ફિર દેખો યારોં : તમારા પ્રતાપે બધા ‘ઓળખે’ છે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

પ્રત્યેક નાગરિકને આગવી ઓળખ આપવાની નેમનો ઊપક્રમ ધરાવતા આધાર કાર્ડ દ્વારા નાગરિકોને જે સુવિધા મળે ત્યારની વાત ત્યારે, અત્યારે તો તે મોટા ભાગનાઓ માટે માથાનો દુ:ખાવો બની રહ્યું છે. તેને ફરજિયાત બનાવવા અંગે સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હજી આવ્યો નથી અને બીજી તરફ સરકાર નિતનવા આદેશો બહાર પાડીને તેને વિવિધ વિગતો સાથે જોડવાની સૂચના નાગરિકોને આપી રહી છે. પણ આ સૂચનોના સુયોગ્ય અમલ માટેનું કોઈ વ્યવસ્થિત આયોજન થયેલું જણાતું નથી. આધાર કાર્ડની સુવિધા અને તેની પાછળનો મૂળભૂત ઉદ્દેશ ઉમદા હોવા છતાં તેનું આયોજન અને અમલ એટલા અણઘડ રીતે કરવામાં આવી રહ્યા છે કે તે અગવડરૂપ બની રહે.

imageબીજી તરફ આધાર કાર્ડના નામે નાગરિકો પાસેથી એકઠી કરાતી તેમની વિગતોની સલામતી કેટલી એ સવાલ આરંભથી પૂછાતો આવ્યો છે. તેમાં ગયા સપ્તાહે ચંદીગઢથી પ્રકાશિત અખબાર ‘ધ ટ્રિબ્યુન’ દ્વારા ચોંકાવનારી વિગત પ્રકાશમાં લાવવામાં આવી. રચના ખૈરા નામનાં પત્રકારે આધાર કાર્ડની માહિતી કેટલી અસલામત છે તેનો જીવંત દાખલો આપ્યો. માત્ર પાંચસો રૂપિયા ખર્ચીને, કેવળ દસ જ મિનીટમાં તેમણે લાખો નાગરિકોની વિગત ધરાવતા આધારની વિગતોવાળા પોર્ટલનો લૉગ ઈન આઈ.ડી. તેમજ પાસવર્ડ મેળવી આપ્યો. આ પોર્ટલ પર નાગરિકોનાં નામ, સરનામા, પીનકોડ, તસવીર, ફોન નંબર તેમજ ઈ-મેલની વિગતો મૂકાયેલી છે. આ વિગતો આપનાર એજન્ટને રૂપિયા ત્રણસો વધુ આપતાં કોઈ પણ વ્યક્તિના આધાર કાર્ડનો નંબર નાખતાં આધાર કાર્ડનું મુદ્રણ થઈ શકે એવું સોફ્ટવેર પણ રચનાના કમ્પ્યુટરમાં ઈન્સ્ટૉલ કરી આપવામાં આવ્યું. નવેમ્બર મહિનામાં જ આધાર કાર્ડની વિગતો બાબતે સબ સલામત હોવાની ઘોષણા કરનાર યુ.આઈ.ડી.એ.આઈ. (યુનિક આઈડેન્‍ટીફીકેશન ઓથોરિટી ઑફ ઈન્‍ડિયા)ના દાવાની પોકળતા આ રીતે આપોઆપ પુરવાર થઈ જતી હતી. આ અહેવાલમાં શી રીતે આ વિગતો મેળવી તેનો ઘટનાક્રમ પણ વિગતે આલેખવામાં આવી હતી.

આ અહેવાલ વાંચીને એક નાગરિક તરીકે ભયનું લખલખું પસાર થઈ જાય, કેમ કે, આ વિગતોનો શો દુરુપયોગ થઈ શકે તેની શક્યતાઓ અપાર છે. શરૂઆતમાં તો યુ.આઈ.ડી.એ.આઈ.ના અધિકારીઓ દ્વારા એ શક્યતા દર્શાવવામાં આવી કે આ રાષ્ટ્રીય સુરક્ષાભંગનો કોઈ મોટો મુદ્દો જણાય છે. તેમણે બેંગ્લોરસ્થિત ટેકનિકલ સલાહકારોની મદદ લીધી. ચંદીગઢના યુ.આઈ.ડી.એ.આઈ. પ્રાદેશિક કેન્‍દ્રના અધિક ડિરેક્ટર-જનરલ સંજય જિંદાલે આ પ્રણાલિમાં કોઈ ક્ષતિ હોવાનો ઈન્‍કાર કર્યો. તેમણે કહ્યું કે ડિરેક્ટર જનરલ તેમજ પોતાના સિવાય પંજાબની ત્રીજી કોઈ વ્યક્તિ પાસે અધિકૃત પોર્ટલમાં લૉગ ઈન કરી શકે એમ નથી. અને એમ થાય તો તે ગેરકાનૂની છે તેમજ રાષ્ટ્રીય સલામતિ ભંગનો મુદ્દો બને. જાન્યુઆરીની ચોથી તારીખે પ્રકાશિત થયેલા આ અહેવાલ પછી આઠમી તારીખે પ્રકાશિત સમાચાર મુજબ યુ.આઈ.ડી.એ.આઈ. દ્વારા ‘ધ ટ્રિબ્યુન’ તેમજ તેનાં પત્રકાર રચના ખૈરા સામે એફ.આઈ.આર. નોંધાવવામાં આવ્યો છે. સ્વાભાવિકપણે જ અખબારજગત તેમજ પત્રકારો તરફથી સરકારના આ પગલા સામે વ્યાપક વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખતરાની ઘંટડી કોઈ વગાડે ત્યારે સંભવિત ખતરાનો સામનો કરવાની તૈયારી કરવાને બદલે એ ઘંટડી વગાડનારને જ સજા આપવા જેવી આ ચેષ્ટા કહી શકાય.

યુ.આઈ.ડી.એ.આઈ. દ્વારા પોતાના બચાવમાં જણાવાયું છે કે ટ્રિબ્યુનનાં પત્રકાર આંગળીની કે આંખની છાપ મેળવી શક્યાં હોય તો તેમણે કેટલા આધાર નંબરની વિગતો મેળવી છે એ જણાવે. આમ કરવામાં તેઓ નિષ્ફળ જશે તો એમ માની લેવામાં આવશે કે તેઓ આંગળીની કે આંખની કીકીની છાપ મેળવી શક્યાં નથી. પોતાના અહેવાલમાં રચના ખૈરાએ આમ શી રીતે સંભવિત બન્યું એ શક્યતા દર્શાવી છે. એ મુજબ વૉટ્સેપ પર કેટલાંક જૂથો બનાવવામાં આવ્યા હતા. આ જૂથોએ ઈલેક્ટ્રોનિક્સ એન્‍ડ આઈ.ટી. મંત્રાલયે કૉમન સર્વિસ સેન્‍‍ટર્સ સ્કીમ (સી.એસ.સી.એસ.) અંતર્ગત ભારતભરમાં નીમેલા ત્રણ લાખ વીલેજ લેવલ એન્‍ટરપ્રાઈઝ (વી.એલ.ઈ.) ઓપરેટરને લક્ષમાં રાખ્યા. શરૂઆતમાં આ ઓપરેટરોને આધાર કાર્ડ બનાવવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો, પણ પછી તેમની પાસેથી એ કામ લઈ લેવામાં આવ્યું. સુરક્ષાભંગને ટાળવા માટે આ સેવા કેવળ પોસ્ટ ઑફિસ અને નિર્ધારીત બૅન્‍કોને સોંપવામાં આવી. ઝડપી નાણાં બનાવવાની લ્હાયમાં આશરે એક લાખ એટલા ઓપરેટરોએ આધાર કાર્ડ છાપવા સહિતની યુ.આઈ.ડી.એ.આઈ.ની વિગતો ગેરકાયદે મેળવી હોય એવી આશંકા છે. યુ.આઈ.ડી.એ.આઈ. હજી ‘સબ સલામત’નું ગાણું ગાયે રાખે છે અને કહે છે કે પોતાની આખી પ્રણાલિ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

યુ.આઈ.ડી.એ.આઈ.નો પક્ષ સાચો હોઈ શકે, પણ આ ઘટનાને એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરવા જેવો છે. ઘડીભર માની લઈએ કે એક બૅન્કમાં તિજોરી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમામ સાવચેતીઓ લેવામાં આવી છે કે જેથી કોઈ એને તોડી ન શકે અને તોડે તો ગણતરીની સેકન્‍ડોમાં જ સંબંધિત લોકોને તેની જાણ થઈ જાય. આ તિજોરીની ચાવી પણ કેશિયર અને બૅન્‍ક મેનેજર એમ બે જણ પાસે જ છે. આમ છતાં કોઈ ભેજાબાજ નાણાંને તિજોરીમાં મૂકાયા પહેલાં જ ગમે તે રીતે ગુમ કરી દે તો? તિજોરી સલામત જ રહે, અને છતાં નાણાં ગુમ થયાં એ હકીકત છે. એ જ રીતે, યુ.આઈ.ડી.એ.આઈ. પોતાની પ્રણાલિ સલામત હોવાનો દાવો કરતી હોય, પણ આ રીતે માહિતી બહાર વેચાઈ હોય એ શક્યતા પૂરેપૂરી છે. આ કિસ્સામાં અખબાર અને પત્રકાર સામે એફ.આઈ.આર. દાખલ કરવાથી સલામતિનો તેનો દાવો વધુ મજબૂત પુરવાર થાય એમ તેને લાગતું હશે? રાષ્ટ્રીય સુરક્ષાભંગનો આ કિસ્સો હોય તો એ વિચારવું રહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાનો આભાસ કઈ હદે છેતરામણો પુરવાર થઈ શકે એમ છે!

બીજી તરફ, સુયોગ્ય માર્ગદર્શન, સ્રોત અને સંસાધનના અભાવે તમામ બાબતોને આધાર કાર્ડ સાથે જોડવાના આદેશો બહાર પાડવાથી નાગરિકોની હાલાકીઓમાં સતત વધારો થતો રહે છે. હજી આધાર કાર્ડને ફરજિયાત બનાવવાના મામલે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આવવાનો બાકી છે. આ સંજોગોમાં આધાર કાર્ડની વિગતોની ચોરીનો મામલો ચિંતાપ્રેરક છે. કોઈ પણ વ્યવસ્થા કે પ્રણાલિને લાગુ પાડવા માટે ઉપરના તેમજ નીચલા સ્તરેથી કામ કરવું પડે. આધાર કાર્ડનો મૂળભૂત હેતુ ગમે એટલો ઉમદા હોય, ‘ધ ટ્રિબ્યુન’નો અહેવાલ તેમજ યુ.આઈ.ડી.એ.આઈ.નો દાવો બન્ને ભલે અંશત: સાચા કે ખોટા હોય, આ બનાવને ચેતવણીરૂપ ગણવો રહ્યો.


ગુ
જરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧-૧-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


નોંધઃ અહી મૂકેલ ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રકાશાનાધિકાર જે તે રચયિતાના અબાધિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *