સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૦): રસીનિર્માણક્ષેત્રે સંશોધન અને વિકાસ

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ . પંડ્યા

આપણે છેલ્લા બે હપ્તાઓમાં વિવિધ પ્રકારનાં વાઈરસની મદદથી એમના જ દ્વારા ફેલાતા રોગો સામે રક્ષણ અપાવી શકે તેવી રસીઓ કેવી રીતે વિકસાવવામાં આવી એ વિશે વાત કરી ગયા. આજે એ વિષયે થોડી વાત કરીએ. આવતા હપ્તાથી આપણે ફરીથી આપણા મુખ્ય વિષય એટલે કે સુક્ષ્મ જીવો વિશે ચર્ચા આગળ વધારીશું.

એક વાર શીતળા અને હડકવા જેવા જીવલેણ રોગો સામેની પ્રતિકારક રસીઓ સફળતાપૂર્વક ઉપયોગે લેવાવા લાગી એટલે સ્વાભાવિક રીતે જ સંશોધકોએ અન્ય રોગોના પ્રતિકાર માટે પણ રસીઓ વિકસાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું. વૈજ્ઞાનિક સંશોધનોનો પાયાનો ખ્યાલ છે, ‘Trial and Error’/ ‘(વારંવારની) કોશિશ અને ભૂલ (સુધારણા)’, થાક્યા હાર્યા વિના નિરંતર પ્રયત્નો કર્યે રાખવાથી આખરે ઈચ્છીત ફળ મળે તો મળે પણ ન મળે તો, જે તે સંશોધન માટે વપરાયેલાં સંસાધનો, દ્રવ્ય, તેમજ માનવબળને ભૂલી જઈ, નિષ્ફળતાનો જરાય અફસોસ કર્યા વગર એમાંથી શીખવાજોગ હાંસલ કરી, આગળ વધવાનું રહે છે. અસાધારણ બુધ્ધિમતા ઉપરાંત અખૂટ ખંત અને ધીરજ વડે કામ કરનારાઓ જ માનવજાત માટે અને સમગ્ર સૃષ્ટિ માટે કંઈક ઉપયોગી શોધ કરી શકતા હોય છે. આપણે ઘણી વાર વાંચીએ/સાંભળીએ છીએ કે કેટલીયે શોધો સાવ આકસ્મિક સંજોગોમાં થઈ છે. એ લખનારા/બોલનારા એવી ચોખવટ ક્યારેય નથી કરતા કે એવા આકસ્મિક સંજોગો પણ સંશોધકોની અવિરત અથાગ મહેનતના પરિણામે જ ઉભા થતા હોય છે. આ કારણથી વૈજ્ઞાનિક બાબતો ઉપર લખતા/બોલતા સૌની એ ફરજ બની રહે છે કે કોઈ પણ શકવર્તી વિકાસની વાત કહેતી વખતે એની સાથે સંકળાયેલા પાયાના સંશોધકોનો ઉલ્લેખ કરવો. આ જ કારણથી આપણે એડ્વર્ડ જેનર, લુઈ પાશ્ચર અને એમીલ રૂક્સ જેવા સંશોધકોનો ઉલ્લેખ કર્યો. આજના વાઈરસ વિશેના આખરી પડાવ ઉપર આપણે imageપોલિઓ-બાળલકવા જેવા ભયંકર રોગને નાથવા માટે કેટકેટલા સંશોધકોએ પ્રયાસો કર્યા અને સફળતા મળતાં પહેલાં કેવી ઘોર નિષ્ફળતાઓનો સામનો કર્યો એ વિશે ટૂંકમાં વાત કરીએ.

અમેરીકામાં આ રોગ માટેની રસી વિકસાવવાના પ્રયત્નો સને ૧૯૨૫ આસપાસ શરૂ થઈ ગયા હતા.

જૉન કોલ્મર નામના એક પ્રતિષ્ઠીત ચિકિત્સકે સને ૧૯૩૫માં પોતાના સાથીદારો સાથે મળીને બનાવેલી રસી લગભગ ૧૦,૦૦૦ બાળકોને પ્રાયોગીક ધોરણે આપી. એના આ અખતરાને ધારી સફળતા ન મળતાં વૈજ્ઞાનિક આલમ એની ઉપર તૂટી પડી અને એને ‘હત્યારો ડૉક્ટર’ કહેવા સુધી એના ટીકાકારો ગયા! આ નિષ્ફળતાનો ખુબ જ પ્રચાર થયો અને સરકારી સૂત્રો પણ આવી રસીઓની અસરકારકતા બાબતે શંકા સેવવા લાગ્યાં. આને પરિણામે પોલિઓની રસી વિકસાવવાના પ્રયોગોને વૈજ્ઞાનિકોએ તેમ જ સરકારી તંત્રએ હતોત્સાહ કર્યા. જે વૈજ્ઞાનિકોએ આ દિશામાં સંશોધનો હાથ ધર્યાં હતાં એમાંના મોટા ભાગનાઓએ પોતાનાં સંશોધનોની દિશા બદલી નાખી. જો કે અમૂક ઉત્સાહીઓ પોતાની રીતે આગળ વધ્યા. એમાંના imageએક, મૌરીસ બ્રોડી નામના વૈજ્ઞાનિકે સને ૧૯૩૬માં પોતાના પ્રયોગોમાં નોંધપાત્ર સફળતા મળી હોવાનો દાવો આંકડા સાથે કર્યો. પણ વૈજ્ઞાનિકો અને સત્તાધીશો ઉપર હજી કોલ્મરની ( કહેવાતી) નિષ્ફળતા હાવી હતી. આથી બ્રોડીના પ્રયોગોને વખોડી કાઢવામાં આવ્યા અને આ ઓછું હોય એમ એને નોકરીમાંથી રુખસદ આપી દેવામાં આવી. આ ઘટનાક્રમથી અત્યંત વ્યથિત થયેલા બ્રોડીનું ૩૬ વર્ષની ભરયુવાન વયે અવસાન થયું. એના કેટલાક નિકટવર્તીઓના કહેવા પ્રમાણે હimageતાશામાં ડૂબેલા બ્રોડીએ આત્મહત્યા કરી હતી.

લગભગ એક દસકા પછી કેટલાક સંશોધકોએ ફરીથી આ દિશામાં કામ ચાલુ કર્યું. આ સમયગાળામાં હીલરી કૉપરોસ્કી નામના એક સંશોધકને પણ એના પ્રયોગોમાં સફળતા મળી હોવાનું નોંધાયું. એ જ અરસામાં જોનાસ સૉક નામના એક વૈજ્ઞાનિક પણ પોતાનાં સંશોધનો આગવી કાર્યપધ્ધતિ વડે આગળ ચલાવીimage રહ્યા હતા. સૉકે જીવીત પોલિઓ વાઈરસની વિષાક્તતા દૂર કરીને એનો ઉપયોગ કરવાની પરંપરાગત પધ્ધતિને બદલે નિર્જીવ વાઈરસનો ઉપયોગ કરવા માટેના પ્રયોગો કર્યા અને એમાં એને નોંધપાત્ર સફળતા મળી. આ પ્રકારની રસી ssઈન્જેક્શન દ્વારા બાળકના શરીરમાં દાખલ કરવામાં આવતી હતી અને એનાં પરિણામો ખાસ્સાં પ્રોત્સાહક મળ્યાં. આખરે સને ૧૯૫૫ના એપ્રીલ મહિનામાં આ રસીને વૈશ્વીક કક્ષાએ સ્વીકૃતિ મળી. અને એ ખુલ્લા બજારમાં વેચાવા લાગી.

imageજો કે સૉકની બિનપરંપરાગત રસીને મળેલી આ સફળતા છતાં આલ્બર્ટ સાબીન નામના એક સંશોધકે સજીવ રસી બનાવવા માટેના પ્રયત્નો ચાલુ રાખ્યા. આ કાર્યમાં એને ઉપર ઉલ્લેખ થઈ ચૂક્યો છે એ સંશોધક કૉપરોસ્કીનો પણ અવારનવાર સહકાર મળતો રહ્યો. અથાક પ્રયત્નો પછી આખરે સને ૧૯૬૧માં વિશ્વની પહેલી સજીવ (પણ વિષાક્તતા વિહીન) વાઈરસ વડે બનાવાયેલી પોલિઓ રસી બજારમાં મૂકાઈ. આ રસીની એક વધારાની ખાસીયત એ હતી કે એ મોઢા વાટે આપવામાં આવતી હતી(આ કારણથી એને ઓરલ-મૌખીક-રસી કહેવામાં આવી.). બાળકોને ઈન્જેક્શનની સોય જેવી બિહામણી ચીજ વડે ભોંકાવું પડતું ન હતું. ધીમે ધીમે હવે આપણે એ પડાવ ઉપર આવી પહોંચ્યા છીએ, જ્યાં પૂરા વિશ્વમાં માત્ર અને માત્ર ઓરલ રસી વડે જ કામ ચાલે છે. આપણા દેશમાં પણ મોટા પાયે પોલિઓ રસીકરણની ઝુંબેશ ચાલે છે અને એને એવી તો કલ્પનાતીત સફળતા મળી છે કે બાળલકવા નાબૂદ થઈ ગયો છે એમ કહીએ તો પણ ખોટું નથી.

આટલી વાત કર્યા પછી આપણે આપણા મુખ્ય વિષય તરફ પરત ફરીએ. સુક્ષ્મ જીવાણુઓની સૃષ્ટિનાં સૌથી પ્રાથમીક કક્ષાનાં સભ્યો એવાં વાઈરસ વિષે જાણ્યા પછી આપણે એમની માનવજાત માટેની ઉપયોગીતા બાબતે વાત કરી. આ અતિસુક્ષ્મ હસ્તીઓના ઉપયોગથી માનવજાત રસી બનાવતાં અને એનો સફળતાપૂર્વક ઉપયોગ કરતાં શીખી. શીતળા, હડકવા અને પોલિઓ આ ત્રણેય વાઈરસજન્ય રોગો હતા. એ ત્રણ રોગોના પ્રતિકારરૂપે રસીઓ બની, એના ઉપરથી સંશોધકો ખાસ્સા પ્રોત્સાહિત થયા અને પછી તો વાઈરસ દ્વારા તેમ જ બેક્ટેરીયા દ્વારા ફેલાતા અનેક રોગો સામેની રસીઓ આપણી પાસે ઉપલબ્ધ છે. રોગને થતોજ ડામવા માટેની આ કાર્યપધ્ધતિનાં મૂળીયાં વાઈરસ ઉપરની શોધખોળ વડે નંખાયાં એ યાદ કરી, આપણે આ સુક્ષ્માધિસુક્ષ્મ હસ્તીઓનો આભાર માની, આવતા હપ્તાથી આ લેખમાળામાં બેક્ટેરીયા તરીકે ઓળખાતાં સુક્ષ્મ સજીવો વિશે વાત કરીશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com


નોંધ:

આ લેખ તૈયાર કરવામાં વિકીપીડીઆની મદદ લીધી છે.

અહીં મૂકેલ તસ્વીરો નૅટ પરથી સાભાર લીધેલ છે

2 comments for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૦): રસીનિર્માણક્ષેત્રે સંશોધન અને વિકાસ

  1. નિશિથ ભટ્ટ
    January 26, 2018 at 7:43 am

    ઉત્તમ માહિતી. વાંચવાની મજા પડી.

  2. SAMIR
    January 26, 2018 at 10:19 am

    Thanks Piyush Bhai for very informative article. We hardly realise that our children are safer because countless attempts by many committed people.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *