જી, હજૂર… આ શંકાનાં જ પરિણામો છે.

પૂર્વી મોદી મલકાણ

नजरिया बदल के देख भाई,
हर तरफ अलग नजराने मिलेंगे ।

આજે વર્ષો અગાઉની એક ભૂલાઈ ગયેલી વાત મનને દરવાજે દસ્તક મારી રહી છે જે અહીં મૂકી રહું છું. આપણે ત્યાં કહેવત છે કે “શંકા એ જ વિનાશનું કારણ છે”. આ કહેવત જ્યારે રાજા -રજવાડાઓ હતાં ત્યારે લાગુ કરવામાં આવી હતી. તેનું કારણ એ કે રાજાઓ પાસે અનેક “જીહજૂરિયા” રહેતાં હતાં, આ હજૂરિયાઓ જી એ જી એટ્લે કે હા એ હા કરતાં રહેતાં હતાં. આજે પણ હા એ હા થાય છે, પણ બીજા અર્થમાં જોઈએ તો સમાજમાં જી, જી કહેનારાઓની પણ ફોજ ઓછી હોતી નથી. પણ આપણાં મૂળ ટોપીક આવીએ તો જાણીએ કે આ જી-હજૂરિયાઓ ઘણો જ વિનાશ લઈને આવતાં. આજ વાતને બીજી દૃષ્ટિએ જોઈએ તો જીહજૂરિયાની વાતો રાજાઓનાં મનમાં શંકા કે ભ્રાંતિ ઉત્પન્ન કરતી જેને કારણે આજુબાજુનો સમાજ તૂટી જતો. આજે રાજા-રજવાડાં તો નથી પણ શંકા આજે ય સમાજમાં ઘણો જ ઉત્પાત મચાવે છે. આ શંકા ઘણીવાર સકારાત્મક પરિણામ પણ આપે છે તો ક્યારેક નકારાત્મક પરિણામ પણ આપે છે. જે શંકાથી આપણે દૂર રહી શકતાં નથી તે શંકાનું સ્થાન આપણાં જીવનમાં કેટલું જરૂરી છે? મારી જ વાત કરું તો જો શંકા ન હોત તો મારું જીવન કેવું હોત? કારણ કે આજનું મારું જીવન એ શંકાને કારણે જ બન્યું છે. બન્યું હતું એવું કે વર્ષો અગાઉ એક સંબંધી ૩-૪ મહિના માટે ઘરે રહેવાં આવ્યાં હતાં. આ સમય એવો હતો કે ત્યારે મારી જોબ ચાલતી હતી. હું જેવી ઘરમાંથી નિકળું કે પાછળથી મલકાણ અને મારા બાબા ( શ્વસુર પપ્પા ) સાથે તેમની ખટપટ શરૂ થઇ જાય. મલકાણ આ ખટપટ દરમ્યાન ચૂપ જ રહેતાં. જેને કારણે હવે બચ્યાં બાબા. આ સંબંધી મારે ત્યાં જેટલો સમય રહ્યાં ત્યાં સુધીમાં ઘણું બધું મારે ત્યાં બદલાઈ ગયું હતું. મારી અને બાબા વચ્ચે એક ન દેખાતી દીવાલ બનવાની શરૂઆત થઈ ગઇ હતી. આ બદલાયેલાં વાતાવરણને મે સુંઘ્યું તેથી ખ્યાલ આવ્યો કે ઘરમાં થોડું નહીં પણ ઘણું બદલાયેલું છે. મારી શંકા સવાલ જવાબ પૂછવા લાગી ત્યારે ઘરમાં વાતાવરણ ઉગ્ર થવા લાગ્યું અને બાબા સાથે મારા વિવાદો પણ વધવાં લાગ્યાં. અચાનક બાબામાં થયેલ આ બદલાવે મારી જિંદગીમાં ઊથલપાથલ મચાવી દીધી. આખરે એક દિવસ વિચાર્યું કે આમ કેમ થયું. આટલાં વર્ષોનાં જૂના સંબંધોમાં અચાનક તિરાડો આવવાનું કેમ શરું થયું? પાછળથી થોડો ખ્યાલ આવ્યો કે જે તે સંબંધીનાં આવ્યાં બાદ આ પ્રોબ્લેમ ઊભો થયો છે માટે કેવળ ગુસ્સાથી, વિવાદથી કે શંકાથી આ વાતનો ઉકેલ નહીં આવે. તેથી જોબમાંથી રજા લીધી. ઘરમાં બેસી બાબા સાથે રોજે વાત કરતી. તેમનાં વિચારો જાણ્યાં, તેઓને ક્યાં પ્રોબ્લેમ છે, મલકાણ આ બાબત વિષે શું વિચારે છે. ઘરમાં રહેતાં બાળકોનું ભવિષ્ય શું હશે, શું આ રીતે આપણું પરસ્પરનું વર્તન બરાબર છે? રોજની વાતચીતને અંતે આખરે એક દિવસ મારી અને બાબા વચ્ચે આવી ગયેલી દીવાલ તૂટી ગઈ. હા એ સમય આવ્યો, થોડીવાર લાગી, થોડી ધીરજ રાખી, ખુદમાં વિશ્વાસ રાખ્યો. અંતે મારો પરિવાર પહેલાંની જેમ સામાન્ય થયો. આ વાત વહેંચી એટલા માટે કે દરેક પરિવારની આજુબાજુ એક નારદ એવાં રહેતાં જ હોય છે કે જેમનાંથી બીજાનું સુખ જોવાતું નથી. આજે પણ આ પ્રસંગ વિષે જ્યારે વિચારું છું ત્યારે લાગે છે કે એ સમયમાં જે થયું તે ન થયું હોત જો મી. મલકાણ સમયસર બોલ્યાં હોત તો. ઘણીવાર એવાં સંજોગો આવી જાય છે કે આપણે વિચારીએ કે સામેવાળાને ખોટું લાગી જશે, કે તેમનું અપમાન થઈ જશે જે આપણે ઇચ્છતાં નથી હોતાં, પણ આપણી અસમયની ચુપકીદી જીવનમાં ઝંઝાવાત ખડો કરી દે છે. હું મારે માટે પણ વિચારું છું કે જો એ સમયે મે ધીરજપૂર્વક કામ ન લીધું હોત તો મારા જીવનની ગાડી કોઈક બીજી જ પટરી પર ચાલતી હોત.

મારો આ પ્રસંગ એ કેવળ એક સમયની વાત હતી, પણ ઘણાં લોકો એવાં હોય છે જેમને શંકા કરવાની આદત હોય છે. હું માનું છું કે જે તે વ્યક્તિની વારંવાર શંકા કરવાની વાત તે એક પ્રકારની બીમારી છે. જેને સાયકોલોજીની ભાષામાં “ડિલ્યૂશન ડિસઓર્ડર” તરીકે ઓળખવામાં આવે છે. ડિલ્યૂશન ડિસઓર્ડરનાં ઘણાં પ્રકાર હોય છે. મારી એક બહુ નજીકની વ્યક્તિ છે જે વારંવાર વિચાર્યા કરે છે કે જો આ ઘરનાં લોકો ઘુસપુસ કરે છે, ચોક્કસ મારી વાત કરતાં હશે. બસ આમ જ વિચાર કરી તેઓ પોતાની જ ગૂંથેલી માયાજાળમાં અટવાયા કરે છે. તેઓને આ માયાજાળમાંથી બહાર કાઢવા મે ઘણીવાર પ્રયત્ન કર્યા, પણ કેટલાક પ્રયત્નો એ પ્રયત્નો જ રહે છે કારણ કે સામેથી દિશા બદલવાનો કોઇ ઈશારો મળતો નથી. આતો કેવળ એક પ્રકારનાં લોકોની વાત છે. આ શંકાની વાત કરતાં અમારા એક જૂના મિત્રની પણ યાદ આવી ગઈ. તેમનાં પતિ બહુ મોટી પોસ્ટ ઉપર પણ તેમને પોતાનાં જીવનસાથી પર જરાપણ વિશ્વાસ નહીં. તેમને હંમેશા લાગે છે કે તેમની જીવનસંગિની કોઈ સાથે ભાવનાત્મક રીતે વધુ નજીક છે, તેથી તેઓ વારંવાર પોતાની પત્નીનાં ઇ-મેઇલ્સ જોયાં કરે, એ કોઈ સાથે વાત કરતી હોય તો પૂછ્યાં કરે કે કોની સાથે વાત કરતી હતી? તેનાં મિત્રો કોણ કોણ છે, તે ક્યાં જાય છે, શું ખાય છે, કોની સાથે ખાય છે, મિત્રો વચ્ચે શું શું વાત થાય છે વગેરે પૂછ્યાં કરે. અરે એટલું જ નહીં સોશિયલ મીડિયા ઉપર કોઈ બનાવટી નામે તેની સાથે મિત્રતા બાંધે અને અલગ અલગ રીતે તેની સાથે વાત કરે અને આટલું ઓછું હોય તેમ ઓફિસમાંથી પણ ચેક કરે કે નેટ ઉપર કઈ કઈ વેબસાઇટમાં જાય છે…વગેરે. મને આજે ય યાદ છે કે પોતાનાં જીવનસાથીની જ શંકાથી કે તેનાં દુર્વ્યવહારથી મારી સહેલી કેટલી પરેશાન થતી હતી. તે હંમેશા કહેતી કે, દીદી, મારી લાઈફ ખુલ્લું પાનું છે તોયે તેમની મારા પરથી શંકા દૂર જ નથી થતી.

उनकी गुफतगू और सोच से मैने येह जाना की;
मेरे बर्ताव से वोह मेरी जिंदगी की बारीकियां ढूंढते है ।

સોશિયલ મીડિયા પર આ રીતે ફેક એકાઉન્ટ બનાવી વાત શા માટે કરવી? શું તેમને મારો રતિભર પણ વિશ્વાસ નથી? આમાં ક્યારેક મને શરમ પણ આવે છે ને ક્યારેક એવું અપમાન લાગે છે કે ચૂલ્લુંભર પાણીમાં ડૂબી મરવાંનું મન થાય. પણ મોત માંગ્યું નથી મળતું તેથી કરવું શું? મને ક્યારેક લાગે છે કે આવા ભણેલાં કરતાં ઓછું ભણેલાં, સમજદાર વ્યક્તિઓ વધુ સારા. મારી તે સહેલીની પરિસ્થિતી મને હંમેશા પરેશાન કરતી, પણ તેનાં પ્રોબ્લેમને હું દૂર કરવા સક્ષમ ન હતી તેથી તેની વાત ચૂપચાપ સાંભળતી રહેતી. આ બાબતમાં બીજી વાત એ પણ હતી કે એ પતિ-પત્ની ની વાત હતી અને તે વાતમાં હું બોલું તો એમના પતિને જાણ થઈ જાય કે તેમની પત્નીએ મારી સાથે પોતાનાં હૃદય વહેંચ્યું છે. મને ખબર છે કે તેમની પત્નીની એ પીડા એઓ સમજવા સક્ષમ નથી. ઉપરાંત ગઇકાલ સુધી જે શક ની કેવળ લટકતી દીવાલ હતી તેને પાયો મળી જાય. માટે મારે એમાં પડવું જ ન હતું તેથી ઑ ..હો હા….હા… કહી તેની પીડા ઓછી થવાં દેતી. ઘણીવાર આ રીતે કોઈને ચૂપચાપ સાંભળી લેવાથી પણ સામેવાળી વ્યક્તિનાં હૃદયનો ભાર ઓછો થઈ જાય છે. ટૂંકમાં કહું તો જ્યારે ત્રીજી વ્યક્તિ જ્યારે પતિ-પત્નીનાં સંબંધમાં આવે ત્યારે વાતનું વતેસર થઇ જાય પણ વાત કેમેય ન જાય.

ત્રીજા એ પ્રકારનાં લોકો છે જેમને પોતાનો દોષ માનવાની આદત હોય. તેમને લાગે છે કે અમુકતમુક બનેલી ઘટનાને માટે તેઓ જવાબદાર છે. આ બાબત વિષે વિચારું છું તો મને “મૈને ગાંધી કો નહીં મારા” એ મૂવી યાદ આવે છે. જેમાં એક બાળકની વાર્તા છે. એ બાળકે એક દિવસ રમકડાંની બંદૂક ખરીદી. તે પોતાનાં મિત્ર સાથે તેનાંથી રમ્યાં કરે. એક દિવસ બંદૂકથી રમતી વખતે જ તેને સમાચાર મળ્યાં કે ગાંધીજીનું મૃત્યુ થયું છે અને આ મૃત્યુ માટે તેનાં પિતા કહે છે કે જો આ બંદૂકને કારણે ગાંધીજીનું મૃત્યુ થયું છે. આ વાતથી ગભરાઈ ગયેલ તે બાળકનાં મનમાં બેસી ગયું કે મારે કારણે ગાંધીનું મૃત્યુ થયું છે. બાળક અને સાયકોલોજી વચ્ચે રહેલ આ મૂવી એકવાર જોવા જેવુ ખરું. કારણ કે અજાણતાં કહેવાયેલાં વચનો કોઈકવાર કેવી પરિસ્થિતી ઊભી કરી જાય છે તે વાતને આ મૂવી પ્રમાણિત કરે છે.

ચોથા પ્રકારનાં એ લોકો છે જેઓ પોતાને માટે પ્રેમ કે સ્નેહની ધારણા બનાવે છે. કોઈપણ વ્યક્તિ તેને માટે થોડાં સારા શબ્દ કહે કે પ્રેમથી વાત કરે તો તેને પોતાનાં પ્રત્યેનો પ્રેમ માની લે છે. આ બાબતમાં પણ હું મારો જ એક અનુભવ મૂકી રહી છું. મને કોઈ મળેલું જેની સાથે મારી નિરંતર વાતો થતી, મારી નિરંતરની વાતોને કારણે તેણે એવું માની લીધેલું કે મને તેને માટે સ્નેહ છે. એક દિવસ મારે તેને કહેવું પડ્યું કે ભાઈ તું કેવડો છે? તો કહે ૨૬ વર્ષનો… મે કહ્યું; ભાઈ, તારી ઉંમરનાં મારા દીકરા -દીકરી છે. તેથી મને તારામાં એ જ સ્વરૂપ દેખાય છે, માટે મારી જે વિચારધારણા હોય તે તે મુજબ છે. પહેલાં તેને લાગ્યું કે હું ખોટું કહી રહી છું….પણ આખરે તેને ખ્યાલ આવ્યો કે તે આ બાબતમાં ખોટો હતો અને તે શું વિચારી બેઠો હતો, તેણે માફી માંગી પ્રોમિસ આપ્યું કે હવે પછી કોઈ તેની સાથે સસ્નેહ વાત કરશે તો એ …એ પ્રેમનું સ્વરૂપ માની નહીં લે. મને આ બાબતનો અનુભવ થયો તેનું કારણ હું વિચારું છું તો મને લાગે છે કે મોટાભાગે આપણે બધાંની સાથે સ્નેહપૂર્વક વાત કરીએ છીએ કારણ કે આ વાતમાં નાના હોય કે મોટા હોય, સાથીદારો હોય કે મિત્રો હોય, અજાણ્યાં હોય કે જાણીતાં હોય…..કોઈપણ વ્યક્તિ સાથેની વાતચીત હંમેશા વિવેકસ્નેહથી થાય છે. આ વિવેકસ્નેહની ધારણાનો કોઈ ઊંધો જ અર્થ કાઢે તો સામેવાળી વ્યક્તિ શું કરે? મારા આ પ્રસંગ ઉપરથી મને ખ્યાલ આવ્યો કે મારા જેવા સામાન્ય લોકોને જો આ અનુભવ થયો તો જે લોકો કલા કે અન્ય ક્ષેત્રોમાં પ્રખ્યાત કે પ્રસિધ્ધ છે તેઓને તો કેટલી તકલીફ પડતી હશે. સ્નેહ-પ્રેમની આવી શંકાને એરોટોમનીઆ ( Erotomania ) ભ્રમ તરીકે ઓળખવાંમાં આવે છે. ઉપરોક્ત કહ્યાં તે સિવાય પણ શંકાઓનાં અનેકવિધ પ્રકાર હોય છે જે સમય સમય અનુસાર માણસનાં વર્તનમાં જોવાં મળે છે. મનોવૈજ્ઞાનિક ડો. એલન સાલ્વનાં અનુસાર મગજમાં જ્યારે ડેપોમાઇન નામનું હોર્મોન્સ વધી જાય ત્યારે આ પ્રોબ્લેમ વિશેષ જોવા મળે છે. ડો. સાલ્વનાં મતે એશિયાઈ દેશોમાં બહુ અવેરનેસ હોતી નથી તેથી આ નાની નાની બાબતો ક્યારે ક્રાઇમનું મોટું સ્વરૂપ લઈ લે છે તેની જાણ હોતી નથી. માટે જ શંકા, ધારણા, ભ્રમ, ભ્રાંતિને વગેરેમાં ફસાઈએ તે અગાઉ શાંતિથી સમજણપૂર્વકનો રસ્તો વિચારવાથી જીવનનાં ઘણાંબધાં પ્રોબ્લેમ દૂર થઈ જાય છે.

અંતે:-

कहीं बाजार में मिल जाये तो लेते आना,
वोह चीज जिसे मन की शांति कहेते है


સર્જનહારમાં પ્રકાશિત


પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ  | purvimalkan@yahoo.com

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “જી, હજૂર… આ શંકાનાં જ પરિણામો છે.

 1. February 3, 2018 at 7:56 pm

  બહુ જ સરસ અને ઘણા કામનો લેખ – તમારા પોતાના અનુભવોથી એની અસરકારકતા ઘણી વધી ગઈ છે. લાખો ઉપદેશો જે સમજાવી નથી શકતા – એ જીવનનો એક અનુભવ સમજાવી જાય છે.
  આદત વશ …. અનુભવ કથાના આ બે લેખ મમળાવવા ખાસ વિનંતી…..

  https://gadyasoor.wordpress.com/2007/06/01/abhan_thavanu/

  https://gadyasoor.wordpress.com/2007/07/01/abhan_thavanu_2/

 2. Pravina
  February 21, 2018 at 5:02 pm

  પૂર્વી બેન આ લેખે મને એક જગ્યાએ બેસાડી રાખી. જાની સાહેબની વાત સાચી છે. તમે જે સહજતાથી તમારા અનુભવો મૂક્યાં છે તે સહજતા સરળતાથી જોવા નથી મળતી.

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.