મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

સિનેમા એ દિર્ગ્દર્શકનું માધ્યમ છે, જેના વડે પોતાની નજર સામે કલ્પેલ દૃશ્યને તે પરદા પર જીવંત કરે છે.

આજની આ પ્રસ્તુતિ મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો વિશેની માહિતી પર આધારિત છે.

The Gandhi at the Bat

આ ફિલ્મ બની ૧૯૮૩માં, પણ એના વિષયવસ્તુનો સમયગાળો ૧૯૩૩નો છે. એટલે એમ કહેવું ખોટું છે કે કોઈ કલાકારે મહાત્મા ગાંધીની ભૂમિકા નિભાવી હોય અને તેમના પર ફિલ્મ બનાવી હોય તેવી માહિતી છેક ૧૯૩૩થી મળે છે. ફિલ્મ તો ૧૯૮૩માં બનેલી જેમાં સમય ૧૯૩૩નો બતાવેલો છે, અને રજૂઆત એવી રીતે કરી છે કે ૧૯૩૩નો જ સમય લાગે. એની વાર્તા બિલકુલ કાલ્પનિક છે.

આ ફિલ્મ એક પૅરોડી છે. લેખકે એવી કલ્પના કરી છે કે સાલ ૧૯૩૩માં ન્યૂ યૉર્કના મૅયરના ખાસ આમંત્રણને માન આપીને શ્રી મોહનદાસ કે. ગાંધી મુલાકાતે આવ્યા છે, મૅયર ગાંધીજીને ન્યૂ યૉર્કમાં આવેલા પ્રખ્યાત  યાન્કી સ્ટેડિયમમાં  બેઝબોલની રમત જોવા લઈ જાય છે. એક બાજુ ગાંધીજીનો સરળ અને નિખાલસ જીવનનો દૃષ્ટિકોણ, બીજી બાજુ અમેરિકનોનો બેઝબોલની રમત પ્રત્યેનો લગાવ. લગભગ ૧૧ મિનિટની આ શોર્ટ ફિલ્મના ડાયરેક્ટર હતા સ્ટીફની આર્ગી અને એલેક બહમન. ૧૯૮૩માં ન્યૂ યૉર્કર મેગેઝિનમાં ચૅટ વિલિયમસને લખેલી એક ટૂંકી વાર્તાના આધારે આ ફિલ્મ જૂની બ્લૅક એન્ડ વ્હાઇટ અને એક દસ્તાવેજી ચિત્રની જેમ બનાવવામાં આવેલી.

ગાંધીજીને બેઝબોલની રમત વિષે કંઈ જ ખબર નથી, મૅયર ગાંધીજીને યાન્કીની ટીમમાં બૅબ રૂથ જેવા મહાન પ્લેયરનો પરિચય કરાવે છે, થોડી વાર રમત જોયા પછી ગાંધીજી પોતે રમવાની ઇચ્છા દર્શાવે છે. ગાંધીજી પોતાની રીતે બોલને ફટકારી હોમ-રન પૂરો કરે છે, આ દરમિયાન દાવ આપતા પ્લેયરો અને ગાંધીજી વચ્ચે થોડા છબરડા થાય છે, 

ડેલ્ફિન લેબો – ગાંધીજીની ભૂમિકામાં અને બ્રિટ પેન્ટિસ – બૅબ રૂથની ભૂમિકામાં છે.

આ ફિલ્મ વિષે દિગ્દર્શકનું પોતાનું મંતવ્ય:

“ગાંધી એટ ધ બેટ” એ એક 11 મિનિટની ફિલ્મ છે, જેમાં મોહનદાસ કે. ગાંધી ૧૯૩૩માં ન્યૂ યૉર્કની ખાનગી મુલાકાતે આવ્યા હતા તેવી કલ્પના કરી છે. ટોચની સુરક્ષાવાળી આ રહસ્યભરી મુલાકાત વિષે તે સમયના અમેરિકાના પ્રમુખ ફ્રેંક્લીન રૂઝવેલ્ટના ફરમાનથી આ મુલાકાતના કોઈ પણ રેકોર્ડ કે દસ્તાવેજી પુરાવાઓ નાશ કરી દીધા હતા. આને લીધે કોઈ પણ અમેરિકન અખબાર, રેડિયો કે ટેલિવિઝનનાં માધ્યમોને સદંતર અંધકારમાં રાખવામાં આવેલા એટલે કોઈ પાસે આ ગાંધીજીની ૧૯૩૩ની અમેરિકાની મુલાકાતની માહિતી નથી. પણ હાલમાં હોલીવૂડના એક ભસ્મીભૂત થયેલા સ્ટુડિયોના કચરામાંથી ૧૯૩૩ની 1933ની ફિલ્મની થોડુંઘણું નુકસાન પામેલી રીલો મળી આવીઆમ આ મુદ્દા પર વાર્તા રચાઈ અને ગાંધી એટ ધ બેટ એક જર્જરિત ન્યૂઝરીલની જેમ પ્રદર્શિત થ!

પટકથા લેખક અને દિગ્દર્શક આગળ લખે છે કે હકીકતમાં ગાંધીજી પોતાના જીવનકાળ દરમ્યાન ક્યારે પણ અમેરિકા આવ્યા નથી,પણ રંગભેદની નીતિ સામે લડનાર તરીકે સમગ્ર વિશ્વમાં પૂજનીય ગાંધીજીને અમેરિકનોની સહુથી પસંદ રમત બેઝબોલ સાથે જોડી દેતાં આ ફિલ્મને બહોળી પ્રસિદ્ધિ મળી ગઈ.

આ ૧૧ મિનિટ ચાલતી ફિલ્મનું ૨.૨૨ મિનિટનું ટ્રેલર –

+++

એક જર્મન વેબસાઈટ છે www.gandhimedia.org અહીં ગાંધીજી ના જીવન ને લગતા ઘણા દસ્તાવેજો, સમાચાર ચિત્રો જેવી કે આ ફિલ્મ, વગેરે જોવા મળેછે, જેને download કરવા માટે રકમ ભરાવી પડે છે.

++++

જો કે આપણે તો આજે અહીં વાત કરવી છે ગાંધીજીને એક પાત્ર તરીકે દર્શાવતા ચલચિત્રોની અને એ ભૂમિકા નિભાવતા કલાકારોની.

1963

Nine Hours To Rama

એક બ્રિટિશ ફિલ્મકાર માર્ક રોબસને સ્ટેનલી વોલપર્ટની એ જ નામની નવલકથા પરથી ૧૯૬૩માં ફિલ્મ બનાવી જેનું નામ હતું, “Nine Hours to Rama”. આ વાર્તા અને તેના ઉપરથી બનેલી ફિલ્મમાં નાયક છે નાથુરામ ગોડસે.

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે ગાંધીજીની હત્યાને લગતા વિવિધ બનાવો અને સંજોગોનું નાટકીકરણ અહીં દર્શાવ્યું છે, ફિલ્મ ની પટકથામાં ગુન્હેગાર મધ્યમાં છે, નાથુરામ તે સમયે વારંવાર થતા કોમી રમખાણો, હત્યાના બનાવો, આશ્રય શોધતા હિજરતીઓ વગેરેથી તંગ આવી ગયેલો છે. ફિલ્મમાં ફ્લૅશબૅકનો સમયાંતરે દિગ્દર્શકે ઉપયોગ કર્યો છે. ફિલ્મની શરૂઆત જ ઘડિયાળના ક્લોઝઅપથી થાય છે જેમાં નવ વાગ્યા છે.  ફિલ્મમાં ગોડસેના આ અમાનુષી કૃત્યને ન્યાય આપવા પ્રયત્ન નથી કર્યો. ફિલ્મનું શૂટિંગ ભારત અને બ્રિટનના સ્ટુડિયોમાં થયેલું.

નાથુરામનો મુખ્ય રોલ જર્મન અદાકાર હોર્સ્ટ બુકહૉલ્ઝે કર્યો અને ગાંધીજીની ભૂમિકા જે. એસ. કશ્યપે ભજવી હતી. કશ્યપ મુંબઈમાં હિન્દી સિનેમા સાથે સંકળાયેલા હતા, “અધૂરી કહાની” “અછૂત કન્યા”, “બહોત દિન બીતે” જેવી ફિલ્મોની પટકથા તેમણે લખી હતી.

BAFTA (British Academy Film Awards) તરફથી Best Cinematography માટે આ ફિલ્મને એવાર્ડ મળેલો.

સરકારની પરવાનગીથી ઘણુંખરું ફિલ્માંકન ભારતમાં થયેલું, છતાં આ ફિલ્મને આપણા દેશમાં રિલીઝ કરવા સામે એ જ  સરકારે મનાઈ હુકમ આપ્યો – “ગોડસે જેવી વ્યક્તિને હીરો દર્શાવતી ફિલ્મ ભારતમાં કેમ પ્રદર્શિત થાય?” આ સવાલ દેશના તે સમયના આગેવાનોએ કરેલો. પછી તો આ ફિલ્મ સાથે ડૉ. સ્ટેનલી વોલપર્ટના પુસ્તક પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 

વોલ્પર્ટ અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાં “ઇન્ડોલોજિસ્ટ” હતા અને એશિયાના દેશો, ભારત અને પકિસ્તાનની આર્થિક, સામાજિક અને રાજદ્વારી સ્થિતિ અને ઇતિહાસના વિષય પર તેમણે PhD ની ઉપાધિ મેળવી છે. વોલપર્ટનાં બીજાં પુસ્તકો,  નહેરુના જીવન પર, “Nehru : A Tryst With Destiny અને “Jinnah of Pakistan બંને, અનુક્રમે ભારત અને પાકિસ્તાનમાં એક સમયે પ્રતિબંધિત હતાં. “Nehru: A Tryst With Destiny પુસ્તકના એક પ્રકરણમાં જવાહરલાલ નહેરુ અને શાયર ફિરાક ગોરખપુરી વચ્ચે મિત્રતાની વાત લખી છે. ભારત સરકારે તેની સામે વાંધો ઉઠાવ્યો પણ લેખક તે પ્રકરણ હટાવવા માટે સંમત ન થયા.

Jinnah of Pakistanમાં મહંમદ અલી ઝીણાને શરાબ અને ડુક્કરનું માંસ આરોગવાના શોખીન બતાવવામાં આવ્યા છે, જે ઇસ્લામની વિરુદ્ધ ગણાય, એટલે પાકિસ્તાને એ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો।

ડો. સ્ટેનલી વોલપર્ટનાં અન્ય પુસ્તકો Congress and Indian Nationalism: The Pre-independence Phase, Gandhi’s Passion : The Life and the Legacy of Mahatma Gandhi, Jinnah of Pakistan, અને 2006 માં પ્રસિદ્ધ થયેલું “Shameful Flight: The Last Years of the British Empire in India” વગેરે Amazon પર મળે છે.  આમ ડો. વોલપર્ટનાં લખેલાં પુસ્તકોની યાદી ઘણી લાંબી છે.

ગાંધીજીની ભૂમિકાને જે. એસ. કશ્યપે પૂરતો ન્યાય આપવા પ્રયત્ન કર્યો છે અને મહદ અંશે સફળ રહ્યા છે. અહીં આપેલી કડીમાં ફિલ્મનો છેલ્લો અને મહત્ત્વનો ભાગ –

“Nine Hours to Rama” પુરી ફિલ્મ :.

ડો. સ્ટેન્લી વૉલ્પર્ટ નો ઈન્ટરવ્યુ:

આ પછી છેક 1982માં ગાંધીજીના જીવન પર ફિલ્મ બની.

જે સ્ટેશન પર ગાંધીજીને ઉતારી મુકેલા તેનું નામ “Pietermaritzburg

આ દક્ષિણ આફ્રિકાનું “Pietermaritzburg” નામનું રેલવે સ્ટેશન અને તેના પ્લેટફોર્મ પર લાગેલી એક ઐતિહાસિક બીના દર્શાવતી તકતી: જેમાં લખ્યું છે:

“In the vicinity of this plaque, M.K. GANDHI was evicted from a first class compartment on the night of 7 June 1893. This incident changed the course of his life. He took up the fight against racial oppression. His active non-violence started from that date.”

1982

Gandhi

વ્યક્તિના જીવન પર આધારિત ફિલ્મોમાં શિરમોર સમી આ ફિલ્મ લુઇ ફિશરે લખેલ પુસ્તક, “The Life of Mahatma Gandhi” પર મહદ અંશે આધારિત હતી.

મહાન દિગ્દર્શક ડેવિડ લિન અને પ્રોડ્યુસર સૅમ સ્પીગલ, જેમણે “The Bridge on River Kwai” અને “Lawrence of Arabia” જેવી ફિલ્મો બનાવી, તે બંનેને ગાંધીજીના જીવન પર ફિલ્મ બનાવવાની મહત્વાકાંક્ષા હતી અને ગાંધીજી ની ભૂમિકા માટે સર ઍલેક ગિનેસ તેમની પહેલી પસંદગી હતી. પણ કોઈ કારણોસર એ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં.

૧૯૬૨માં લંડન ભારતીય દૂતાવાસમાં કાર્યરત અને ગાંધીભક્ત મોતીલાલ કોઠારી જવાહરલાલ નહેરુના સંદેશ અને લુઇ ફિશરે લખેલા પુસ્તક સાથે સર રિચર્ડ એટેનબરોને મળ્યા અને એમને ગાંધીજીના જીવન પર ફિલ્મ બનાવવા આમંત્રિત કર્યા અને તે બાબત થતા ખર્ચમાં ભારત સરકાર મદદ કરશે તેવી પણ વાત કરી. એટેનબરો પંડિત નહેરુને આ પ્રોજેક્ટ માટે બે કે ત્રણ વાર મળ્યા. ફિલ્મ ભારતીયતાથી ભરપૂર હોય અને આંતર્રાષ્ટ્રીય પ્રેક્ષકગણ માટે હોવી જોઈએ એવા વિચાર સાથે નહેરુએ ગાંધીજીની ભૂમિકા માટે કોઈ બ્રિટિશ કલાકારને માટે સૂચન કરેલું અને તેમાં ઍલેક ગિનેસને તેમણે પસંદ કર્યા હતા.

દરમ્યાન ડેવિડ લિન તરફથી એટનબરોને આમંત્રણ મળ્યું, અહીં વાત જુદી હતી. લિન ગાંધીના જીવન પર ફિલ્મ હાથ ધરવાની તૈયારીમાં હતા અને ગાંધીજીની ભૂમિકા માટે તેમણે ખુદ એટનબરો ને જ લેવાનું નક્કી કરેલું! એ સમયે એટેનબરોના દિલમાં છુપાયેલો ડિરેક્ટર જે આજ સ્વપ્ન સાથે જીવી રહ્યો હતો તેની સામે એક્ટર એટેનબરો આવીને ઊભો રહ્યો. પોતાના નિર્ણય માટે સમય માગ્યો.એ કઈ જવાબ આપે તે પહેલા ડેવિડ લિને પોતે એક બીજી મહત્વની ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો, “Ryan’s Daughter”. 

ભારતમાં પંડિત નહેરુનો સ્વર્ગવાસ, એટેનબરો પાસે હતું પેલું લુઇ ફિશરનું પુસ્તક અને પોતાનું એક સ્વપ્ન. પ્રમાણમાં મોટી અડચણ એ કે ફિલ્મ બનાવવા માટે નાણાં રોકવા કોઈ સ્ટુડિયોવાળા તૈયાર ન થયા આ બાજુ નહેરુના ગયા પછી ભારતમાંથી પણ મદદ માટેની શક્યતાઓ ઘટી ગઈ.

લંડનમાં એમણે શેક્સપિયર ફેસ્ટિવલમાં બેન કિંગ્સ્લેને સ્ટેજ પર જોયા, તેમનું પરફોર્મન્સ જોયું. એટેનબરોને લાગ્યું કે ગાંધીજીની ભૂમિકા માટે કિંગ્સ્લે બરાબર છે અને ઍલેક ગિનેસના હિસાબે સસ્તો પડશે.

ભારતમાં રાજકીય ઉથલપાથલ થઈ, ફરી મોતીલાલ કોઠારીનો સંદેશો આવ્યો, તેમણે એટેનબરોને નવા વડા પ્રધાન મોરારજી દેસાઈ ને મળવા કહ્યું. મોરારજીભાઈને ગાંધીજી પર ફિલ્મ બનાવવામાં પૂરો રસ હતો પણ એક પરદેશી ગાંધીજીની ભૂમિકા કરે તે તેમને જરા પણ મંજૂર ન હતું.

ભારતમાં રાજકીય ક્ષેત્રે ફરી ફેરફારો થયા, શ્રીમતી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન થયાં. ફરી એટેનબરો સક્રિય થયા, ઇન્દિરાજીએ ભારતની સંસ્થા NFDC દ્વારા છ મિલિયન ડોલર્સ રોકવાની બાંહેધરી આપી તે સમાચાર સાથે હોલીવુડની કંપની કોલંબિયા પિક્ચર્સ પણ નાણાં રોકવા તૈયાર થઈ.

પ્રોડયુસર અને ડિરેક્ટર એટેનબરોની ફિલ્મનું શૂટિંગ ૨૬ નવેમ્બર ૧૯૮૦ ના રોજ શરૂ થયું અને ૧૦ મે ૧૯૮૧ના રોજ પૂરું થયું, ૩૦ નવેમ્બર ૧૯૮૧ના રોજ ફિલ્મ પ્રદર્શિત થઈ.

કૃષ્ણ પંડિત ભાણજી એક ગુજરાતી દાક્તર અને તેમની બ્રિટિશ પત્નીનું સંતાન, લંડનમાં નાટકો અને નાના બજેટની ફિલ્મમાં બેન કિંગ્સ્લે નામે કાર્યરત, આ અદાકાર મોહનદાસ કરમચંદ ગાંધીની ભૂમિકામાં જીવી ગયા.

પછી તો “ગાંધી” ફિલ્મે રચેલા ઇતિહાસના આપણે સાક્ષી છીએ.

Life of Mahatma Gandhi (1950), પુસ્તકના લેખક લુઇ ફિશર અમેરિકામાં જન્મેલા યહૂદી સામ્યવાદી હતા, તેમને પૂર્વ યુરોપ અને સોવિયેત રશિયાની ઘણી મુસાફરીઓ ખેડેલી, તેમણે તે સંદર્ભમાં લખેલાં પુસ્તકોમાં, The Soviets in World Affairs (1930), Oil Imperialism: The International Struggle for Petroleum (1929), The War in Spain (1937), Men and Politics (autobiography) (1941), Gandhi & Stalin. (1947) વગેરે છે. પણ ત્યાર પછી રશિયાનો દુકાળ, ભૂખમરો, કથળેલી અર્થવ્યવસ્થા અને તેની સામે સામ્યવાદી સરકારની નિષ્ફળતાઓ જોઈ ને તેમણે પુસ્તક લખ્યું, “The God That Failed”. 

પ્રિન્સટન વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલા ફિશરનું ૧૯૭૦માં અવસાન થયું. 

ઓસ્કર સમારંભ સમયે એટનબરોનું વ્યક્તવ્ય – પૂરો દસ મિનિટનો આ વિડિયો જોવા વિનતી છે, પાર્શ્વમાં “રઘુપતિ રાઘવ…” સંભળાય છે.

1998:

ડો. સ્ટેનલી વોલપર્ટ ના પુસ્તક Jinnah of Pakistan” ઉપર આધારિત ફિલ્મ:

“Jinnah”

ગાંધીજીના જીવન ઉપર બનેલી ફિલ્મને મળેલી પ્રચંડ સફળતાથી પ્રેરાઈને મૂળ પાકિસ્તાનના અને બ્રીટનમાં વસતા જમીલ દહેલવીએ કાયદે આઝમ મહમ્મદ અલી ઝીણાના જીવન પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ માટે દહેલવી અને અકબર સલાઉદ્દીન અહેમદે સાથે મળી ને પટકથા લખી, જેના મૂળમાં ડો. સ્ટેનલીવોલપર્ટનું પુસ્તક “Jinnah of Pakistan” હતુ. અકબર સલાઉદ્દીન અહેમદ યુનિવર્સીટી ઓફ લંડનમાં ઇસ્લામિક સ્ટડીઝના સ્કોલર હતા, દહેલવી એક ફિલ્મ દિર્ગ્દર્શક તરીકે BBC સાથે જોડાયેલા હતા. તેમણે બનાવેલી ફિલ્મોને ઘણી ફિલ્મ ફેસ્ટીવલોમાં ઇનામો મળેલા.

શ્રી દહેલવીની ફિલ્મ Seven Lucky Gods ને 2014 ની દિલ્હી ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મ (Best Feature Film) નો એવોર્ડ મળેલો।.

“Jinnah” શરુ થાય છે સ્ટેન્લી વોલ્પાર્ટ (Nine Hours to Ram વાળા) શબ્દોથી

“Few individuals significantly alter the course of history.
Fewer still modify the map of the world.
Hardly anyone can be credited with creating a nation-state.
Mohammad Ali Jinnah did all three”

ફિલ્મની શરૂઆત ઝીણાના મૃત્યુ દિવસ, 11 સપ્ટેમ્બર 1948થી થાય છે. બાલોચિસ્તાનના પહાડી ઇલાકાની સફરેથી પાછા આવી રહ્યા છે, અસ્થમાથી પીડિત ઝીણાને શ્વાસની તકલીફ શરુ થાય છે, ક્વેટામાં પ્લેન ઉતરેછે પણ ત્યાં કોઈ સારવાર મળતી નથી અને ત્યાંથી એ જ પ્લેનમાં કરાચી લાવવામાં આવે છે। કરાચી એરપોર્ટથી ગવર્નર હાઉસ લઈ જતી એમ્બ્યુલન્સ રસ્તામાં બગડે છે, આમ રસ્તામાં જ તેમનું પ્રાણ પંખેરું ઊડીજાય છે.

તરત બીજા દ્રશ્યમાં ઝીણા સ્વર્ગને દરવાજે ઉભા છે, અને દ્વારપાળ / પાર્ષદ તેમને માનવજાત માટે શું કર્યું તેનું બયાન આપવા કહે છે, અહીંથી ફિલ્મ ફ્લેશબેકમાં શરુ થાય છે, 1947ના ભાગલા માટે અને તે પછીને નરસંહાર માટે તેઓ જવાબદાર નથી, તેમણે પોતાનું જીવન નિષ્ઠાથી માનવહિત માટે જ ખરચી નાખ્યું હતું તેમ પુરવાર કરે છે. અંતે સ્વર્ગનો દરવાજો પાર્ષદ તેમનામાટે ખોલી આપે છે. ફિલ્મમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને તેના તે સમયના લીડરોને વિલન દર્શાવ્યા છે, અને ગાંધીજીને એક ચાલાક વાણિયા તરીકે પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો છે.

ઝીણાની ભૂમિકા ક્રિસ્ટોફર લીએ ભજવી છે જયારે સ્વર્ગના પાર્ષદ તરીકે છે શશી કપૂર।

ફિલ્મ પાકિસ્તાનની તે સમયની સરકારના સહયોગથી બનાવવામાં આવેલી, પણ પાકિસ્તાનમાં તેને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવેલો. કારણ હતું કે કાયદે આઝમ ઝીણાની ભૂમિકા કરતા બ્રિટિશ એક્ટર ક્રિસ્ટોફર લીએ પોતાની કારકીર્દીમાં ડ્રેકૂલાની વાર્તાવાળી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી ખ્યાતિ મેળવેલી. એટલે પકિસ્તાની સરકાર ડ્રેક્યુલાનું પાત્ર ભજવતા કલાકારને ઝીણા તરીકે સ્વીકારવા તૈયાર જ ન થઇ.

આ ફિલ્મમાં ગાંધીજીની ભૂમિકા મુંબઈના એંગ્લો ઇન્ડિયન કલાકાર સેમ દસ્તુરે નિભાવી હતી.

ફિલ્મ ઝીણા નું ટ્રેલર

1996

The Making of the Mahatma

ફાતિમા મીરના પુસ્તક The Apprenticeship of a Mahatma.પર આધારિત ફિલ્મ શ્યામ બેનેગલે દક્ષિણ આફ્રિકા અને ભારતના સહયોગમાં બનાવી. પટકથા શ્યામ બેનેગલ અને ફાતિમા મીરે ભેગા મળી લખી છે.

બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી ને વકીલાત માં બહુ ફાવટ આવતી નથી, એ દરમ્યાન તેમના વડીલ બંધુના મિત્ર દાદા અબ્દુલ્લાના ભાગીદાર શેઠ અબ્દુલ કરીમ ઝવેરીની ભેટ કરાવે છે, તેઓ મોહનદાસને દક્ષિણ આફ્રિકા આવવા અને પોતાના ધંધા માં મદદરૂપ થવા આમંત્રણ આપે છે: “તમારું કામ અમને એક વર્ષ થી વધારે નહિ પડે, તમને ફર્સ્ટ ક્લાસનું આવા જવાનું ભાડું ને રહેવા અને ખાધા ખર્ચ ઉપરાંત 105 પાઉન્ડ પગારના આપીશું”.  1893માં એપ્રિલ માસમાં યુવા મોહનદાસ 13 દિવસની મુસાફરીને અંતે “લામૂ” નામનાં દક્ષિણ આફ્રિકામાં આવેલા બંદરે પહોંચ્યા, ત્યાંથી મોમ્બાસા, ઝાંઝીબાર થઈને નાતાલ. ડરબન એ નાતાલનું બંદર.

આ પૂર્વ ભૂમિકા સાથે ફિલ્મની શરૂઆત થાય છે.

કેટલાક અન્ય સંદર્ભો

http://www.imdb.com/title/tt02 00441/plotsummary?ref_=tt_stry _pl

http://www.sahistory.org.za/pe ople/mohandas-karamchand-gandh i

યુનિવર્સિટી ઓફ નાતાલ સાથે સંકળાયેલાં, 1928માં ડરબનમાં જન્મેલાં ફાતિમા મીર જિંદગી પર્યંત દક્ષિણ આફ્રીકામાં રંગભેદની નીતિ સામે લડતાં રહ્યાં. તેમનાં પિતાશ્રી મુસા ઇસ્માઇલ મીર ડરબનમાં The Indian Views નામનુ છાપું ચલાવતા હતા. હિંદીઓ અને ત્યાંની રહેવાસી કાળી પ્રજાના હક્કો માટે નિયમિત લખતા.

સને 1946માં ફાતિમાજી ત્યાંના કાળા લોકો અને ભારતીઓનાં એક સંગઠનમાં જોડાયા અને દક્ષિણ આફ્રિકાની ગોરાઓની સરકાર સામે ઝુંબેશ ઉપાડી. તેમના સંઘર્ષમય જીવનમાં 1949માં દેખાવો કરતા એક શાંત સરઘસ પર પોલીસોનો ગોળીબાર અને તે પછી ફાટી નીકળેલા હુલ્લડો, પોતાના હક્ક માટે લડતા નિર્દોષ લોકો પર દમન – આ બધુંજ તેમને સદેહે અનુભવ્યું, અને એક જ વિચાર આવ્યો કે 2 ઓક્ટોબર 1869 પોરબંદર માં જન્મેલ એ છોકરો, નામે મોહનદાસ, 24 વર્ષની ઉંમરે અહીં દક્ષિણ આફ્રિકામાં પોટિયું રળવા આવેછે અને પછીના 21 વર્ષ સુધી રંગભેદની નીતિ સામે લડતો રહે છે, તે ગાંધી તેમના હીરો હતા.

ફાતિમા મીર

ગાંધીજીની એ સંઘર્ષ કથા આલેખતું પુસ્તક એટલે ફાતિમા મીર નું “The Apprenticeship of a Mahatma.

1970 માં બહાર પડેલા આ પુસ્તક ઉપર તે સમયે સાઉથ આફ્રિકામાં પ્રતિબંધ હતો, પુસ્તકમાં ગાંધીજી બાબત તેમના જન્મથી સાઉથ આફ્રિકા છોડ્યું ત્યાં સુધીની વાતનો સમાવેશ કર્યો છે. તેમનાં લખેલા અન્ય પુસ્તકો:

1990 – Higher Than Hope – નેલ્સન મંડેલાની જીવન કથા

2001 – Prison Diary – પોતે જેલમાં વિતાવેલા વર્ષો વિષે

1998 – The mistrial of Andrew Zondo – દક્ષિણ આફ્રિકાના એક ક્રાંતિકારી ની વાત

1998 The Magoos bombing 1985 ની સાલ માં ડર્બનનાં સમુદ્ર કિનારા પાસેના એક બારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ નો અહેવાલ

1955 – Race and Suicide in South Africa

ફાતિમા મીર 12 માર્ચ 2010 ના રોજ હૃદયરોગના હુમલાથી ડરબન સેન્ટ ઓગસ્ટિન હોસ્પિટલમાં સ્વર્ગવાસ પામ્યાં.

પ્રસ્તુત છે ફાતિમા મીરના ઇન્ટરવ્યુ નો એક ભાગ:

2 કલ્લાક અને 25 મિનિટ સુધી ચાલતી આ ફિલ્મ યુટ્યૂબ પર જોઈ શકશો :

https://youtu.be/pVHGN4xBSlE

નોંધપાત્ર દસ્તાવેજી ફિલ્મો:

1937નાં વરસમાં તમિલ પત્રકાર અને લેખક શ્રી એ. કે. ચેટ્ટીયાર ગાંધીજીને લગતા સમાચાર અને દસ્તાવેજી ફિલ્મો ભેગી કરી એક અગત્યનો આરકાઈવ્ઝ તૈયાર કરવાનું શરુ કર્યું. આ ભગીરથ કાર્ય માટે તેઓ ભારત, બ્રિટન, દક્ષિણ આફ્રિકામાં જે જે સ્થળો,સંસ્થાઓ સાથે ગાંધીજી જોડાયેલા હતા તેની મુલાકાત લઈને તેમના પાસેથી દસ્તાવેજો, છબીઓ અને ફિલ્મો ભેગી કરવાનું શરુ કર્યું. પોતે પણ તે સમયના ફિલ્મ કેમેરાથી ગાંધીજી જ્યાં જાય ત્યાં જઈ પોતાના કેમેરામાં Filming કરતા જાય, આમ લગભગ  50,000 ફૂટ જેટલી ફિલ્મ ત્રણ વરસમાં તેમણે તૈયાર કરી,અને દસ્તાવેજી ફિલ્મ Gandhi The 20th Century Prophet બહાર પડી. આ સહુથી પહેલી લગભગ દોઢ કલાક સુધી ચાલતી ફિલ્મ અમેરિકન એકેડેમી ઓફ એશિયન સ્ટડીઝ ના નેજા હેઠળ બહાર પડી.

Gandhi Heritage Portal પર આ ફિલ્મ ને અલગ અલગ વિડીયો ક્લિપ સ્વરૂપે મૂકેલ છે.

આમ ગાંધીજી ને લગતી નોંધપાત્ર દસ્તાવેજી ફિલ્મો ઘણી છે, હમણાં જ ઐતિહાસિક નમક સત્યાગ્રહ અને દાંડીકૂચ દર્શવતી 30 મિનિટની દસ્તાવેજી ફિલ્મ બહાર પડી છે.

યુ ટ્યુબ પર દાંડી યાત્રા વિષે ઘણી ક્લિપ જોવા મળે છે, એ પૈકી અગરિયા હિતરક્ષક સમિતિ દ્વારા મૂકાયેલ આ ક્લિપ ઘણી ઓથેન્ટીક જણાય છે, જેમાં આ વિષયને લગતા ફોટોગ્રાફ્સની સાથે યાત્રાને લગતી કોમેન્ટરી છે.

આ ઉપરાંત દસ્તાવેજી ફિલ્મોમાં નોંધપાત્ર સિનેમા “MAHATMA – Life of Gandhi, 1869-1948” શ્રી વિઠ્ઠલભાઈ ઝવેરી એ સંકલિત કરેલી આ દસ્તાવેજી ફિલ્મ પાંચ કલાકથી વધુ લાંબી છે..


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas2@gmail.com સરનામે કરી શકાશે.


મૂળ કથાનકમાં ગાંધીજી એક પાત્ર હોય અથવા તો તેમનાં જીવનની અમુક  ઘટનાઓ પાત્ર તરીકે દર્શાવાઈ હોય એવી ફિલ્મો આ લેખના બીજા ભાગમાં ૩-૨-૨૦૧૮ના રોજ પ્રકાશિત કરીશું.

2 comments for “મહાત્મા ગાંધીજીના જીવન પર બનેલી ફીચર ફિલ્મો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *