સાયન્સ ફેર : ડેટા સાયન્સ : ૨૦૧૮માં કેવા પ્રકારના ટ્રેન્ડ્સ જોવા મળશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

૧૨-૧-૨૦૧૮ના રોજ પ્રકાશિત થયેલ પહેલા ભાગમાં આપણે જોયું કે કોઈ એક સમૂહ, સમાજ, પ્રદેશ કે રાષ્ટ્રના નાગરિકોની વિવિધ વિષયોને લગતી અનેક પ્રકારની માહિતી મેળવવામાં આવે, અને આ માહિતીઓને આધારે સરકારી નીતિઓ ઘડાય, કોર્પોરેટ જાયન્ટ્સની માર્કેટિંગ સ્કીમ્સ અમલમાં આવે અથવા રાજકીય પક્ષોની સ્ટ્રેટેજી ઘડાય, એ બધું એક ખાસ પ્રકારના સાયન્ટિફિક પ્રોસેસને આભારી છે. આ પ્રોસેસ એટલે ‘ડેટા સાયન્સ’ અથવા ‘ડેટા ડ્રીવન સાયન્સ’. વિવિધ પ્રકારે ઉપલબ્ધ થયેલા ડેટાને સમજીને, એમાંથી પોતાને કામની બાબતોનું જ્ઞાન મેળવવાની આખી ક્રિયા ‘ડેટા સાયન્સ’ તરીકે ઓળખાય છે. કોર્પોરેટ જાયન્ટ્સ (અને હવે તો અમુક સરકારી ખાતાઓ પણ) જે ડેટા સાયન્સ આધારિત તારણો મેળવે છે, એ ખાસ્સી જટિલ પ્રક્રિયા બાદ મેળવવામાં આવે છે. અને ડેટા પ્રોસેસ સિસ્ટમ માટે ખાસ પ્રકારની ટેકનોલોજીઝ-સોફ્ટવેર્સ અને નિષ્ણાંતોનો બહોળા પાયે ઉપયોગ થઇ રહ્યો છે. નેક્સ્ટ જનરેશનની ટેકનોલોજી નિશંકપણે ડેટા સાયન્સ પર આધારિત હશે.

ભારતમાં અત્યારે બેન્કના ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક કરવાની જે કામગીરી ચાલી રહી છે, એ ડેટા પણ ભવિષ્યમાં બહુ કામ લાગવાનો છે. પ્રજાની સુખાકારી માટે આ બધું થાય એનો વાંધો નહિ, પરંતુ આવો મોટો ડેટા ખોટા હાથમાં જઈ ચડે તો આખો મામલો બેધારી તલવાર સાબિત થાય! થોડા દિવસો પૂર્વે જ સમાચાર હતા કે માત્ર ૫૦૦ રૂપિયામાં આધારકાર્ડનો ડેટા વેચાઈ રહ્યો છે! આ સમાચારમાં જો સત્યનો અંશમાત્ર હોય તો પણ એ બાબત અતિશય ગંભીર ગણાય અને સરકારી એજન્સીઓએ તાત્કાલિક ધોરણે આવો વેપાર અટકાવવો જોઈએ. કેમકે ‘પોષતું તે મારતું’ વાળો નિયમ ટેકનોલોજીની બાબતમાં પણ સાચો જ છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ભવિષ્ય સર કરવાની ખ્વાહિશ રાખીએ છીએ, એ જ ટેકનોલોજીનો દુરુપયોગ ઘાતક નીવડી શકે છે! વળી ટેકનોલોજીકલ અપગ્રેડેશનના રસ્તે દોડવાનું શરુ કરો પછી એમાં યુ-ટર્ન લઇને પાછા વળી શકાતું નથી! માટે એક જ ઓપ્શન છે, સતત તકેદારી રાખવી, છીંડા પુરતા રહેવું અને ઇન્ટેલીજન્સને અપગ્રેડ કરતાં રહેવું! ખેર, અત્યારે તો એવી આશા રાખી શકીએ કે ખરેખર જો આધારકાર્ડના ડેટાનો વેપાર થતો હોય, તો સરકાર ત્વરિત અને અતિશય કડક પગલા ભરીને એ વેપાર ડામી દે, જેથી સંવેદનશીલ ડેટાનો દુરુપયોગ ન થી શકે! એક સામાન્ય નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? કમસેકમ ટેકનોલોજીના ક્ષેત્રે ખરેખર શું ચાલી રહ્યું છે, એની જાણકારી તો મેળવી જ શકીએ. તો ચાલો જોઈએ કે ૨૦૧૮ના વર્ષમાં ડેટા સાયન્સના ક્ષેત્રે કયા ટ્રેન્ડ્સ જોવા મળવાના છે.

આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ : હોલીવુડની ફિલ્મો જોઈ જોઈને આપણને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ-એઆઈ બહુ સામાન્ય બાબત લાગે છે, પરંતુ હકીકતમાં એઆઈનો વપરાશ એટલા બહોળા પાયે શરુ નથી થયો! વિકસીત દેશોની કોર્પોરેટ જાયન્ટ જ્ઞાતિ કંપનીઓનો જ દાખલો લો. એક અંદાજ મુજબ આ કંપનીઝ પૈકીની અડધાથી ય ઓછી કંપનીઓ (૪૧%) એઆઈનો બહોળો વપરાશ કરે છે. બાકીની ૫૯% કંપનીઓ હાલમાં આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અપનાવવા પાછળ દોટ મૂકી રહી છે. સ્માર્ટફોન એપ્સ સહિતની અનેક એપ્લીકેશન્સ પણ વધુને વધુ એઆઈ બેઝ્ડ થઇ રહી છે.

ઈન્ટેલીજન્ટ થીંગ્સ : હજી જીવતા-જાગતા માણસો ભલે હોવા જોઈએ એટલે ‘ઈન્ટેલીજન્ટ’ નથી થયા, પરંતુ માણસોના વપરાશની વસ્તુઓ વધુને વધુ ઈન્ટેલીજન્ટ થઇ રહી છે. રેગ્યુલર મશીનરીઝ અને ગેજેટ્સના સેમી-રોબોટીક્સ વર્ઝન્સ આવી રહ્યા છે. ‘ઈન્ટેલીજન્ટ થીંગ્સ’ એટલે એવા સાધનો, જે ઈન્ટરનેટ દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા બહુ મોટા ડેટાબેઝ સાથે ભલે ન જોડાયેલી હોય, પરંતુ એમાં કામ પૂરતો ડેટા ફીડ હોય જ, જેનો ઉપયોગ કરીને પેલું સાધન – માલિકના ઓર્ડરની રાહ જોયા વિના – જાતે જ નક્કી કરી લેશે કે પોતે શું કરવાનું છે! દાખલા તરીકે વાતાવરણની ગરમી મુજબ જાતે જ રૂમ ટેમ્પરેચર સેટ કરી લેતું કુલર, અથવા અંધારા ઓરડામાં કોઈક દાખલ થાય એટલે આપોઆપ સળગી ઉઠતી લાઈટ્સ! નિષ્ણાંતોન માનવા મુજબ આવનારા વર્ષોમાં ટ્રેક્ટર અને લોન રીમુવર જેવા સાધનો પણ ‘ઈન્ટેલીજન્ટ’ થઇ જાય તો નવાઈ નહિ!

ડિજીટલ ટ્વિન્સ : આમ તો ડિજીટલ ટ્વિન્સ કઈ રીતે કામ કરે છે, એ સમજવું જરા અઘરું છે. સરળ શબ્દોમાં કહી શકાય કે આમાં સલમાનખાનની ફિલ્મ ‘જુડવા’ જેવું છે. એક મશીનને કરોડો સેન્સર્સની મદદ વડે, એ જ મશીનન ડિજીટલ કાઉન્ટરપાર્ટ સાથે જોડવામાં આવે છે. ડિજીટલ ટ્વિન્સને ‘મિકેનાઈઝ્ડ એસેટ મેનેજમેન્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સિક્યોરીટી : લાસ્ટ બટ નોટ એટ ઓલ લીસ્ટ ઇઝ સિક્યોરીટી! શરૂઆતમાં આધારકાર્ડના ડેટાની વાત કરી, એ પરથી સમજી શકાય કે ડિજીટલ વર્લ્ડમાં સિક્યોરીટી કેટલી મહત્વની છે! અત્યારે જેના વિષે નિષ્ણાંતો વાત કરી રહ્યા છે એ છે “કન્ટીન્યુઅસ એડેપ્ટીવ રિસ્ક એન્ડ ટ્રસ્ટ એસેસમેન્ટ” (સીએઆરટીએ). નામ પ્રમાણે જ આ સ્ટ્રેટેજી ડિજીટલ બિઝનેસના જોખમોનું સતત આકલન અને વિશ્વાસુ સુત્રો તરફથી મળતા ડેટા ઉપર આધાર રાખે છે. જો કે આખી બાબત ઘણી પેચીદી છે અને એમાં અનેક ફેક્ટર્સ વણાયેલા છે.

અત્યારે તો આશા રાખીએ કે ૨૦૧૮નું નવું વર્ષ ટેકનોલોજીના ક્ષેત્રે અપગ્રેડેશનની સાથે સાથે આપણા ડેટાની સુરક્ષાની પણ બાંહેધરી આપશે. નિષ્ણાંતોના મતે આવનારા સમયમાં લાખો ડેટા સાયન્ટીસ્ટની જરૂર પડવાની છે!


 


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.


નોંધઃ અહીં મૂકેલ ઇમેજ નેટ પરથી લેખના સંદર્ભને વધારે સારી રીતે સમજવા પૂરતી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *