કેડી ઝંખે ચરણ : પ્રકરણ-૨૫

Facebooktwitterredditpinterestlinkedinmail

નયના પટેલ

લક્ષ્મીબહેનને લકવો મારી ગયો છે અને હવે ઘરડાંઘરમાં રહે છે – તે વાત ‘કહીને’ ડાહીબાને અને ‘સાંભળીને’ ધનુબાને સંતોષ થયો.

સરલાબહેનને તેમનાં કામે મૂકીને , રસ્તે આવતાં નંદાએ સ્નેહાને કિશનની તેના તરફની લાગણીને સ્પષ્ટતાથી સમજાવી. સ્નેહાના મનની સ્થિતિની નંદાને ખબર હોવા છતાં, માત્ર એકવાર કિશનને મળવા માટે પૂછ્યું. તટસ્થ રહીને એક સ્ત્રી તરીકે અને એક બહેન તરીકે, એમ બે રોલ એક સાથે ભજવવાનાં કેટલાં મુશ્કેલ છે તેનો નંદાને ખ્યાલ આવ્યો.

થોડીવાર માટે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર, ઘડીક્માં સ્નેહા એની મનની ગુહામાં ફરી વળી. પછી એક ઊંડો શ્વાસ લઈને બોલી, ‘ નંદા, હું ચોક્કસ તેને મળીશ. ફક્ત……..કિશનનું દિલ તોડવાની મારી હિંમત નથી ચાલતી. તને તે દિવસે મેં કહ્યું તેમ સાચ્ચે જ મને એ ગમે છે પરંતુ મારૂ મન એને માટે કોઈ લાગણી જ અનુભવતું નથી- એકદમ જાણે સ્પંદન વિહીન બની ગયું છે. તું માનીશ નંદા, ગયા અઠવાડિયે કોર્ટમાં ભાવિનને જોયો ત્યારે નહીં તિરસ્કારની કે નહી ભયની – કોઈ લાગણી જ અનુભવી નહી.’ થોડીવાર રહીને એક ઊંડો નિશ્વાસ નાંખી આગળ બોલી, ‘ સાચું કહું, હવે મને મારે જ બીક લાગે છે. થાય છે આમ ને આમ મારું હૃદય પત્થર તો નહી બની જાય ને !’

‘ હું સમજી શકું છું સ્નેહા, આટલી નાની ઉંમરમાં તેં જે યાતના ભોગવી છે તેવી યાતના કોઈ પણ ભોગવે તો ક્યાં તો તે નેગેટીવ લાગણીઓથી ઊભરાઈ જાય અથવા તો સાવ ‘ નમ ‘ બની જાય તે સ્વાભાવિક છે. હું નથી માનતી કે એ કાયમની સ્થિતિ બની રહે.’

‘એની વે, તમે લોકો તો કાલે જતાં રહેશો, હવે ક્યારે….’

‘ એટલે જ હું વિચારું છું કે આજે, હમણાં તું એને મળી શકે ?’

સ્નેહાએ વિમાસણથી પૂછ્યું, ‘ હમણાં?’ પૂછતાં પૂછતાં એનું હૃદય જાણે એક ધડકન ચૂકી ગયું ! પેલી ઠરી ગયેલી લાગણીમાં અચાનક એ લખલખું પ્રસરી ગયું.

જે હૃદય એને લાગતું હતું કે ‘ સૂન’ મારી ગયું છે તેમાં અચાનક ઘમસાણ મચી ગયું.

બન્ને જણ ખામોશ છે. નંદાએ જાણી જોઈને એને વિચાર કરવાનો સમય આપ્યો અને ચૂપચાપ કાર ચલાવતી રહી.

નમન, કિશન અને પ્રીત જે પબમાં બેઠા હતાં, ત્યાં એ લોકો આવી પહોંચ્યા.

કાર પાર્કમાં કાર પાર્ક કરી બન્ને જણ થોડીવાર માટે ચૂપચાપ બેસી રહ્યા.

નંદાએ સ્નેહા તરફ જોઈને એનો હાથ થપથપાવ્યો અને સહાનુભૂતિથી એને એક સ્માઈલ આપ્યું. એ સહાનુભૂતિએ સ્નેહાના વેરવિખેર થઈ જતાં મનને અટકાવ્યું. અને વિખરાઈ જતાં મનને સંભાળતાં સ્નેહા તરફ જોઈને કહ્યું, ‘ ઓ.કે, નંદા, હું કિશનને મળીશ.’

થોડીવાર શાંત બેસી રહ્યા પછી નંદાએ કિશનને ફોન જોડ્યો અને બહાર કાર પાર્કમાં બોલાવ્યો.

મનને શાંત રાખવા મથતી સ્નેહાને થયું કે તેનાં દિલની ધડકન આખી કારમાં ગુંજે છે !

નંદાએ છલોછલ લાગણીથી સ્નેહાનો હાથ પોતાના હાથમાં લીધો અને પૂછ્યું,’ જો તારું હૃદય સ્પંદનવિહીન બની ગયું હોય તો આ હમણાં તારી અંદર ઊઠ્યું છે તે શું છે ?’

‘ મને ય ખબર નથી નંદા, સાચું કહું કોઈ પણ નિર્ણય લેવાની સ્થિતિમાં મારું મન નથી. અને ફક્ત મારી એકલીની જ જીંદગી એના પર નિર્ભર હોત તો જુદી વાત છે…..આ તો એ લોકોની જીંદગી એના પર નિર્ભર છે કે જેમના ઉપકાર, આ જન્મે તો શું કેટલાય જન્મો સુધી..’નંદાએ તરત એના મોઢે હાથ દઈ દીધો, ‘ ખબરદાર હવે આગળ કાંઈ બોલી છે તો, ‘ઉપકાર’ શબ્દ વાપરી તું મહેરબાની કરી અમારી લાગણીઓનું અપમાન ન કર. અને કિશન આવે તે પહેલાં તને એ પણ કહી દઉં કે તું જે નિર્ણય લે, તે, ક્યારેય…સંભળે છે ને? ક્યારેય ઉપકાર સમજીને ‘હા’ નહી કહેતી-સમજી? નહી તો આપણા સમાજની મોટા ભાગની સ્ત્રીઓની જેમ આખી જિંદગી સમાધાન બની જશે.’ પછી દરેક શબ્દને છૂટો પાડી, ભાર મૂકી બોલી, ‘ અને કાન ખોલીને સાંભળી લે સ્નેહા, હું કોઈ પણ હિસાબે એ થવા નહીં દઉં. આ ઘડીએ મને વચન આપ કે આ બાબતમાં જે કોઈ પણ નિર્ણય લે તેમાં તું ફક્ત ને ફક્ત તારા દિલની વાત જ માનશે. કિશનને એક તને ચાહતા પુરુષ તરીકે જ નિર્ણય લેજે – નહીં કે તને પ્રતિકૂળ સંજોગોમાં મદદ કરનાર ફોઈના દીકરા તરીકે, સમજી ?’ કહી વચન લેવા હાથ લંબાવ્યો. ખબર નહીં સ્નેહાને શેની શાતા વળી ગઈ, પણ ઘડીકમાં કૂદાકુદ કરતું મન એકદમ સ્વસ્થ થઈ ગયું!

આછું મલકીને તેણે પોતાનો હાથ નંદાના હાથમાં મુક્યો. દૂરથી આવતાં કિશને આ દ્રુશ્ય જોયું. અંદર શું બન્યું તેની ખબર ન હોવા છતાંય તેના મન-પ્રાણમાં એક આનંદનું મોજું ફરી વળ્યું.

કાર નજીક આવેલા કિશનને જોયો એટલે નંદાએ કારનો દરવાજો ખોલ્યો. સ્નેહા તરફ જોઈ ધીમેથી ‘ બેસ્ટ ઓફ લક ‘ કહી કારની બહાર નીકળી અને કિશનને પબની અંદરની એમની પ્રીત સાથેની મિટીંગના હાલ પૂછ્યા, ‘ અંદર શું ચાલે છે, કિશુ ?’

કિશન સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતાં બોલ્યો, ‘ બસ, પ્રીતે આખરી અલ્ટીમેટમ તો બધાને આપી દીધું જ છે. એટલે હવે આપણે ફોઈ-ફુઆ અને મમ-ડેડને સમજાવવાની જવાબદારી લીધી. ’

‘ ઈટ્સ નોટ ઈઝી, કિશુ !’

‘ વી ઓલ નો ધેટ, પણ ક્યારેક તો આ કામ કરવાનું જ હતું, અને હવે એ ઘડી આવી ગઈ છે, નંદા. એમ નહી કરીશું તો આપણા કેટલાય એશિયન યુવાન-યુવતીઓએ પોતાની સ્થિતિ ન કહેવાતાં કે ન સહેવાતાં આપઘાત કર્યા છે, એની આપણને સૌને ખબર છે જ. અને ઓફ કોર્સ આપણને નથી જોઈતું કે આપણો પ્રીત એ રસ્તો અપનાવે !’

‘ ઓ.કે. ચાલ , હું અંદર જાઉં છું. તું સ્નેહાને મારી કારમાં જ લઈ જા. મને નમુ લેઝને ત્યાં મુકી જશે.’

સ્નેહા કારમાંથી બોલી, ‘ પણ નંદા, અમને બન્નેને ઘરે સાથે આવેલાં…’

સાંભળ્યું ત્યારે ભાઈ-બહેન બન્નીને સ્નેહાની વાતમાં તથ્ય લાગ્યું, ‘ હં, શી હેસ ગોટ અ પોઈંટ !’ કિશને કહ્યું.

નંદાએ રસ્તો કાઢ્યો, ‘ ઓ.કે, બાબા, તમે ઘરે જતાં પહેલા મને ફોન કરજો અને લેઝને ત્યાંથી પીક કરી લેજો.’ સ્નેહા તરફ જોઈ, આંખ મારી પૂછ્યું, ‘ ખુશ ?’

સ્નેહાના સ્માઈલને સમજી, કિશનને હગ કરતી વખતે, તેનાં કાનમાં, ‘બેસ્ટ ઑફ લક’ કહી તેણે પબ તરફ પગ ઉપાડ્યા.

કિશન કારમાં બેઠો. સ્નેહા અને એની વચ્ચે નહીં નહીં તોય બે ફૂટનું અંતર હશે તો ય સ્નેહા સંકોચાઈને બેઠી.

હવે ક્યાં જવું તે નક્કી ન કરી શકતાં કિશને સ્નેહાને પૂછ્યું, ‘ બોલ, ક્યાં જઈશું ?’

‘ વ્હેર એવર યુ લાઈક !’

‘ અરે, વાહ , ઈંગ્લીશ બોલવાનું ફાવી ગયુંને કાંઈ !’ વાતાવરણને હળવું કરવા કિશને પ્રયત્ન કર્યો.

સ્નેહા પણ થોડી રીલેક્ષ થઈ ગઈ, ‘ કેમ, મને સાવ બુધ્ધુ માની હતી કે શું ?’

કાર પર્કમાંથી બહાર નીકળતાં બોલ્યો, ‘ તને ખબર છે સ્નેહા, મને બુધ્ધુ દેખાતી પરંતુ વાસ્તવમાં બુધ્ધુ નહીં હોય તેવી છોકરી બહુ ગમે છે !’ કહી ત્રાંસી આંખે સ્નેહા તરફ જોયું.

સ્નેહા માત્ર મલકાઈ અને બારી બહાર જોતી રહી. એનો ઉચાટ, ગભરાટ, સંકોચ અને નમનેસ ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયાં એની એને જ નવાઈ લાગી.

એક સાવ એકાંત રેસ્ટોરંટ પાસે કિશને કાર ઊભી રાખી, પૂછ્યું, ‘ અહીં ચાલશે ?’

‘ સાચુ કહું, મને જરાય ભૂખ નથી. અહીં કારમાં જ બેસી રહીએ તો કેમ ?’ સ્નેહા અવઢવમાં હતી, ‘ અનલેસ, તમને ભૂખ લાગી હોય !’

‘ મને ય ભૂખ તો નથી લાગી…પણ….રણમાં હોઉંને તેવી તરસ લાગી છે, મારું ગળું એટલું તો સૂકાઈ છે ને..કે…’

સ્નેહા એના કહેવાના ડબલ મીનીંગને સમજી છતાંય એકદમ નિર્દોષ બની કારમાં રાખેલી પાણીની બોટલ ધરી !

બન્ને જણ હસી પડ્યાં.

કિશન કારની બહાર નીકળ્યો અને સ્નેહા બેઠી હતી તે તરફ જઈને કારનો દરવાજો ખોલી ઊભો રહ્યો. સ્નેહા, ‘થેંક્યુ’ કહી બહાર આવી.

કિશનને એક ક્ષણ માટે તેનો હાથ પકડીને ચાલવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. બીજા એમની લાગણીને સમજે કે ન સમજે પરંતુ અન્યોની લાગણીને સામજતો એ સરલાબહેનનો દીકરો છે. મન અને હાથને ટપારી, કારને લૉક કરી, સ્નેહાની પાછળ ગયો.

કિશનના આવવાની રાહ જોતી સ્નેહા ધીમે પગલે ચાલતી હતી તેનાથી આગળ નીકળી જઈ કિશન રેસ્ટોરંટનો દરવાજો ખોલી એક અંગ્રેજ સદ્‍ગ્રુહસ્થની જેમ ઊભો રહ્યો. તે જ વખતે અંદરથી બહાર નીકળતાં ફેમિલિને જોઈને કિશન અને સ્નેહા સ્તબ્ધ થઈ ગયાં!


ક્રમશઃ


સુશ્રી નયનાબહેન પટેલનું વીજાણુ સંપર્ક સરનામું: ninapatel47@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *