાઓમાંના પાત્રોને લક્ષમાં રાખીને જ કોઈ દાર્શનિકે આ ઉક્તિ લખી હશે :

‘ दुनिया में अक्सर सब से महान वही होते हैं जो सब से अधिक साधारण लोगों के सामने ख़ुद को बौना पाते हैं ‘

અહીં યાદ આવે છે આપણા સ્વ. રમેશ પારેખની એક બહુચર્ચિત કવિતા  ‘ અભણ અમરેલવીએ કહ્યું ‘ . આ કવિતાનો અભણ નાયક ( યાને સ્વયં કવિ ! ) જગતમાં પ્રવર્તતા બેફામ અન્યાયો, યાતનાઓ, જુલમો , બેઈમાનીઓ અને હિંસાના સર્જનહાર ઈશ્વરને એક ગંદી ગાળ આપે છે. એટલા માટે કે એ ગાળ એની રોજિંદી ભાષામાં વણાઈ ચૂકેલો શબ્દ છે. પછી તુરંત એ અભણને એ પ્રતીતિ થાય છે કે જે ઈશ્વરે આ બધું સર્જ્યું છે એણે જ બાળક, ફૂલ, ઝાકળ, ગીત, પંખી અને માતાનું પણ સર્જન કરેલ છે એટલે કવિતાના અંતે એ ઈશ્વરને  ‘ શંકાનો લાભ ‘ આપીને છોડી મૂકે છે ! જગતમાં જેમ અનિચ્છનીય ઘણું બધું છે એમ ભારોભાર ગમે તેવું, હૃદય કૃતાર્થતા અનૂભવે તેવું પણ ઘણું બધું છે અને આવી સકારાત્મક ચીજો, ભગવતની ભાષામાં જે લોકોએ આપણી પૃથ્વીને પોતાના ખભા ઉપર ઊંચકી છે એમના થકી છે ! એમના આ નાયકો મધ્યે નિ:શંકપણે ઉપર જે બે ઉદાહરણો ટાંક્યા એવા ઈમાનદાર, ભોળા, નિષ્ઠાવાન અને પોતે જે કંઈ કરી રહ્યા છે એની લેશમાત્ર સભાનતા વિહોણા લોકો છે. અગત્યની વાત એ પણ કે પૃથ્વીની વસતીમાં વિરાટ બહુમતિ આવા જ લોકોની છે. કદાચ એમના આ ‘ પુણ્ય ‘ ના આધારે જ આપણા જેવા ઝાઝા પુણ્યશાળી નહીં એવા લોકો ટકી રહ્યા છે, ટકી ગયા છે !

પુરાણોમાં એવી વાત છે કે દેવો અને દાનવોએ સમુદ્રમંથન કર્યું ત્યારે એ મહાકાર્ય દરમિયાન પૃથ્વી ચળે નહીં એ માટે અકુપાર નામના કાચબાએ પૃથ્વીને પોતાની વજ્રસમ પીઠ પર ધારણ કરેલી. આપણા સમર્થ સાહિત્યકાર ધ્રુવ ભટ્ટે પણ  ‘ અકુપાર ‘ નામની, નિજના ગિર- પ્રદેશના અનુભવો પર આધારિત નવલકથા લખી છે. આ કથામાં ડગલે ને પગલે આવા જ લોકોની વાત છે જે ધરતીના અસલ સંતાનો છે અને જેમનો ઉલ્લેખ ભગવત એમની કવિતામાં કરે છે. આવા લોકો અત્ર- તત્ર- સર્વત્ર છે છતાં આપણા શહેરી લોકોની નજરે ચડતા નથી કારણ કે એ નજર, ક્યાં તો આપણે કેળવી નથી અથવા એવા લોકોને, આપણી પળોજણો ને આપાધાપીમાં અવગણી બેસીએ છીએ. એટલે જ કવિતાની શરૂઆતમાં એમણે  ‘ કહીં ન કહીં ‘ શબ્દપ્રયોગ કર્યો છે. વાસ્તવમાં આવા લોકો દુર્લભ છે જ નહીં!

બીજી અગત્યની વાત. આવા પૃથ્વીને પોતાની મજબૂત પીઠ પર ખેંચનાર અને એને રસાતાળ જતી રોકનાર લોકો સમાજના સંભ્રાંત, સફેદપોશ વર્ગમાં નથી એવું પણ હરગીઝ નથી. એવા લોકો બધે છે પણ કવિ ઇરાદાપૂર્વક આપણું ધ્યાનાકર્ષિત કરે છે મહેનતકશ, કારીગર, મજૂર લોકો તરફ, જે મૂંગા- મૂંગા પોતાનું કામ કર્યે જાય છે, કોઈ દેખાડો કે આક્રોશ વ્યક્ત કર્યા વિના! એમને સીધો કે આડકતરો અન્યાય થઈ રહ્યો છે એ ખબર જ નથી, કદાચ પરવા પણ નથી.

વર્ષો પહેલાં મને રસ્તે ચાલતાં તરસ લાગી. ત્યારે પાણી રસ્તા પર વેચાવાની શરુઆત થઈ ચુકી હતી. રસ્તા પર માટલું લઈને ચાર આને ગ્લાસ વેચતા માજી પાસેથી મેં ઉતાવળમાં પાણીનો ગ્લાસ લઈને પી તો લીધો પણ પછી ખ્યાલ આવ્યો કે પૈસાનું પાકીટ તો ઘરે ભુલાઈ ગયું છે. મેં પાણીવાળા માજી આગળ ક્ષોભ વ્યક્ત કર્યો અને પૈસા કાલે આપી જઈશ એવી બાંહેધરી આપી. માજી કહે, ‘ અરે દીકરા ! એ શું બોલ્યો ? આ તો વખત એવો આવ્યો કે પાણી પણ વેચવું પડે છે, બાકી પાણી તે વળી વેચવાની ચીજ છે? બીજો ગ્લાસ આપું ? ‘

મારો અંતરાત્મા એમના ઘૂંટણિયે પડ્યો. આવા લોકો પર ટકી છે આપણી આ પૃથ્વી અને મજાની વાત એ કે એમને આ વસ્તુની ખબર પણ નથી કે એમણે ઉપાડી છે પૃથ્વીને.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

6 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ :: મ ણ કો ૯

 1. Kishorchandra Vyas
  February 2, 2018 at 7:10 am

  શ્રી થાવરાની જી એ જે વાતો કવિતા ના સંદર્ભે વ્યકત કરી છે, તેવા અનુભવો આપણ ને થતા જ હોય છે, એ સાચું જ લખ્યું છે કે તે વ્યક્તિઓ ને પણ આ પૃથ્વી ને ઉપાડીને તેઓ બેઠા છે તે ખબર હોતી નથી… અદભુત લેખ…અભિનંદન

  • Bhagwan thavrani
   February 2, 2018 at 10:13 pm

   હાર્દિક ધન્યવાદ કિશોરભાઈ!

 2. mahesh joshi
  February 2, 2018 at 5:38 pm

  “A Poet of Humanity”. When We see or experience a nobel and simple person, many a times we say it is because of such person Dharti mata is stable and calm. Exactly when you say
  મારો અંતરાત્મા એમના ઘૂંટણિયે પડ્યો. આવા લોકો પર ટકી છે આપણી આ પૃથ્વી.
  Sri Bhagvat ji has very simply put it in poem touching our Hearts. He also rightly says, by and large such persons are very simple persons, we see around us doing their duties and adding humanitarian touch into it, with all smile.
  Nice one and Compliments for noteworthy presentation.

  • Bhagwan thavrani
   February 2, 2018 at 10:14 pm

   Thanks for the positive response, maheshbhai !

 3. February 3, 2018 at 7:47 pm

  બહુ જ સાચી વાત. કાંઈક પહોંચેલા લોકોની ગાથાઓ તો લાખોની સંખ્યામાં છે. પણ લાખો અજાણ્યા લોકોના પ્રદાનથી જ સમાજમાં સારપ ટકી રહી છે.

  થાવરાણી ભાઈને વિનંતી કે, ‘નૂતન ભારત’ શ્રેણીની સત્યકથાઓ પર જરાક નજર ફેરવી લે. અને એ તો માંડ ૫૦ જેટલી જ લખી શકાઈ છે. પણ આવી તો હજારો અનામી, પૂણ્યપાદ વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવે છે.

  • Bhagwan thavrani
   February 3, 2018 at 10:37 pm

   ચોક્કસ જોઉં છું સુરેશભાઈ ! આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *